શ્રાવકના ચિત્તમાં એક પછી એક ઝંઝાવાત જાગી ઊઠયા !
મુનિ સુવ્રતે આવો અભિગ્રહ લીધો. એમના મનમાં સિંહકેસરિયા લાડુ રમવા લાગ્યા. એક શ્રાવકને ઘેર ગયા, પણ એની પાસે બીજી ઘણી વાનગી હતી, કિંતુ સિંહકેસરિયા લાડુ નહોતા તેથી મુનિરાજ પાછા વળ્યા.
ગૌરવશાળી અને વૈભવશાળી ચંપાનગરીમાં તપસ્વી સુવ્રત મુનિએ માસક્ષમણ કર્યું હતું. એક મહિનાના આ ઉપવાસ બાદ તેઓ આ વૈભવશાળી નગરીમાં ગોચરી માટે નીકળ્યા હતા. આવે સમયે એકાએક એમને નજીકમાં ઊભેલા જનસમૂહના અવાજો સંભળાયા. એક શ્રેષ્ઠીએ ઘીથી લથબથતા અને કેસરથી સુવાસિત એવા 'સિંહકેસરિયા લાડુ'ની પ્રભાવના કરી હતી અને સહુ કોઈ આ લાડુની પ્રશંસા કરતા હતા.
ગોચરી માટે એ માર્ગેથી પસાર થતા મુનિરાજને કાને આ શબ્દો પડયા અને એમણે મનોમન નિર્ણય (અભિગ્રહ) કર્યો કે ગોચરીમાં સિંહકેસરિયા લાડુ સિવાય બીજું કશું વહોરવું નહીં. જૈન સાધુ આવો અભિગ્રહ કરતા હોય છે અને એને વૃત્તિસંક્ષેપ તપનો એક પ્રકાર માનવામાં આવે છે. વળી આ અભિગ્રહ ચાર પ્રકારના હોય છે. એક તો દ્રવ્ય એટલે કે આહાર માટે અમુક જ વસ્તુ લેવી, અમુક ન લેવી. જેમ કે ખાખરા મળશે તો લઈશ, બીજું કોઈ દ્રવ્ય (વાનગી) મળશે તો નહીં લઉં. બીજો અભિગ્રહ એ ક્ષેત્રનો અભિગ્રહ હોય છે.
ક્ષેત્ર એટલે સ્થાન, ઘરમાંથી મળશે તો જ લઈશ અથવા તો ઓસરી કે ઓટલા ઉપરથી કોઈ આહાર વહોરાવે તો જ વહોરીશ. અભિગ્રહનો ત્રીજો પ્રકાર એ કાળથી અભિગ્રહ લેવાનો છે. જેમાં અમુક કલાક, દિવસ કે મહિને લેવાનો અભિગ્રહ કરે છે. અને અભિગ્રહનો ચોથો પ્રકાર એ ભાવથી અભિગ્રહ છે. અમુક પ્રકારના દાતા આપશે, તો જ તે લઈશ. અમુક રંગવાળાં વસ્ત્રો પહેરેલી વ્યકિત આપે તો લેવું. આવો ભાવથી અભિગ્રહ થતો હોય છે. આવો અભિગ્રહ એટલે કે દૃઢતાપૂર્વક અમુક પ્રતિજ્ઞાા લેવી અને તેનું પાલન કરવું.
મુનિ સુવ્રતે આવો અભિગ્રહ લીધો. એમના મનમાં સિંહકેસરિયા લાડુ રમવા લાગ્યા. એક શ્રાવકને ઘેર ગયા, પણ એની પાસે બીજી ઘણી વાનગી હતી, કિંતુ સિંહકેસરિયા લાડુ નહોતા તેથી મુનિરાજ પાછા વળ્યા. બીજા શ્રાવકને ત્યાં પણ આવી જ સ્થિતિ થઈ. સંધ્યાકાળનો સમય વીતી ગયો અને ધીરે ધીરે ધરતી પર અંધારા પથરાતા હતા, ત્યારે મુનિરાજ ત્રીજા શ્રાવકને ઘેર ગયા અને એક અણધારી ઘટના બની.
એમના મુખેથી 'ધર્મલાભ' શબ્દને બદલે મનમાં જે રમતું હતું તે 'સિંહકેસરિયા' લાડુ શબ્દ સરી પડયો. શ્રાવક એક ઉમદા ઉપાસક હતો. ધર્મનો જાણકાર હતો. કોઈ સાધુના મુખેથી આવો શબ્દ નીકળે તેનું એણે પારાવાર આશ્ચર્ય અનુભવ્યું. અંધારું છવાયેલું હતું એટલે એણે મશાલના અજવાળે જોવાનો પ્રયત્ન કર્યો, તો તે સ્તબ્ધ બની ગયો. અરે ! આ તો મહાતપસ્વી સુવ્રત મુનિ છે. એમની નિરંતર ચાલતી તપશ્ચર્યાની કેટલીય વાતો એણે સાંભળી છે.
સદા ધ્યાનમાં રહેનારા મુનિ છે અને ધર્મઆચારોનું નખશિલ પાલન કરનારા પણ ખરા. અરે ! માસક્ષમણના પારણે માસક્ષમણ કરનારા. મહિનાના ઉપવાસ પૂરા થાય પછી એક દિવસ આહાર ગ્રહણ કરે અને ફરી પાછા મહિનાના ઉપવાસ કરે, એવા આ મહામુનિ અને તે ય આવા સૂર્યાસ્ત પછીના સમયમાં શ્રાવકને ઘેર ગોચરી માટે પધારે અને'ધર્મલાભ'ને બદલે 'સિંહકેસરિયા' બોલે એ તો કેવું કહેવાય ?
