Get The App

આ નગર સપ્ત-વ્યસન વાળું નહીં, પણ સુપ્તવ્યસન એટલે વ્યસન જાગૃત હોય તેવું હતું

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
આ નગર સપ્ત-વ્યસન વાળું નહીં, પણ સુપ્તવ્યસન એટલે વ્યસન જાગૃત હોય તેવું હતું 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

- સાચી વાત જલ્દી ખોટી લાગે છે, આ દુનિયાનું એક અજીબ આશ્ચર્ય છે.

'કાં શિકાર, કાં મહેલ!! કાં વ્યસન, કાં નગર!! કાં તો શિકાર છોડો, નહિતર આ મહેલ અને નગર છોડી અન્યત્ર ચાલ્યા જાઓ. મારા નગરમાં શિકાર નહીં જ ચાલે. આ મારી અફર આખરી આજ્ઞાા છે.''

ભરતક્ષેત્રના પદ્મિનીખંડ નામે નગરના રાજા શૂરસેને પોતાના એકના એક દીકરા સંગ્રામસેનને પોતાના આ દેશનો શુદ્ધ આદેશ ફરમાવ્યો.

બન્યું એવું કે શૂરસેન રાજા પોતાના નગરનું ખૂબ સરસ રીતે પાલન કરે છે. પોતાના રાજ્યમાં કોઈ જીવ હિંસા ન કરે, તેનું ફરજિયાત પાલન કરાવે છે. અન્ય પણ કોઈ વ્યસનો = ગલત આદતો પોતાના રાજ્યમાં પ્રવેશ ન પાસે તેની પૂર્ણ તકેદારી રાખે છે.

જુગાર, માંસાહાર, શરાબ = દારૂ, વેશ્યાગમન, ચોરી = પાપ કરીને સંપત્તિ મેળવવી, શિકાર કરવો અને પરસ્ત્રીગમન = બીજાની સ્ત્રી સાથે રમવું - આ સાત વ્યસનોને રાજા પોતાના નગરમાં પ્રવેશવા નહોતા દેતા.

પોતાના દીકરામાં તો આ વ્યસનો પ્રવેશ પામે જ કેમ ? એ તો ન જ ચાલે. વ્યસનો વ્યસન એટલે કષ્ટ=દુ:ખ આપનારા છે. આ વાતને ગળા સુધી જેઓ સમજી ગયા હોય અને ગળાની નીચે ઉતારી ચૂક્યા હોય તેવા જીવો આ વ્યસનોમાં ફસાઈને વ્યસન = કષ્ટમાં ન જ પડે! અને બીજાને વ્યસન = કષ્ટમાં પડવા પણ ના દે.

આ શૂરસેન રાજા પણ આવા જ એક ઉદારદિલ વિચારશીલ વ્યક્તિ હતી. દીકરાને ભણાવીને મોટો કર્યો. યુવાવયે પહોંચ્યો. કોઈ પણ પ્રકારના વ્યસન તેનામાં પ્રવેશ્યા ન હતા.

જે નગરમાં જુગાર રમવાની વ્યવસ્થા ના હોય, માંસ મળતું ના હોય, શરાબની ભઠ્ઠી ના હોય, વેશ્યાઓ ના હોય, પૈસાની લાલસા અને લાલચ ના હોય, શિકારની કોઈ શિખામણ ના હોય અને પરસ્ત્રી માત સમાનની ભાવના હોય - તે નગરમાં સપ્તવ્યસનનું અસ્તિત્વ ક્યાંથી હોય ? આ નગર સપ્તવ્યસન વાળું નહીં, પણ સુપ્ત-વ્યસન એટલે જ્યાં વ્યસનો જાગૃત ન હોય તેવું હતું.

આ નગરમાં તો વ્યસનોને પ્રવેશવાની કોઈ જગ્યા જ ન હતી. પણ રાજાનો દીકરો ક્યાંક ક્યારેક બહાર ગયો હશે, ત્યાં કોઈકને શિકાર કરતો જોયો. એને મજા પડી ગઈ. શિકારી જે પ્રાણીનો શિકાર કરે, ત્યારે શિકારને ભાગતો જોયો, ડરથી થરથરતો જોયો, શિકારીના બાણના નિશાનને અને તે પછી બાણમાં ફસાયેલા તે શિકારને જોયો. છેલ્લે મૃત્યુ વેળાએ તરફડતા તે શિકારને જોયો. તેમાં તેને મજા આવી.

