Get The App

કામે મહાન વીર, નામે મહાવીર, એવા મહાદેવનો મહા દેહ, મહાનદેવનો મહાન દેહ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
કામે મહાન વીર, નામે મહાવીર, એવા મહાદેવનો મહા દેહ, મહાનદેવનો મહાન દેહ 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

અખિલ વિશ્વમાં જેમનો યશ-કીર્તિ ગાજી રહ્યો છે, જેઓશ્રીના નામનો મહિમા સર્વ ધર્મ-કર્મમાં એક ચક્રી સામ્રાજ્યે છવાઈ રહ્યો છે, જેઓ શ્રીમદનું મૂળ નામ વર્ધમાન વર્તમાનકાળે આવશ્યકમંત્ર સ્વરૂપે જરૂરી લાગી રહ્યું છે, જેઓ શ્રીમદના શ્રીમુખે દર્શાવેલું જીવન આજના જીવના જીવનને સજીવન કરનાર આજીવન સંજીવની સ્વરૂપ છે, એવા દેવાધિદેવ ભગવાન મહાવીરના મહાન દેહના સ્વરૂપને-રૂપને જાણીએ.

ભગવાન મહાવીર સ્વામીના એક-એક અંગ-ઉપાંગ કેવા હતા, તેનું નખશીખ વર્ણન ઓપપાતિક નામે પ્રથમ ઉપાંગ સૂત્ર (૪૫ આગમ પૈકીનું એક)માં અદ્ભુત રીતે વર્ણવાયેલું છે. તે વર્ણન સંપૂર્ણ તથા અત્યારે પ્રભુ મહાવીરની સ્મૃતિ સ્વરૂપે અત્રે પ્રસ્તુત છે.

૧) ભગવાન મહાવીરના શરીરની ઊંચાઈ સાત હાથ જેટલી હતી.

૨) દેહ આકૃતિ સમચતુરસ્ર (બેઠેલી મુડામાં જમણા ઢીંચણથી ડાબો ખભો, ડાબા ઢીંચણથી જમણો ખભો, ડાબા ઢીંચણથી જમણો ઢીંચણ અને બે પગના મધ્યભાગથી લલાટ- આ ચારેયનું એક સરખું માપ હોય તેને સમયતુરસ્ત્ર કહેવાય એવી હતી.

૩) જેઓશ્રીનું મુખકમળ સદાકાળ કમળની સુવાસ પ્રસરાવતું હતું.

૪) જેમનો શરીરનો બાંધો વજ્રઋષભનારાચ સંઘયણ (અત્યંત મજબૂત) હતો.

૫) એમની કાયા મલ, કલંક, પરસેવો, ધૂળ આદિથી રહિત હતી.

૬) શરીરમાં રહેલ માંસ-લોહી દૂધ જેવા સફેદ, નિરોગી, શ્રેષ્ઠ હતા.

૭) માથાના વાળ કુંડલાકાર-ગૂંચળાવાળા, પ્રદક્ષિણાવર્ત, એકદમ શ્યામ, સઘન-ખીચોખીચ ભરેલા હતા.

૮) માથા પરને કેશાંત ભાગ (કેશભૂમિ) દાડમનના પુષ્પ સમ લાલ અને સુવર્ણ સમ નિર્મલ તથા સ્નિગ્ધ હતો.

૯) મસ્તક પ્રદેશ, ઘન, નિબિડ અને છત્રાકાર હતો.

૧૦) લલાટ અર્ધ ચંદ્રાકાર, તેજસ્વી તથા સપ્રમાણ હતું.

૧૧) પ્રભુનું મુખકમળ પૂર્ણિમાના ચંદ્ર જેવું પરિપૂર્ણ ગોળ તેમજ સૌમ્ય હતું.

૧૨) કાન સપ્રમાણ અને સુંદર હતા.

૧૩) કપોલ પ્રદેશ પુષ્ટ માંસલ હતો.

૧૪) આંખના ભવાં સહેજ નમવિલા, ધનુષ્ય જેવા સુંદર અને કાળા વાદળ જેવા શ્યામ અને સ્નિગ્ધ હતા.

૧૫) આંખો વિકસિત પુંડરિક કમળ જેવી મનોહર હતી.

૧૬) નાક ગરૂડ જેવું દીર્ઘ, સરલ અને ઉન્નત હતું.

૧૭) અધર-હોઠ-પ્રવાલશિલા અને બિંબફળ જેવા લાલ હતા.

૧૮) દાંતની શ્રેણી સમુદ્રફીણ જેવી શુદ્ધ, શુભ્ર અને શુભ હતી તથા અખંડ, અવિરલ, અસ્ફુરિત, સ્નિગ્ધ અને સુજાત હતી.

૧૯) તાળવું અને જીભ અગ્નિથી ધમાવેલ તપેલા સુવર્ણ સમલાલ હતા.

૨૦) દાઢી અને મૂંછ ના વાળ સદૈવ એકસરખા અવસ્થિત રહેતા. (વધ-ઘટ નહીં)

૨૧) હડપચી માંસલ, પ્રશસ્ત, સુસંંસ્થિત અને શાર્દૂલ જેવી વિશાલ હતી.

૨૨) ગ્રીવા = ગરદન : ચાર અંગુલ પ્રમાણ, ઉત્તમ શંખ જેવી મનોહર હતી.

