- આંખ છીપ, અંતર મોતી
- આચાર્ય રાજહંસ
- લાડવા બનાવતા પહેલાં નગરનો ર્સર્વે કરી લીધો, કોણ કઈ પરિસ્થિતિમાં જીવે છે. એ પ્રમાણે લાડવામાં ચાંદીના સિક્કાઓ ભરી દીધા...
એ મોટો લાડવો તોડયો. પતિ-પત્ની-છોકરાઓ બધાની આંખો પહોળી થઈ ગઈ. અંદરથી ખડીંગ-ખડીંગ કરતાં ચાંદીના મોટા-મોટા સિક્કાઓ જમીન પર પડયા. એક-બે નહીં પણ મુઠ્ઠા ભરાય એટલા સિક્કા અને એ પણ ચાંદીના. ગરીબી દૂર થઈ જાય એવડા મોટા.
આવું બીજા-ત્રીજા-ચોથા ઘણા ઘરોમાં થયું. લાડવો તોડતાં જ અંદરથી ચાંદીના મોટા-મોટા સિક્કાઓ
નીકળે છે.
કેટલાય ગરીબોના દારિદ્રય દૂર થઈ ગયા.
આ લાડવાની પ્રભાવના કરી હતી, પાટણના ધનકુબેર ગણાતા શેઠ છાડા ઊર્ફે છિડક પોરવાડના વંશજ શેઠ ખીમજી અને શેઠ સહસાએ.
વીશા શ્રીમાળીના વંશમાં થનારા આ બંને ભાઈઓ જેવા ધનાઢય હતા, એવા જ ઉદાર-દાનવીર પણ હતા. જેવા તેઓ શ્રીમંત હતા એવા જ બુદ્ધિમંત પણ હતા.
એમને ખબર હતી કે યાચકો તો યાચના કરીને પૈસા ભેગા કરી લે. પણ જેઓ ક્યારેય પોતાનો હાથ કોઈનીયે આગળ લાંબો ન કરે, ક્યારેય પોતાની દીનતા પ્રગટ ના થવા દે, એવા નિર્ધન શ્રાવકોની દરિદ્રતા દૂર કરવી અઘરી હતી.
ધનથી ગરીબ પણ મનથી ગરીબ નહીં એવા અભાવમાં જીવતા શ્રાવકોને ધન આપવું એ અઘરું કાર્ય હતું. ધનની બિમારીમાંય મનની ખુમારીથી જીવતા આ શ્રાવકોની ભક્તિ કઈ રીતે કરવી, એનો ઉપાય તેઓએ વિચારી લીધો.
આ ઉપાય હતો - સમકિત મોદકની લહાણી.
આ ધનાઢય શ્રાવકબંધુઓએ મોટા લાડવા બનાવ્યા. આ લાડવાની લહાણી એટલે પ્રભાવના (આજની ભાષામાં ગિફટ) આખાયે પાટણમાં કરી. એટલે બધાં જ શ્રાવકોના ઘરોમાં લાડવાની વહેંચણી કરી.
લાડવા બનાવતા પહેલાં નગરનો ર્સર્વે કરી લીધો, કોણ કઈ પરિસ્થિતિમાં જીવે છે. એ પ્રમાણે લાડવામાં ચાંદીના સિક્કાઓ ભરી દીધા.
નિર્ધન શ્રાવકોના લાડવામાં મુઠ્ઠા ભરીને ચાંદીના સિક્કાઓ ભરેલા હોય. જ્યારે ધનવાન શ્રાવકોના લાડવામાં કાંઈ ના હોય, યા એકાદ સિક્કો હોય. આમ નિર્ધન શ્રાવકોની ભક્તિ કરવાનો આ પ્રશસ્ય ઉપાય હતો. કોઈને ખબર પણ ના પડે કે કોને કેટલા સિક્કા પહોંચ્યા.
સંપત્તિ આપ્યાનો કોઈ ઢંઢેરો નહીં.
ઘરે ઘરે જઈ છાના માના લાડવાની વહેંચણી કરી લેવાની.
