Get The App

સત્તાધીશ કરતાં દ્વારકાધીશ મોટા છે, ગવર્નર કરતાં પરમેશ્વર મહાન છે

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
સત્તાધીશ કરતાં દ્વારકાધીશ મોટા છે, ગવર્નર કરતાં પરમેશ્વર મહાન છે 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'તને ખબર છે એ કોણ છે ?'

'હાં.'

'તો ય તું તેમને અટકાવે છે ?લ્લ

'હાં.'

'તને ખબર છે, એમને અટકાવવાનું પરિણામ શું આવી શકે છે ?'

'કંઈ પણ આવી શકે છે. શું આવશે, તે ખબર નથી.'

'તો પછી કેમ રોકે છે. એમને મંદિરની અંદર જતાં ?'

અને તરત જ એણે પોતાની આંખની વેધક નજર સાથે આંગળીથી ઈશારો કરીને પોતાની નજીકમાં ટીંગાડેલું બોર્ડ વાંચવા જણાવ્યું.

સૌએ બોર્ડ વાંચ્યું.

વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારકા પધાર્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવાની સાથે-સાથે ત્યાં કંઈ પણ સમસ્યા હોય તો ત્યાંને ત્યાંજ તેનું સમાધાન થઈ જાય, તે હેતુથી કારકુન-સેવકથી માંડી સંપૂર્ણ રાજ-રસાલા સાથે તેઓ આવ્યા હતા. પહેલા દર્શન પછી જ બીજું બધું કાર્ય.

ભગવાનના ભક્તોની આ જ ખાસિયત છે. પહેલા ભગવાન પછી અન્ય કંઈ પણ. કાર્યની પહેલ ભગવાન થકી જ. જ્યાં ભગવાનથી કાર્યની પહેલ હોય, ત્યાં સર્વ કાર્ય સહેલગાહ જેવું થઈ જાય, સહેલું થઈ જાય. ભગવાન ત્યાં એક સહેલી બનીને કાર્યને સહેલ કરવા અદ્રશ્યરૂપે સહાય કરવા હાજર થઈ જાય છે.

પવિત્ર નદીમાં સ્નાન કરી શ્વેત વસ્ત્રો શરીર પર ધારણ કર્યા. પ્રભુનું નામ લેતાં-લેતા તેઓ રાજરસાલા સાથે દ્વારકાધીશના દ્વાર પર આવ્યા. હૈયે ને હોઠે દ્વારકાધીશનું દ્વાર પર દ્વારપાલ બનીને મંદિરનું રખોપું કરનારા એ યુવાને બંદૂક આડી ધરી.

મહારાજાના આડતિયા આડે આવ્યા. બોલ્યા - 'ખબર છે, આ કોણ છે ? આપણા મહારાજા સાહેબ છે. ઓળખતા નથી લાગતાં...' તે સમયે દ્વારકા વડોદરા સ્ટેટના તાબામાં હતું એટલે વહીવટદાર તે સંત્રીઓને કદી રહ્યા હતા. રૂઆબ પ્રગટ કરી રહ્યા હતા. શેરીના કૂતરાનો સિંહ જેવો રૂઆબ જણાઈ રહ્યો હતો.

બંને સંત્રીઓ બોલ્યા - 'જે હોય તે. અત્યારે અમે દ્વારકાધીશના દ્વારપાળ છીએ. અહીં માન-મર્યાદા જાળવવી જ પડશે. વાંચી જુઓ આ બોર્ડ, જ્યાં અહીં અંદર પ્રવેશવાની મર્યાદા દર્શાવી છે.'

બધાએ બોર્ડ વાંચ્યું. ''પગરખાં બહાર કાઢીને પછી જ મંદિરની અંદર પ્રવેશવું.'' અને ક્ષણવાર મહારાજાના પગરખા તરફ જોઈ રહ્યા.

પણ આ તો મહારાજ હતા. આખા વડોદરા સ્ટેટના મહારાજા હતા. એ ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે જઈ શકે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે જોઈ શકે. એમનું રાજ્ય છે. એમને અટકાવવાની તાકાત કોની ?

વળી, એમને જે અટકાવે, તેને પછી તેની ગાદી પર કોણ ટકાવે ? જે અટકાવે એ અટકાયતમાં આવે.

એટલે વહીવટદાર બોલ્યા - 'મહારાજા સાહેબને અટકાવવાનું દુષ્પરિણામ વિચારી લેજે. તારે જો ટકવું હોય તો અટકાવવાનું રહેવા દે. વળી, તું ટકાનો આદમી ! કેટલું ટકીશ તું ?'