૨૩) સ્કંધ = ખભા- શ્રેષ્ઠ બળદના જેવા સપ્રમાણ અને વિશાલ તથા પુષ્ટ હતા.

૨૪) ભુજા- નગરની ભોગળ જેવો ગોળ, સપ્રમાણ, પુષ્ટ, સુશ્લિષ્ટ, પ્રીતિકર અને રતિકર હતી.

૨૫) બાહુયુગલ : નાગની ફણા સમ દીર્ધ હતા.

૨૬) હથેળી- મૃદુ, માંસલ, છિદ્ર વગરની, લક્ષણોપેત અને રક્ત હતી.

૨૭) હાથની આંગળીઓ પુષ્ટ અને કોમલ હતી.

૨૮) નખ તાંબા જેવા સહેજ લાલ, સૂક્ષ્મ, સુંદર અને સ્નિગ્ધ હતા.

૨૯) વક્ષસ્થળ સુવર્ણશિલા જેવું ઉજ્જવળ, પ્રશસ્ત, માંસલ, વિસ્તીર્ણ, પહોળું તથા શ્રીવત્સ સ્વસ્તિક ના ચિહ્નથી વિભૂષિત.

૩૦) દેહ પીઠના દેખાતા હાડકાં વગરનો, સુવર્ણ જેવી ક્રાંતિવાળો અને નિર્મલ હતો.

૩૧) પડખાં સારી રીતે નમેલાં, સંગત. પુષ્ટ અને સપ્રમાણ હતા.

૩૨) રોમરાજી=રૂંવાટી સરલ, આછી, શ્યામ, સ્નિગ્ધ અને દર્શનીય હતી.

૩૩) કુક્ષિપ્રદેશ સુજાત અને પુષ્ટ હતો.

૩૪) ઉંદર-પેટ મત્સ્ય જેવું કૃશ હતું.

૩૫) ઇન્દ્રિય નિર્મલ અને ગુપ્ત. જાતિવાન અશ્વ જેવી અદ્રશ્ય હતી.

૩૬) નાભિ ગંગાવર્તની જેમ પ્રદક્ષિણાવર્ત તરંગોથી ચંચલ અને સૂર્યના કિરણોથી વિકસિત કપલ જેવી ગંભીર-વિશાલ હતી.

૩૭) શરીરનો મધ્યભાગ મુશલ અને દર્પણના મધ્યભાગ જેવો તથા વજ્ર જેવો વળેલો હતો.

૩૮) કટિપ્રદેશ સિંહની કટિથી પણ સુંદર અને વધુ ગોળાકાર હતી.

૩૯) નિતંબ મદોન્મત્ત ઉત્તમ અશ્વના જેવો પુષ્ટ હતા.

૪૦) ગુહ્ય (ગુદા) ભાગ- સ્થંડિલથી નિરુપલેપ, શ્રેષ્ઠ અને સુજાત હતો.

૪૧) ગતિ= ચાલ શ્રેષ્ઠ હાથી જેવી (ગજગામિની) વિક્રમ અને વિલાસભરી હતી.

૪૨) જંઘાઓ હાથીની સૂંઢ જેવી ગોળ, સુજાત અને આરોહ- અવરોહવાળી હતી.

૪૩) જાનું = ઘૂંટણ દાબડાના ઢાંકણ જેવા હતા.

૪૪) ચરણયુગલ કાચબા જેવા સુંદર અને સુપ્રતિષ્ઠિત હતા.

૪૫) ગુલ્ફ (ઘૂંટીઓ) સુલંસ્થિત, સુશ્લિષ્ટ અને ગૂઢ હતી.

૪૬) પગની આંગળીઓ આનુપૂર્વી ક્રમથી સુશોભિત એટલે ક્રમબદ્ધ અને સુસંહત હતી.

૪૭) પગના નખ ઉન્નત, સૂક્ષ્મ, લાભ અને સ્નિગ્ધ હતા.

૪૮) પગની પૃષ્ઠભૂમિ લાલ અને રક્તકમલ પત્ર જેવી સુકોમળ હતી.

તથા ઉત્તમ પુરુષના એક હજાર આઠ સંપૂર્ણ સુલક્ષણોથી સુશોભિત તેઓશ્રીમદનો દેહ હતો. પ્રભુના આ દેહનો અસંખ્ય જીવો દર્શન-સ્પર્શન કરી પાવન બન્યા હતા.

પ્રભાવના

સાધનાકાળના સાડા બાર વરસ દરમ્યાન ભગવાન મહાવીર સ્વામીએ મૌન-ધ્યાન દ્વારા અપૂર્વ વચન સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પોતાના વચનોને સિદ્ધ કર્યા હતા. શક્તિસંપન્નતા મેળવી હતી.

જેથી તેઓશ્રીએ ત્રીસ વર્ષના દેશના (ઉપદેશ) કાળ દરમ્યાન લાખો-કરોડો નહીં પણ અસંખ્ય જીવોને અધ્યાત્મનો ઓરા (ઉર્જા)થી ભીના-ભીના કર્યા હતા. આત્માના અણુ-અણુ પરમાત્મા-ભાવથી ભાવિત- પ્રભાવિત કર્યા હતા. જ્ઞાનનો દીપ પ્રગટાવી દીપાવલી જગમગાવી હતી.