Get The App

નાણા-દિયાણા-નાંદીયા, જીવિતસ્વામી વાંદીયા મનની ઈચ્છા પૂર્ણ કરે એવું ઈચ્છાપૂર્તિ તીર્થ - નાંદિયા તીર્થ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
નાણા-દિયાણા-નાંદીયા, જીવિતસ્વામી વાંદીયા મનની ઈચ્છા પૂર્ણ કરે એવું ઈચ્છાપૂર્તિ તીર્થ - નાંદિયા તીર્થ 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

તલવારનો એક ઘા થયો અને બે ટુકડા થઈ ગયા. માણસના નહીં દોરડાના. પણ મરી ગયો માણસ. માણસને તલવાર નથી અડી, પણ દોરડાને અડી. દોરડા પર રહેલી એ સ્ત્રી નીચે પડી. અને મરી ગઈ.

ઘટના એમ ઘટી. રાજસ્થાનના સિરોહી જિલ્લાનું નાંદીયા ગામ. તે સમયે રાજાશાહી શાસન. નાંદીયાના રાજાએ રાજનટની કલા જોવા કાર્યક્રમ રાખ્યો. ગામના બે ઊંચા, દૂર અને મોટા પહાડની ટોચે બે ખીલા ખોસવામાં આવ્યા. અને ખીલ્લે સામ સામે મજબૂત દોરડાના બે છેડા બાંધવામાં આવ્યા. પછી રાજનટને કહેવામાં આવ્યું કે તારી નહી નીચે જમીન પર તો દોરડા પર ચાલીને કરતબ કરે છે, પણ જો આ સામસામા પહાડ પર બાંધેલા દોરડા પર ચાલી બતાવે અર્થાત આ પહાડથી દોરડા પર ચાલીને સામા પહાડ પર પહોંચી બતાવે તો આ મારા ગામની અડધી રિયાસત તારી. અર્થાત્ અડધું ગામ તને ભેટ અડધા ગામનો માલિક તું.

નટે નટડીને વાત કરી. નટડી તૈયાર થઈ. પહાડ પર ચઢી. પોતાના ઈષ્ટદેવનું નામ અને નાંદીવાના જગપ્રસિદ્ધ એવા ભગવાન મહાવીર તથા પુરાણકાલીન મહાદેવનું નામ લઈને દોરડા પર પ્રથમ પગ મૂક્યો.

આખું ગામ આ કરતબ જોવા ભેગું થયું છે. માત્ર આ નાંદીયા ગામના જ નહીં, પણ આસપાસના ગામો, કસબા, જંગલાના ઝૂંપડાના લોકો પણ અહીં એકઠા થઈ ગયા છે. તમાશાને તેડું ના હોય. વગર આમંત્રણે ય મંત્રથી ખેંચાયેલા દેવોની જેમ હાજર થઈ જાય.

બધાની આંખો નટડી પર મંડાયેલી છે. એ કોઈ રૂપસામ્રાજ્યને ધરાવનારી રૂપવતી યુવતી ન હતી. કોઈ કામણગારી કાયા ધરાવનારી કન્યા ન હતી. પણ આજના આ કરતબની મહારાણી હતી. આજે એના રૂપને નહીં, પણ એના નટ-સ્વરૂપને જોવા બધાની આંખો મંડાઈ હતી.

આજે આ નટીના (કલાકારનો) પગના નૃત્યને નહીં, પણ આજે એના પગની સમતુલાને જોવા લોકો ભેગા થયા હતા. કલાકારના આકારને જોવો એ રૂપદર્શન છે, પણ તેની કલાકારીને જોવી એની કલાના આકાર-પ્રકારને જોવા એ એનું સ્વરૂપદર્શન છે. જેમ બધાની આંખો આજની હીરોઈનના પગ પર મંડાયેલી હતી, તેમ આ રાજનર્તકીની આંખો પણ પોતાના પગ પર મંડાયેલી હતી. દુનિયાની નજરમાં વાત એ હતી કે તેના પગ દોરડા પર બરાબર મંડાય છે કે નહીં, જ્યારે કલાકારની નજરમાં એ હતું કે મારે દોરડા પર બરાબર પગ માંડવાના છે. લોકોને પ્રશ્ન હતો કે તે સામે છેડે - સામા પહાડે પહોંચે છે કે કેમ? જ્યારે કલાકારનું લક્ષ્ય હતું કે સામા છેડે પહોંચવું જ છે. કલાકારનો બીજો પગ અધર થયો અને દોરડા પર ગોઠવાયો. કલાકારના પગની સ્થિરતા જોરદાર હતી તો અહીં લોકોની આંખોની સ્થિરતા જોરદાર હતી. નટીના પગ દોરડા પર સ્થિર. લોકોની નજર નટીના પગ પર સ્થિર.નટી આકાશમાં અધર થઈ ગઈ. તો લોકોના શ્વાસ અધર થઈ ગયા. આગળને આગળ વધતી નટી જેમ જેમ અધર-વચ્ચે આવતી ગઈ, લોકોના શ્વાસ તેમ વધુને વધુ અધર થતા ગયા. પણ છેવટે નટી મક્કમ પગલે અને મજબૂત-સ્થિર મનોબળે છેડે પહાડે પહોંચી ગઈ.  જોનારા લોકોના શ્વાસ પણ હેઢા બેઠા.

