Get The App

દિલમાં પ્રગટ થયેલો દીવો દેવલમાં જીવનભર ઝળહળતો રહ્યો

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલમાં પ્રગટ થયેલો દીવો દેવલમાં જીવનભર ઝળહળતો રહ્યો 1 - image

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- બધાનું ધ્યાન એ માણસ તરફ ગયું, જે માણસના હાથ ઘડા પર ચોંટી ગયા હતા. તેણે કહ્યું - 'તમે નાહકની આ બધી ચર્ચા કરી રહ્યા છો. આમાં ગુંદર નથી, પણ ઘી છે, ઘી.'

'મારા હાથ ચોંટી ગયા છે. કાંઈક કરો.' જેના હાથ ચોંટી ગયા હતા, એ માણસ બૂમો પાડી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઈ રહેલા માણસોમાંથી એકે પૂછયું - 'હાથ વળી, કેવી રીતે ચોંટી જાય ? આ તો ઘડો છે ને ?'

પેલો કંઈ જવાબ આપે તે પહેલાં જ બીજો એક માણસ વચ્ચે બોલ્યો - 'ગુંદર નો ઘડો હશે તે ચોંટી ગયો હશે, તે એને જોરથી ખેંચો એટલે ઉખડી જશે.'

ત્યાં ત્રીજો એક બોલ્યો - 'પણ ગુંદર ઘડામાં કોણે ભર્યો હશે ?'

'અરે, ભર્યો તે ભર્યો. પણ ગુંદર ઘડામાં હોય તો બહાર હાથ કેવી રીતે ચોંટે ?' એક બીજો માણસ વચ્ચે ઉતરી પડયો.

'અરે, ભાઈ ! ઘડામાંથી જેમ પાણી ઝરે અને હાથ અડાડો તો હાથ ભીના થઈ જાય. તેમ ગુંદર અંદર હોય અને બહાર ઝરે તો ત્યાં હાથ અડાડવાથી ચોંટી જાય ને !' અન્ય એક માણસે જવાબ આપતાં કહ્યું.

'પણ એમાં હાથ એવા ના ચોંટી જાય કે તે આ રીતે સજ્જડ થઈ જાય. ઉખડે જ નહીં.' અન્ય એક માણસ વચ્ચે ટપક્યો.

ત્યાં પેલાએ બૂમ પાડતાં કહ્યું - 'મને સાંભળશો ?'

બધાનું ધ્યાન હવે ચર્ચામાંથી એ માણસ તરફ ગયું, જે માણસના હાથ ઘડા પર ચોંટી ગયા હતા. તેણે કહ્યું - 'તમે નાહકની આ બધી ચર્ચા કરી રહ્યા છો. આમાં ગુંદર નથી, પણ ઘી છે, ઘી.ઘીનો ગાડવો (ઘડો) છે આ.'

હવે બધાં એકબીજા સામું જોવા લાગ્યા. અને વળી પાછા ચર્ચામાં ઊતરી પડયા. 'ઘીના ઘડા પર વળી કંઈ હાથ ચોંટતા હશે !' 'આ માણસ નાટક કરતો હશે !'

બે જણાએ તો રીતસર પેલાને ખેંચ્યો. પણ હાથ ઉખડયા નહિ. ઊલટાના હાથ ખેંચવાથી દુખાવો ઉપડયો. એણે દુઃખથી કણસતાં કહ્યું - 'આમ ન કરો. આનો કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે.'

ત્યાં એક વ્યક્તિ સભાને વીંધીને આગળ આવી અને કહે - 'મને ખબર છે. આનો હાથ કઈ રીતે ચોંટયો છે.?'

'શું?' આ ભાવ સાથે બધાં એને જોઈ રહ્યા.

આ ઘટનાના મૂળમાં વાત એમ બની. કાઠિયાવાડના પાળિયાદ ગામે જમીનમાંથી આઠમા શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન પ્રગટ થયા હતા. કંકુભાઈ કાઠિચાણી પાસે ઉદાર હાથે તેમને ખુશ કરીને પ્રસન્નતા પૂર્વક એ ભગવાન મેળવ્યા. ટાણા ગામની ધર્મશાળામાં પ્રભુને બિરાજમાન કર્યા. અને એક શુભ દિવસે, શુભ મૂહુર્તે વાજતે-ગાજતે કરવા જઈ રહ્યા હતા.

ઢોલ-ત્રાંંસા તથા સજેલા ધજેલા લોકોને જોવા માટે આખો ય લોકસમૂહ ઊમટી પડયો હતો. એમાં એક ઘીના વેપારીને ત્યાં વેચવા આવેલી એક સ્ત્રી પણ ધારી ધારીને આ ભગવાનને જોઈ રહી હતી.

