Get The App

વખતચંદનો વખત રાજકર્તા સામે સખત એટલે જ ત્રણ દરવાજાનો લખત (લેખ)

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
વખતચંદનો વખત રાજકર્તા સામે સખત એટલે જ ત્રણ દરવાજાનો લખત (લેખ) 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'આ સભા શાની છે ?'

'અમદાવાદના શાંતિદાસ ઝવેરીના પ્રપૌત્ર વખતચંદ શેઠની આગેવાની હેઠળ આ સભા છે.'

'અરે, પણ આ સભા શાની છે ?'

'વડોદરાના ગાયકવાડ સરકારનો જેમ્સ કાર્નક નામનો અંગ્રેજ અધિકારી અમદાવાદ આવ્યો છે, તેની આ સભા છે.'

'અરે, પણ હું પૂછું છું કે આ સભા શા માટે છે, હું ક્યારનો પૂછું છું શું અને જવાબ શું આપે છે ?' તે પૂછનારો ગિન્નાયો હતો, અકળાયો હતો.

'અરે, તે તમે અંદર જશો એટલે જાણ થઈ જશે. જાઓ.' પેલાએ ત્યાંથી ખસી જતાં જવાબ આપ્યો.

* * * 

ઇસ્વીસન ૧૮૧૨ની આ ઘટના છે. અર્થાત્ આજથી ૨૧૪ વર્ષ પૂર્વેની આ ઘટના છે.

અમદાવાદના ભદ્ર અને ત્રણ દરવાજાની વચ્ચે એક વિશાળ સભા ગોઠવાઈ છે. નગરની સંપૂર્ણ પ્રજાને ભરોસો હતો કે આ નિવેડો માત્ર ને માત્ર નગરશેઠ વખતચંદ ખુશાલચંદ જ લાવી શકશે.

જે શાંતદાસ ઝવેરીએ મોગલકાળમાં ઔરંગઝેબ, શાહજહાં જેવાઓ પાસે પણ કામ કઢાવી લીધા છે, તેમને પ્રપૌત્ર આ કામ અત્યારે કરાવી શકશે.

અમદાવાદની સમસ્ત પ્રજા એ જાણતી હતી કે શેઠ શાંતિદાસ અને તેમનો વંશવારસો માત્ર જિનમંદીરો, ઉપાશ્રયો, છ'રીપાલકો કે જીવદયા જેવા જૈન ધર્મના કાર્યો જ નથી કરતો પણ નગરજનો માટે ઉપકારક એવા સ્કૂલના, હોસ્પિટલના, આંગડિયા-કુરિયરના, દરેક ધર્મના ધર્મસ્થાનકોના દરેક કાર્યો પણ તેઓ કરે છે.

વળી, આ અરિહંત-સેવક નગરશેઠ વખતચંદ તો દરેક વખતે નગરજનોના પડખે ઊભા જ રહેલા છે.

ગુજરાતમાં તેમના જીવનકાળમાં ગાયકવાડ, પેશ્વા (મરાઠા) અને અંગ્રેજી સરકારનું શાસન આવેલું છે, ત્યારે એ બધી જ સરકારોના સન્માન અને વિશ્વાસપાત્ર બન્યા હતા.

પ્રજાની આર્થિક સામાજિક અને રાજકીય મૂંઝવણ વખતે આ વખતચંત શેઠ પ્રજાના પ્રશ્નોને રાજકર્તા સુધી પહોંચાડતા અને એનો નિવેડો લાવતા.

એટલે આજે પણ પ્રજાએ પોતાનો પ્રશ્ન વખતચંદ શેઠને જણાવ્યો. વખતચંદ શેઠે પણ વખત જોઈ સભા ભરાવી.

આ સભાની ફલશ્રુતિ આજે પણ અમદાવાદના ત્રણ દરવાજાની દિવાલ ઉપર પૂર્વાભિમુખ લગાવેલો છે. તા. ૧૦ ઓક્ટોબર, ૧૮૧૨ ના રોજ લખાવેલો આ લેખ ૭૯ટ૩૩ સેન્ટીમીટરનો આકાર ધરાવે છે. અમદાવાદની પ્રજા માટે આ લેખ દેવનાગરી લિપિમાં લખાવાયો છે.

