- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
- પર્યુષણ વિશેની વિશેષ વાણી
પહેલે સ્થાને તુલા લગ્નમાં મંગલ તથા કેતુ હતા. બીજે સ્થાને વૃશ્ચિક લગ્નમાં બુધ નામનો ગ્રહ હતો. ત્રીજે સ્થાને ધનલગ્નમાં રવિ એટલે સૂર્ય હતો. ચોથે સ્થાને મકરલગ્નનો શુક્ર ગ્રહ તો પાંચમે સ્થાને કુંભ લગ્ને ગુરુ તથા શનિ ગ્રહો હતા. સાતમે સ્થાને મેષ લગ્નનો રાહુ હતો તો દશમે સ્થાને કકંલગ્નનો સ્વઘરનો ચંદ્રગ્રહ હતો. જ્યારે ધનલગ્નનો સૂર્ય હૃદયના સ્થાનમાં હતો.
આવો ઉત્તમ ગ્રહયોગ બહુ ઓછાનો હોય છે. આ ઉત્તમ ગ્રહયોગ હતો. શાક સંવત ૧૩૮૨, વિક્રમસંવત ૧૫૨૧ ના વરસે. પોષ વદિ-૩ના પુણ્યદિવસે મધ્યરાત્રે= પાછલી રાતે, પ્રભાત થતાં પહેલા પહેલા આવો ઉત્તમ ગ્રહયોગ સર્જાયો હતો.
આવો ઉત્તમ ગ્રહયોગવેળાએ આશ્લેષા નક્ષત્રમાં તથા છઠ્ઠા તુલા લગ્નમાં એક બાળકનો જન્મ થયો.
આ બાળકની કુંડળી જોઈને તે સમયના આચાર્ય સમયરત્ન સૂરીશ્વરજી મહારાજાએ આતો ફળાદેશ જાણીને જણાવ્યું કે ' આ બાળક તપસ્વી, તીર્થ જેવો પૂજનીક, મોટો વિદ્વાન કે મોટો યતિરાજ થશે.''
એ મહાત્માની ફળાદેશને સફળ આદેશ પૂરવાર કરતા હોય તેમ આ લહુરાજ નામે બાળક વિ.સં.૧૫૩૦ ના જેઠ સુદ-૧૦ ના રોજ નવ વર્ષની નાની બાલ્યવયે આચાર્યશ્રી લક્ષ્મીસાગર સૂરીશ્વરજી મહારાજના હાથે પાટણની ધર્મનગરીના આંગણે 'પાલનપુરીયા ઉપાશ્રય' માં દીક્ષા= સંન્યાસ સ્વીકારે છે.
દીક્ષા પછી તેમનું નામ સ્થાપન થાય છે. મુનિશ્રી લાવણ્યસમય મહારાજ. જ્ઞાાનની તીવ્ર લગની સાથે અભ્યાસ કરે છે. ૧૬ મા વર્ષે વિ.સં.૧૫૩૭મા સરસ્વતી તેમના ઉપર પ્રસન્ન થાય છે. અને આ વિદ્વાન નવયુવાન મુનિવર અનેક વિધ પદ્ય સાહિત્યની રચનાઓ જૈનશાસનને ચરણો ભેટ ધરે છે.
ચોપાઈ, સ્તવન, છંદ, રાસ, સ્તુતિ, ગીત, પ્રબંધ, સમઝાય, વિવાહલો, એકવીસો જેવા અનેક પ્રકારના સાહિત્યોમાં ૩૫ જેટલા નામો આત્યારે ઉપલબ્ધ થાય છે.
નાના- મોટા અનેકવિધ સાહિત્યપ્રકારોમાં બે-ચાર પ્રબંધ ગ્રંથો પણ છે. જેમાંનો એક વિસ્તૃત પ્રબંધ છે- 'વિમલપ્રબંધ'.. નવ ખંડ અને ચૂલિકા સહિત ૧૦ ભાગમાં વહેંચાયેલ આ પ્રબંધમાં આબૂ-દેલવાડાના જિનમંદિરના નિર્માતા વિમલમંત્રી ઊર્ફે વિમલ મહારાજાની જીવની આપેલ છે.
