Get The App

એક સાથે નવ શ્રીફળ ફોડવાની અભિનવ કલા : રાજવૈદ્ય પોલાક (પાલ્હાક)

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
એક સાથે નવ શ્રીફળ ફોડવાની અભિનવ કલા : રાજવૈદ્ય પોલાક (પાલ્હાક) 1 - image

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

'એકસાથે નવ શ્રીફળ તો કેવી રીતે તોડી શકાય ? કદાચ બે હાથથી વધુમાં વધુ બે શ્રીફળ તોડી શકાય. નવ તો માનવામાં આવે તેમ નથી.'

દિલ્હીની ગાદી પર તે સમયે પીરોજશાહ સુલતાન રાજ કરતો હતો. તે એકવખત બીમાર પડયા. ત્યારે તે સમયના જૈનાચાર્ય શ્રી જિનપ્રભસૂરિશ્વરજી મહારાજાના પરિચયમાં આવેલા મેવાડી વૈદ્ય પોલાક (અથવા તો પાલ્હાક) બાદશાહની સારવાર અર્થે ત્યાં આવેલા.

બાદશાહ તે મહાવિદ્યની સારવારથી સારા-સાજા થઈ ગયા. આ મહાવૈદ્ય પણ ખૂબ જ ઊંડા જાણકાર હતા. આયુર્વેદના દરેક અંગોના તેઓ નિષ્ણાત હતા. અનેકાનેક ઔષધિઓનું ભરપૂર જ્ઞાાન હતું. અને અનેકાનેક ઔષધિઓનો ભંડાર તેમના ઘરે ભરેલો હતો. વળી, તેઓ રસાંગવેદી પણ હતા. અનેક પ્રકારના રસોનું તેમને જ્ઞાાન હતું. ઔષધિના રસનું તો જ્ઞાાન હતું, પણ ધાતુઓના રસની પણ તેમને અઢળક માહિતી હતી.

અનેક યોગોના પણ તેઓ માસ્તર હતા, માસ્ટરમાઈન્ડ હતા. તે સમયના તેઓ યોગાચાર્ય જ નહિ, યોગસમ્રાટ હતા. તથા વિવિધ શાસ્ત્રોના તેઓ નિષ્ણાત હતા.

અને આવા બધા કારણોના લીધે તેઓ મહાવૈદ્ય યા વૈદ્યરાજ તરીકે પંકાયા હતા. એટલું જ નહિ, તે સમયના તેઓ રાજમાન્ય વૈદ્ય હતા.

આવા અનેકાનેક શાસ્ત્રોનું બંને પ્રકારનું જ્ઞાાન તેઓ ધરાવતા હતા... થીયરીકલી અને પ્રેક્ટીકલી... શાબ્દિક જ્ઞાાન પણ હતું અને પ્રાયોગિક જ્ઞાાન પણ હતું. અર્થાત્ શબ્દજ્ઞાાન પણ હતું અને અનુભવજ્ઞાાન પણ હતું.

આ વૈદ્યરાજ પાસે એક બીજી શક્તિ પણ હતી. જેને આપણે કળા કહી શકીએ. એવી અનેક કળાઓ તેમને વરી હતી. તેમાંની એક કળા હતી - એક સાથે નવ શ્રીફળ ફોડવા. તેઓ એક સાથે, એક ઝાટકે નવેનવ શ્રીફળના ટુકડા કરી આપતા. આ કળાની વાત સુલતાન પીરોજશાહે પણ સાંભળી હતી. પણ તેમના માનવામાં નહોતી આવતી.

એક સાથે નવ-નવ શ્રીફળ ફોડે કઈ રીતે ? હો, નવ શ્રીફળ નીચે મૂકી દે, અને એના પર બંને હાથના પ્રહારથી અથવા તો મજબૂત શારીરિક બાંધાવાળો તેના પર આડો પડીને નવ શ્રીફળ ફોડી શકે. અને ત્યારે તો નવ શું, વધારે પણ ફોડી શકે. પણ આ મહાવૈદ્ય તો શરીરના જુદા-જુદા પોતાના શરીરના અંગોથી નવ શ્રીફળ તોડી બતાવતા હતા. જે અશક્ય લાગતું હતું.

આ દુનિયામાં કેટલાક માણસો ચેલેન્જેબલ હોય છે. તેઓ અશક્યને પણ શક્ય બનાવતાં હોય છે. શક્ય કામ તો બધા કરી લેતા હોય છે. અશક્ય કાર્ય કરી બતાવવામાં જ કંઈક વિશેષતા છે. અશક્ય કાર્ય જ ઓળખ ઊભી કરે છે.

