- દોસ્તના દેહના રક્તને જોઈ, દેલ્હાનો આત્મા વિરક્ત બન્યો
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
એક તરફ ઊભી હતી. નમણી રમણી... અનંગને શરમાવે અને રમાવે એવી અંગના...
એક તરફ હતું. ખીજડાનું વૃક્ષ... ખો-ખો રમાડતું અને ખી-ખી કરીને હસાવતું... દેખીને ખીજ ચડતી હતી ત્યાં ઊભેલાઓને એક તરફ ઊભા હતા. રાજા સમા રાજપૂત ઠાકોર સાહેબ, - ઈનામ અને નામ આપતા ગામના રાજા...
એક તરફ ઊભો હતો ગ્રામ્યવર્ગ... જેમાં આગળ ઊભેલો અને આગળ પડતો હતો. યુવા વર્ગ...
અને વચ્ચોવચ હતી એક બરછી... તીક્ષ્ણ, ધારદાર, ચમકતી બરછી... અડતાની સાથે જ શરીરમાં પ્રવેશ પામી જાય અને જીવ વિદાય પામી જાય એવી બરછી..
ઊભેલા સૌ તિરછી આંખો જોઈ રહ્યાં હતા. લલનાના લાલિત્યપૂર્ણ દેહને... નીચી નજરે જોઈ રહ્યાં હતા- બરછટ લાગતી એ બરછીને... તો ઊંચી નજરે જોતાં હતા ખીજડાના જડ જેવા ઝાડને... અને સામી નજરે જોતાં ઊભા હતા - ગામના ઠાકોરને.
કોઈ પોતાની જગ્યાએથી ટસનું મસ નહોતું થતું. સૌ ઊભા હતા - અડગ ખડગની જેમ કડક - સૌની આંખો ફરતી હતી, કોણ આગળ વધે છે - તે જોવા.
ભીડમાંથી એક યુવાન આગળ વધવાની તૈયારી કરતો હતો, ત્યાં જ તેના મિત્રે તેને વાર્યો અને ટપાર્યો - 'ખબર પડે છે કાંલ ? આ બરછી પેટમાં ગઈ તો શું થશે ? છોકરી માટે આ છોકરમત બરાબર નથી.'
વાત તો સાચી હતી. નુકીલી બરછી મારી નાંખે તેમ હતી. પણ વાત એ પણ સાચી હતી. સુંદર નાક નકશો ધરાવતી આ યુવતી પણ મારી નાંખે તેવી હતી. રૂપવતીનું મારકણું રૂપ પામવા માટે બરછી નજરથી તિરછી થઈ જતી હતી.
ત્યાં રહેલાં અનેક કુમાર આ માર (કામદેવ) માટે બરછીની માર ભૂલી જતાં હતાં. પણ મિત્ર યાદ કરાવતો.
આ બરફી જેવી સ્ત્રીને ભોગવવા જતાં બરછીને જોઈ લે.
રતુમડું મુખ સુખ આપશે, તે પૂર્વે મડું (મડદું) થઈ જઈશ તેનું શું ?
નારીના ધ્યાનમાં બેધ્યાન બનેલાને મિત્ર બરછીની કિનારી બતાવતો. અને તે એક કિનારે થઈ જતો.
છેવટે એક યુવાન આગળ આવ્યો. તેના મિત્રે તેને રોક્યો, પણ તે રોકાયો નહિ. સમજાવ્યો, પણ તે સમજ્યો નહિ. અને મિત્રને સમજાયો પણ નહિ.
વિક્રમની ૧૬મી સદીની આ ઘટના.
રાડકહ ગામનો એ યુવા કિશોર લગ્ન માટે પોતાના ગામેથી જાન લઈને છોકરીના ગામે જઈ રહ્યાં હતા. રસ્તામાં એક ગામમાં પડાવ નંખાયો. ત્યારે તે ગામના ઠાકોરે ખીજડાના વૃક્ષ પાસે આવીને પોતાની દીકરીને બતાવતા કહ્યું હતું કે જે યુવાન આ તીખી બરછી ખુલ્લી રાખીને હાથમાં લઈને આ ખીજડાના વૃક્ષ પર ચડીને સામેનો લક્ષ્યાંક કૂદીને પાર પામશે, તેને મારી આ યુવાન દીકરી હમણાંને હમણાં જ પરણાવી દઈશ.
