- ખુલાસા વિનાની રાતો લાશ બની જાય છે,
ખુલ્લા બનીને જ પ્યારભરી રાત માણી શકાય છે
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
'પેલા વિશિષ્ટ લાડુ કયાં ગયા ? ગઇકાલે જ તો તે બનાવ્યા હતા.' પતિએ લાડુ મોં'માં મૂકતા જ પ્રશ્ન કર્યો. લાડુ ચાખતાજ ખબર પડી ગઈ કે પોતાના માટે બનાવેલ ખાસ લાડુ એ આ નથી, બીજા છે. આ લાડુ બીજા છે.
પ્રશ્ન એણે પોતાની જાતને જ કર્યો. પત્નીને કર્યો હોત તો ખુલાસો પણ કરત. જો કે ખુલાસો ગળે લાડુની જેમ ઉતરત તો નહિ જ, પણ તે છતાંય કંઈક તો સમાધાનનો રસ્તો નીકળત. પણ એ કશું બોલ્યો નહિ. મોં બગાડીને લાડુ ખાવા દ્વારા પારણું કરીને બહાર નીકળી ગયા. અને પત્ની સાથે અબોલા લઈ લીધા.
ગઈકાલે પોતાના માટે ખાસ દ્રવ્યો નાંખીને બનાવેલા વિશિષ્ટ લાડુ રાતોરાત ક્યાંક ગાયબ થઈ ગયા છે. એટલે નક્કી કોઈ રાતે આવ્યો હશે. એનો પ્રેમી જેવો કોઈ હશે... અને તેને લાડુ આપી દીધા હશે. નહિતર રાતોરાત લાડુ જાય ક્યાં ?
અને આવા પ્રેમીઓ રાખનાર પત્ની સાથે મારે કોઈ વાત પણ કરવી નથી. ખુલાસો પણ કરવો નથી. અને એની સાથે સહવાસ પણ હવે પછી મારે માણવો નથી. એ એના રસ્તે, હું મારા રસ્તે...
ખુલાસા વિનાની એ રાતો હવે લાશ જેવી બની ગઈ હતી.
***
મંત્રીશ્વરના મહેલનો નીચે એક માણસ કાળો કલ્પાંત કરી રહ્યો છે. ત્રણ દિવસથી એ ભૂખ્યો છે. પેટમાં આગ લાગી છે, અન્ન પિતા એ તરફડી રહ્યો છે. વધારામાં એના પગે પણ કીડા પડી ગયા છે. વરસાદમાં પલળી-પલળીને પગ સડી ગયા હતા. ભૂખ-તરસથી આકુળ-વ્યાકુળ બનેલો તે રખડી રહ્યો હતો.
શ્રાવણસુદ-પાંચમની મેઘલી રાત... કાળા ડિબાંગ વાદળના કારણે રાત કાળી રાત બની હતી. અને એ ભિખારી માટે તો વધુ કાળી બની હતી, એ રાત.. રડી રહ્યો છે, ઝૂરી રહ્યો છે ભિખારી..
મહેલના ઝરૂખે લલિતાદેવી જાગતા બેઠા હતા. એમને ઊંઘ નહોતી આવતી. પોતાના પતિદેવને આવતીકાલે સવારે ઉપવાસનું પારણું હતું. પતિદેવના પારણાની ચિંતામાં એ રાત્રિજગો કરી રહ્યા છો ધર્મ-જાગરિકા કરી રહ્યા છે.
પંચમી તપનો મહિમા સાંભળીને મહામંત્રી તેજપાલે આજના શ્રાવણસુદના પાંચમના દિવસે ચોવિહારો (નિર્જલા) ઉપવાસ કર્યો હતો. જ્ઞાનના પદ ખમાસમણ, ૫૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ, ૫૧ સાથિયા (સ્વપ્તિક) આદિ કરવા દ્વારા જ્ઞાનની ઉત્તમ આરાધના કરી હતી. દિવસ દરમ્યાન કરેલી આ આરાધના-સાધનાથી શરીર થાક્યું હતું.
