'શકટનો ભાર જેમ શ્વાન તાણે' .
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
આ કહેવત જૂની થઈ ગઈ. નવી કહેવત માનવીની આ છે -
''શ્વાનનો ભાર જેમ નકટ (નકટો) તાણે''
આગળ માણસ અને પાછળ કૂતરા!
આમ તો માણસ કૂતરાં પાછળ પડયો છે, પણ આજે માણસ કૂતરાંની આગળ દોડી રહ્યો છે. અહીં જે પ્રસંગ ચાલી રહ્યો છે, તેની વાત છે. જો કે શહેરોમાં તો આજે માણસ કૂતરાંને આગળ ચલાવે છે. કૂતરાંને ફેરવે છે. કૂતરાં આગળ, અને માણસ પાછળ!! કૂતરાંને જ્યાં જવું હોય ત્યાં જવા દે, દોરીથી બંધાયેલો કૂતરો, પણ દોરીથી દોરાયેલો માણસ! મણસ તેની પાછળ! કૂતરો જ્યાં લઈ જાય ત્યાં માણસ જાય! એટલે માણસ કૂતરાંને ફેરવે છે કે કૂતરો માણસને ફેરવે છે, તેની કશી જ ખબર નથી પડતી. પિક્ચરનું સ્પષ્ટ સ્પષ્ટીકરણ નથી થતું. કોણ કોને દોરે છે અને કોણ કોને દોડાવે છે અર્થાત્ કોણ કોનાથી દોરાય છે ? જે હોય તે માણસ અને કૂતરાંનો સંબંધ જુગજૂનો છે.
પૂર્વકાળમાં માણસ ગાડી (ગાડાં)માં બેસતો અને કૂતરો તેની આગળ ચાલતો. જાણે કૂતરો ગાડી ચલાવતો અને માણસ તેમાં બેસતો. એટલે કહેવત પણ આવી જ કંઈક હતી - શકટનો ભાર જેમ શ્વાન તાણે! પણ વર્તમાનકાળનું વર્તન કંઈક બદલાયું છે. કહો તો શીર્ષાસન થયું છે. એમ કહો તો પણ ચાલે. આજે માણસ ડ્રાઈવિંગ સીટ પર બેસે છે અને કૂતરો તેની બાજુમાં ચા પાછળની સીટ પર બેસે અથવા તો તેના પેટે જાણે જન્મ્યો ના હોય તેમ તેના ખોળામાં ય બેસે. એટલે માણસ ગાડી ચલાવે અને કૂતરો તે ગાડીમાં સફર કરે. કહેવતનું આમ નવીનીકરણ કરી શકાય - ''શ્વાનનો ભાર જો નકટ (નક્ટો) તાણે!''
મા-બાપને ન સાચવતો હોય, ભાઈ-બહેનનો ભાર ન ખમી શકતો હોય, એને નક્ટો (નાક કપાયેલો) ના કહેવાય તો શું કહેવાય!! માતા-પિતા-ભાઈ-બેન-પરિવાર તેનાથી ખમાતા નથી, તેના ઘરમાં સમાતા નથી, સચવાતા નથી અને કૂતરાં-બિલાડાનું બધું સાફ પણ કરી દેતો હોય, તેને નકટો સિવાય કઈ ઉપમા અપાય! અલમસ્તુ! છોડો! અને જોડો આપણા અનુસંધાનને!
જંગલમાં શિકાર કરવા નીકળેલો રાજકુમાર! સાથે લીધા છે શિકારી કૂતરાં! પણ આજે એ શિકારી કૂતરાં અબોલ-નિર્દોષ પશુઓનો શિકાર કરવા હરગિજ તૈયાર ના થયા. કૂતરાઓને પ્રેર્યા-માર્યા-ફટકાર્યા, પણ પથ્થર પર બધું પાણી. કૂતરા ટસથી મસ ના જ થયા. હવે રાજકુમારને ડર પેઠો કે ક્યાંક આ મને શિકાર ના બનાવી દે. મારો શિકાર ના કરી દે! સસલાં-હરણાંથી થાકી ગયા હોય, અથવા તો કંટાળી ગયા હોય અને માણસનો શિકાર કરવાની માનસિક ભૂમિકા બંધાઈ ગઈ હોય!