શ્રાવકને પગ તળેથી ધરતી ખસી જતી લાગી. આવું બને જ કઈ રીતે ? એના મનમાં સાધુજનો પ્રત્યે અગાધ આદર હતો. ખરા દિલથી સાધુઓની વૈયાવચ્ચ કરતો હતો. સાધુતાની ગરિમાનો એને ખ્યાલ હતો અને એથી જ એણે આદર અને ભક્તિભાવ સહિત મુનિરાજનું સ્વાગત કર્યું. એણે કહ્યું,'પધારો ભગવંત !' અને પછી રસોઈગૃહમાં જઈને સાધુને માટે થાળ ભરીને વાનગીઓ લઈ આવ્યો. એક પછી એક વાનગી વહોરાવવા લાગ્યો. એને ગ્રહણ કરવા માટે થોડો આગ્રહ પણ કરતો રહ્યો, પરંતુ સાધુના મુખેથી એને એક જ વચન સાંભળવા મળે કે 'મારે એનો ખપ નથી.'
શ્રાવકની મૂંઝવણો વધતી જતી હતી. એમ પણ વિચાર્યું કે મુનિરાજે કોઈ અભિગ્રહ કર્યો હશે અને તેથી અભિગ્રહ પૂર્ણ થાય એવી વાનગી મળતી નહીં હોવાથી સાધુ-મહાત્મા 'ખપ નથી' એમ કહે છે. હવે કરવું શંઅ ? એમનો અભિગ્રહ કયો છે એમ પૂછાય પણ કઈ રીતે ? એવામાં શ્રાવકનું ચિત્ત ચમક્યું. એનું સચેત મન વિચારવા લાગ્યું.
આ સાધુ વહોરવા માટે આવ્યા, ત્યારે તેઓ' ધર્મલાભ'ને બદલે 'સિંહકેસરિયા' બોલ્યા હતા. આથી નક્કી એમને બીજા કશાનો ખપ નહીં હોય, માત્ર સિંહકેસરિયા લાડુ મળે તો જ લેવાનો અભિગ્રહ કર્યો હશે. એ રસોઈ ગૃહમાં જઈને એક થાળ ભરીને સિંહકેસરિયા લાડુ લાવ્યો અને બે હાથ જોડીને મુનિરાજને કહ્યું,
'મહારાજ, આ સિંહકેસરિયા લાડુનો જોગ છે. આપ એને વહોરીને મને કૃતાર્થ કરો.'
તપસ્વી મુનિરાજે એની સમક્ષ પોતાનું પાત્ર મૂક્યું. શ્રાવકે સિંહકેસરિયા લાડુ વહોરાવ્યા અને સુવ્રત મુનિના આનંદનો પાર ન રહ્યો. અત્યાર સુધી એમના ચિત્તમાં સિંહકેસરિયા લાડુ વહોરવાનો વિચાર સતત ઘૂમતો હતો. ક્ષણે ક્ષણે એનો જ વિચાર આવતો હતો અને તેથી જ સાધુ કર્તવ્ય ભૂલીને ધર્મલાભને બદલે સિંહકેસરિયા શબ્દ બોલ્યા હતા.
આ લાડુ મળતા એમનું ચિત્ત શાંત થયું અને મુનિરાજ ધર્મલાભ બોલીને પાછા જવા લાગ્યા, પરંતુ અત્યાર સુધી આશ્ચર્ય અનુભવાતા શ્રાવકના મનમાં વળી એક મોટી મૂંઝવણ જાગી. જે મુનિ લાડુને માટે ધર્મનો આચાર વિસરી ગયા, તે મુનિ કદાચ આ લાડુની લોલુપતાને કારણે રાત્રિભોજનનું વ્રત ખંડિત કરશે તો શું થશે ? આને માટે કરવું શું ? અને શ્રાવકના મનમાં ચિંતાના સૂસવાટા અને મૂંઝવણનો પવન ચોતરફ ફૂંકાવા લાગ્યો. એને થયું કે રાત્રીભોજન કરશે તો એમનું મહાવ્રત ખંડિત થઈ જશે.
આવા મહાન તપસ્વી સાધુથી મહાદોષ થઈ જશે. એમને આવું કરતાં અટકાવવા શી રીતે ? કોઈ પણ ઉપાયે તેઓ આવો મહાદોષ કરે નહીં તે માટે કંઈક તો કરવું પડશે. શાસ્ત્રોમાં તો ગોચરી સબંધિત કેટલી બધી વાત કરી છે. શ્રી આચારાંગસૂત્ર,શ્રી સૂયગડાંગ સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્ર જેવા આગમોમાં તો ગોચરી સંબંધિત ૯૬ અને ૧૦૬ દોષોનું કથન છે. આવો કોઈ દોષ આ મહાતપસ્વી મુનિરાજથી થાય તે તો કેમ ચાલે ? શ્રાવક ઉપાય ખોળવા લાગ્યો. (ક્રમશ:)
ગોચરી
બાહ્ય શત્રુઓને જીતે તે વીર અને આંતરશત્રુ પર વિજય મેળવે તે મહાવીર. ધર્મ એ માત્ર વચનનો વ્યાપાર નથી, પણ આચરણનું અજવાળું છે. ઇન્દ્રિય અનુરાગી માણસને આત્માનુરાગી બનાવવાનો છે. પર્યુષણનો સમય આવે છે ત્યારે ભીતરનું પ્રદૂષણ દૂર કરવાનું છે. બાહ્ય જીવનથી નિવૃતિ લઈને ભીતરમાં પ્રવૃત્તિ કરવાની છે. આ આંતર પ્રવૃત્તિ જ સાચું સુખ અને આનંદ આપી શકે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