બેહોશ તરંગવતીને સૂક્ષ્મ ચેતનાથી જાતિસ્મરણજ્ઞાાન થયું !
એક દિવસ જળાશયની ઉપર અમે આમ તેમ ઊડતા ગેલ કરતા હતા. થોડા ઊંચે ઊડીએ અને પાછા જળાશયના પાણી પર આવીએ ! આવે સમયે અમે જોયું કે એક મહાકાય હાથી સૂર્યના પ્રખર તાપથી બચવા માટે સ્નાન કરવાની ઇચ્છાથી આવી રહ્યો હતો
કૌશાંબી નગરીના નગરશેઠ ઋષભદેવની સ્વરૂપવાન પુત્રી તરંગવતી યુવાનીમાં આવતા અંતરમાં પ્રબળ કામાવેગ અનુભવવા લાગી અને એક વાર એ સખીઓ સાથે ઉદ્યાનમાં ગઈ હતી, ત્યારે એકાએક એ મૂર્છિત બની ગઈ. અહીં એને જાતિસ્મરણજ્ઞાાન થતાં એનો પૂર્વભવ દેખાયો. થોડે સમયે એ બેહોશીમાંથી જાગ્રત થઈ, ત્યારે એની સખી સારસિકાએ પૂછયું,' તને એકાએક આ શું થઈ ગયું ? તું કેમ બેહોશ બની ગઈ ? શું તને કોઈ આઘાત લાગ્યો ? કે પછી કોઈ શારીરિક વ્યાધિને કારણે આવું થયું.'
ત્યારે તરંગવતીએ કહ્યું,' મને એક અદ્ભુત અનુભવ થયો, પણ તને ખાનગીમાં એની વાત કરીશ.'
એ પછી સૌ સખીઓએ ઉદ્યાનમાં થોડો સમય પસાર કર્યો. ધીરે ધીરે બધા પોતપોતાના નિવાસસ્થાને ગયા, ત્યારે તરંગવતી એના ખંડમાં પલંગ પર બેઠી હતી અને એની સખી સારસિકાએ આવીને કહ્યું,' તું મૂર્છામાંથી જાગ્રત થઈ, ત્યારે 'અદ્ભુત ! ' અદ્ભુત !' એમ બોલી ઊઠી હતી. તો શું છે એ અદ્ભુત ? મને કહે તો ખરી !'
'હું તને સઘળી વાત કરીશ, પણ મારી શરત એટલી કે તું એ વાતને તદ્દન ખાનગી રાખીશ. કોઈ પણ સંજોગોમાં કોઈને કહીશ નહીં.'
સારસિકાએ હસીને કહ્યું,' તું મારી સખી છે. સદાય મને કહેતી રહે છે કે મારે તારી સઘળી વાત ગુપ્ત રાખવી. તને ખાતરી આપું છું કે આ વાત ગુપ્ત જ રહેશે. કોઈને કહીશ નહીં, પરંતુ એવી તે કઈ વાત છે કે જે તેં મૂર્છામાં જોઈ અને મને કહેવાની ના પાડે છે. સ્વપ્નાં કે મૂર્છામાં દેખાતી વાત તે સાચી હોતી નથી, પણ ભ્રમણા હોય છે.'
'ના,ના. મારી વાત સત્ય છે અને મૂર્છાવચ્છામાં મેં એનો સૂક્ષ્મ ચેતનાથી અનુભવ કર્યો છે અને તે છે જાતિસ્મરણજ્ઞાાનની વાત. એમાં પૂર્વભવની સ્મૃતિ થતી હોય છે અને મને એનો અનુભવ થયો.'
સારસિકાએ કહ્યું,' આ પૂર્વભવની સ્મૃતિ એટલે શું ? અમે તો માનીએ છીએ કે આ ભવ પૂરો થયો એટલે વાત પૂરી થઈ. આખોય હિસાબ ચૂકતે થયો. ક્યાં કોઈને પોતાના પૂર્વભવની વાતની જાણ હોય છે.'
તરંગવતીએ કહ્યું,'સારસિકા, આનાં ત્રણ કારણો હોય છે, આનું એક કારણ એ કે પૂર્વભવ છોડતી વખતે જીવનો ઉપયોગ દેહ અને બાહ્ય પદાર્થોમાં આસક્ત રહે અને એવી આસક્તિ હોય ત્યારે એ દેહત્યાગ કરે તો નવો દેહ પામે છે ત્યારે પણ એમાં જ આસક્ત રહેતો હોય છે. એનું બીજું કારણ એ છે કે ગર્ભાવાસનું વેદન દેહાસક્તિપૂર્વક થયું હોય અને તેનું ત્રીજું કારણ એ કે' મારો દેહ એટલે જ હું' એવા ભાવનું નિરંતર સ્મરણ થયું હોય. વળી આ જાતિસ્મરણજ્ઞાાન કોઈ નિમિત્તના આધારે થતું હોય છે.'
