- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
'આ તો જબરું કહેવાય !'
'આવું તો ક્યારેય જોયું નથી !'
'નનામી-ઠાઠડી ઘણી જોઈ, પણ આ તો પહેલી જ વાર !'
'ક્યાંય ઇતિહાસમાં વાંચ્યું પણ નથી અને ક્યારેય કોઈ વડવાઓના મોઢે આવું સાંભળ્યું પણ નથી !'
'ગમે તેવો સંપત્તિશાળી હોય તો ય નીકળે તો ઠાઠડી... અથવા તો કોઈક મહાપુરુષ હોય તો પાલખી નીકળે, પણ આ...!'
આજે ઉજ્જૈન નગરીમાં એક કુતૂહલ સર્જાયું હતું. રત્નસાગર ઊર્ફે રત્નાકર શેઠનું આજે મૃત્યુ થયું હતું. શેઠની ઇચ્છા હતી કે તેની અંતિમયાત્રા પાલખીમાં નહીં, પણ પલંગમાં જ નીકળે... જે પલંગ પર પોતે દિવસ-રાત બેસતો-સૂતો, એ જ પલંગ પર તેની સ્મશાનયાત્રા કાઢવી. અને એ જ પલંગ સાથે તેમના નિર્જીવ દેહનો અગ્નિ-સંસ્કાર કરવો.
બાપાને પલંગનો મોહ લાગેલો હતો, તેની જાણ દીકરાઓને હતી. તેથી દીકરાઓએ તેમની અંતિમયાત્રા તેમની ઇચ્છા પ્રમાણે પલંગ સાથે કાઢી હતી. જેને જોઈને નગરજનો ઉપરોક્ત ઉદ્ગારો એકબીજાની સામે અભિવ્યક્ત કરી રહ્યા હતા.
પલંગ પર અંતિમયાત્રા નીકળી હોય એવું ક્યારેય સાંભળ્યું જોયું ના હતું.
****
'આની ઉપર અમારો પૂરો અધિકાર છે. તમારે આ પલંગ અમને આપવો જ પડશે.'
'પણ અમારા પિતાની અંતિમ ઇચ્છા આ હતી કે તેમની અંતિમયાત્રા અને અંતિમસંસ્કાર આ પલંગ સાથે જ થાય. માટે આ પલંગ તમને ના આપી શકાય. પિતાની અંતિમઇચ્છા પૂરી કરવી એ અમારું પ્રથમ કર્તવ્ય છે.'
'પણ અમારે ત્યાં પણ આ નિયમ છે કે અંતિમયાત્રામાં આવેલ સામાન ઉપર અમો અધિકાર જમાવી શકીએ છીએ. અહીં જે આવે તે અમે લઈ શકીએ છીએ.'
શેઠના દીકરા અને સ્મશાનના અંત્યજો વચ્ચે આ પલંગને લઈને વિવાદ જામ્યો. ત્યારે સાથે આવેલ વડીલોએ દીકરાઓને સમજાવ્યા. અને પલંગનો અધિકાર અંત્યજોને અપાવ્યો.
આ પણ એક આશ્ચર્ય છે ને !
તનતોડ મહેનત કરીને જે સંપત્તિ ભેગી કરી હોય, તેની ઉપર દીકરાઓ અધિકાર જમાવી લે છે અને પોતાની સંપત્તિમાં જમા કરી લે છે. અને જે સામગ્રી સાથે અંતિમયાત્રા કાઢી હોય, તેની ઉપર સ્મશાનવાસીઓ અધિકાર જમાવી લે છે.
સ્મશાનના અંત્યજ એ પલંગને લઈને ઉજ્જૈનની બજારમાં આવ્યા અને પલંગ વેચવા કાઢયો. એક વોહરાએ ૧૫ (પંદર) રૂપિયામાં એ પલંગ ખરીદી લીધો.
