Get The App

નેતાના અનેક પ્રકારો છે .

Updated: Jan 12th, 2022

GS TEAM


Google News
Google News
નેતાના અનેક પ્રકારો છે                                     . 1 - image


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- અંગ્રેજો પકડવા આવ્યા ત્યારે તેમને ક્યાંય પ્રત્યક્ષ ન થયા. પકડદાવ રમાડયો. કોલકાતાના પોતાના બંગલામાં જ અંગ્રેજોની નજરકેદમાં હોવા છતાં તેમને પ્રત્યક્ષ ન થયા. પરોક્ષ થઈ ગયા. અલોપ થઈ ગયા. જાદૂગરની જેમ તેમની આંખોની સામે જ તેઓ જાદૂમંતર-છૂમંતરની જેમ છૂ થઈ ગયા.

કે ટલાક દંભી નેતા હોય છે, તો કેટલાક ડમી નેતા હોય છે. ત્યારે કેટલાક અભિનેતા જેવા હોય છે તો કેટલાક જનેતા જેવા હોય છે.

કેટલાક નેતૃત્વમાં રહેનારા નેતા હોય છે. કેટલાક લેતા નેતા હોય છે, તો કેટલાક દેતા નેતા હોય છે. કેટલાક રાજનેતા હોય છે તો કેટલાક રોજ નેતા હોય છે. કેટલાક નેતા સદા બહાર રહેતા હોય છે.

તો કેટલાક નેતા સદાબહાર રહેતા હોય છે. કેટલાક આપખુદ હોય છે તો કેટલાક 'આપ' થી નવાજનારા ખુદા જેવા હોય છે.

અખંડ ભારતવર્ષના એક સાચા અર્થના નેતા. નેતૃત્વ દીપાવનારા સૌને માન આપનારા, આઝાદી અપાવનારા. નેતાજી સુભાષચંદ્ર બોઝ.

કોઈનાય ઉપર ક્યારે બોજ બનીને રહ્યા નથી.

બુઝદિલ ક્યારેય-ક્યાંય જેઓ બન્યા નથી.

એક જાંબાઝ બોઝ.

એક શાબાસ બોસ.

'તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા' નું સૂત્ર જેમણે ગળામાં કંઠીની જેમ ધારણ કર્યું હતું. સર્વસાધારણ સૂત્ર.

૨૩ જાન્યુઆરી,૧૮૯૭માં જેમણે જન્મ ધારણ કર્યો. આજે સવાસોમી જન્મજયંતી છે, આ બોસની-બોઝની.

ભારતની સ્વતંત્રતા માટે જેમણે મુખ્ય ભૂમિકા અદા કરી છે. ' આઝાદ હિંદ ફોજ'ની જેમણે સ્થાપના કરી છે.

ગુલામીની કોઈ ઝંઝીરો તેમને ખપતી નહોતી. 'કોંગ્રેસ પક્ષ'માંથી રાજીનામું પણ રાજી રાજી આપી દીધું.

ભારતમાં રહીને કાર્યસિદ્ધિ ન થઈ તો જર્મન-જાપાન જઈને ય કાર્યસિદ્ધિ માટેનું કાર્ય પ્રારંભી દીધું.

ભારતને ગુલામીપણામાંથી મુક્ત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે તેઓ અહીંની રાજનીતિમાંથી મુક્ત થઈ ગયા.

ઓરીસ્સાના કટકમાં જન્મેલો આ વટનો કટકો વટહુકમથી પોતાનું કાર્ય સિદ્ધ કરતો હતો.

આઝાદી માટે જેણે લોહી-પાણી એક કર્યા. અંગ્રેજોને હંફાવ્યા.

ભારતીય સૈન્યનું નેતૃત્વ ધારણ કર્યું. નેતા બન્યા, જનેતા બન્યા. માત્ર નાયક નહીં, મહાનાયક પૂરવાર થયા.

'ચલો દિલ્હી'ના સૂત્રોચ્ચારો કર્યા.

'જય હિંદ'નો નારો જગવ્યો અને ગજવ્યો.

કોંગ્રેસના અધ્યક્ષપદે રહ્યા અને સમય આવ્યે યક્ષની જેમ ગાયબ પણ થઈ ગયા.

અંગ્રેજો પકડવા આવ્યા ત્યારે તેમને ક્યાંય પ્રત્યક્ષ ન થયા. પકડદાવ રમાડયો. કોલકાતાના પોતાના બંગલામાં જ અંગ્રેજોની નજરકેદમાં હોવા છતાં તેમને પ્રત્યક્ષ ન થયા. પરોક્ષ થઈ ગયા. અલોપ થઈ ગયા. જાદૂગરની જેમ તેમની આંખોની સામે જ તેઓ જાદૂમંતર-છૂમંતરની જેમ છૂ થઈ ગયા.

અને બીજા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોની સાથે યુદ્ધમેદાનમાં પ્રત્યક્ષ. પરોક્ષ થતા રહ્યા.

જીવનકાળ દરમ્યાન તેઓ ક્યારેય પ્રત્યક્ષ ન થયા.

મૃત્યુ વેળાએ પણ તેઓ ગાયબ રહ્યા.

આજે પણ જેમનું મૃત્યુ અકળ છે.  રહસ્ય છે. એમનું એક સુવર્ણસૂત્ર હતું.

'આઝાદી માંગીને મેળવવાની ચીજ નથી, તે તો પોતાની શક્તિના જોરે યુદ્ધ કરીને મેળવવાની છે.'

જેને એ અંતિમશ્વાસ સુધી વળગીને રહ્યા હતા. એમને યાદ કર્યા વગરની ૨૬ જાન્યુઆરીની ઉજવણી પણ અધૂરી ગણાય છે. સુભાષચંદ્ર (સુ-ભાષાનો ચંદ્ર) છે તો જ ઉજવણી મધુરી છે.

પ્રભાવના

ભગવાન મહાવીરે પણ સોધર્મેન્દ્રને કહ્યું હતું - ' હે ઇંદ્ર ! આત્માની આઝાદી =કેવલજ્ઞાાન (પરમજ્ઞાાન) મારા આત્માના બળ પર મેળવીશ.' (આધાર- કલ્પસૂત્ર)

સુભાષચંદ્ર બોઝના સુવર્ણસૂત્રનું કદાચ આ મૂળ હોઈ શકે.

Tags :