સારસિકાએ પૂછયું, ' એનો અર્થ એ કે તમને મૂર્છાવસ્થા દરમિયાન પૂર્વજન્મનું જ્ઞાાન થયું ખરૂં ને ?'
' હા, એથીય વધારે મેં મારા પૂર્વભવના પ્રસંગોને દૃશ્ય રૂપે જોયા.'
' શું વાત કરે છે તું ? આ તો સાચે જ અદ્ભુત કહેવાય. શું જોયું, તે તો મને કહે ને !'
અને પછી તરંગવતીએ પોતાના પૂર્વજન્મની વાત કરતાં કહ્યું,'પૂર્વજન્મમાં હું અંગદેશની ચંપાનગરીના એક સુંદર જળાશયમાં ચક્રવાકી હતી અને ચક્રવાક સાથે રહેતી હતી. તક્રવાક એ મારો શ્વાસ હતો અને હું એની પ્રાણ હતી. વળી ચક્રવાક અત્યંત દયાળુ અને પરોપકારી હતો. એથીય વધુ એણે ક્યારેય મારા પર સહેજે ક્રોધ કર્યો નહોતો.
એક દિવસ જળાશયની ઉપર અમે આમ તેમ ઊડતા ગેલ કરતા હતા. થોડા ઊંચે ઊડીએ અને પાછા જળાશયના પાણી પર આવીએ ! આવે સમયે અમે જોયું કે એક મહાકાય હાથી સૂર્યના પ્રખર તાપથી બચવા માટે સ્નાન કરવાની ઇચ્છાથી આવી રહ્યો હતો. પહેલાં એણે જળાશયનું પાણી પીધું, સૂંઢથી જળ પર ખૂબ થપાટો મારી અને પછી નિરાંતે જળાશયમાં સ્નાન કર્યું. ત્યારબાદ એ ઊભો થયો અને જળાશયના વહેતા પાણીને પોતાની સૂંઢમાં લઈને પોતાની પીઠ પર પાણી રેલાવવા લાગ્યો.
એવામાં સામેથી ધનુષબાણ ચડાવીને એક શિકારીને ધસમસતો આવતો જોયો. એ શિકારીએ હાથીને વીંધવા માટે તીર માર્યું, પણ શિકારી નિશાન ચૂકી ગયો અને હાથીને વીંધવા માટે મારેલું તીર મારા ચક્રવાક્રની પાંખને વીંધી ગયું. એનું શરીર છેદાઈ ગયું અને નદીના પટ પર કિલ્લોલ કરી આમ તેમ રમત ખેલતો ચક્રવાક મૂર્છિત થઈને પડયો. આ બધું મારી નજર સામે જ બન્યું. બાણથી વીંધાયેલો ચક્રવાક તરફડતો હતો, વેદનાથી ચીસો પાડતો હતો એના શરીરમાંથી લોહીની ધારા નીકળતી હતી અને હજી બાણ એના શરીરમાં ખૂંપેલું હતું.
'આથી ચક્રવાકી એવી મેં હિંમત કરીને બાણ ખેંચી કાઢવાની કોશિશ કરી. મારી ચાંચમાં એ બાણને બરાબર ભરાવ્યું અને પછી એને જોરથી ખેંચી કાઢયું. પણ સાથોસાથ એના શરીરમાંથી લોહીનો ફુંવારો છૂટયો. એ ચીસો પાડતો આમતેમ તરફડવા લાગ્યો અને થોડીવારે એનો એ ફડફડાટ પણ બંધ થઈ ગયો અને એ મૃત્યુ પામ્યો.
મારા માટે આ અત્યંત અસહ્ય હતું. હવે ચક્રવાક સિવાયની જિંદગીની હું કલ્પના કરી શકું તેમ નહોતી. જેની સાથે પળેપળ ગાળી હોય તેનો વિરહ કેવી રીતે સહેવો અને એવામાં પેલો શિકારી ધસમસતો દોડી આવ્યો. (ક્રમશ:)
ગોચરી
મન એ જ માયાની જનની છે. આખોય સંસાર એ મનનો ખેલ છે. જગતના ભોગો પ્રત્યે દોડવું એ વિરક્તિથી ભાગવા સમાન છે. પોતાના સ્વાર્થ માટે, વિષયતૃપ્તિ માટે કે ઐહિકસુખને માટે જીવવું, તે મૃત્યુ સમાન છે. પરમાર્થ માટે, આત્મગુણની તૃપ્તિ માટે કે અધ્યાત્મ સુખ માટે જીવવું. એ જ સાચું જીવન છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