જેનું હૈયું 'કંચન' જેવું શુદ્ધ છે તેની કિંમત 'કનક' જેવી કિમતી છે શુદ્ધ પુરુષ જ સિદ્ધપુરુષ બને છે
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
એક હળવી ફૂંક મારી, પણ હાથમાંનો પાવડર જરાય ઊડે નહીં એ રીતે અને તે પછી હળવેકથી એ પાવડર શ્રદ્ધાલુના નમેલા માથા પર આશીર્વાદ સ્વરૂપે વચ્ચોવચ-કેંદ્રબિંદુની ધરતીથી ગોળાકારે હાથ ફેરવતા ફેરવતા પાથરી દીધો.
ચંદનનો ઘસાયેલો યા પીસાયેલો પાવડર શ્રદ્ધાલુના માથા પર આશીર્વાદ રૂપે ઉતારવાનો આ જુગજૂની પ્રક્રિયા છે.
દરેકે દરેક તીર્થકર ભગવંતો શાસનની સ્થાપના દિવસે ગણધર ભગવંતોની ગણધરપદ પ્રસ્થાપના સમયે તેઓશ્રીના મસ્તક કમળ પર ઈન્દ્રમહારાજાએ રત્નોના થાળમાં ધરેલા આ સુગંધી ચૂર્ણ પોતાના હસ્તકમળથી વરસાવે.
તીર્થકર પરમાત્માનો હસ્તસ્પર્શ, ઈન્દ્રમહારાજાનો હૃદય-સ્પર્શ અને ગણધર ભગવંતોનો સર્વસમર્પણ સ્પર્શ - આ ત્રિવેણીસંગમે ત્યાં દ્વાદશાંગી (બાર આગમો) રચાય છે. જો કે એમાં ગણધરોનો જ્ઞાાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કામ કરે છે, પણ એ ક્ષયોપશમ ત્યારે થાય છે, તેમાં નિમિત્ત હોય છે - પરમાત્માનો વાસ-ચૂર્ણના માધ્યમે થતો હસ્તસ્પર્શ...
આ અવસપિંણીના છેલ્લા એટલે તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ પોતાના અગ્યાર પ્રમુખ શિષ્યો - જે બધાંજ બ્રાહ્મણ પરિવેશ, સેનિવેશ અને અભિનિવેશમાં હતા - તેઓના મુંડન પામેલા માથા પર સુગંધી અને પવિત્ર ચૂર્ણ વરસાવ્યું હતું. તેની બીજી જ પળે - અર્થાત્ વળતી પળે તે અગ્યારેય ગણધરપદથી અલંકૃત બન્યા. કર્મક્ષયોપશમથી ઝંકૃત થયા. પ્રભુના વારસદાર તરીકે સત્કૃત થયા. અને એમણે અબજો શ્લોકપ્રમાણ, ૧૨(બાર) આગમોના અધ્યયન - અધ્યાપન માટે અધિકૃત બન્યા. પ્રભુ દ્વારા અર્થથી સ્વીકૃત પદાર્થોને પ્રકૃતમાં પ્રસ્તુત કરવમાનું સુકૃત કર્યું. શાસન તેમનાથી ઉપકૃત બન્યું.
આ બધાંના મૂળમાં હતું. સુગંધી વાસચૂર્ણનો વરસાદ.
પ્રભુ પાસેથી વારસામાં મળેલી આ વાસચૂર્ણના નિક્ષેપની પ્રક્રિયા પાર પરંપરામાં વંશવારસાગત રૂપે આવી.
અનેકાનેક આચાર્ય ભગવંતો આ વાસ-નિક્ષેપની પ્રક્રિયા સમયે અનેકવિધ મંત્ર-સ્તોત્રનો આધાર લે. દરેકે દરેક પૂજ્યશ્રીઓ અલગ-અલગ મંત્રો બોલીને પોતના હાથમાં રહેલો વાસ-ચૂર્ણ શ્રદ્ધાલુના માથા પર વરસાવે. અને શ્રદ્ધાલુની ઈચ્છાઓ ફલીભૂત થાય.
પણ આ આચાર્યશ્રી મંત્ર બોલ્યા બાદ એક ફૂક હળવે લગાવે અને પછી શ્રદ્ધાલુના માથા પર એ વાસ-ચૂર્ણ વરસાવે.
ભક્તો એમ સમજતા કે આ કોઈ માંત્રિક-તોત્રિક પ્રક્રિયા છે.
