Get The App

સામાયિક પણ કરી જાણે- આત્મા માટે યુદ્ધ પણ લડી જાણે- દેશ માટે એ છે શામળિયો

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
સામાયિક પણ કરી જાણે- આત્મા માટે યુદ્ધ પણ લડી જાણે- દેશ માટે એ છે શામળિયો 1 - image

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

તેના બેય હાથમાં ખુલ્લી તલવારો હતી. ચમકતી, તીક્ષ્ણધાર વાળી આ નાગી તલવાર જેને અડે તેના રામ રમી જાય. બેય હાથમાં બે ખુલ્લી તલવારો લઈને તે દોડી રહ્યો હતો. એ પણ ખુલ્લી બજારમાં. રાજમાર્ગ-જાહેરમાર્ગ પર એ દોડી રહ્યો હતો. તલવારોને ઘુમાવી રહ્યો હતો.

એની આંખોમાં ખુન્નસ હતું. ગોરું મુખ રતુમડું નહિ પણ આવેશથી લાલ બની ગયું હતું. હૈયાની ઘડકનોમાં આક્રોશ હતો. નસે નસમાં-રંગેરંગમાં લોહી ઉકળી ગયું હતું.

બંને તલવારો એટલી ઝડપથી ઘુમાવી રહ્યો હતો કે જો કોઈ એના વર્તુળમાં આવી ગયો તો કપાઈ ગયો સમજવો. શ્રીકૃષ્ણનું કોઈ સુદર્શન ચક્ર જાણે હાથમાં ઘુમી રહ્યું હોય તેવી ગતિ હતી તેની તલવારો ના વીંઝણામાં.

પહેલી નજરે જોતાં તો એવું જ લાગે કે આ માણસ કોઇકની કતલ કરવા જઈ રહ્યો છે. પણ એના શબ્દો સાંભળતા ધ્યાનમાં આવ્યું કે એ કોઈની હત્યા કરવા નહીં પણ બચાવવા જઈ રહ્યો  છે.

શામળદાસ નામનો આ જૈન બચ્ચો મુંબઈ નામે મહાનગરના એક જૈન ઉપાશ્રયમાં સામાયિક કરી રહ્યો હતો. કરાસણું, ચરવળો અને મુહપતિના ઉપકરણને ધારણ કરીને તથા શુદ્ધ ધોતી-ખેસ પહેરીને 'સામાયિક' નામે ધર્મની આરાધના કરી રહ્યો હતો. નાનામાં નાના જીવની પણ હિંસા ન થાય, એની કાળજી લેતું સામાયિક. કોઈને નાની અમથી પણ પીડા ન થાય, તેવો ઉપયોગ પૂર્વક કરાતી આ આરાધના આ શામળદાસ શેઠ આરાધી રહ્યો હતો.

તેણે ત્યાં એક વાત સાંભળી. ભારત આઝાદ તો થઈ રહ્યું છે. પાકિસ્તાન જુદું થાય છે. ક્યો-કયો પ્રદેશ પાકિસ્તાનમાં જશે, તેની વાત સાંભળી. તેની સાથે-સાથે એક બીજી વાત પણ સાંભળી. જૂનાગઢ (ગિરનારતીર્થ) ના નવાબે જાહેર કર્યું છે કે જૂનાગઢ પાકિસ્તાનમાં જશે.

તે સમયનું એક સમાચાર પત્ર-'વંદે માતરમ્.' નામ પ્રમાણે ગુણ ધરાવતું આ વર્તમાનપત્ર ભારત માટે કામ કરી રહ્યું હતું. આ વર્તમાનપત્રના તંત્રી હતા. આ શામળદાસ શેઠ.

એમને એ પણ ધ્યાનમાં હતું કે જૂનાગઢ આદિ અનેક પ્રદેશોને ભારતમાં ભેળવવા માટેનો સખત પુરૂષાર્થ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ કરી રહ્યા છે.

પણ એમના ધ્યાનમાં એ પણ આવ્યું કે આ કાર્યમાં-જૂનાગઢના વિષયમાં ધારી સફળતા નથી મળી રહી. જૂનાગઢના નવાબ પર દબાણ આપ્યું છે, પણ એ દાદ નથી આપી રહ્યો.

