- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
પોતાના ગામમાં જ નહીં, પણ આજુબાજુના ૨૫-૩૦ નાનાં ગામડાઓમાં પણ વૈદ્ય દયારામની શાખ ઘણી. ભીનો વાન, ખાદીનું સફેદ ધોતીયું, ઉપર ખાદીનો ઝભ્ભો, સાદા ચપ્પલ અને ચશ્માંમાં પણ તેની પ્રતિભા ઝળકી ઊઠે. જમણા હાથમાં કાળી પેટી, ડાબા હાથમાં છત્રી લઈને ચાલતા તેને દૂરથી જોનાર ઓળખી જાય છે કે સામેથી વૈદ્યરાજ ચાલ્યા આવે છે.
દયારામની પેટીમાં ઉપરના ચાર-પાંચ ખાનામાં અલગ અલગ જડીબુટ્ટી, આયુર્વેદ ઔષધિ અને તેની નીચે બે-ત્રણ અલગ અલગ કાઢાની બોટલો અને લેપની ડબ્બીઓ. દયારામ વારસાગત વૈદ્ય ઘરાનાના અને ધનવંતરીના સાચા ઉપાસક. પોતાની પેટીમાં ડ્રેસીંગ માટેના પ્રાથમિક સાધનો તો રાખે જ પણ ઈન્જેક્શનની સીરીંજ, થર્મોમીટર, સ્ટેથોસ્કોપ, રક્તદાબ (બ્લડ પ્રેશર) માપવાનું સાધન સાથે જ હોય. આ ગામના વૈદ્ય એક જ ઈન્જેક્શન લેવા માટે પણ બાજુના મોટા ગામના ડોક્ટર પાસે જવું પડતું જેથી જિલ્લાના આરોગ્ય વિભાગમાં શરૂઆતનાં વર્ષોમાં જ દયારામના પિતાશ્રીએ તેને આરોગ્ય પ્રશિક્ષણનો કોર્ષ કરાવેલો અને તેને ઇસ્ઁ (રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર)નું સર્ટિફિકેટ પણ મળેલું.
દયારામ નાનપણથી તેના પિતા સાથે જંગલોમાં જડીબુટ્ટીઓ લેવા જતો જેથી તેને વનસ્પતિની જબરી ઓળખ. તેણે તેના વાડામાં પણ એક નાનકડું ઔષધિવન વિકસાવ્યું. એમાંથી એ દવાઓ બનાવીને પેશન્ટને આપે કે જરૂરિયાતમંદને મફતમાં દવા આપે. વૈદકજ્ઞાનમાં નિષ્ણાત, પરગજ્જુ, પરોપકારી અને સરળ દયારામને આજુબાજુના બધા ગામવાળા આદર આપે, સન્માનનીય વ્યક્તિ ગણે. તેની પત્ની શારદા પણ વૈદ્ય ને ઔષધિ બનાવવા, જડીબુટ્ટી કે વનસ્પતિને સૂકવવા, ખાંડવા, ચાળવા, સાફ કરવા કે કાઢા વગેરે બનાવવામાં મદદ કરે. વૈદ્ય સવારે જ્યારે ગામની એની નાનકડી ઔષધાલયે જવા નીકળે ત્યારે શારદા ઘર ચલાવવા માટેની વસ્તુઓ, શાકભાજી વગેરેનું લીસ્ટ એક ચિઠ્ઠીમાં લખીને ટિફિનબોક્ષની થેલીમાં એક પ્લાસ્ટીક કવરમાં મૂકી દે. વૈદ્ય જ્યારે બપોરે જમવા બેસે ત્યારે કવર ખોલી ચિઠ્ઠી વાંચી લે. ચિઠ્ઠીમાં લખેલી વસ્તુઓ ખર્ચની વિગત જાણી લે. સાંજના જરૂરિયાત પૂરતી રકમ આવ્યા પછી આવનારા કોઈ પેશન્ટની ફી ન લે. પેશન્ટ પૈસા દેવા આગ્રહ કરે તો 'મારી આજની જરૂરિયાત પૂરતા પૈસા મને મળી ગયા છે. હવે મારા નિયમ પ્રમાણે હું વધારાના પૈસા ન લઈ શકું...' અને બાકીનાને