મૂર્છા વળતાં તરંગવતીએ કહ્યું, 'અદ્ભુત !' 'અદ્ભુત !'
બેહોશ તરંગવતી ઝાડ નીચે સૂનમૂન પડી હતી. સખીઓએ વારંવાર એના શરીરને હલાવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ એને બોલાવવા માટે મહેનત કરી. વિચાર્યું કે એ કેમ કશું બોલતી નથી ? એને થયું છે શું ? કોઈ સખીને તો ચિંતા થઈ કે એના પિતા ઋષભદેવને એમની વહાલસોયી દીકરીના આવા સમાચાર કઈ રીતે કહી શકાશે ?
યમુના નદીના કાંઠે આવેલી કૌશાંબી નગરીમાં પ્રજાપ્રેમી રાજા ઉદયનું રાજ હતું. પ્રજા સર્વ વાતે સુખી, ક્યાંય લૂંટફાટ કે મારામારી થાય નહીં અને એથી કોઈને ય દંડ કે સજા અપાતી નહોતી. સહુ સ્નેહને સંપથી રહેતા હતા. આ કૌશાંબી નગરીના નગરશેઠ ઋષભદેવ ધર્મ પ્રત્યે અખૂટ આસ્થા ધરાવનાર શ્રેષ્ઠી હતા.
એમને ઘેર આઠ પુત્રો પછી પુત્રીનો જન્મ થયો અને તેથી તરંગવતીનો જન્મ ખૂબ રંગેચંગે ઉજવાયો. વૈભવશાળી શ્રેષ્ઠી ઋષભદેવને ત્યાં પાણી માગે ત્યાં દૂધ મળે તેવી સમૃદ્ધ સ્થિતિ હતી એમાં પણ તરંગવતીને તો સહુ કોઈ વિશેષ લાડ કરે. કારણ એટલું કે શ્રેષ્ઠી ઋષભદેવ ઘરમાં હોય ત્યારે મોટા ભાગનો સમય એની સાથે ગાળે, એની સાથે રમે, એને રમકડાં આપે અને તરંગવતી પણ ઋષભદેવને ઘોડો કરીને આમતેમ ફેરવે.
ધીરે ધીરે બાળપણની અવસ્થા વીતી ગઈ અને તરંગવતીએ પાઠશાળામાં અભ્યાસ શરૂ કર્યો. પિતાની ધર્મશ્રદ્ધા એનામાં પણ ઊતરી આવી હતી અને તેથી એણે નૃત્ય, વીણાવાદન અને ગીત સંગીતની સાથોસાથ ધાર્મિક અભ્યાસ પણ શરૂ કર્યો. જેમ જેમ ધર્મનો અભ્યાસ કરવા લાગી. તેમ તેમ એને એમાં ઊંડો રસ પડવા લાગ્યો. ધર્મના સિદ્ધાંતોનું જીવનમાં આચરણ કરવા લાગી. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત શીખી ગઈ અને એ ભાવનાઓને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવા લાગી.
જેમ જેમ વર્ષો વીતતા જાય છે, તેમ તેમ સમય પલટાતો હોય છે. બાળપણમાં એની પાસે રમકડાંની સૃષ્ટિ હોય છે, તો યુવાનીમાં થનગનતાં મનોભાવોનો ઉછાળ હોય છે. તરંગવતીના મનમાં યૌવન અને સુખના તરંગો સતત ઉછળવા લાગ્યા. કૌશાંબીના રાજમાર્ગ પરથી પસાર થતી, ત્યારે યુવાનો સ્વરૂપવાન તરંગવતીને જોયા કરતા.
તરંગવતીને પોતાના રૂપનો ખ્યાલ હતો. બહારથી તો એવું બતાવતી કે આવા યુવાનો ટીકી ટીકીને જોયા કરે છે તે પોતાને ગમતું નથી, પણ મનોમન એ વિચારતી પણ ખરી કે, વાહ રે યૌવન ! તું તો કેવું આકર્ષક છે ! જાણ્યા- અજાણ્યા સહુ કોઈ તને નિરખવા માટે અતિ આતુર છે !
યુવાનીના ભાવો અને લાગણીઓ તરંગવતીના મનમાં તોફાન જગાવવા લાગ્યા અને મનમાં વિચાર કરતી હતી કે હવે તો મારે મારા મનોભાવોને મારી સખી સારસિકાને કહેવા પડશે. મનના ખૂણે ચાલતા આ ભાવોને મનમાં શમાવવા શક્ય નહોતા. એનું મન પોતાના અંતરની વાત બીજાને કહેવા માટે થનગનતું હતું, પણ સાથોસાથ મનમાં એ ભીતી પણ રહેતી કે આવા યૌવનના તરંગોની લોકોને જાણ થાય, તો તેઓ પારાવાર મુશ્કેલી જાગે.
મનમાં અત્યંત પ્રબળ મનોમંથન ચાલવા લાગ્યું. યુવાન તરંગવતીથી આખરે રહેવાયું નહીં એટલે એણે એક દિવસ સારસિકાને બોલાવીને કહ્યું,' મારે તને મારા મનની ભીતરની વાત કહેવી છે.' અને પછી મનમાં ચાલતા યુવાનીના ઊછળતા તરંગોની એણે વાત કરી.