શામળદાસ શેઠ સામાયિક કરીને ઘેર ગયા. કપડાં બદલ્યા. બે ધારદાર તલવારો હતી. ટ્રેન પકડી જૂનાગઢ આવ્યા.

જાહેરમાર્ગ પર આવી, તલવારો મ્યાનમાંથી કાઢી ખુલ્લી કરી. હાથમાં ધુમાવી-ફેરવી. બંને હાથે બે ય તલવારો એકસાથે ફેરવી. આ તો જૈન બચ્ચો- સામાયિક પણ કરી જાણે- આત્મા માટે. અને યુદ્ધ પણ લડી જાણે- દેશ માટે.

સિંહગર્જના કરી આ સિંહ બચ્ચાએ- વીર બચ્ચાએ. 'કોને જવું છે પાકિસ્તાનમાં ? જેને જવું હોય તે જતો રહે પાકમાં-ખાકમાં. ગિરનાર પાકમાં નહીં જાય.'

ગુસ્સાથી રાતોચોળ થયેલો આ શામળદાસ બોલતો જાય છે અને તલવારો ઘુમાવતો જાય છે. તલવારો એવી ફરે જાણે શ્રીકૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર ફરતું હોય.

એક હતો મહાભારતનો શામળિયો, જે હાથમાં સુદર્શનચક્ર રાખતો. એક હતો આ મહાન ભારતનો શામળિયો, જે હાથમાં સુદર્શન ચક્રની જેમ તલવારો ઘુમાવતો.

વળી, એ શામળિયાના હાથમાં એક જ સુદર્શન હતું, જ્યારે આ શામળિયાના હાથમાં બે સુદર્શન શોભી રહ્યા છે.

નારા લગાવતો આ શામળિયો જાહેર માર્ગમાં ખુલ્લી તલવારે દોડી રહ્યો હતો. આ જોઈ અન્ય પણ નાગરિકો તેમને સાથ આપવા લાગ્યા.

જૂનાગઢના દરબારો, પટેલો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ભરવાડો, વાણિયાઓ, આદિ આ ખુલ્લી આગમાં જોડાયા. કારવાં જુડતા ગયા. પરિસ્થિતિ ગંભીર બનતી ચાલી.

એક તો સરદાર પટેલનો દબાવ નવાબ પર હતો, એમાં આ બીજો મોટો દબાવ આવ્યો. નવાબ માટે બીજો કોઈ રસ્તો જ ના રહ્યો.

નવાબે શામળદાસે લાવેલા કાગળ પર સહી કરવી જ પડી. નવાબે પોતાના હાથે એ કાગળ સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો. 'ભારતનું આ જૂનાગઢ ભારતમાં જ રહેશે. પાકિસ્તાનમાં નહીં જાય.'

આ લખાણ સહી સાથેનું આપી નવાબ પાકિસ્તાન જતો રહ્યો. પણ જૂનાગઢ-ગિરનાર તીર્થ ભારતમાં જ ટકી રહ્યું.

સરદાર પટેલને સહયોગ આપીને ભારતને અખંડ રાખ્યું આ શામળદાસ નામના જૈન બચ્ચાએ.

પ્રભાવના

જૂનાગઢના ગિરનાર તીર્થ પર પણ એક શામળિયો વસે છે. તે છે નેમિનાથ ભગવાન. બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન અને મહાભારતનું યુદ્ધ ખેલનાર શ્રીકૃષ્ણ આ બંને પિતરાઈ ભાઈઓ થાય. બંને શામળિયા.

ગિરનારના શામળિયાને પાકિસ્તાનમાં જતાં બચાવ્યા, મુંબઈના શામળિયાએ, સરદાર પટેલના સહિયારા પ્રયાસે. વળી આ શામળિયા (મુંબઈના) એ જે પ્રયત્ન કર્યો, એ મહાભારતના શામળિયાની જેમ સુદર્શન ચક્ર (તલવાર) ઘુમાવીને.

આમ આ ગિરનારતીર્થમાં ત્રણ શામળિયાઓનો સંગમ છે. જય હો શામળિયા ।।