તેથી રાત્રે તે ઘસઘસાટ ઊંઘી ગયા હતા. કરૂણાથી ભીનું હૃદય છે. જેનું એવા લલિતાદેવીથી આ દ્રશ્યજોઈ- સાંભળી રહેવાયું નહિ. એમનું હૃદય દ્રવી ઉઠયું. રાત છે તો શું થઈ ગયું ? રાત્રે ખવાય નહિ અને રાત્રે ખવડાવાય પણ નહીં, પણ આ દ્રમક ! રિબાઈ રહ્યો છે પીડાઈ રહ્યો છે. ભૂખ-તરસ અને પગની વેદનાથી એ મરી જશે !
પતિદેવ માટેના પારણા માટે ખાસ બનાવેલા મોદક-લાડુ લઈને લલિતાદેવી જાતે જ નીચે ઉતર્યા. અને એ ભૂખ્યા જનનો અગ્નિ ઠારવા મોદક હર્ષના આંસૂ સાથે હાથેથી ઉતારી-નીતારી દીધા. બીજાના દર્દ જોઈને થયેલી પીડાને શાંત કરવા જ તેમણે તો મોદક આપ્યા હતા.
મોદક મળતાં જ તે ચમકે ત્યાં જ પોતાનો જઠરાગ્નિ શાંત કર્યો. અને એના મોં માંથી શબ્દો નીકળ્યા.' જેમણે મારી આગ ઠારી છે, તેમની બધી જ આગ ઠરી જ્જો.'
***
પેલો ડમક પોતાના આયુષ્યકર્મના સંયોગો મોદક-ભ૭ણના છ મહિના પછી મૃત્યુ પામીને વ્યંતરદેવ થાય છે. પોતાના પૂર્વભવને જુએ છે. અને પોતાની આગ ઠારનારને ત્યાં લાગેલી આગને જુએ છે.
તેજપાલ મહામંત્રી પોતાના મહાસતી જેવા પત્ની સાથે ય અબોલ લઈને બેઠા છે. અબોલાના આ ઇ-બોલા વાયરસના ચેપને છ-છ મહિના વીતા ગયા છે.
જોગ-સંજોગ એ જ દિવસે અર્થાત્ છ મહિને પાટણના રાજપુરોહિતના ૧૧ વરસના દીકરાને પગે સાપ કરડયો છે. વેદ્યો જોઈ ગયા.. પણ સાપના કુંડાળામાં ફસાયેલા પુત્રને કોઈ ઠીક ના કરી શક્યું. પુત્રને સ્પર્શ કરશે, ત્યારે જ તેનું ઝેર ઉતરી જશે. અને દેવના સંકેતે લલિતાદેવી ત્યાં આવે છે. પુરોહિતના પુત્રનું ઝેર ઉતારે છે.
આખું નગર અહીં ભેગું થયું છે. રાજા-મંત્રી બધાં અહીં હાજર છે. ત્યારે વ્યંતરદેવ મહામાત્ય તેજપાલના દિલમાં લલિતાદેવી પ્રત્યે અકાતીનું ઝેર જે પેઠેલું હતું, તે ઝેર પણ ઉતારી-નીતારી દે છે.
આખા નગરમાં સતીત્વનો જયજયકાર થાય છે, અને તેજપાલ પોતાની પવિત્ર પત્નીનો હાથ પકડી પ્યાર કરતો ઘરે લઈ જાય છે.
પ્રભાવના
વસ્તુપાલ-તેજપાલ મહામંત્રીના આવાસમાં રોજેરોજ હજારો-હજારો આહારાર્થીઓના આગમન થતા હતા.
'અનુસંઘાન-૧૦૧'ના વસ્તુપાલ-તેજપાલ ચોપાઈ ના લેખના આધારે જણાવું- અહીં દરરોજ ૧૦૦૦ થી વધુ તાપસ આદિની રોજ આહાર આદિની સેવા થતી હતી. ૧૦૦૦ સાધર્મિકો (જેનો) અને ૧૦૦૦ બ્રાહ્મણોને રોજ અહીં પોષણ મળતું. ૮૦૦ વૃદ્ધો અને રોગીઓ અહીં રોજ સેવા થતી હતી. ૧૦૦૦ થી વધુ જૈન સાધુ અને ૪૦૦૦ થી વધુ જૈન સાધ્વી અહીં નિત્ય પધારતા હતા, ભિક્ષા લેવા-ગોચરી વહોરવા માટે...