એની સખી સારસિકાએ જોયું કે યૌવનને કારણે તરંગવતીમાં કેટલાય ભાવો ઉછળી રહ્યા છે ! આથી એ ક્યારેક તરંગવતીની મજાક પણ કરી લેતી અને કહેતી,' કોઈ રૂપાળો યુવાન આવશે અને તને અહીંથી લઈ જશે, પછી અમે કરીશું શું ? કોની પાસે અમે દિલની વાતો કરીશું ?'
સારસિકાની આવી વાતો સાંભળીને તરંગવતી કહેતી,' ના, ના, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. આવી બધી વાતો રહેવા દે.'
પરંતુ કામવિકારના મોજાંઓ ખૂબ ઊંચે ઉછળતા હતાં અને એ જેટલાં ઊંચે ઉછળે, એનાથી વધુ જોરથી નીચે પછડાતાં હતાં. આમ મનમાં સંસારસુખ પામવાની કૂંપણો ફૂટવા લાગી. કોઈ યુવાન આવે અને એની સાથે એનું મિલન થતું હોય એવું દૃશ્ય સ્વપ્નમાં આવવા લાગ્યું. એને કામબાણ વાગ્યા હતા એટલે એ તરફડતી હોય, એવું પણ સ્વપ્નમાં નિરખતી.
સારસિકાને લાગ્યું કે તરંગવતી વારંવાર કોઈ બીજી દુનિયામાં ખોવાઈ જાય છે. આથી એને હળવેથી પૂછતી પણ ખરી,' કઇ દુનિયામાં જઈ આવ્યા તરંગવતી ? કેવાં સુખનો ભાવ માણી આવ્યા તમે ?'
આમ ને આમ તરંગવતીનું જીવન પસાર થતું હતું. સખીઓ સાથે નિર્દોષ રમત ખેલતી હતી અને વખત મળે ઉદ્યાનમાં ટહેલતી હતી. એક વાર આવી રીતે ઉદ્યાનમાં રમતાં-રમતાં તરંગવતી થાકી ગઈ. એણે સખીઓને કહ્યું,' હું થોડીવાર આ વૃક્ષ નીચે આરામ કરી લઉં, તમે બધા રમત ચાલુ રાખો.'
રમત તો ચાલુ રહી અને ત્યાં તરંગવતી મૂર્છિત બની ગઈ. એણે એકાએક ચક્રવાક અને ચક્રવાકીનું કિલ્લોલ કરતું યુગલ જોયું. આ યુગલને જોતાં જ એના ચિત્તમાં ઝંઝાવાત જાગ્યો. એ એકીટસે નીરખી રહી અને એને જાતિસ્મરણ જ્ઞાાન થતાં એને પોતાનો પૂર્વભવ દેખાયો.
એની નજર સામે એક પછી એક દૃશ્યો પસાર થવાં લાગ્યાં. એને બેહોશી આવી ગઈ હતી, એ જોઈને સારસિકા અને બીજી સખીઓ તો મૂંઝાઈ ગઈ. બેહોશ તરંગવતી ઝાડ નીચે સૂનમૂન પડી હતી. સખીઓએ વારંવાર એના શરીરને હલાવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ એને બોલાવવા માટે મહેનત કરી.
વિચાર્યું કે એ કેમ કશું બોલતી નથી ? એને થયું છે શું ? કોઈ સખીને તો ચિંતા થઈ કે એના પિતા ઋષભદેવને એમની વહાલસોયી દીકરીના આવા સમાચાર કઈ રીતે કહી શકાશે ? કદાચ એ સાંભળતાં પિતાનો જીવ પણ ઊડી જાય. કેટલીક સખીઓ દોડતી-દોડતી પાણી લઈ આવી. તરંગવતીના મુખ પર પાણી છાંટયું. ધીરે ધીરે એણે એની પાંપણો ઊંચી કરી. જોયું તો આસપાસ વ્યાકુળ અને ચિંતાતુર ચહેરે રહેલી પોતાની સખીઓને જોઈ. આળસ મરડીને બેઠી થઈ, ત્યારે સારસિકાએ તેની પીઠ પર પંપાળતાં કહ્યું,' અરે, શું થયું છે એ તો કહે ?'
તરંગવતીએ કહ્યું,' અદ્ભુત, અદ્ભુત. પણ અત્યારે નહીં, પણ ક્યારેક તને એકલીને કહીશ.' (ક્રમશ:)
ગોચરી
માણસ મોટે ભાગે પોતાનાં કામો પરાણે કરતો હોવાથી કંટાળે છે એથી એનું જીવન રગશિયાં ગાડાં જેવું લાગે છે. કેટલાક માણસો જીવતા જ પરાજિત થયેલા હોય છે અને કેટલાક માણસો મરીને વિજ્યી થતાં હોય છે. ઇચ્છાપૂર્વક પ્રસન્નતાથી કામ કરનારો માણસ નિરાશાને પણ નિરાશ કરતો હોય છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