Get The App

મારા ધર્મનું ભલે મંડન કરો, પણ મારા ધર્મનું ખંડન નહીં સાંખી લઉં !

Updated: Jul 24th, 2019

GS TEAM

Google News
Google News
મારા ધર્મનું ભલે મંડન કરો, પણ મારા ધર્મનું ખંડન નહીં સાંખી લઉં ! 1 - image


વિક્રમ સંવત ૧૯૫૫માં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવતો હતો. એ સમયે ઉત્તર ગુજરાતના મહેસાણા ગામમાં એક ઘટના બની હતી. બેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બનેલા મુનિરાજ મહેસાણામાં રહીને અન્ય સાધુમહાત્માઓ સાથે રાજારામ શાસ્ત્રી નામના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ કરતા હતા. 

મુનિરાજ બુદ્ધિસાગરજીએ ગૃહસ્થ અવસ્થામાં પણ આ જ રાજારામ શાસ્ત્રી પાસે તર્કસંગ્રહ વગેરેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસકાળ સમયે ગામમાં એક આઘાતજનક ઘટના બની. મહેસાણાના ઉપાશ્રયમાં સાધુ-મહાત્માઓ અભ્યાસ કરતા હતા ત્યારે સામેના ઓટલા પર આવીને એક ખ્રિસ્તી પાદરીએ પ્રવચન આપવાનું શરૂ કર્યું. પહેલાં પોતાની થોડી વાત કરીને ધીરે ધીરે એણે જૈન ધર્મ અને હિંદુ ધર્મ વિશે ટીકાઓ કરવાનો પ્રારંભ કર્યો.

આવે સમયે યુવાન મુનિરાજ બુદ્ધિસાગરથી જૈન ધર્મની આવી ટીકા સહન થઈ નહીં. એણે ખ્રિસ્તી ધર્મની વાત કરી હોત, તો તે તેનો અધિકાર હતો પણ એણે બીજા ધર્મની ટીકા કરી, તેથી મુનિરાજ બુદ્ધિસાગરજીનું હૃદય એને ઉત્તર આપવા માટે પોકારી રહ્યું. એ સમયે મુનિરાજ કર્પૂરવિજ્યજીએ પણ એમને જવાબ આપવા માટે ઉત્તેજન આપ્યું અને પાદરી જે ઓટલા પરથી બોલતા હતા, તે જ વખતે એ ઓટલાના બીજા છેડેથી એની સામે ભાષણ કર્યું.

પરિણામે પાદરીની સભામાં રહેલા હિંદુઓ અને મુસલમાનો મુનિરાજ બુદ્ધિસાગરજીનું વ્યાખ્યાન સાંભળવા દોડી આવ્યા. એ પછી એ પાદરી સાથે મુનિરાજને ચર્ચા થઈ, જેમાં પાદરી હારી ગયા.આ અગાઉ અવારનવાર મહેસાણામાં પાદરીઓ આવતા હતા અને પોતાના ધર્મનો પ્રચાર કરતા હતા. પણ જે દિવસે મુનિરાજ બુદ્ધિસાગરજીએ પાદરીની હિંદુ જૈન ધર્મ વિરોધી પાદરીની દલીલનો સણસણતો જવાબ આપ્યો, એ પછી કોઈ ખ્રિસ્તી પાદરી એ ગામમાં જાહેર ભાષણ કરવા માટે આવ્યા નહીં.

આજથી ૧૧૯ વર્ષ પહેલાં વિ.સં. ૧૯૫૭માં મુનિરાજ બુદ્ધિસાગરજીનો પ્રથમ ચાતુર્માસ સૂરતમાં થયો. એ સમયે મુનિરાજ મુક્તાવલિ ઉપર દિનકરીનું પઠન કરતા હતા. ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા અને એ સમયે એક ઐતિહાસિક ગ્રંથરચના થઈ. મુનિરાજ બુદ્ધિસાગરજીની સાથોસાથ લબ્ધપ્રતિષ્ઠ મહામુનિરાજ શ્રીમદ્ મોહનલાલજી મહારાજ પણ સુરતમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા.

એમની સાથે પાટણમાં વિ.સં. ૧૯૫૪માં સંસારીપણાના સમયથી જ મુનિ બુદ્ધિસાગરજીને ગાઢ પરિચય હતો અને તેઓને પૂ.મોહનલાલજી મહારાજ પ્રત્યે અત્યંત આદર અને સદ્ભાવ હતા. આ ચાતુર્માસ દરમિયાન જયમલ નામનો એક ખિસ્તી મોહનલાલજી મહારાજ પાસે સાધુવેશમાં હતો. તે સાધુના વ્રત પાળી શક્યો નહીં અને વિશેષ તો ખ્રિસ્તી પાદરીઓની મીઠી વાતોમાં ભોળવાઈ જતાં એ ખ્રિસ્તી બની ગયો.

એ પછી જયમલ પદમીંગ નામ ધારણ કરીને ખ્રિસ્તી પાદરીઓના પ્રચાર કાર્યમાં જોડાઈ ગયો અને જાહેરમાં એ જૈનધર્મનું ખંડન કરવા લાગ્યો. આમે ય અંગ્રેજ શાસન દરમિયાન ખિસ્તી પાદરીઓ તરફથી પોતાના ધર્મના પ્રચાર ઉપરાંત હિંદુ અને જૈનધર્મ પર ખોટા આક્ષેપો અને પ્રહારો કરવામાં આવતા હતા.

