- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
''બચાવો.... બચાવો...''
એ બૂમાબૂમ ને ચીસાચીસ કરી રહ્યો છે. તરફડી રહ્યો છે. રડી રહ્યો છે. ઝૂરી રહ્યો છે. છૂટવા માટે છટપટી રહ્યો છે.
એનું શરીર આખું બળી રહ્યું છે. એના અંગેઅંગ ગળી રહ્યા છે. લોહીની નળીઓ નદીઓ વહાવી રહી છે. માંસના લોંદા પીગળી રહ્યા છે. હાડકા પણ એના તૂટું તૂટું થઈ રહ્યા છે. હાડ-માંસ-ચામ બધું જ છૂટું પડી ગયું છે. એ માણસ, માણસ નથી રહ્યો. કંકાલ બની ગયો છે. દેહથી કંગાલ પણ બની ગયો છે.
એને સિંહાસન પર બેસાડવામાં આવ્યો હતો. એ સિંહાસન સોનાનું નહીં, પણ લોખંડનું હતું.નક્કર લોખંડ... પોલાદ જેવું. વળી, સિંહાસને એ બેઠો હતો, એને ભઠ્ઠીમાં ભયંકર તપાવવામાં આવ્યું હતું. લાલચોળ બની ગયું હતું. કાળું લોખંડ લાલ બની ગયું હતું. એ લોખંડનો ખંડ ખંડ પ્રચંડ ગરમી ફેંકતો હતો. આગ ઓકતો હતો. એવા સિંહાસન પર તેને બેસાડવામાં
આવ્યો હતો. વળી, એના હાથ-પગ એ સિંહાસન સાથે સજ્જડ બાંધી દેવામાં આવ્યા હતા, જેથી એ જરાય ચસકી ન શકે. એની ડાગળી ચસકી જાય, એનો વાંધો નહીં. એનો ડગલો બળી જાય, એનો વાંધો નહીં. એ પોતે ધીમે-ધીમે પણ ભયંકર બળી જવો જોઈએ.
તે પછી એના માથા ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો હતો. ઉકળતા પાણીનો, કળકળતા ગરમ તેલનો, ધગધગતા સીસાનો, તપેલા પ્રવાહી તાંબાનો... આ બધી ગરમાગરમ પ્રવાહી વસ્તુઓ એના માથા પરથી રેડવામાં આવી રહી હતી. એ પલળી રહ્યો હતો, ગરમાગરમ પ્રવાહીથી. એ બળી-જળી રહ્યો હતો.
વળી, એને અલંકારો-આભૂષણો પણ પહેરાવવામાં આવ્યા હતા. કાને કુંડળ, ગળામાં નવસેરો-ત્રણસેરો-અઢારસેરો હાર, આંગળીઓમાં વીંટીઓ, હાથમાં વીરવલય, ભુજાબંધ, કેડે કંદોરો, તથા માથામાં આખું માથું ઢંકાય એવો મુગટ... પણ, આ બધાં આભૂષણો લોખંડના હતા. અને એ પણ ભઠ્ઠીમાં તપાવીને લાલચોળ કરેલા. આમ જુઓ તો સોનાના લાગે.
આ ભયંકર વેદનાઓને રાડારાડ કરતો તે ભોગવતો રહ્યો અને થોડાક જ સમયમાં એના પ્રાણ ચાલ્યા ગયા. શરીર પરથી કપડાં બળી ગયા. ચામડી ઓગળી ગઈ. લોહી-માંસ જળી ગયું. હાડકાં ગળી ગયા. પછી પ્રાણ તો બિચારા ક્યાંથી ટકે ? એનો આત્મા અહીંની કાતિલ વેદના ભોગવતો મરીને એના કરતાં પણ જાલિમ વેદનાને ભોગવવા નરકનાં ખાડામાં ઊતરી પડયો.
વળી, ગુસ્સાથી લાલચોળ બનેલો રાજા (આંખો પણ લાલ, મોઢું પણ વિકરાળ) લાલ-લાલ અંગારા જેવા શબ્દોથી તેના કાન વાટે આગ નાંખી રહ્યા હતા. તેઓ સંભળાવી રહ્યા હતા- 'રાજા સિંહાસન પર બેસવું હતું ને લે, બેસ, આ લાલ-લાલ સિંહાસન પર...'
'રાજ્યાભિષેક કરવો હતો ને. લે, આ ગરમ-ગરમ જાત-જાતનું ને ભાત-ભાતનું પાણી. બરાબરનો અભિષેક કરશે. મારા પદાધિકારીઓ...'
'રાજાનો મુગટ-મુદ્રા આદિ અલંકારો પહેરવા છે ને ! લે, પહેર, આ મસ્ત મજાના ગરમ-ગરમ આભૂષણો. મારા અધિકારીઓ તને સાણસીથી પહેરાવાશે.'
અને પછી તે-તે વ્યવસ્થામાં તે સમયે નિયુક્ત કરેલા માણસોને કહ્યું 'એને જબરદસ્તીથી આ સિંહાસન પર બેસાડો-છટકી જાય, માટે તેના હાથ-પગ સિંહાસન સાથે બાંધી દેજો. હાથ-પગ-ગળાની બેડીઓ જેમની તેમ જ રાખજો...' 'અભિષેક પણ બરાબર કરજો. પૂરેપૂરો કરજો. એક પણ અંગ બાકી ન રહે, તેનું ધ્યાન રાખજો. શરીરના એકેએક અંગ ઉપાંગ પર બધે-બધા પાણીથી અભિષેક થવો જોઈએ. કપડાં બધાં જ કાઢીને બાળી નાંખજો.'... 'અલંકારો પણ બધે-બધાં પહેરાવી દેજો. એક પણ અલંકાર બાકી ના રાખતાં. એની ના છતાં પણ પહેરાવજો. એક પણ અલંકાર છોડતા નહીં. અને એને પણ છોડતાં નહી.'
(ક્રમશ:)