ક્યારેક સરકસ વગેરેમાં આવું થતું હોય છે. ટ્રેનરનો વાઘ-સિંહ વગેરે શિકાર કરી દે. હાથી મહાવતને જ નીચે પછાડી મહાત કરી દે. કૂતરાં માલિકને જ બચકાં ભરીને પતાવી દે. રાજકુમારને એ પણ ધ્યાનમાં હતું કે જો અહીં આ શિકારીકૂતરાં તેની પર હુમલો કરે તો બચવાનું એકમાત્ર સાધન હતું, ધનુષ-બાણ પણ એકી સાથે જો આ લોકો તૂટી પડે તો તે કંઈ જ કરી શકે તેમ ન હતો. પોતાનો બચાવ કરવો પણ અઘરો હતો. બે મોત મરવું સારું નહીં - તેમ વિચારી રાજકુમારે ભયજન્ય સુરક્ષાના વિચારો હેઠળ પોતાના આવાસ તરફ દોટ મૂકી. રાજકુમારને ભાગતાં જોઈને કૂતરાંઓ તેની પાછળ ભાગ્યા. હવે રાજકુમારનો ભય વધુ તીવ્ર બન્યો. અને તે સાથે તેની દોડ પણ વધુ વેગીલી બની. આગળ રાજકુમાર અને પાછળ-પાછળ શિકારી કૂતરાં!
આજે એને જીવનની કિંમત સમજાણી હશે - દરેક જીવના જીવનની એક કિંમત હોય છે ! કિંમત કિસ્મતને આધારી છે એ અલગ વાત છે. પણ દરેકની કિસ્મત અને કિંમત તો હોય જ છે! ભલે તે નાનામાં નાનો ક્ષુદ્ર-દરિદ્ર જીવ પણ કેમ ના હોય!
રાજકુમાર દોડતો - હાંફતો ઝડપભેર પોતાના આવાસ સુધી પહોંચી જ ગયો. જાણે જીવમાં જીવ આવ્યો. જગ અને જંગ જીત્યો જાણે!
આવાસમાં આજે પહેલીવાર તે આ રીતે આવ્યો હશે. તે ત્યાં પળભર ઊભો રહ્યો. તો તે કૂતરાં પણ ત્યાં ઊભા રહી ગયા.
હવે એનો ભય થોડો ઓછો થયો. અને એ પણ બે રીતે. એક તો પોતાનો આવાસ હતો. આજુ-બાજુમાં એના જેવા સાગરીતો હતા. બીજું કૂતરાં પણ ત્યાં ઊભા રહ્યા. તેથી તેને એમ પ્રતીત થયું કે આ મને મારવા નથી ચાહતાં.
ત્યાં જ એ રાજકુમારની નજર ત્યાં ધ્યાન કરી રહેલા એક જૈન સાધુ પર પડી. સાધુ હતા - આચાર્યશ્રી શીલંધરસૂરીશ્વરજી મહારાજા! આ જોયા પછી તેનો ભય ઘણો હળવો થયો. એક રીતે તે નિર્ભય બની ગયો. નિર્ભય-અભયદાતા વ્યક્તિનો સંસર્ગ હતો તે. અને બીજું હવે શું જોઈએ!
રાજકુમારે આચાર્યશ્રીને નમસ્કાર કર્યા. શબ્દોથી ગુણ-સ્તવના કરી. અને તેઓશ્રીમદના ચરણોમાં આશ્વસ્ત બની બેસી ગયો. હવે તે સંપૂર્ણ નિર્ભય બની ગયો.
આચાર્યશ્રીએ ધ્યાનમાંથી બહાર આવી રાજકુમાર પર ધ્યાન આપી આશીર્વાદ આપતાં કહ્યું - 'વત્સ, ગભરાઈશ નહીં.'
'એમ નહીં, તને જેનો ભય છે, એ શિકારી કૂતરાં હવે શિકારી નથી રહ્યા. શિકારનો વિકારભાવ એમણે ત્યજી દીધો છે. સવારે તેમણે તારી ગેરહાજરીમાં અહિંસાની વાતો સાંભળી હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા મનથી સ્વીકારી છે. તેઓ સંપૂર્ણ અહિંસક બની ચૂક્યા છે'
રાજકુમારને હવે સમજાયું કે આ કૂતરાં શિકાર કેમ કરતા ન હતાં. વળી, એ પણ જાણ્યું કે આ અહિંસાનું પ્રવચન સાંભળી અહિંસક બની ગયા છે. આચાર્યશ્રીના ઉપદેશથી રાજકુમારે પણ 'અહિંસાવ્રત' અપનાવ્યું. આ વાત જાણીને રાજાએ ફરીથી કુમારને મહેલમાં બોલાવી દીધો એક વખત દૂરદેશથી એક મિત્ર આવયો. રાજકુમારને કહે - હમણાં દરિયામાં એક આશ્ચર્ય જોયું ! કયું આશ્ચર્ય? તે આવતાં અંકે...