પંદર રૂપિયામાં પલંગ ખરીદીને વોહરા ખુશ હતો. સસ્તામાં આવો સારો પલંગ મળી ગયો અને ૧૫ રૂપિયામાં વેચીને અંત્યજ પણ ખુશ હતો. મફતના પલંગના આટલા રૂપિયા મળી ગયા.
આગળ જતાં એક બજારમાં વોહરાએ એ પલંગ વેચવા માટે મૂક્યો. પલંગ સારો હતો એટલે ઉજ્જૈનની નજીકના નાના ગામડેથી આવેલા એક બાળકને આ પલંગ ગમી ગયો. ગરીબ ઘરના આ બાળકે પોતાની પાસે ભેગા કરેલા રૂપિયાથી એ પલંગ ખરીદી લીધો. અને પલંગ લઈને તે હરખાતો ઘેર આવ્યો.
પોતાની મા ને આ સુંદર પલંગ દેખાડયો.
દીકરાના આનંદમાં જેનો આનંદ સમાયો હોય, તે છે મા.
મા કહે, 'બેટા, તને આ પલંગ ગમી ગયો અને ખરીદી લીધો, તે સારું કર્યું. પણ આપણી આ નાનકડી ઓરડીમાં ક્યાં એને રાખીશું ? હમણાં આ પલંગને ખોલીને સમેટીને મૂકી દઈએ. પછી જ્યારે આપણે થોડું મોડુંક ઘર લઈશું, ત્યારે આ પલંગને ફરી વ્યવસ્થિત કરી દઈશું અને તે પછી તું એની ઉપર સૂવાનું રાખજે.'
પોતાની વિધવા મા સાથે રહેતો આ બાલા નામનો બાળ માની ગયો. ઘરમાં બે જ જણ હતા, તેથી બંનેએ ભેગા મળીને પલંગના પાયા ખોલ્યા.
અને..... અને... મા-દીકરાના ભાગ્ય ખૂલ્યા... પલંગમાંથી મોંઘી કિંમતના એક હજાર રત્નો નીકળ્યા. ઝગમગાટ કરતા રત્નોથી માત્ર આ નાના ખોરડા-ઓરડામાં જ પ્રકાશ રેલાયો એવું નહીં, મા-દીકરાની આંખમાં ય ચમક આવી.
ઝુંપડાની જગ્યાએ આલીશાન મહેલ બનાવી શકાય એવી લખલૂટ સંપત્તિને સામે જોઈને મા એ કહ્યું - 'બેટા, આ સંપત્તિ આપણને સત્કાર્ય માટે મળી છે, ઘર બનાવવા નહીં.'
અને બંને મા-દીકરાએ ભેગા મળી એ રત્નો મંદીરોની નગરી ગણાતા પાલિતાણા-શત્રુંજય મહાતીર્થ પર વાપરી દીધા... આજે ત્યાં નવટુંકમાંની એક ટુંક બાલાભાઈની ટુંક તરીકે જગપ્રસિદ્ધ છે.
પ્રભાવના
પુણ્યથી મળેલી સંપત્તિ પુણ્યકાર્યમાં વાપરવી. પૂર્વજન્મે કરેલા સત્કાર્યથી મળેલી લક્ષ્મી સત્કાર્યમાં વાપરવી, સ્વકાર્યમાં નહીં. આ સમજ ધરાવનાર બાલા નામે બાલે પોતાની સંપત્તિ શત્રુુંજયના મંદીર બનાવવામાં વાપરી તો લીધી. પણ નસીબ તો જુઓ...
આજે શત્રુંજયના મંદીરોમાં સૌથી વધુ પંચધાતુની મૂર્તિઓ જો ક્યાંય હોય તો એ નામ છે બાલાભાઈનું મંદિર...
એક હજાર રત્નોમાંથી એક પણ રત્ન પોતાના માટે ન વાપર્યું. આ પણ એક મહાન મહાનતા છે ને !!
ધનની ગરીબી હોવા છતાં તેણે મનની અમીરી છતી કરી હતી.


