સુવર્ણના મોહપાશમાંથી સંસારને મુક્ત કરવો છે !
રૈવતાચલ પર્વતની યોગભૂમિ પર વિહરી રહેલા રાજકુમાર નેમને યાદવકુળના પ્રસેન મળે છે અને કહે છે કે એની પાસેનો અદ્ભુત મણિ ક્યાંક ચોરાઈ ગયો છે, ત્યારે રાજકુમાર નેમે એની સમક્ષ આશ્ચર્ય પ્રગટ કર્યુ અને પ્રશ્ન કર્યો કે કોણે લીધો હશે એ મણિ ?
યાદવકુળના પ્રસેને ચોતરફ જોઈને ધીરેથી નેમકુમારને કહ્યું, 'બન્યું એવું કે એક દિવસ શ્રીકૃષ્ણ સ્વયં એ મણિ જોવા આવ્યા. એમના આગમનના સમાચાર જાણીને મારો ભાઈ સત્રાજિત તો સાવધ થઈ ગયો. એ વિચારવા લાગ્યો કે નક્કી, શ્રીકૃષ્ણ મણિ જોવા આવે છે. એની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. મુત્સદ્દીઓના મન પાતાળ જેવા અતાગ હોય છે. અમને એમ થયું કે નક્કી, એ મણિ પડાવી લેવા માગે છે.'
શ્રીકૃષ્ણ વિશેની આ વાત સાંભળીને નેમકુમાર ખડખડાટ હસી પડયા અને બોલ્યા,'અરે, એવું તે હોય ! શ્રીકૃષ્ણને વળી મણિની શી તૃષ્ણા હોય ! અને દ્વારિકાના સિંહાસનને જેણે પોતાનું કર્યું નહીં એ શ્રીકૃષ્ણ તમારા મણિથી આકર્ષાય ? સોનાની નગરી પર લગીરે મોહ રાખ્યો નહીં, એને તમારો મણિ મોહ પમાડે ? અશક્ય.'
પ્રસેને કહ્યું,'રાજકુમાર નેમ ! માણસના મનને માપવું કઠિન છે. એમાં ય શ્રીકૃષ્ણ જેના મહામુત્સદ્દીનો મનનો તાગ તો કોણ પામી શકે ? એમણે દ્વારિકાનું રાજસિંહાસન સ્વીકાર્યું નહીં, તેની પાછળનો ભેદભરમ તમે જાણો છો ? આ રાજ સ્વીકારે તો લોકોનાં કામ કરવાં પડે, દુ:ખિયોનાં દુ:ખ દૂર કરવા પડે. ઊંઘ વેચીને ઉજાગરા કરવા પડે અને વળી આટલું બધું કરવા છતાંય મળે શું ? મળે માત્ર અપયશ.'
નેમે પૂછયું : 'એટલે તમે એમ કહેવા માગો છો કે શ્રીકૃષ્ણે તમારી પાસેથી મણિ છીનવી લીધો છે.' 'અરે ભોળા નેમકુમાર, મુત્સદ્દીઓ એવી રીતે મેળવે કે એમ લાગે કે કોઈએ સામે ચાલીને એને એ ભાવથી ભેટ ધરી છે. એ મણિનું મહિમાગાન કરે, એનો મર્મ જ એટલો કે એ મણિ આપણે એમને મને કે કમને ભેટ ધરવાનો છે.'
નેમકુમારે કહ્યું,'પણ એમ કૃષ્ણથી ભય રાખવાનો અર્થ શું ? એ તો દુષ્ટોનું દમન કરનારા છે, પણ સજ્જનોનું રક્ષણ કરનારા છે. વળી એમની સાથે બલરામ પણ હશે ને !'
'ના, શ્રીકૃષ્ણ આવ્યા ત્યારે બલરામ એમની સાથે નહોતા આવ્યા કહે છે કે એમણે બલરામને કહ્યું ખરું કે ચાલો, મણિ જોવા જઈએ. પણ બલરામે કહ્યું, તું તારે જા, મણિ કરતાં મારે મન તો કાકડી અને કોળાનો વેલો મોટો છે. મને એમાં રસ છે, મણિમાં નહીં.'
નેમકુમારના ચહેરા પર આનંદની લહેર ફરી વળી અને બોલ્યા,' વાતે ય સાચી ! પ્રસેન ! મણિ કંઈ ખવાય ખરો ? જ્યારે કાકડી અને કોળાનો વેલો તેઓ માણસની ભૂખ ભાંગે. મણિ માણસમાં તૃષ્ણાની ભૂખ જગાડે અને આ વેલો માણસની પેટની ભૂખ મટાડે. સમજ્યો ?'
