- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
આત્મહત્યા એટલે બ્રહ્મહત્યા...
'આપઘાત કરીને હવે મારા પાપનો ઘાત કરૃં.' આમ વિચારી તે સોની આંબા પાસે ગયો.
જંગલમાં રહેલા તે આંબાના વૃક્ષની પાસે જઈને પ્રથમ ડાળી ઉપર ચડયો. થોડીક રમત તે ડાળી સાથે કરી. પોતાની મનગમતી ડોલ (ગુડિયા) = ડોલી (પ્રેમિકા+પત્ની) તો ત્યાં હજી નહીં. આજ સુધી તો તેની સાથે જ રમત અને મમત કરી હતી. તેની સંગત અને રંગતમાં જ અંગત સમય વીતાવ્યો હતો. હવે એ જગત અને જગતી આ જંગલમાં ક્યાંથી ?
થોડેક વિચારે ચડયો, ડાળીની સાથે. ફરીએ ડાળીએ વિચારો સાથે નીચે ઉતર્યો. ડાળી સાથે ગળાફાંસો તૈયાર કર્યો.
ભગવાનનું નામ લીધું અને ગળાફાંસે પડતું દીધું. હવે એ ઝાડ પર લટકી રહ્યો હતો. છેલ્લા શ્વાસે અટકી રહ્યો હતો.
ત્યાં દૂરથી એક સાધુએ આ દ્રશ્ય જોયું. જગતથી અદ્રશ્ય રહેનારા આ સાધુ ત્યાં આવ્યા. સોનીને દ્રશ્ય થયા.
સોની વિચારે ચડયો. મારા કેવા અહોભાગ્ય કે આ મૃત્યુની વેળાએ મને એક સાધુના દર્શન થઈ ગયા. મારા આશ્વાસની સાથે મારું મૃત્યુ સુધરી જશે. જંગલમાં મંગલ થઈ ગયું. મરણની કાળવેળાએ શરણ-સ્મરણની કાળવેળા પ્રગટી. જીવનના સૂર્યાસ્ત સમયે જાણે ધર્મનો સૂર્યોદય પ્રગટયો.
પણ આ તો સાધુ હતા. એમ જીવનનો સૂર્યાસ્ત થવા દે તેમ ન હતા. ઝડપભેર એ ગળાફાંસો પોતાના બાહુબળે ડાળે ચડીને તોડી દીધો. તેના નિર્જીવ જેવા દેહને જમીન સાથે જાણે જોડી દીધો.
અંતિમ લાગતા શ્વાસે કોઈ આશ્વાસન અને આશ્વાસનનો નવો શ્વાસ રૂપાંતરિત થયો. પાસે રહેલ પાણી તેના મુખ પર સીંચ્યું. અને એ અમૃતજળના સિંચનથી કરમાવા જઈ રહેલું મુખકમળ ફરી ખીલી ઉઠયું.
સાધુએ તેને બેઠો કર્યો. જાણે નવો અવતાર અહીં હેઠો ઉતાર્યો. તેના માથે હાથ મૂકીને કહ્યું, 'વત્સ, આપઘાત એ પાપઘાતનો કોઈ રસ્તો કે શિરસ્તો નથી. આપઘાતથી પાપ ઘાટ ના થાય, પણ પાપના આઘાત આવે. પાપ ન બને, વજ્ર જેવા સઘન બને. આત્મહત્યા એટલે આત્માની હત્યા.... એટલે નિરંજન-નિરાકાર-અનંતજ્ઞાાની આત્માની હત્યા... એટલે બ્રહ્મહત્યા - આત્મહત્યાના વિચારથી પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે.
જીવનને મસ્ત બનાવવું હોય અને સમસ્ત પાપોનો ઘાત કરવો હોય... તેવા આઘાત-પ્રત્યાઘાતના ઘાતમાંથી બહાર આવવું હોય તો દીક્ષા એ જ સફળ રસ્તો અને શિરસ્તો છે.
સોનીએ પણ હાથે અને માથે સાધુની સાથે-સંગાથે દીક્ષાની શિક્ષા વધાવી.