કોઈકના તરફડાટ, ફફડાટ, ગભરાટને જોઈને ઘણા બધાં જીવોને હૈયામાં દયાભાવ ઉપજતો હોય છે, જ્યારે આ પાપી, શિકારી, દુષ્ટ રાજકુમારને આનંદ આવે છે. શિકારીના આ વિકારી આનંદને આનંદ શેં કહેવાય ? કોઈની પીડાને જ જો આનંદ કહેવાતો હોય તો એ શિકારીનો પણ શિકાર કરવો જોઈએ. એવું નથી. પીડા એ વિકારી આનંદ છે.

ધીમે ધીમે એનો શિકાર વધતો ચાલ્યો. જંગલના નિર્દોષ પશુ-પક્ષીઓ સંગ્રામશૂરનો ભોગ બનતા ગયા. મોતનો ઘાટ મોટો થતો ગયો.

એને આગળ વધતા એ જાણ થઈ કે આમાં શિકારી કૂતરાઓનો સાથ મળે તો ઔર મજા આવે. શિકારી કૂતરા એને દોડાવે. દોડાવી-દોડાવીને થકવી નાંખે. પછી એનો શિકાર સરળતાથી થઈ જાય. વળી, એ શિકારી કૂતરા એને ફાડી નાંખે. જીવતા કાચા ખાઈ જાય. બટકા ભરે. ચામડી ઉતરતી જાય. ચૂંથી નાંખે. આ વિકૃત આનંદ પણ વધુ પ્રમાણમાં મળે તે માટે તેણે અનેક શિકારી કૂતરાઓ પાળ્યા-સંઘર્યા.

આ બધું જ કાર્ય તેણે જંગલમાં જ રાખ્યું હતું. માંસ ખાતો ન હતો. માત્ર શિકારનો આનંદ લૂંટતો હતો. પણ પાપ છાપરે ચડીને પોકારે છે. રાજાને ખબર પડી ગઈ. રાજાએ પ્રથમ તેને ખૂબ ખૂબ સમજાવ્યો.

''શા માટે આ ક્રૂરતા ? આ હિંસા નિર્દોષ પશુઓની ? અરે, ક્રૂર પશુઓની પણ હિંસા ના કરાય, ત્યાં આ નિર્દોષ, ભોળા, માસૂમ એવા સસલાં, મૃગલાં વગેરેની હિંસા કેવી રીતે શોભે ? આપણને કોણે અધિકાર આપ્યો, એનો જીવ લેવાનો ? આપણે જેને જીવ આપી નથી શકતાં તેનો જીવ લઈ કઈ રીતે શકીએ ? વળી શિકારમાં-પીડામાં-હિંસામાં આનંદ હોય તો તારો શિકાર કરૃં. તેને સારૃં લાગશે.''

પણ શિખામણ તો તેણે શિખામાં બાંધી દીધી. એટલે હવે રાજાએ વટ કે સાથ વટહુકમ બહાર પાડયો. ''કા તો વ્યસન છોડ, કાં તો નગર છોડ. આ નગરમાં વ્યસન ના જોઈએ.''

સંગ્રામશૂરને ખોટું લાગ્યું.

સાચી વાત જલ્દી ખોટી લાગે છે, આ દુનિયાનું એક અજીબ આશ્ચર્ય છે.

સંગ્રામશૂર પોતાના શિકારી કૂતરાઓને લઈને પિતાના નગરને છોડીને બીજા પ્રદેશમાં ચાલ્યો ગયો.

ત્યાં છૂટથી શિકારી કૂતરાના સહારે શિકારના વિકારમાં વિકૃત-ક્રૂર બનતો જાય છે.

પણ એક દિવસની વાત...

સંગ્રામશૂર જંગલમાં ગયો, શિકારી કૂતરાઓને સાથે લઈને હંમેશની જેમ સસલા, હરણા દેખાતા જ એ પોતાના શિકારી કૂતરાઓને શિકાર માટે ગ્રીન સિગ્નલ આપ્યું.

પણ આ શું ?

કૂતરા અડીખમ ઊભા રહ્યા. ટસથી મસ ના થાય.

શિકારનો આનંદ લેવા ઉત્સાહી બનતા શિકારી કૂતરા આજે એકદમ નિરુત્સાહ હતા.

કારણ ? આગલા અંકે.....