Get The App

સંસારના પ્રદુષણની રજ-ખરજ સંયમના ભૂષણ સમા સૂરજને શું કરી શકે?

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
સંસારના પ્રદુષણની રજ-ખરજ સંયમના ભૂષણ સમા સૂરજને શું કરી શકે? 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

એક પ્રેમિકા પોતાના પ્રેમી પાછળ પાગલ છે. પ્રેમીનો એક વર્ષનો વિરહ એને પીડી રહ્યો છે. વિરહની આગથી દાઝેલી એ પ્રેમિકા પ્રેમીને જોતાંની સાથે જ હર્ષઘેલી બની જાય છે. પછી એ જે પાગલપન આચરી રહી છે, એનું આબેહુબ ચિત્રણ થયું છે - સ્વૂલિભદ્ર નવરસો નામે કાવ્યમાં.

સૌૈંદર્યનું એવું અદ્દભુત વર્ણન છે આ કાવ્યમાં, કે માણસ એકવાર સૌંદર્યથી ભીંજાઈ જાય. સૌંદર્યથી તર-બ-તર કરતું આ કાવ્ય વાંચીને રચનાકારના ગુરુજી પણ અદ્દભુત-અદ્દભુત બોલી ગયા. પણ તેમને વિચાર આવ્યો કે આવી સૌંદર્ય-સભર રચના કરનાર આ મુનિ શું શીલવ્રતમાં અડગ હશે ? તેમનું મન શું સંયમ-ભરપૂર હશે ? વાયકા તો ત્યાં સુધી કહે છે કે ગુરુજીને આ મુનિને સમુદાય બહાર કરવાનું પણ મન થઈ આવ્યું.

ગુરુજીના મનનું સમાધાન કરતું એક બીજું કાવ્ય આ મુનિશ્રીએ લખ્યું. આ કાવ્યનું નામ હતું - શિયળની નવવાડ. શિયળનું ગજબનાક વર્ણન આ કાવ્યમાં ગૂંથાયેલું છે. એક વાડ તો હજુ તૂટી જાય. પણ નવ-નવ વાડ... માણસ ક્યારેય મર્યાદા બહાર ન જાય. શિયળની નવ વાડ મુનિને અકબંધ રાખે. તેમના સંયમને ક્યાંય ઉની આંચ ના આવે. સંયમ-નિયમ રૂપી કાંચ હરહંમેશ ઊજળો રહે છે આ નવ વાડથી. સંસારના પ્રદુષણની રજ આ સંયમના સૂરજને કશું જ ના કરી શકે.

આવું અદ્દભુત વર્ણન શીલવ્રતનું મુનિશ્રીએ કર્યું છે આ કાવ્યમાં જેને વાંચીને ગુરુજીનું મસ્તક મુનિ પ્રત્યે અહોભાવથી ઝુકી ગયું. મુનિશ્રીના દ્રઢ સંયમમાં આચાર્યશ્રીનું મન ઝૂમી ઊઠયું. દંતકથા કહે છે કે શિષ્યની માફી માંગીને ગુરુજીએ ફરી સમુદાયમાં સમાવી લીધા.

સવારના ઉઠયા. પ્રતિક્રમણ કર્યું. પડિલેહણ આદિ ક્રિયાઓ કરી. જિનાલયમાં પ્રતિમાજી સમક્ષ વંદનાદિ વિધિ કરી. નવકારશીનું પચ્ચક્ખાણ પારવા માટે અર્થાત્ વર્તમાન ભાષામાં નાસ્તો કરવા માટે શિષ્યોએ ગુરુજીને વિનંતી કરી.

ગુરુજી કહે - આજે મારે ઉપવાસ છે. ચોવિહારો-નિર્જલ ઉપવાસ.

આપની તબિયત તો જુઓ. આવા સમયે ઉપવાસ ના કરાય ગુરુજી. ચાલો, પધારો. શિષ્યોએ ફરી ફરી એ વાત દોહરાવી.

'આજે પર્વનો દિવસ છે. આટલું કરવા દો. મેં તપચિંતવણીના કાઉસ્સગ્ગ સમયે ઉપવાસ ધારી લીધો છે.' અને શિષ્યો મૌન.

બીજે દિવસે શિષ્યોએ ફરી વાપરવાની વિનંતી કરી. ગુરુજી કહે - 'આજે પોરિસી (સૂર્યોદય પછી એક પ્રહર સુધી કશું ન લેવું)નું પચ્ચક્ખાણ છે.'

