- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
ફટાક્ ।। એક લાકડી જોરથી એ માથા પર પડી.
લાલચોળ એ માથું.. લોહીથી રંગાયું. વધુ લાલ થયું. થોડીવાર થઈ. ફરી એક લાકડી માથા પર જોરથી ઝીંકાઈ. અને માથા પર લોહીનું ઝરણું ફૂટયું. પર્વત પરથી ફૂટેલું ઝરણું જેમ વહેતું નીચે તરફ જાય. તેમ અહીં માથા પરથી ફૂટેલાં ઝરણાંની જેમ લોહી દદડતું-દદડતું નીચે વહી રહ્યું.
માથામાં તાજો જ લોચ થયો હતો. (ચપટી- ચપટી વાળ ચપટીમાં લઈ માથા પરથી ખેંચી લેવા. અને આમ વાળ ખેંચીને માથા પરના બધાં જ વાળ સાફ કરી દેવા. માથું આ રીતે મુંડી દેવું. તેને લોચ કહેવાય. અર્થાત્ કેશલુંચન કહેવાય.) એટલે માથું આખું લાલઘૂમ હતું. કૂણું હતું. લોહી ઉપરની નસોમાં ગરમ-ગરમ હતું. આવા માથા પર લાકડી પડે તો લોહીનું ઝરણું ફૂટે નહીં તો શું થાય! પણ આ શિષ્ય સમભાવથી ભાવિત હતો. ભવનિસ્તારક આ ગુરુથી પ્રભાવિત હતો. એટલે મનમાં સમભાવ ઝબકી રહ્યો હતો. અને મુખ પર પ્રશમભાવ ઝબકી રહ્યો હતો.
માથા પર લોહીનું ઝરણું જે ફૂટ્યું હતું, તેના કરતાં અનેકગણું મોટું ઝરણું શુભભાવોનું- સમભાવનું ફૂટયું હતું. ખૂબ જ સમભાવ ખલખલ કરતો વહી રહ્યો હતો.
લીસી ગાલ લોહીથી વધુ લાલિમા ધારણ કરી રહ્યો હતો. પણ પ્રશમભાવની લાલિમા તેમના મુખ પર તેનાથી પણ વધુ છવાઈ હતી. લોહીની લાલિમાં એ પ્રશમ-મુખની લાલિમા સામે ઝાંખી પડી ગઈ હતી.
શિષ્ય યુવાન હતો. આજે જ દીક્ષા લીધી હતી. આજે જ લોચ કર્યો હતો. આજે જ વિહાર કર્યો હતો.
દીક્ષાની ઘટના આમ બની.
આ યુવાનના આવતીકાળે લગ્ન થવાના હતા. એટલે આજે બપોરે-સાંજે પોતાના મિત્રો-યુવાનો સાથે ફરી રહ્યા હતા. મસ્તી- મસ્તીમાં ઉપાશ્રયે આવી ચડયા. જો કે આત્માની મસ્તી મેળવવાજ ઉપાશ્રયે આવવાનું હોય છે. પણ આ યુવાન તો પરણની મસ્તીમાં મસ્ત હતો.
ઉપાશ્રયમાં બિરાજમાન ગુરુને બધાએ પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કર્યા. ગુરુએ પણ એક નજર એ યુવાનો પર ફેરવી. યુવાનો દેહિક મસ્તીમાં વધુ ઝૂમ્યા. અને બધા મિત્રો એકસાથે બોલી ઉઠયા-'મહારાજજી ! આને દીક્ષા લેવી છે .'
મિત્રોની મજાક-મસ્તી ગુરુ પારખી ગયા. તરત જ એ લગ્ન-ઇચ્છુક યુવાનને પકડયો. અને એ મજાક-મુહર્તમાં જ તેના માથાનો લોચ કરી નાંખ્યો. લીસું માથું ચમકવા લાગ્યું.
લગ્ન-ઇચ્છુક યુવાન લોચ થતાની સાથે વૈરાગી બની ગયો હતો. એક એક વાળ માથામાંથી નીકળીને બહાર નંખાતા હતા, તેમ એક-એક પદાર્થ-ભાવ હૈયામાંથી- આત્મામાંથી બહાર ફેંકાઈ રહ્યો હતો.
પૂર્ણ વૈરાગ્યભાવ લોચ પૂર્ણ થતાંની સાથે જ માથાની જેમ ચમકી રહ્યો હતો. શિષ્યત્વ પૂર્ણપણે ઝળકી રહ્યું.
સમી સાંજે ગુરુએ શિષ્યને લઈ વિહાર શરૂ કર્યો. ગુરુ વૃધ્ધ હતા. શિષ્યે ગુરુને ખભે ઉપાડયા. અને જંગલને રસ્તે ચાલી પડયા.
અંધારામાં કાંઈ દેખાય નહીં. શિષ્ય ઠોકરે ચડે. એટલે ગુરુ ઊંચા-નીચા થાય.
આ પરિસ્થિતિમાં ગુરુએ હાથમાં રહેલી લાકડી શિષ્યના માથા પર ફટકારી. માથું લોહીથી રંગાયું. પણ મન શુભભાવોથી સમભાવથી રંગાયું.
બે-ચાર વખતના લાકડીના ફટકામાં તો તેમનો આત્મા પરમજ્ઞાન-કેવલજ્ઞાનની કડીમાં જોડાઈ ગયો. જંગલની કેડી મોક્ષની કેડી બની ગઈ.
આજ સુધી વાંચ્યું હતું- 'સોટી વાગે ચમચમ, પણ આજે એ જાણ્યું કે-
'વિધા આવે ધમધમ'
લાકડી વાગે ચમચમ
કેવલજ્ઞાન આવે રૂમઝુમ.'
આ છે ગુરુની વિશેષતા એ પૂર્ણમાં તો છે. પણ એ પૂર્ણતાને પ્રગટાવનારી મા પણ છે. આ હતા ચંડરુદ્રાચાર્ય ચંડ હતા. પણ શિષ્ય પાસે પ્રચંડ કાર્ય કરાવી દીધું.
શિષ્યને ગુરુ = મહાન બનાવે તે ગુરુ.
પ્રભાવના
અષાઢ સુદ-૧૪ના દિવસે સંધ્યા સમયે ચોમાસી ચૌદશનું પ્રતિક્રમણ થાય. અને ત્યારે જાહેરાત થાય કે હવે ચોમાસું બેસે છે. હવે વિહાર બંધ થાય છે. આરાધના શરૂ થવાની.
હવે રાત્રિ શરૂ થઈ. એટલે રાત્રિ પૂરી થયે શિષ્ય ગુરુ પાસે જાય. વંદન કરે. અને પૂર્ણતાની પગવાર ચડવા ગુરુના ચરણોમાં બેસે. ભણે આરાધના કરે.
ચાર મહિના સુધીની પૂર્ણ આરાધના કરવા માટે આજના દિવસે વિશિષ્ટ ગુરુ પૂજન- ભાવપૂજન થતું હોઈ આજના દિવસને ગુરુપૂર્ણિમા કહેવાય. આજથી ચાર મહિના સાધુ-સાધ્વી- શ્રાવક- શ્રાવિકા ગુરુની નિશ્રામાં જ્ઞાન આદિની ભરપૂર આરાધના કરે. એ માટે આજે પહેલું વંદન કરાય. તે છે ગુરુપૂર્ણિમાનું પ્રથમ પૂજન.