લોકોના શ્વાસ હેઠા બેઠા ત્યાં જ રાજાના જીહજુરીયાઓના શ્વાસ વધુને વધુ અધર થયા. તેમને થયું કે આ અડધું રાજ લઈ જશે અને એ રાજા બનશે, તો આપણે તેને હાથ જોડવા પડશે. તેને ખમ્મા કરવી પડશે. એમણે રાજાના કાન ભંભેર્યા. કાનખોતરણી તો કાનમાંથી મેલ બહાર કાઢે જ્યારે કાનભંભેરણી બહારનો કચરો કાન વાટે મનમાં નાંખે. રાજાને આ વાત બરાબર લાગી. 'રાજા-વાજાને વાંદરાલ્લ કહેવતને રાજાએ સાચી પૂરવાર કરી. અને નટને કહ્યું - 'આ દોરડા પરથી નટી પાછી જાય તો જ તું ઈનામનો હકદાર છે. કારણ કે પાછા મૂળસ્થાને જાય ત્યારે જ કલા પૂર્ણ થઈ કહેવાય.'

રાજાના દુષ્ટ બનેલા મનને નટ પારખી ન શક્યો. નટી ફરી એકવાર દોરડે ચઢી. અડધે પહોંચી ત્યાં રાજાએ પોતાની તલવાર કાઢી. નટી જો સામા છેડે પાછી પહોંચે તો જ રાજ્યની હકદાર બને, પણ જમરાજને ખોળે જો પહોંચી જાય  તો એ ઈનામની હકદાર રહેતી નથી. આ દુષ્ટ વિચારથી રાજાએ તલવારથી પળવારમાં દોરડું કાપી નાંખ્યું. દોરડાના બે ટુકડા થયા. અધવચ્ચે રહેલી નટી નીચે પડી અને એનો જીવ ઉપર પહોંચી ગયો. પણ મરતાં-મરતાં નટીએ શ્રાપ આપ્યો - 'અહીં આવનારા રાજ કરશે. રાજ કરનાર રાજાને વંશ-અંશ નહીં મળે.'

ઈતિહાસ સાક્ષી છે કે વર્ષો પૂર્વે ઘટેલી આ દુર્ઘટનાના શ્રાપનો પડછાયો આજ સુધી ઊભો રહ્યો. દરેક રાજાએ નવો રાજવી ખોળે લીધેલા દીકરાથી જ મેળવ્યો.

આ નાંદીયા ગામ આજે પણ ઊભું છે. અને એના પહાડો પર રહેલો ખીલ્લો આજે પણ અડીખમ ઊભો સંદેશ આપી રહ્યો છે કે કોઈની હાયના લેશો. કોઈને અન્યાય ન કરશો. પોતાના વચનને કદી ફોક ના કરશો. આપણી મર્યાદાનું ઉલ્લંઘન ના કરશો. તીર્થક્ષેત્રના પ્રભાવને પામવા પ્રયાન કરશો.

પ્રભાવના

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધને ભરાવેલ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા આજે પણ હાજરાહજૂર છે. જીવિત સ્વામીની આ પ્રતિમા આજેય જીવંત છે - પુરાણકાલીન મહાદેવનું મંદિર પણ આ નાંદિયાની શોભા છે. જેનો ઈતિહાસ પણ રોચક છે. કર્મસાહિત્ય નિપુણમતિ આચાર્ય શ્રી પ્રેમસૂરેશ્વરજી મહારાજાની આ જન્મભૂમિ બની છે તો જગપ્રસિદ્ધ રાણકપુર તીર્થના નિર્માતા શ્રી ધન્નાશા અને રત્નાશા પોરવાલની પણ આ જન્મભૂમિ રહી છે. 

પ્રદક્ષિણામાં બાવન દેરીવાળું બાવન જિનાલય હોય તેવા જિન-મંદીરો દુનિયામાં ઘણા હશે, પણ અષ્ટપ્રતિહાર યુક્ત પરમાત્માના એ રમણીય પરિકરમાં બાવન તીર્થંકર યુક્ત બાવન જિનાલય હોય એવું તો આ એકમાત્ર તીર્થ નાંદિયા જ છે. ''નાણા-દિયાણા-નાંદિયા, જીવિતસ્વામી વાંદીયા'' કહેવતથી જગ-પ્રસિદ્ધ બનેલું આ તીર્થ નાંદિયા એક વખત નંદિવર્ધનપુરથી વાંદિત હતું.