અડગ મનોબળવાળાને કોઈ ખડગ કે ખડક ડગાવી- ડગમગાવી શકે નહિ
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
સટાક ! સટાક ! સટાક!
જોરથી ચાબુક ફટકાર્યા. પણ એ ટસનો મસ ના થયો.
ફરી વખત એણે 'સટાક' કરતાં ચાબુક ફટકાર્યા.
પણ એ પોતાના સ્થાનથી જરા પણ હટયો નહિ.
સામો કોઈ પ્રતીકાર પણ ના કર્યો. અને કાર્ય કરવાનો કોઈ પ્રતિભાવ પણ તેણે આપ્યો નહિ.
માર મારનાર એને માર ખાનાર બંને માણસો ન હતા. હાં, હતા બંને શિકારી. પણ એક માણસ અને એક કુતરો.
મારનારો માણસ હતો અને માર ખાનારો કૂતરો.
પણ સાચા અર્થમાં જોવા જઈએ. ભાવાત્મક પરિપ્રેસ્યમાં જો વિચારીએ તો માર મારનારો કૂતરો હતો અને માર ખાનારો માણસ!
જોકે વાસ્તવમાં વિચારીએ તો આજ સુધીના ઈતિહાસમાં પ્રાચ : કૂતરાએ ક્યારેય માણસને ચાબુકથી માર્યો નથી, પણ માણસોએ જ કૂતરાઓને ચાબૂક ફટકાર્યા છે. કૂતરાઓએ માર ખાધી છે અને માણસોએ માર મારી છે.
પોતાના ઘરમાંથી-શેરીમાંથી કે ગામમાંથી આઘા ખસેડવાય માણસોએ કૂતરાઓને માર્યા છે. સરકસના કરતબ દેખાડવા માટે કહીને પ્રેકટીસ કરાવવા માટેય માણસોએ કૂતરાઓને ફટકાર્યા છે. શિકારી માણસોએ શિકારની ટ્રેનિંગ આપવા માટેય કૂતરાઓ પર જુલમ ગુજાર્યા છે... તો ક્યાંક ક્યારેક હેરાનગતિ કરનારા કૂતરાઓને ખતમ કરી નાંખવા માટે બંદૂકની ગોળીઓનો કાળો કેર અને તલવારાદિ શસ્ત્રોનો સિતમ પણ માણસોએ જ આચર્યો છે.
માણસ કૂતરાઓ તરફ જેટલો ક્રૂર બન્યો છે, તેટલો ખતરનાક કૂતરો કદી માનવ તરફ નથી બન્યો.
કૂતરાઓએ ક્યારેય પણ ગામમાં રહેલા માણસોને ખતમ કરીને સાફ નથી કર્યા, પણ માણસોએ ઘણીવાર કૂતરાઓને ગામ-નગર-શેરીમાંથી મારી નાખીને સાફ કરી દીધા છે.
માણસ હેવાન બન્યો છે, કૂતરો નહિ. માણસે હેવાન બનવું તું ત્યાં હેવાન પણ બન્યો છે.
અહીં પદ્મિનીખંડના રાજા સુરસેનનો દીકરો સંગ્રાયશૂર શિકારના રસ્તે ચડયો તો રાજાએ તેને નગરમાંથી ઉતારી દીધો, નગર બહાર કરી દીધો હતો.
પોતાના શિકારી કૂતરાને લઈને રાજકુમાર નગર બહાર એક પ્રદેશને પસંદ કરીને ત્યાં રહ્યો. શિકારી કૂતરાઓને સાથે લઈને શિકાર કરવો, આ તેનો લગભગ નિત્યક્રમ જેવો થઈ ગયો હતો. એક દિવસ એ દરરોજની જેમ શિકારી કૂતરાઓને લઈને જંગલમાં આગળ વધ્યો. જ્યાં સસલાં, હરણાં બિચારા પોતાના જીવન જરૂરિયાતમાં દરરોજની જેમ ફરતાં હોય છે, ત્યાં થોડે દૂર સસલાં વગેરે અબોલ-નિર્દોષ પશુઓને જાણ ન થાય તેમ ઊભો રહ્યો.
