Get The App

''પ્રેમ દરવાજા'' 'પ્રેમ'ના નામના ઘર ઘર વાગે વાજા

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
''પ્રેમ દરવાજા'' 'પ્રેમ'ના નામના ઘર ઘર વાગે વાજા 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'આ દરવાજા પર પ્રેમ થાય છે?'

'ના...'

'તો પ્રેમ કરનારાઓએ આ દરવાજાથી પ્રવેશ કરવાનો હોય છે ?'

'ના...'

'તો અહીં કોઈ પ્રેમીએ પ્રેમનું બલિદાન આપ્યું હતું ?'

'ના...'

'તો પ્રેમ કરનારાઓ અહીં કોઈ 'માનતા' માનતા હશે ?'

'ના...'

'શારીરિક પ્રેમ સંબંધી અહીં કોઈ ઘટના નથી ઘટી ?'

'તો આત્મિક પ્રેમ સંબંધી કોઈ ઘટના ઘટી છે ?'

'ના...'

'તો પછી આ દરવાજાને ''પ્રેમદરવાજા'' નામ આપવાનું કારણ ?'

'છે, એનું કારણ છે... આ દરવાજાને ''પ્રેમ દરવાજા'' નામ આપવાનું કારણ છે... અને એ કારણ છે - એક વિશિષ્ટ વ્યક્તિની ચિરંજીવી સ્મૃતિ... એક વિશેષ સેવા આપનાર વ્યક્તિની યાદગીરી...'

'કોણ છે એ વિશિષ્ટ વ્યક્તિ.... એ સેવાભાવી સેવક કોણ છે ?' અને એમને શું સેવા કરી... ...

અમદાવાદના એક દરવાજાનું નામ છે - ''પ્રેમદરવાજા.'' આ દરવાજાને પ્રેમ દરવાજા નામ શા સારું આપ્યું, તેની જિજ્ઞાસા ઉપરોક્ત વાતચીતમાં છતી થાય છે. અને એ વ્યક્તિ પણ છતો થાય છે, જેના નામે આ દરવાજાને 'પ્રેમદરવાજા' કહેવાય છે. એ વ્યક્તિ છે - શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ શેઠ...

અમદાવાદના શહેર વિસ્તારના ઝવેરીવાડ ઈલાકાની વાઘણપોળમાં નવ-નવ જિનાલયો જેમના વંશજોએ બંધાવ્યા છે, તેવા શાંતિદાસ શેઠના પ્રપૌત્રના પુત્ર છે - શેઠ પ્રેમાભાઈ....

પાલિતાણા-શત્રુંજય મહાતીર્થ પર જે ફોઈના નામે એક ટુંક(મંદીરોની નગરી) નિર્માણ પામેલ છે, તેવા ઉજમફોઈના સગા ભત્રીજા છે આ પ્રેમાભાઈ...

પાલીતાણા... શત્રુંજય ગિરીરાજ પર પ્રેમાભાઈની ટુંક બંધાવનાર આ પ્રેમાભાઈએ માત્ર જિનાલયો કે જિનપ્રતિમાઓના જ નિર્માણ નથી કર્યા, પણ નગરની આમજનતા માટે પણ નક્કર કાર્યો કર્યા છે. મહામાનવ ભગવાનના કાર્યોની સાથે સાથે માનવતાલક્ષી સેવાઓ પણ બક્ષી છે.

'હઠીસિંહની વાડી' નું જિનાલય બંધાવનાર શેઠ હઠીસિંહને સાથે રાખીને પ્રેમાભાઈ શેઠે (હઠીસિંહ શેઠ પ્રેમાભાઈ શેઠના બનેવી થાય) તે સમયની અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પીટલનું નિર્માણ કર્યું હતું. ઈસ્વીસન્ ૧૮૫૬માં આ હોસ્પીટલ ઘી કાંટા વિસ્તારમાં સ્થાપી હતી. પછીથી એ અસારવામાં સ્થળાંતર પામી હતી.