મુંબઈ રોયલ એશિયાટીકનું જર્નલ વો.૧૯ અંક-૫૩ અને ૧૮૯૭ પૃષ્ઠ ૩૪૮ માં 'Three Gate ways Ahmedabad’ નામની કોલમમાં આ લેખનો અંગ્રેજી અનુવાદ પણ આપેલો-છાપેલો છે. તો 'અમદાવાદના ઝવેરીવાડના જિનાલયો' ભા.૧ નામે પુસ્તકમાં પૃષ્ઠ-૨૫૪ માં લેખિકા પ્રવિણાબેન શાહે અને પારૂલબેન પરીખે આ લેખનો ગુજરાતી અનુવાદ પણ આપ્યો-છાપ્યો છે.

૩૫ લાઈનના આ દેવનાગરી લેખમા ંસભાની ફળશ્રુતિ આપી એ છે કે પિતાની સંપત્તિમાં દીકરી પણ વારસદાર બની શકે છે.

પ્રજાએ શેઠ વખતચંદ દ્વારા શાસક સુધી પોતાની આ વાત પહોંચાડી કે અમે દીકરીને મિલ્કતનો વારસો આપીએ છીએ ત્યારે મરાઠા શાસકો અમને ત્રાસ આપે છે. અમારી આ હેરાનગતિ દૂર થાય, તેવું કરો.

ત્યારે એટલે આજથી ૨૧૪ વર્ષ પૂર્વે આ વિશાળ સભા ભરાઈ. તેનો નિવેડો આવ્યો. ત્રણ દરવાજાની દિવાલ ઉપર શિલાલેખ કોતરાયો.

તેમાં જણાવાયું છે કે સૂર્ય-ચંદ્ર તપે, ત્યાં સુધી આ નિયમ તપશે. આસો માસની પંચમી (શુકલ) શનિવારના દિવસે લખાયેલ આ લેખમાં લખ્યું છે - 'દીકરો અને દીકરી બંને વારસદાર. તથા જે કન્યાને દીકરો ન હોય ત્યારે કન્યા વારસદાર..'

'કરન્ટ અફેર્સ વર્લ્ડ ઇનબોક્સ'ના 'કરન્ટ ટોપિક' નામના મેગેઝીનની કોલમમાં પણ ત્રણ દરવાજાના આ લેખનો ઉલ્લેખ સારી રીતે કરવામાં આવ્યો છે.

આ સમયે પ્રખ્યાત પત્રકાર શ્રી રોહિત શાહની એક યાદ આવે છે. દીકરો અને દીકરી જેમ માતા-પિતાની મિલ્કતના વારસદાર બની શકે છે તો માતા-પિતાની સેવા-સાચવણીમાં પણ સમાન હકદાર બને છે.

પ્રભાવના

જિનભક્ત શેઠ વખતચંદને પ્રજાના હિતચિંતક રૂપે જોઈને તે સમયના રાજકર્તા ગાયકવાડ સરકાર તરફથી આબદગિરિ એટલે રાજચિન્હ સ્વરૂપે છત્ર, મશાલ અને પાલખીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ દરરોજ આ પાલખીમાં બેસીને ઝવેરીવાડના જિનાલય, ઉપાશ્રય તથા રાજકચેરીમાં જતાં. વળી, તે સમયે રસ્તામાં જેટલા યાચકો મળતા, તેમને દાન આપતાં.

વળી, ઇસ્વીસન ૧૮૨૭માં કંપની સરકારે પણ સદર અદાલતમાં જીલ્લા કોર્ટમાં નગરશેઠ વખતચંદભાઈને ખુરશીનો હક્ક પણ આપ્યો હતો. આ સન્માન પણ એમને નગરજનોના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થવાને કારણે જ મળ્યું હતું. વખતચંદ શેઠનું નામ ત્રણ દરવાજાના શિલાલેખમાં પણ કોતરાયેલું છે.