તે પછી દરરોજની જેમ સસલાં-હરણાં દેખાડીને તેનો શિકાર કરવા માટે તે શિકારી કૂતરાઓને ગ્રીન સિગ્નલ આપ્યું. છૂ...છૂ... કરી તેને
પ્રોત્સાહિત કર્યા.
દરરોજ તો છૂ...છૂ... કરતાંની સાથે જ કૂતરા શિકારને પકડવા આંખના પલકારામાં જેટ ગતિએ છૂ થઈ જતાં હતા. પણ... પણ, આજે તો તેઓ ત્યાંથી જરાય હલ્યા પણ નહિ...
બીજીવાર પ્રોત્સાહિત કર્યા, એ સમજીને કે તેઓના ધ્યાનમાં નહિ આવ્યા હોય પશુઓ પણ આ તો કોઈક બીજા જ ધ્યાનમાં લાગતા હતા.
ત્રીજીવારના પ્રોત્સાહિત કર્યા પછી પણ જ્યારે આ કૂતરાઓએ કોઈ જ પ્રતિક્રિયા શિકાર માટેની ના કરી ત્યારે રાજકુમાર ક્રોધે ભરાયો.
કૂતરાઓને અલ્ટીમેટમ આપવા માટે પહેલા તો તેણે ચાબુક હવામાં ઉગામ્યું. છતાંય કૂતરા ફરકયા નહિ. એટલે પછી ચાબુકને તેણે હવામાં જોરદાર વીંઝયું. પણ નો રીપ્લાય.
કૂતરાઓ પણ જાણે આજે કંઈક નક્કી કરીને જ આવ્યા હોય તેમ લાગતું હતું. શું નક્કી કર્યું હતું. તે તો તે કૂતરા અને જ્ઞાાની જાણે. પણ ગમે તે હોય કૂતરા આજે કોઈ પ્રતિક્રિયા નહોતા આપતા.
હવે રાજકુમાર આગળ વધ્યો. 'સટાક' કરતું એક ચાબુક કૂતરા પર ફટકાર્યું. પછી બીજું, ત્રીજું, બીજા-ત્રીજા કૂતરા ઉપર પણ કૂતરા ત્યાંથી ટસના મસ ના જ થયા.
અડગ મનોબળવાળાને કોઈ ખડગ કે ખડક ડગાવી ડગમગાવી શકે નહિ.
ફરી એકવાર 'સટાક' નો અવાજ. શિકારી કૂતરાનો જ જાણે શિકાર કરવાં માંગતો હોય તેમ રાજકુમાર ઝનૂનથી ઉછળી-ઉછળીને મારી રહ્યો હતો. આ અવાજથી સસલો-હરણાં વગેરે બધાં જ પશુઓ ત્યાંથી-પોતાના સ્થાનેથી ભાગી ચૂક્યા હતા.
હવે કૂતરાઓએ રાજકુમાર તરફ જોયું. અત્યાર સુધી તેઓ શિકાર તરફ જોઈ રહ્યા હતા. પણ શિકારના જતાં રહેવાથી કૂતરાઓએ રાજકુમાર તરફ મોઢું ફેરવ્યું.
હવે રાજકુમાર ગભરાયો આ શિકારી કૂતરા ક્યાંક તેનો જ શિકાર ન કરી લે. અહીંયા અત્યારે તેને બચાવનાર પણ કોઈ જ નથી. એટલે રાજકુમાર નગર તરફ ભાગ્યો. કૂતરા પણ તેની પાછળ આગળ રાજકુમાર, પાછળ કૂતરા...
શું કર્યું કૂતરાઓ ! શું થયું રાજકુમારનું ?... તે હવે પછી...