આ મહાવૈદ્ય પણ પોતાની એક આગવી ઓળખ લઈને ઊભા હતા. અનેક કળાઓના જાણકાર રાજવૈદ્ય આજે સુલતાન સમક્ષ હાજર ઊભા હતા. આચાર્યશ્રી જિનપ્રભસૂરિશ્વરજી મહારાજાથી આ સુલતાન પણ પ્રભાવિત હતા તો આ રાજવૈદ્ય પણ પ્રભાવિત હતા. અને આચાર્યશ્રીના પ્રતાપે-પ્રભાવે જ આજે આ બંને મહારથીઓ રાજમહેલના એક જ રથ પર આવી ઊભા હતા.

પોતાના આત્મિકયોગોથી જેમ સાધુપુરુષ પોતાની અંદર રહેલી આત્મશક્તિને જાગૃત કરે છે તેમ આ રાજવૈદ્યે પણ પોતાની શારીરિક અને યૌગિક શક્તિઓથી પોતાના શરીરમાં બળસંચાર કર્યો હતો. એમના આ શરીરના એક-એક અંગ-પ્રત્યંગ વજ્ર જેવા થઈ ગયા હતા. હાડકા તો મજબૂત થાય, ચામડી પણ વજ્રભેદિની બની ગઈ હતી.

સુલતાનના ઉપરોક્ત સંશય પર વૈદ્યરાજ ઊભા થઈ ગયા. તેમના સંશયનો પ્રતિકાર કરવા સજ્જ થઈ ગયા. કોઈ શાબ્દિક જવાબ આપ્યા વગર તેમણે શ્રીફળ ભેગા કર્યા.

સર્વપ્રથમ તો વૈદ્યરાજે એક કડક સોપારી લીધી, જે સોપારી સુલતાને પોતાના હાથેથી જ તેમને પકડાવી હતી. અને તે પછી સુલતાને તપાસીને આપેલા શ્રીફળની ઉપર તે સોપારી મૂકી. અને માત્ર પોતાના અંગૂઠાથી પ્રેશર આપીને તે સોપારીને શ્રીફળમાં ઘુસાડી દીધી.

ત્યારબાદ નવ શ્રીફળ લીધા. બે શ્રીફળ ઢીંચણ નીચે રાખ્યા, બે પોતાની બગલમાં દબાવ્યા, બે શ્રીફળ હાથની કોણી નીચે દબાવ્યા, બે પોતાના ખભા પર ગાલ પાસે રાખ્યા અને એક માથા નીચે રાખ્યું. અને એક સાથે પોતાના મજબૂત શરીરના પ્રયોગથી નવેનવ શ્રીફળ ફોડી નાંખ્યા.

વૈદ્યરાજની આ કલા જોઈને સુલતાન દિગ્મૂઢ બની ગયો.

વૈદ્યરાજને ઓળખતા આચાર્યશ્રીએ સુલતાનને કહ્યું - 'આવી તો અનેક કલાઓથી આ ભારતના કલાકારો સજ્જ છે. શરીરની અને મનની આવી કલાઓથી સર્વશ્રેષ્ઠ કલા છે - અધ્યાત્મકલા. જે પણ આ ભવ્યભૂમિની દેનગી છે. અને એ જ સર્વોપરી કલા છે.'

પ્રભાવના

એકવાર સુલતાન પીરોજશાહે પોતાની સભામાં પૂછયું - 'અત્યારે ગણિત-શાસ્ત્રમાં સર્વોપરી કોણ છે?

ત્યારે ભૃગુકચ્છ (ભરૂચ)માં બિરાજમાન અને ભરૂચમાં જ રચના કરનારા આચાર્ય મહેન્દ્રસૂરિશ્વરજી મહારાજનું નામ દર્શાવતા આચાર્ય મલયેન્દુસૂરિજીએ સંવત્ ૧૪૨૭ (શક સંવત્ ૧૨૯૨)માં આચાર્ય મહેન્દ્રસૂરિજી રચિત ''ગણિતશાસ્ત્ર સુયંત્રાગમ (યંત્રરાજ)' નામે ગ્રંથ સુલતાનને બતાવ્યો. સુલતાને આથી પ્રભાવિત થઈને ભરી સભામાં સર્વ સંમતિથી આચાર્યશ્રીને'ગણકચક્ર-ચૂડામણિ' બિરૂદથી સન્માનિત કર્યા. ગણિતજ્ઞા જૈનાચાર્યનો જય હો.