બધા હવે ઘડીકમાં મહારાજા તરફ અને ઘડીકમાં દ્વારપાળ તરફ જોઈ રહ્યા હતા. પણ મહારાજા સાહેબ સ્થિર હતા. તનથી અને મનથી પણ. તેમણે બધાને બોલતા અટકાવ્યા. પોતાના પગરખા બહાર ઉતાર્યા. ખૂબ જ ભાવથી દ્વારકાધીશના દર્શન કર્યા. અને પછી પોતાના ઉતારે આવ્યા.

આરતી પછી સંત્રીઓની પાળી પૂરી થતી હતી. મહારાજા સાહેબે બંને સંત્રીઓને બોલાવ્યા. સભા ભરાઈ હતી. મહારાજા સાહેબના મોં પર રોષ હતો. જે જોઈને સૌને લાગતું હતું કે આજે કાંઈક અજુગતું બનવાનું છે.

સિંહાસન પર મહારાજા બેઠા હતા. સામે બંને દ્વારપાલો ઊભા હતા. બંને પડખે દીવાન આદિ રાજ કારભારીઓ હતા.

બધાની નજરો ચકળવકળ થઈ રહી હતી. શું થશે તે કળી શકાતું નહોતું. ઘડીકમાં મહારાજા તરફનો ઘડીકમાં દ્વારપાળો તરફ. એક તરફ ટોચનો માનવી હતો તો બીજી તરફ વોચનો માણસ. એક તરફ રાજસત્તાનો ધણી હતો તો બીજી તરફ વોચનો માણસ. એક તરફ રાજસત્તાનો ધણી હતો તો બીજી તરફ ધર્મસત્તાની કણી હતી. એક તરફ સ્વયં સત્તાધીશ હતો તો સામે પક્ષે દ્વારકાધીશનો દ્વારપાલ હતો.

મહારાજા સાહેબના મુખ રૂપી તોપમાંથી દારૂગોળો ફુટે એટલી જ વાર હતી. સૌની નજર હવે તેમની પર મંડરાયેલી હતી. બંને દ્વારપાલો સ્થિર ઊભા હતા. દ્વારકાધીશની આમન્યા સચવાયાનો સંતોષ તેમના ચહેરા પર પરસેવાની બુંદ રૂપે ચમકી રહ્યો હતો. એમને મન સત્તાધીશ કરતાં દ્વારકાધીશ મોટા હતા.

એમણે આદેશ કર્યો. દ્વારકાધીશના દ્વારપાલોનું પદ વધારી આપ્યું. એમને એમના પદની ગરિમા સાચવવાનું મોટું ઈનામ મળી ગયું.

જ્યારે, એમની  સાથે રહેલા જી હજૂરિયા-ચાપલૂસોનું પદ રાજાએ છીનવી લીધું. એમને પોતાથી દૂર કરી દીધા. જે નિયમથી દૂર થાય છે, તેઓ પોતાની ગરિમા ખોઈ બેસે છે.

પદનો મદ ક્યારેય ન કરવો. અને પદની ગરિમાઈને ગરીબાઈ ક્યારેય ના દેખાડવી.

પ્રભાવના

ભારતના બીજા નંબરનું હિલસ્ટેશન, માઉન્ટ આબુ, ઉપર આવેલ જગપ્રસિદ્ધ જિનમંદીર દેલવાડાના દર્શનાર્થે અંગ્રેજ અફસરો આવ્યા. મહામંત્રી વિમલશાહના અને મહામાવ્યો વસ્તુપાલ-તેજપાલના બનાવેલા આ જિનાલયોમાં પ્રવેશવા માટે અંગ્રેજ અફસરો ચામડાના બુટ પહેરીને જ જઈ રહ્યા હતા.

ત્યારે તેમને અટકાવીને તે સમયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને સમયજ્ઞા આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી (કાશીવાલા) મહારાજ સાહેબજીએ તેમને કપડાના મોજા પહેરાવડાવ્યા. ચામડાના બુટ ઉતરાવી દીધા. પછી જ પ્રવેશ પામવા દીધો.

મંદીરો ન અભડાય તે માટે નાનાથી મોટા સૌ પોતપોતાની રીતે સજાગ રહેતા. ગવર્નર કરતાં પરમેશ્વર મોટા-મહાન છે. તેની મર્યાદા જળવાવી જ જોઈએ.