એકવાર કલિકુંડ તીર્થોદ્વારક આચાર્ય વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સંસારી પક્ષે નાનાભાઈ જયંતીભાઈએ (નવડીસા) પૂજ્યશ્રી આચાર્ય કનકપ્રભુસૂરીશ્વરજી મહારાજને આ વિષયની પ્રક્રિયા સમયે જિજ્ઞાાસુભાવે પ્રશ્ન કર્યો - 'ગુરુદેવ! આપ આ પ્રક્રિયામાં કયો મંત્ર બોલો છો અને ફૂંક શા માટે લગાવો છો ?'
જેઓશ્રીમદની ૩૫મી પુણ્યતિથિ ચૈત્ર વદ-૭ તા.૨૦/૪/૨૫ રવિવારના રોજ આવી રહી છે, તેવા શ્રી આચાર્ય કનકપ્રભસૂરિશ્વરજીએ કનક જેવો શુદ્ધ ચળકતો જવાબ આપ્યો - 'મને કોઈ મંત્ર-તંત્ર આવડતા નથી. લોકો એમ માને છે કે હું ખૂબ જ મંત્ર-તંત્ર જાણું છું. પણ હું એ વાતે શુદ્ધ પણે કબૂલ કરૃં છું કે મને કોઈ જ મંત્ર-તંત્ર નથી આવડતા.'
એક પળ આંખ બંધ કરી પૂજ્યશ્રી કહે - 'મને એટલી ખબર છે કે જેઓનું હૃદય સોના (કનક) જેવું શુદ્ધ છે, તેઓનું પુણ્ય કનક (સુવર્ણ) ની પ્રભા જેવું કીમતી બને છે. જે શુદ્ધ રહે છે, તે સિદ્ધ બને છે. આ કારણે લોકો મને સિદ્ધપુરુષ માની બેઠા છે. અને લોકોના ધાડેધાડા-ગાડેગાડા ભરી ભરીને આવે છે. બાકી મારામાં કાંઈ જ નથી.'
હૈયા પર હાથ મૂકીને તેઓશ્રી આગળ વધ્યા. 'વાસક્ષેપ પાંચે આંગળીમાં લઈ નવકાર મહામંત્ર (જેને લઈને તા.૯ એપ્રિલને નવકાર દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે તે) નો ઓષ્ઠ.જાપ કરી ''સામેવાળાનું બધી જ રીતે કલ્યાણ થાઓ'' - આ ભાવનાત્મક ફૂંક લગાવીને માથા પર ફેરવું છે. બસ, આ ભાવના વિભાવનામાં પરિણમીને પ્રભાવનાનું કામ કરી જાય છે.
ભાભર (બનાસકાંઠા)માં જન્મ પામેલા અને સાંચોર (રાજસ્થાન)માં પ્રસિદ્વિ પામેલા પૂજ્યશ્રીની આ શુદ્ધભાવનાને પ્રકૃતિ પણ કનક જેવી શુદ્ધ અને સિદ્ધ સાથ આપતી. તેમને પ્રકૃતિ પ્રસિદ્ધ કરતી.
પ્રભાવના
સર્વ ધર્મના આદ્ય ભગવાન પ્રથમ તીર્થકરશ્રી ઋષભદેવ પ્રભુના દીક્ષા દિવસથી પ્રવર્તેલ વરસીતપની સાધનાનો પ્રારંભ જે દિવસે થાય છે, તે ફાગણ વદ-૭થી જે મહાપુરુષનો દીક્ષા શતાબ્દી વર્ષ પ્રારંભ પામ્યો છે, તેવા આચાર્યશ્રી વિજય શાન્તિચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પ્રથમ પટ્ટધર એટલે આચાર્યશ્રી કનકપ્રભસૂરિજી મહારાજ.
આ વરસે દીક્ષાશતાબ્દી વરસે સમસ્ત સમુદાયમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમાં વરસીતપનો પ્રારંભ થયો. અને જેઓ રહી ગયા છે, તેમના માટે મોડે-મોડે પણ આચાર્ય કનકપ્રભસૂરિજીનો પુણ્યતિથિ દિવસ-ચૈત્ર વદ-૭ પસંદ કરાયો. તે દિવસે પણ વરસીતપ પ્રારંભાશે. આ છે પૂજ્યશ્રીનો કનક જેવો કીમતી પુણ્યજીભાવ.