'એ જે હોય તે, પણ કૃષ્ણ એકલા આવ્યા. કૃષ્ણ એકલા હોય એટલે અમને ડર લાગે. વળી મણિ પર એમની નજર પડી એટલે અમે જાણીતા હતા કે એ લીધે જ છૂટકો કરશે, પણ અમે એમ કાંઈ સાવ ડરીએ કે નમીએ નહીં. આથી અમે નક્કી કર્યું કે આ મણિ લઈને ક્યાંક દૂર નાસી છૂટવું.'
'ઓહ, તો વાત એમ છે કે તમે મણિ લઈને નાસી છૂટયા છો અને એથી જ કોઈને કશું નહીં કહેવાનો આગ્રહ રાખો છો. ખરું ને.' પ્રસેને કહ્યું,'રાજકુમાર, હવે હું નાસી જાઉં છું, પણ કૃપા કરીને કોઈને મારે વિશે એક શબ્દ પણ કહેશો નહીં. આપણા મેળાપની કોઇ માહિતી આપશો નહીં.'
'વારું.' નેમે કહ્યું અને પ્રસેન ઝડપથી રૈવતાચલની ટેકરી પરની ગાઢ વનરાજીઓમાં અદૃશ્ય થઈ જવા દોટ મૂકી, ત્યારે નેમનું ચિત્ત વિચારવા લાગ્યું કે આ સુવર્ણની પાશમાંથી સંસારને મુક્ત કરવો કઈ રીતે ? તૃષ્ણાનાં બંધનોમાંથી જગતને છોડાવવું કઈ રીતે ?
ગ્રીષ્મનો બળબળતો સૂર્ય રૈવતાચલ પર પોતાના દાઝી જવાય એવા કિરણો વરસાવતો હતો, પણ નેમકુમારને તો એ તાપ સાવ નગણ્ય લાગતો હતો. એમનું ચિત્ત એ વિચારતું હતું કે સંસારનો તૃષ્ણાનો તાપ કઈ રીતે ઓછો કરવો ?
એવામાં રોક્કળ કરતું એક ટોળું આવ્યું. સૌથી આગળ એક વૃદ્ધ યાદવપુરુષ ચાલતો હતો. એ આક્રંદ કરતો, આંસુ સારતો અને માથું કૂટતો, મોટા અવાજે કહેતો હતો.' અરે, હું તો સાવ લૂંટાઈ ગયો. જીવતર ધૂળમાં મળી ગયું. હવે મરવા સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી.'
એની આસપાસ એકઠા થયેલા લોકો એને પૂછતા હતા,'અરે ભાઈ, એવી તે કઈ આફત તારા પર તૂટી પડી કે તું ભલભલાના હૃદયને પિગળાવી નાખે એવું આક્રંદ કરે છે. ત્યારે એ વૃદ્ધે ડૂસકાં ભરતાં કહ્યું,'મારો મણિ ચોરાઈ ગયો છે અને હું કશું કરી શકું તેમ નથી.'
ટોળામાંથી એક માણસે કહ્યું,'એવું કેમ ? ચાલો આપણે મણિની ચોરી કરનારને શોધી કાઢીએ? કોણ છે એ ?' ત્યારે પેલા વૃદ્ધે કહ્યું,'લોકો નામ તો આપે છે માખણચોર શ્રીકૃષ્ણનું, કાલયવનને હણનારા એવા મહાન મુત્સદ્દીનું પણ એમનું નામ કઈ રીતે બોલાય ?'
(ક્રમશ:)
ગોચરી
મંત્ર-જાપ માટે પહેલાં મંત્રાક્ષરોનો જાપ કરવો, પછી એનાં અર્થોનું મનન કરવું, એમાંથી સાંપડેલા અર્થને મનમાં ધારણ કરવો, એને જીવનમાં આચરણમાં ઉતારવો અને એ પ્રમાણે કર્મ કરીને સ્વાભાવિક જીવન જીવવું એ જ જાપ છે. આવી રીતે જાપ કરવાથી જ માનવી ઉન્નતિ કરી શકે છે. એ શ્રદ્ધાપૂર્વક જાપ કરે, તો અંતે એ સ્થિરચિત્ત બની શકે છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