પડી રહેલી સંપત્તિમાં કાટ લાગી જાય, એના કરતાં બહેતર છે કે એ સંપત્તિમાં આપવા દ્વારા ચળકાટ લાવવો.
જગતનો આ સનાતન સત્ય નિયમ છે કે પડી રહેલી વસ્તુમાં કાટ લાગે છે અને વપરાતી વસ્તુમાં ચળકાટ આવે છે.
કોઈપણ જાતના ઘોંઘાટ વિના સંપત્તિના દાનનો આવો ઘાટ ઘડનારા આ બંધુયુગલે શાસનના અનેકવિધ કાર્યો કર્યા હતા.
ભગવાન મહાવીરની ત્રેપનમી પાટે શોભાયમાન આચાર્યશ્રી લક્ષ્મીસાગર સૂરીશ્વરજી મહારાજાના ઉપદેશથી તેઓશ્રીની જ નિશ્રામાં વિક્રમ સંવત ૧૫૨૭ ના પોષ વદિ-પ ના રોજ (જેનું બીજું નામ છે - પાવકગિરિ) એવા પાવાગઢના પવિત્ર પર્વત પર એક ભવ્યાતિભવ્ય અને નવ્ય જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. તથા મોટો મહોત્સવ પણ કર્યો હતો.
વિ.સં.૧૫૩૩ માં શાશ્વત ગિરિરાજશ્રી શત્રુંજય મહાતીર્થ તથા ગિરનાર મહાતીર્થનો છેરીપાલક યાત્રાસંઘ પણ આયોજ્યો હતો.
પોતાના ગુરુદેવો આચાર્યશ્રી લક્ષ્મીસાગર સૂરીશ્વરજી મહારાજા તથા આચાર્યશ્રી સોમજ્ય સૂરીશ્વરજી મહારાજાનો ભવ્ય પ્રવેશોત્સવ પણ કર્યો હતો. અનેક તીર્થોના ઉદ્વારો પણ કર્યા હતા. અનેક દીનજનોનો પણ ઉદ્વાર કર્યો હતો. અનેક દાનશાળાઓ ખોલી હતી. અનેક પદ-સ્થાપન પણ કરાવ્યા હતા. સમસ્ત ગચ્છની પરિધાપનિકા પહેરામણી પણ કરી હતી.
વિ.સં.૧૫૩૮માં તેમણે વિશાળ ચિત્કોશ (જ્ઞાાનભંડાર) ની પણ સ્થાપના કરી હતી. અનેક સિદ્ધાંત-શાસ્ત્રો તેમણે સ્વદ્રવ્યથી લહિયાઓ પાસે લખાવ્યા હતા.
છાડા શેઠના વંશમાં જ પુરી નામની બહેને દીક્ષા લીધી હતી. જેનું નામ હતું- સાધ્વી શ્રી સાધુલબ્ધિશ્રીજી મહારાજ. તેમનો 'ગણિની પદ' પ્રદાનોત્સવ પણ ઠાઠ-માઠથી કર્યો હતો. સંઘપૂજા પણ કરી હતી.
એ સિવાય અનેકવિધ શાસન પ્રભાવના કાર્યો આ બંને ભાઈઓએ કર્યા હતા.
પ્રભાવના
કોઈ પણ જાતનો જાહેરાત વિના આ રીતે ગુપ્તદાન કરવાનું શીખવનાર આચાર્યશ્રી લક્ષ્મીસાગર સૂરીશ્વરજી મહારાજાએ પોતાના શ્રીહસ્તે સમુદાયમાં નવા ૧૧ આચાર્યભગવંતો, ૧૯ ઉપાધ્યાય ભગવંતો, ૨૮૯ (બસો ને નેવ્યાસી) પંન્યાસજી ભગવંતો તથા ૫૦૦ (પાંચસો) સાધુ ભગવંતો બનાવ્યા હતા.
'સંતિકરં સ્તોત્ર' જેવા મહાન સ્તોત્રની જિનશાસનને ભેટ ધરનારા આચાર્યશ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજાના તેઓ પ્રશિષ્ય હતા.