આવા ઉત્સવમાં ઉલ્લાસના માહોલ સમયે એ ઘીનો વેપારી, નામ ખોજા નાનજીભાઈ, આમ બોલ્યો - 'આમાં જોવાનું શું છે ? આ મારી પાંચશેરી જુઓ કે આ જૈનોના ભગવાન જુઓ - બંનેય સરખું છે.'

આ બાજુ આ ખોજાનું બાઈને આમ કહેવું થયું અને આ બાજુ આ શોભાયાત્રા પણ ઉત્સાહને ઉલ્લાસના પગલે આગળ વધતાં તે તરફ આવી રહી હતી. ત્યાં આ ઘીના વેપારીની દુકાનમાંથી ઘીનો એક ગાડવો જાદૂગરની કળાની જેમ ઉડયો. અને રસ્તા વચ્ચે આવી સ્થિર થયો. વેપારી પણ પાછળ પાછળ ત્યાં આવ્યો. ઘીનો ગાડવા (ઘડા)ને ઊંચકવા હાથ અડાડયો, ત્યાં તેના બન્ને હાથ ત્યાં જ ચોંટી ગયા.

આ ભૂમિકા કરીને બાઈ બોલ્યા - 'ભગવાનની મશ્કરી કરવાનું આ ફળ છે. આ તો એનું પુણ્ય હજુ કોઈ જાગતું છે. નહિંતર હાથ મૂળસોતા ઉખડી ગયા હોત. ભગવતતત્ત્વનું અપમાન ખૂબ જ ઊંડા ખાડામાં ઉતારીને જ રહે છે.'

હવે મહાજનના મોવડી આગળ આવ્યા અને તે ખોજાને કહે - 'ભગવાનની માફી માંગ. ભવિષ્યમાં ભગવાનની અવહેલના કરવાનું પાપ ક્યારેય નહીં કરવાની પ્રતિજ્ઞાા કર. તારું પુણ્ય જો જાગતું હશે, તો તું આ દોજખમાંથી છૂટી જઈશ. એવું મને લાગે છે, કે આ ભગવતત્ત્વ પરમ કરુણાલુ છે.'

ટાણા ગામનાં આ મંગલ ટાણે ટાણું જોઈને બોલાયેલા આ શબ્દો ખોજાએ મોં કટાણું કર્યા વિના સાંભળ્યા. અને એક દિવસ એકટાણું કરવાના નિયમ સાથે સંકલ્પ કર્યો કે જો આ મારા હાથ છૂટા થઈ જાય તો ભગવાનના જિનાલયમાં પાંચ શેર ઘીનો દીવો કરીશ. અને જાણે ભગવતતત્ત્વે માફીનો સાફ સાફો પહેંરાવ્યો હોય તેમ તેના હાથ તરત જ ખુલ્લા થઈ ગયા.

કહે છે - ખુલ્લા દિલે પ્રભુ પાસે જે એકરાર કરે છે તે આ સંસારની જેલના બંધનમાંથી ખુલી જાય છે.

પછી તો ખોજાતું દિલ પલટાયું. જીવનભર જિનમંદીરના અખંડદીવાનું ઘીતોએણે પૂર્યું. પણ સમયે એટલે કે વિક્રમ સંવત્ ૧૮૭૨ના ફાગણ સુદ-બીજના દિવસે એ નાનકડા પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ, ત્યારે પહેલો દીવો આ ખોજા નાનજીભાઈએ કર્યો હતો. દિલનો દીવો દેવલમાં જિંદગીભર ઝળહળતો રહ્યો.

પ્રભાવના

પાપ ક્યારેક એવા ચીકણાં થઈ જાય કે તે ઘીમાં પણ ચોંટી જાય. અને ઘીમાં પડેલી માખીની જેમ રીબાઈ-રીંબાઈને મરી જાય તો પણ તેમાંથી બહાર ના નીકળી શકે અને પશ્ચાતાપના નિર્મળ પાણીથી એ ચીકણાં થયેલા પાપ પણ એવા હળવા થઈ જાય કે જીવ હળવાફુલની જેમ તરત જ બહાર આવી જાય. કાદવમાંથી બહાર આવતા નિર્લેપ કમળની જેમ એ સુવાસિત બનીને ચોમેર મહેકી ઉઠે.

પાપને જલાવે અને પુણ્યને એવો દીવો છે - પશ્ચાતાપ