અને તે પછી આટલું જ બોલ્યા - 'ખાઈ-ખાઈને તો અનંતા ભવ વીતાવ્યા છે.' બસ, એમનો દેહ નિર્જીવ થઈ ગયો. અણાહારી દશા પૂજ્યશ્રી મજબૂત થઈ ગઈ.

તપાગચ્છના આચાર્ય વિજયરાજસૂરિની પરંપરામાં થયેલા આ ઉપાધ્યાયજી એટલે જિનશાસનમાં સૌથી વધુ ગવાતા - શ્રી ઉદયરત્નજી મહારાજ.

'ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા

સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી...'

આ કડીથી લગભગ જ કોંક અજાણ હશે.

વિક્રમ સંવત્ ૧૭૫૦ આસપાસમાં તેમની કર્મભૂમિ ખેડાથી શંખેશ્વર મહાતીર્થનો છરીપાલક પદયાત્રા સંઘ નીકળ્યો. શંખેશ્વરના ઠાકોરે દરવાજા બંધ કરી દીધા. ત્યારે પૂજ્યશ્રીએ 'પાસ શંખેસરા, સાર કર સેવકાં, દેવકાં એવડી વાર લાગે... પ્રગટ થા પાસજી ! મેલી પડદો પરો...લ્લ આ શબ્દો ઉચ્ચાર્યા. કાવ્યનો ચમત્કાર એ થયો કે દરવાજા આપોઆપ ખુલી ગયા. અને ઠાકોર પૂજ્યશ્રીના ચરણોમાં ઝૂકી ગયા. આ પ્રસંગથી પણ લગભગ સૌ વાકેફ હશે...

ખેડા નગરની બહાર ત્રણ નદીઓની વચ્ચે પૂજ્ય ઉપાધ્યાયશ્રી ઉદયરત્નજી મહારાજ ચાર મહિના ચોમાસાના કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. તેથી ત્યાં દેહ-દ્વીપ બની ગયો. ચોમાસામાં વહેતી નદીઓ પણ સંતત્વ પામી ગઈ.

ખેડાના આ પ્રસંગથી ત્યાંના ૫૦૦ ભાવસારોના ઘર પૂજ્યશ્રીના ચરણે આવી ઊભા. ત્યાં એક જિનાલયની વ્યવસ્થા થઈ. ભાવસારોના આ જિનાલયની પુનઃપ્રતિષ્ઠા કલિકુંડ તીર્થોદ્વારક આચાર્યશ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના શ્રીહસ્તે પચીસેક વર્ષ પૂર્વે થઈ હતી.

ખેડા ગામમાં ભીડભંજન-અમીપુરા પાર્શ્વનાથ આદિ જિનાલયો પણ આ મહામહિમ પૂજ્યશ્રીની દેન છે.

પોરવાડ જ્ઞાતિના પૂજ્યશ્રીના માતાજીનું નામ માનાબાઈ તથા પિતાજીનું નામ વર્ધમાન હતું. તેમના મોટાભાઈએ પણ દીક્ષા લીધી હતી. મુનિશ્રી હંસરત્નજી નામ ધરાવતા તેમના મોટાભાઈએ પણ સ્તવનચોવીસી આદિ અનેક કૃતિઓ રચી હતી.

દંતકથા એમ પણ કહે છે કે એમની પાસે એક વિશિષ્ટ શક્તિ હતી. ઈન્દ્રજાલિક જેવી આ શક્તિથી તેઓ પરમાત્માનું સમવસરણ ખડું કરી શકતા હતા. અને સૌને તેમના દર્શન પણ કરાવી શકતા હતા.

અઢારમી સદીના આ ''અઢાર સહસ્ર શીલાંગના ધાર''ના પરમ પવિત્ર શબ્દ-વંદન આ અઢારમી સદીના સંતને - વસંતને...

પ્રભાવના

લોકજીભે ગવાયેલી પંક્તિઓ, જે પૂજ્યશ્રી ઉદયરત્નજી મહારાજની મહત્તા જણાવે છે

''આંખડિયે રે મેં આજ શત્રુંજ્ય દીઠો રે...''

''શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે...''

''કોયલ ટહુંકી રહી મધુવન મેં...''

''કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે...''

''રાધા જેવા ફુલડાંને, શામળ જેવો રંગ...''

''રે જીવ માન ન કીજીયે, માને વિનય ન આવે રે...''

''સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત્...'

''તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું...''