મફતમાં દવા આપી દે. સાંજના વૈદ્યે ટિફિન જમ્યા પછી ચિઠ્ઠી ખોલી. એમાં શાક, ચોખા, સાકર આ ત્રણ વસ્તુઓ લખી તે તો વૈદ્યે ગણત્રીમાં લીધી, ચોથી આઈટમમાં ખાસ જરૂરી લખીને જણાવ્યું હતું કે, ''દીકરી રાધાનો કરિયાવર ખરીદી કરીને લેતા આવજો.'' વૈદ્ય તો મુંઝાઈ ગયા. વિચારે છે કે, શું શું લેવું ને આનુ ંબજેટ શું હોઈ શકે ? કાનુડાની છબી સામે જોઈને બોલે છે, 'શ્રીકૃષ્ણ શરણં મમ્... શ્રી કૃષ્ણ શરણં મમ' એવામાં દવાખાનામાં બહાર એક મોટી કાર આવીને ઊભી રહી. શૂટેડ-બુટેડ વ્યક્તિએ અંદર આવીને વૈદ્યરાજનું અભિવાદન કરી નમસ્કાર કર્યા. ડ્રાઈવરે ડીકીમાંથી મોટી મોટી ચાર બેગ કાઢીને દવાખાનાની વેઈટીંગ રૂમમાં મૂકી.
વૈદ્યે પૂછયું કે, 'આપ કોણ?' તે કહે, 'હું રશ્મિકાંત. પંદર વર્ષ પહેલાં હું અહીંથી બાજુના ગામમાં રહેતો હતો. મારાં લગ્ન થયાં ને પાંચ વર્ષ થવા છતાં અમને કોઈ સંતાન ન હતું. હું અને મારી પત્ની આવી જ એક સાંજે પંદર વર્ષ પહેલાં આપના દવાખાનામાં આવેલાં. અમને બન્નેને તપાસ્યાં અને બન્નેને એક મહિના સુધી દવા લેવા કહ્યું. આપે મહિનાની દવા આપી. હું પૈસા આપવા માંડયો તો કહેલું કે, આજની જરૂર પૂરતા પૈસા આવી ગયા. હવે હું નહીં લઈ શકું. થોડા દિવસ પછી અમે અમેરિકા ચાલ્યાં ગયાં. આપની દવાની અસર થઈ. અમને ત્રણ બાળકો થયાં. મારી મોટીબહેન તમારા ગામમાં રહે છે. બનેવી ગુજરી ગયા છે. તેની પુત્રી એટલે મારી ભાણી, શહેરમાં ભણી, ખૂબ હોંશિયાર. શ્રીમંત કુટુંબમાં તેના લવમેરેજ થયાં. હું મામેરામાં સંપૂર્ણ કરિયાવર લાવ્યો. જમાઈ અને તેમના પરિવાર કહે, અમારે દહેજ-કરિયાવર ન લેવાના પ્રત્યાખ્યાન-પ્રતિજ્ઞા. શુકનનું એક સૌભાગ્ય કંકણ અને પાનેતર લીધું.'
તમારે ત્યાં દવા લેવા આવ્યો ત્યારે તમારી નાનકડી દીકરીને જોઈ હતી. મારી પત્ની કહે કે, 'આપણે નક્કી કરેલું કે દયારામકાકાએ ફી નહોતી લીધી તેના રૂપિયા આપવા જવું છે, પણ તેમની દીકરી પણ લગ્ન કરવાલાયક થઈ ગઈ હશે, જેથી તેને જ આ કરિયાવર આપી આવીએ.' અને કહે, ' આ કવરમાં થોડા રૂપિયા છે, જે તેના કંકણ, પાનેતર લેવામાં અને જાનને સાચવવામાં વાપરશો.'
દયારામ વૈદ્ય ઊભા થઈ તેના હાથ પકડી કહે, 'ભાઈ, આટલું બધું ના હોય, પણ રશ્મિકાંત વૈદ્યને વંદન કરી સડસડાટ ગાડીમાં બેસી નીકળી ગયો. દયારામના મોઢામાંથી શબ્દો સર્યા, 'નરસિંહે તો હુંડી લખી, તી પણ મારી વણલખી હુંડી સ્વીકારી, હે શામળા ગિરધારી.'