જે ગિરિરાજની ગોદમાંથી અનેકાનેક મુનિઓ મોક્ષપદને પામ્યા છે. ૧૦ કરોડ (અર્બુદ) જેટલી સંખ્યામાં આ ગિરિરાજથી નિર્વાણપદની પ્રાપ્તિ થઈ હોવાથી આ ગિરિરાજનું એક નામ અર્બુદગિરિ પણ સ્થાપન થયું હતું.
એ અર્બુદગિરિ એટલે વર્તમાનનું આબુ (માઉન્ટ આબુ)ના છેક ઉપરના ભાગે જે દેલવાડા ગાય છે, ત્યાં આજની ૧૦૦૦ વર્ષ પૂર્વે શ્રી વિમલમંત્રીએ વિશાલકાય જિનમંદીરનું નિર્માણ કર્યું હતું.
એ વિમલમંત્રીનું જીવનચરિત્ર કવિ લાવણ્ય સમજીએ 'વિમલ-પ્રબંધ' નામે ગ્રંથમાં અવતરિત કર્યું છે. આ વિમલ પ્રબંધના ત્રીજા ખંડમાં કવિશ્રીએ 'કલિયુગ' નું વર્ણન કર્યું છે. કલિયુગમાં શું થશે ? કલિયુગ કેવો છે ? કલિયુગ કોને કહેવાય ?
લગભગ ૭૫ થી ૧૦૦ જેટલા દુહામાં વર્ણવાયેલા આ કલિયુગની એક વાત પર્યુષણ સંબંધી છે. જે પર્યુષણની અત્યારે ૨૭ ઓગસ્ટના સમાપ્તિ છે, તે પર્યુષણના દિવસોમાં અને પર્યુષણ પછીના દિવસોમાં પરિસ્થિતિમાં કેટલો પલટો આવે છે, કેવું પરિવર્તન આવે છે, તેનો તાદ્શ ચિતાર અહીં રજૂ કર્યો છે.
પર્યુષણ વિશેની જે માન્યતા વર્તમાનકાળે પ્રચલિત છે, તેનો આબેહૂબ ચિતાર અહીં પ્રસ્તુત છે. પર્યુષણના આઠ દિવસો સુધી જોરદાર માહોલ હોય અને પછી ઉપાશ્રયમાં કોઈ દેખાય નહીં. પર્યુષણ પછી તો કોઈ સામો ય ના દેખાય.
વાંચો એ ૫૦૦ વર્ષ જૂના શબ્દો :
जा हुर्ई पर्व पचूसण माल,
तां सह् माउट झाकझमाल ।
मगिमांहिइ मोटा थाइ,
नाचइ अूंदर मर्विइ जाइ ।।67।।
पच्छइ कोइ न दीसह वली,
वाटं घाटं भेटइ वली,
लहि अवसर तु अलगा टलइ,
जांणइ रखे यती अम मिलइ ।।68।।
૫૦૦ વર્ષ પૂર્વેની આ ભવિષ્યવાણી માટેના આજના કાળના શબ્દો છે- ' થયા પાંચમના પારણાં, મૂક્યા ઉપાશ્રયના બારણાં.' અર્થાત પર્યુષણ પછી ઉપાશ્રયના બારણામાં પ્રવેશનારા ઓછા થઈ જાય.
પ્રભાવના
ભગવાન મહાવીર સ્વામીની ૫૮મી પાટે (૫૨ મી પાટે આવનારા આચાર્યશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજથી બદલાતી 'સમય' શાખાની પટ્ટાવલીના ક્રમ પ્રમાણેની પટિ) આવેલા કવિપ્રવર શ્રી લાવણ્યસમયજી મહારાજાએ 'વિમલ-પ્રબંધ' નામે પોતાની આ કૃતિના શ્રીજી ખંડમાં લગભગ શતાધિક ભવિષ્યવાણીઓ કરી છે. જેમાંની ઘણી બધી આ કલિયુગમાં સાચી ઠરી છે. કલિયુગની આ ભવિષ્યવાણી ભાખતાં આ પ્રબંધની રચના 'માલસમુદ્ર' ગામમાં કરી હતી. જે ગામ પ્રાય: મારવાડ યા મેવાડમાં હોવું સંભવે છે.
ધ્યાન રહે કે પૂજ્યશ્રીને ૧૬ વરસની ઉમરે સરસ્વતી દેવી પ્રસન્ન થયા હતા. ભવિષ્યનું જાણવું તેમને સહજ હોઈ શકે છે.