ઘટના આમ બની... ઘટનાથી દુર્ઘટના સુધીનો ચીતાર તાદ્રશ્ય કરીએ....
વિજયખેડ નામના નગરમાં હેમપ્રભ નામે સોનીનો ક્ષયંકર નામે યુવાન દીકરો હતો. તો એ જ નગરમાં ધનાવહ નામે એક મોટા શ્રેષ્ઠીની સુખંકરા નામે યુવાન પત્ની હતી.
એક વખત બંનેની આંખ મળી. જે એકબીજાના દિલ સુધી પહોંચી. હૈયે-હૈયું મળે, તે માટે સુખંકરા રોજેરોજ કાંઈકને કાંઈક ઘરેણાં સંબંધી બહાનું કાઢી ક્ષેયંકર પાસે આવતી.
આંખનો પ્રેમ હાથ પર પહોંચ્યો. પછી એ પ્રેમને સાથ શરીરના અંગ-ઉપાંગો પર અને આગળ વધીને સંપૂર્ણ શરીર પર પહોંચ્યો. અનંગથી અંગે-અંગ સંગ લાગ્યો. કામદેવનાં કામ જામ છલકાતો હતો. અંગ ઉછળતું હતું અને અનંગ છળતું હતું.
હવે અહીં રહેવામાં તેમને જોખમ લાગતું હતું. કામના જામ અંજામ એ આવ્યો કે એક દિવસ બંને પૂર્વવિચારણાના આયોજન સાથે યોજનો દૂર ભાગી ગયા. હવે એમના કામના જામમાં કોઈ ભાગીદાર ના રહ્યો. સહકાર નામનું ગામ બંનેના કામનું સહભાગી બન્યું. હવે તેમનો ભોગ-સંભોગ દેવના ભોગની જેમ નિરંતર વધતો રહ્યો.
એક દિવસ રાતના સમયે ક્ષેયંકરે પત્ની બનેલી પ્રેમિકા પાસે સોનું ઘડવાનું ઉપકરરણ મંગાવ્યું. સુખંકરાએ અંદરની રૂમમાં ઉપકરણ લેવા હાથ લંબાવ્યો. ત્યાં જ એક ઝેરી સાપ તેને ડંખી ગયો. સુખંકરાની એ રાત અંતિમ રાત બની ગઈ.
સોનીની અમી અને અમીરાત ચાલી ગઈ. રાતની અમી હવે આથમી ગઈ. ઘણીવાર સુધી પોતાની 'સુખ' ન આવી, તેથી તે અંદર ગયો. હવે તેની સુખંકરા દુખંકરા બની ગઈ હતી. એક દિવસ જે શેઠની પત્ની હતી, પછીથી તેની પ્રેમિકા-પત્ની બની, તે આજે ન હતી. શેઠની પત્ની મટીને અહીં આવી, તે હવે સોનીની પત્ની પણ ન રહી.
એ રાતે રાતેપાણીએ તે રડયો. વિલાપ કર્યો. અને અંતે વૈરાગ્યની ખંતે જંગલમાં ગળા ફાંસે ચડયો. પણ ત્યાં એક સંતે તેના જીવનને વસંતે ચડાવ્યું.
પ્રભાવના
શસ્ત્રના પ્રહારથી, ઝેર ખાઈને, આગ લગાડીને, પાણીમાં ડુબી, ફાંસો ખાઈને, ગાડી નીચે કચડાઈને, પર્વત-બિલ્ડીંગ આદિથી કૂદીને કે આવા કોઈપણ પ્રકારોથી આપઘાત-આત્મહત્યા સ્યુસાઈડ કરનારો જીવન ભવાંતરમાં માત્ર જન્મ-મરણની પરંપરા પ્રાપ્ત કરે છે.
જીવન ટુંકાવીને જીવન ખતમ કરનારને ભવાંતરમાં જીવન જીવવા જેવું ક્યારેય મળતું નથી. જીવન જીવવા જેવું રહેતું ય નથી.
'चूम लेता हूं हर मुश्किलों को मैं अपना मानकर
जिंदगी कैसी भी है, आखिर है तो मेरी ही ।।'