બરછી હાથમાં લઈને કદાચ ચડી તો જવાય, પણ ત્યાં ઉપરથી કૂદતી વેળા હાથમાં રહેલી બરછી શરીરમાં ઘુસી જવાની પૂરેપૂરી શક્યતા હતી. કૂદતી વખતે સમતુલા જાળવવા જતાં બરછી આરપાર થઈ જાય તેમ હતી. એટલે આ જાનલેવા કાર્ય માટે કોઈ મરજીવો તૈયા ન હતો.
તેવા સમયે આ જાન લઈને જતાં દૂલ્હો (વરરાજા) દેલ્હા નામે યુવાનનો મિત્ર તૈયાર થયો. દેલ્હાએ રોક્યો. પણ તે ના માન્યો યુવાનના માથે કામ તો સવાર થયો હતો જ. હવે અહં પણ સવાર ગયો. પછી ક્યાંથી કાબૂમાં રહે ! એ તો આબૂ માનીને જ તે ખીજડાના વૃક્ષ પર ચડી ગયો. હાથમાં ખુલ્લી બરછી.
બરફી નજરમાં હતી, તેથી બરછીને નજર અંદાજ કરી. બરફીની નજરમાં હતો, તેથી બરછીમાં નજર ના હતી.
ચાનક ચડી. વૃક્ષ પર ચડ ગયો. અને લક્ષ્યાંક પર કૂદ્યો. લક્ષ્યાંક તો પામી ગયો. પણ લલના પામવા તે ના રોકાયો. એનો દેહ નીચે પડી ગયો, પણ જીવ ત્યાંથી ઉપડી ગયો. બરછી એના પેટમાં આરપાર... ખૂનથી લથપથ કાયા... રક્તરંજિત દેહ અને ભૂમિ... ધરતીને પામ્યો, રતિને નહીં..
દેલ્હા આ પ્રસંગ અને લાલ રંગ જોઈ વિચારે ચડયો. કેવો છે આ સંસાર! એક સ્ત્રી માટે કેવા કષ્ટ!! કેવા કેવા સ્ટંટ કરે છે લોકો સ્ત્રીના આસિસ્ટંટ બનવા!! ના જોઈએ આ સ્ટંટ.. ના જોઈએ આ નારીનો સ્ટેટ... સ્ટંટના ચક્કરમાં કેટલાય ખતમ થઈ ગયા... સ્ટંટ ચક્કારે આપ્યો મોતનો મકાર. મિત્રના દેહના રક્તને જોઈ તેમનો આત્મા વિરક્ત બન્યો. રાડકહ ગામે પરત ફર્યો. ત્યાં વિરાજમાન શ્રેમકીર્તિ મુનિરાજ પાસે દીક્ષા લીધી. અને આગળ વધીને બન્યા - આચાર્ય કીર્તિરત્નસૂરિજી મહારાજ.
પ્રભાવના
રાજસ્થાનનું મહાપ્રભાવશાળી તીર્થ - શ્રી નાકોડા તીર્થ... શ્રી નાકોડા પાર્શ્વનાથ અને નાકોડા ભેરૂજીથી પ્રસિદ્ધ આ તીર્થના અનેક જિર્ણોદ્વારો થયા.... શ્રી સિદ્ધસેન સૂરિજી, શ્રી માનદેવસૂરિજી, શ્રી માનતુંગસૂરિજી, શ્રી સુહસ્તિસૂરિજી, શ્રી બપ્પભટ્ટિસૂરિજી આદિ અનેક આચાર્યોએ જીર્ણોદ્ધાર કર્યાં છે. એવો જ એક ઉદ્વાર કર્યો છે. આ કીર્તિરત્ન સૂરિજી મહારાજે - તથા 'નાકોડા' નામ પણ એમણે જ આપ્યું - એવો એક ઉલ્લેખ છે.