આ જયમલે 'ખ્રિસ્તી અને જૈન ધર્મનો મુકાબલો' નામનું એક પુસ્તક લખ્યું. આને પરિણામે સુરતના જૈન સમાજમાં મોટો ખળભળા મચી ગયો અને સહુને લાગ્યું કે આવા ખોટા આક્ષેપોનો જવાબ તો આપવો જ રહ્યો. એ સમયે સુરતમાં એકસોથી વધુ સાધુ-મહાત્માઓ હાજર હતા.

મુનિશ્રી બુદ્ધિસાગરજીને જૈન ધર્મ પર થતાં આવા પ્રહારો અસહ્ય લાગ્યા. ભીતરમાં ભારે વેદના જાગી અને તેને પરિણામે માત્ર દસેક દિવસમાં એમણે આ પુસ્તક લખી નાખ્યું. એ પછી પૂજ્ય મોહનલાલજી મહારાજને બતાવતા તેઓ અતિ હર્ષ પામ્યા. અને આ પ્રથમ પુસ્તકથી જ યોગનિષ્ઠ આચાર્યશ્રીની પ્રતિભાનો સહુને અનુભવ થયો. આ પુસ્તકની ઘણી માગ હોવાથી તાજેતરમાં એનું સાપદન કરીને પ્રગટ કરવામાં આવ્યું. પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ એનું વિમોચન કર્યું.

આ પુસ્તક લખ્યા બાદ જયમલને મુનિરાજે વાદવિવાદ માટે નિમંત્રણ આપ્યું, પરંતુ એ આવ્યો જ નહીં. જયમલને આ પુસ્તક મોકલવામાં આવ્યું, પણ એનો કોઈ જવાબ આપી શક્યો નહીં. અને એને કારણે ' જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો' એ પુસ્તક જ્યારે જ્યારે વટાળ પ્રવૃત્તિઓમાં રાચતા પાદરીઓ જૈન ધર્મ પર ખોટે માર્ગે દોરતા આક્ષેપો કર્યા છે, ત્યારે સાચા અર્થમાં દીવાદાંડીરૂપ બની રહ્યું છે.

છેક ૧૮૯૩માં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી અને સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા, ત્યારે પણ એમણે ખ્રિસ્તીઓ દ્વારા ચાલતી વટાળ પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો અને એ નોંધવું જોઈએ કે અત્યારે પણ આવી પ્રવૃત્તિઓ ઓછેવત્તે અંશે ચાલી રહી છે.

વિ.સં. ૧૯૮૦માં મુનિરાજ બુદ્ધિસાગરજી પ્રાંતિજમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. આ સમયે રાજકોટના પ્રખ્યાત પાદરી મી. સ્ટીવન્સન પ્રાંતિજમાં આવ્યા હતા. એમના એમ.એ. થયેલ પત્નીએ જૈન ધર્મ વિશે બે પુસ્તકો લખ્યાં હતાં અને એક પુસ્તકમાં જૈન ધર્મનું ખંડન કર્યું હતું. મુનિરાજ બુદ્ધિસાગરજીએ તે પુસ્તકો મેળવ્યાં. અંગ્રેજી હોવાથી એ અન્યની પાસે વંચાવીને એનું લખાણ સમજ્યા. ત્યારબાદ મિસિસ સ્ટીવન્સન પાસે જઈને ચર્ચાની માગણી કરી પણ તેઓ તૈયાર ન થયા.

એ પછી બે-ત્રણ વાર ગયા, એમની પ્રાર્થના સમયે પણ ગયા, પરંતુ એ ચર્ચા કરવા તૈયાર થયા નહીં. પણ આ કારણે જૈન ધર્મનું વધુ ખંડન કરતાં અટક્યા આમ છતાં એમનું પુસ્તક ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વપરાવા લાગ્યું. સૃષ્ટિકર્તા તથા વિશ્વદર્શન સંબંધી સાચી વાતોની મુનિરાજશ્રી બુધ્ધિસાગરજીએ છણાવટ કરીને મિસિસ સ્ટીવન્સનની દલીલોનો જવાબ આપ્યો.

આ રીતે આ ગ્રંથમાં મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની જ્વલંત અને દૃઢ ધર્મશ્રદ્ધા અને ધર્મ સિધ્ધાંતો માટેનું અડગ ખમીર ઝળકે છે. આમ આ પુસ્તક ઐતિહાસિક દૃષ્ટિએ તો મહત્ત્વનું છે જ, પરંતુ આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ દિશાદર્શન કરનારું છે.

ગોચરી

જૈન ધર્મ એ વિવાદમાં નહીં, પણ સંવાદ છે. વિવાદમાં પોતાના મતનો આગ્રહ હોવાથી વિગ્રહ અને વિખવાદ જાગે છે. સંવાદમાં સામેની વ્યકિતના વિચારને આદર આપવાનો હોવાથી પરસ્પર સન્માન જાગે છે. વિવાદમાંથી વેદના પ્રગટે છે. સંવાદમાંથી શુભ જાગે છે. સંવાદ સામેની વ્યકિતનાં વિચારને સમજવાની કોશિશ કરે છે અને ત્યારે જ અનેકાંતવાદનું અજવાળું ફેલાવાનું શરૂ થાય છે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Tags :