પાલીતાણામાં પ્રેમાભાઈ ધર્મશાળા બંધાવનાર પ્રેમાભાઈએ અમદાવાદમાં સ્કૂલ-કોલેજો-ધર્મશાળા આદિનું પણ નિર્માણ કર્યું હતું.

આ બધાં કરતાંય એક વિશેષ સેવા એમણે આપી હતી. તે સમયની સુપરફાસ્ટ કુરિયર સેવા. અમદાવાદની સૌપ્રથમ આ સેવા નગરશેઠ પ્રેમાભાઈએ ઈસ્વીસન્ ૧૮૫૬માં શરૂ કરી હતી. ટપાલસેવા રૂપ આ આંગડિયા - કુરિયરસેવા આપીને અમદાવાદના જન-જનનો પ્રેમ એમણે જીત્યો હતો.

એમણે લોકોના આત્મા માટે મંદિરો બાંધ્યા. તો શરીર માટે હોસ્પીટલોય બાંધી. વાર્તાલાપ માટે કુરિયરસેવા ય પ્રારંભી તો ભણવા માટે જ્ઞાનયજ્ઞા પણ પ્રારંભ્યો.

ચાર દિવસ ઠહેરવા માટે ધર્મશાળાનું નિર્માણ કર્યું તો ચાર દિવસની જિંદગી સ્વરૂપ જીવનભર રહેવા માટે ઘરોના પણ નિર્માણ કર્યા. મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરી તો મૂર્તિમંત-જીવંત વ્યક્તિઓના મનમંદિરમાં પોતાની સ્થાપના પણ કરી.

આ બધા જ કાર્યો ટુંક સમયમાં જ કરી લીધા હતા. ઈસ્વીસન્ ૧૮૫૬માં હોસ્પીટલ પણ બનાવી તો ૧૮૫૬માં કુરિયર સેવા પણ પ્રારંભી.

કહેવાય છે કે તેમની આ સેવાઓથી ખુશ થઈને, શેઠના કહેવાથી નહીં, તે સમયના કલેક્ટર મિડેકો મિજ્જેએ તેમને તે સમયનો સર્વશ્રેષ્ઠ ઈલ્કાબ 'રાયબહાદુર' અર્પણ કર્યો હતો.

વળી, અમદાવાદના એક દરવાજાને 'પ્રેમદરવાજા' નામથી અલંકૃત કરવામાં આવ્યો. તથા જનસામાન્ય માટે વપરાતા એક હોલને 'પ્રેમાભાઈ હોલ' નામાભિધાન કરવામાં આવ્યું.

પ્રભાવના

પ્રેમાભાઈના દાદા વખતચંદે જીર્ણોદ્વાર કરેલ (વખતચંદના પરદાદા શાંતિદાસ શેઠે બંધાવેલ) અજિતનાથ ભગવાનના જિન-મંદીરમાં પ્રવેશતા જમણા હાથે એક સરસ્વતી દેવીની પ્રાચીન મૂર્તિ છે.

ઝવેરીવાડે વાઘણપોળમાં અજિતનાથ જિનાલયમાં વિરાજમાન અને બિરાજમાન આ સરસ્વતી દેવીની સામે સરસ્વતી દેવીનો જાપ કરવાથી બોબડાપણું - તોતલાપણું - બહેરાપણું - મૂંગાપણું દૂર થાય છે. અન્ય રોગો પણ મા શારદાના નામે દૂર ભાગી જાય છે. વળી, સુંદર જ્ઞાન, સારી જીભ, મસ્ત મગજ મા શારદાનું નામ લેવાથી ઈનામ સ્વરુપે પ્રાપ્ત થાય છે. આવી અનેકાનેક ચમત્કારભરી મુર્તિઓ પોળોના જિનમંદીરોમાં પ્રકટ છે. શરત છે - આપણે ત્યાં પ્રકટ થવું.