Get The App

નોકરને આજીવન નોકર રાખે, તે શેઠ શાનો? .

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
નોકરને આજીવન નોકર રાખે, તે શેઠ શાનો?                       . 1 - image

- તું નાનો ને હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, હું મોટો, તો તું કેમ નહિ ? એ મોતીશાનો વિચાર મોટો

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

એ યુવાન એ યુવતીના કક્ષમાં પ્રવેશ્યો... યુવતી પોતાના કક્ષમાં એકલી જ બેઠી હતી. કોઈક વિચારોમાં ખોવાયેલી એ યુવતીનું ધ્યાન કક્ષમાં પ્રવેશેલા યુવાન પર ગયુ.

સોહામણો એ યુવાન એકલો જ હતો. અને ઘરમાં બેઠેલ એ નમણી નાર પણ એકલી જ હતી. 

યુવાને યુવતીની આંખમાં જોયું. યુવતીની આંખો નમ હતી. આંખોમાં હૈયાભીની ભીનાશ હતી.

યુવાને એ યુવતીની આંખોમાં આંખ પરોવીને કહ્યું, 'મને ખબર છે. નાનજી પાછો ફર્યો નથી. બે વરસના વહાણા વાઈ ગયા. વહાણ ગયા તે ગયા. પાછા આવ્યા જ નહીં. અફાટ સાગરની કોઈક ફાટમાં વહાણો ગરક થઈ ગયા લાગે છે.'

નાનજી તે યુવતીનો પતિ હતો. કોડભરી આ યુવતી બે વરસથી એકલી રહેતી હતી. ઘરમાં બીજું કોઈ ન હતું.

આથી આ યુવાન અહીં આવ્યો હતો. અને એણે આ યુવતીને આગળ કહ્યું, 'તું રડ નહીં. નાનજી મારો નાનો ભાઈ જ છે, એમ સમજી લે. હું તેનો ભાઈ જ છું. નાના ભાઈનું બધું મારું જ છે. તું જરાય ચિંતા ના કરતી. તારી બધી જ ચિંતા કરવા માટે હું બેઠો જ છું.'

અને એ યુવાને ભાડાનું ઘર તેના નામે એટલે તે યુવતીના નામે કરી દીધું. અને તેના ઘરનો બધો ખર્ચ પણ તેણે લઈ લીધો.

***

'આ તોપોની ગર્જના શાની છે ?' યુવાને પોતાના માણસોને પૂછયું...

જાત તપાસ કરીને આવેલા તે માણસોએ કહ્યું, 'દરિયામાં વહાણો (જહાજો) આવ્યા છે. મોટા મોટા જહાજો દૂરદૂરથી આવતા દેખાય છે. થોડી જ સમયમાં તે દરિયાકિનારે આવી જશે.'

યુવાન પોતાના સાગરિતો સાથે દરિયાકિનારે દોડી ગયો. જોયું તો જહાજો પણ તેની જેમ જ તેના તરફ જ દોડી રહ્યા હતા.

જહાજો થોડીવારમાં જ કિનારે લાંગર્યો અને એ જહાજો પૈકીના મુખ્ય જહાજમાંથી એક યુવાન ઝડપભેર નીચે કૂદ્યો.

કિનારે દોડી આવનાર એ યુવાને જહાજ અને કૂદનાર યુવાનને જોયા. આશ્ચર્યસભર નયને એ જોઈ જ રહ્યો.

આ તે ભૂત છે કે યુવાન ?

છેલ્લા પાંચ વરસથી જે યુવાનનો અને જહાજનો અત્તો-પત્તો ન હતો, તે આજે સાક્ષાત્ સામે હતા.

જહાજ ડૂબી ગયું હશે અને જહાજનો નાયક યુવાન મૃત્યુ પામ્યો હશે. તેવી કલ્પનાથી જેને  ભૂલી ગયા હતા, તે આજે સામે આવીને ભૂલાવામાં જાણે નાંખી રહ્યો હતો.

'આવી ગયો તું... નાનજી ! કેમ છે ?'

'સરસ છું. તમારા પુણ્યપસાયે ક્ષેમ-કુશળ છું. વ્યાપાર અર્થે થોડીક વધારે સફર કરી, એટલે વરસો વધી ગયા. જુઓ આ જહાજો-કરોડો નહીં, અબજોનો માલ છે આમાં.'

અને આ સાંભળતા જ એ યુવાને આગંતુક યુવાનને બાથમાં લઈ લીધો. આંસુની ધારથી તેને પખાળી દીધો.

આગંતુક યુવાન તે બીજો કોઈ નહીં, જહાજનો નાયક-નાનજી ચીનાઈ.... શેઠ મોતીશાનો એક જહાજ ખેડતો વેપારી માણસ.

સેંકડો જહાજના માલિક શેઠ મોતીશા પોતાના આ વેપારી માણસને હેમખેમ અને સાહસી જોઈને મોતી જેવી બુંદો આંખેથી વહાવી રહ્યા.

અને તે પછી મોતી જેવા શબ્દો પણ મોતીશા શેઠે વહાવ્યા - 'નાનજી ! તેં ખૂબ મોટી ખેપ લગાવી. જબરી સાહસિકતા દર્શાવી. પાંચ વરસ લાંબી સફર કરી આવ્યો, મને પૂછયા વગર. હવે તારે તેની સજા ભોગવવી પડશે.'

નાનજી કંઈ બોલ્યા નહીં.

હજારોના તારણહાર મોતીશા શેઠે કહ્યું, 'નાનજી, આજથી આ જહાજોની સંપત્તિનો માલિક તરીકે તને ઘોષિત કરું છું. આ બધી જ સંપત્તિ તારી.'

'પણ, શેઠજી !'

'પણ બણ કંઈ નહીં. એક શેઠને એટલો તો અધિકાર હોય જ ને કે તે પોતાના આશ્રિતને શેઠ બનાવે. શુ મારો માણસ શેઠ બને, એમાં મારી શોભા નથી ? નોકરને શેઠ બનાવે એ જ તો સાચો શેઠ કહેવાય ને ? નોકરને આજીવન નોકર રાખે, તે શેઠ શાનો ?' મોતીશાનું આ વાક્ય-મોતી મોતીશા શેઠની મોતીશાટુંકની જેમ મનની મુંઝવતી ખાઈને પૂરી ગઈ.

મોતીશા શેઠે જેમ શત્રુંજય-પાલિતાણા ગિરિરાજ પર ખાઈ પૂરીને શેઠાઈની મોટી-મોતીશા ટુંક ઊભી કરી હતી...

પ્રભાવના

તા..... ડિસેમ્બરના રોજ જે પાર્શ્વનાથ પરમાત્માનું જન્મકલ્યાણક આવી રહ્યું છે, તે પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ તીર્થો પૈકીના એક તીર્થ સમા 'ગોડીજી તીર્થ'ના નિર્માણમાં મોતીશા શેઠનો સિંહફાળો હતો.

ભારતની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ મહાનગરીને આવા તીર્થોની ભેટ કરીને મોતીશાએ ધાર્મિક રાજધાની પણ બનાવી દીધી હતી.

પાયધુની વિસ્તારના આ મહાન મંદિરોના મહાન પ્રભાવે મહાનગરી મુંબઈ મહાન નગરી બની ગયેલી છે.