Get The App

'નાંદિયા', ના 'મહાવીર', ' નાંદિયા' ના 'મહાદેવ' પ્રગટાવે વીરત્વ અને દેવત્વ ઝળકાવે નીરસત્ત્વ અને દેવતત્ત્વ

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
'નાંદિયા', ના 'મહાવીર', ' નાંદિયા' ના 'મહાદેવ' પ્રગટાવે વીરત્વ અને દેવત્વ ઝળકાવે નીરસત્ત્વ અને દેવતત્ત્વ 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

'મારે મારા અબ્બાજાન સાથે રહેવું જ નથી. મારા (પિતાજી) અબ્બાજાનનું હવે મારે મોઢું પણ જોવું નથી. હું હવે પાછો ઘરે જવાનો નથી. મારો બાપ, બાપ નહીં પણ મારા માટે સાપ છે.

'પણ એવું ના કરાય. આપણા માતા-પિતા આપણા સૌથી મોટા હિતેચ્છુ છે. એક વાત ધ્યાનમાં રાખજે- આ દુનિયામાં (દેવ અને ગુરુની આધ્યાત્મિક દુનિયા છોડીને સંસારની આ ભૌતિક દુનિયામાં) આપણા માતા-પિતા જ એક એવા જીવો છે, જે આપણો વિકાસ ઇચ્છે છે. માતા-પિતાએ આપણને માત્ર જન્મ જ નથી આપ્યો, જીવન પણ આપ્યું છે. આપણને મોટા કરનારા તેઓ જ છે. માતા-પિતાની દિલની દુઆથી આપણે મોટા (દેહતત્વની અને દેવતત્ત્વથી) બની શકાયા છીએ.'

'પણ એ સાપની જેમ આખો દિવસ મારી ચોકી કર્યા કરે છે.' તારી ચોકી નહીં, પણ એ સાપની જેમ તારી સુરક્ષા કરવામાં તૈનાત રહે છે. એમને મન પોતાનો વહાલસોયો ક્યાંય ફસાઈ ન જાય, કોઈ જેવા તેવા કસાઈના હાથે, તેની સતત ચિંતા છે. મા- બાપને મન દીકરો પોતાનો કાળજાનો કટકો હોય છે, દિલનો ટુકડો હોય છે. પોતાના જ દિલના ટુકડાને કોણ ભલા ફેંકી દે. પોતાના દિલના ટુકડાની જુદાઈ એને ચેન જ ના આપે. દોસ્ત, તારી ગંભીર ભૂલ છે. આ તારી વૃત્તિની અને પ્રવૃત્તિની.

તારા મનમાં ભરાયેલા આ ગેરસમજના સાપને કાઢી નાખ. અને સુંદર વિચારોના 'તારા' સમૂહ વચ્ચે તારા માતા-પિતા રૂપી ચંદ્ર-સૂર્યનો પ્રવેશ કરાવ. જા તું તારા ઘરમાં જા. માતા-પિતાથી દૂર રહેનારો દીકરો બેઘર છે. એનું જીવન લઘર-વઘર છે.'

* * *

શ્રમણ ભગવાન મહાવીરના શ્રીચરણોથી પવિત્ર બનેલી ભૂમિ નાંદિયા ગામની અંદર આ વાર્તાલાપ ચાલી રહ્યો છે.

આચાર્ય શ્રી સુહસ્તિ સૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી સમ્રાટ સંપ્રતિ રાજાએ જે તીર્થનો છેરીપાલક સંઘ કાઢીને જીર્ણોદ્ધાર કરાવેલો છે, તેવા નાંદિયા તીર્થનો એ સત્ત્વવંત શ્રાવક બહારગામથી આવેલા એ દોસ્તને સમજાવી રહ્યો છે.

વિક્રમની પંદરમી સદીમાં થયેલા માંડવગઢના બાદશાહ હુસંગ શાહનો શાહજાદો (દીકરો) ગજનીખાં પોતાના મા-બાપથી રીસાયો હતો. માંડવગઢના માંડવે તાંડવ વાતાવરણ ઉભું કરી એ ગજનીખાં ઘર છોડીને નાંદિયામાં આવ્યો હતો. અને પોતાના દોસ્ત રત્નાશા અને ધરણાશા પોરવાડને મળ્યો હતો.

વિશ્વપ્રસિદ્ધ તીર્થ રણકપુર જેવા સ્થાપત્યના જે નિર્માતા બનવાના હતા, એવા આ રત્નાશા અને ધરણાશા ગઝનીબાંને સમજાવી રહ્યા હતા.

ભગવાન મહાવીરની ૨૯મી પાટે આવેલા આચાર્ય જયાનંદસૂરિજીની પ્રેરણાથી પોરવાડ મંત્રી સામંતસિંહે પણ જે તીર્થનો જીણોદ્વાર કર્યો હતો એવા નાંદિયા તીર્થમાં પોતાનું વીરસત્વ પ્રગટાવનારા આ રત્નાશા અને ધરણાશાએ રણકપુર મહાતીર્થમાં દેવતત્ત્વ પ્રગટાવ્યું હતું. પ્રભુ મહાવીરની પચાસમી પાટે આવનારા આચાર્યશ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજાના પરમ પવિત્ર મંત્રોચ્ચારના સથવારે જેઓ તીર્થનિર્માણના સત્કાર્યમાં અગ્રેસર બન્યા હતા, તેવા રત્નાશા અને ધરણાશાએ ખૂબ સરસ રીતે ગઝનીખાંને સમજાવ્યો હતો.

યાદ રહે, નાંદિયાતીર્થના આ રત્નાશા અને ધરણાશા જેવા રત્નોએ માત્ર મૂર્તિ અને મંદિરોજ ઉભા નહોતા કર્યા, પણ આવા માનવ-મંદિરો પણ ઉભા કર્યા હતા. એમણે પોતાના માતા-પિતાના નામ તો રોશન કર્યા હતા. પણ જગતના જીવોને પણ માતા-પિતાનું મહત્ત્વ સમજાવ્યું હતું.

ભગવાન મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધન મહારાજાએ વસાવેલ નંદીવર્ધન નગર (પછીથી નાંદિયા) ના નંદનવન સમા આ રત્નાશા અને ધરણાશાએ ગઝનીખાંને ઘરે જવા સમજાવ્યો. એટલું જ નહિ, પણ એને તે સમયના ત્રણ લાખ રૂપિયા ભેટ (ગિફટ) આપ્યા. આ હતા નાંદિયાના મહાદેવના નાંદી (પોઠિયા) જેવા નંદપુરુષો. મગધમાં સુર્વણની ડુંગરીઓ રાખનારા નંદ રાજા જેવા હતા નાંદિયાના આ નંદ અને આનંદ રત્નો. ત્યારબાદ તો આ રત્નાશા-ધરણાશા માંડવગઢના બાદશાહના અતિ આગ્રહથી માંડવગઢમાં પણ રહ્યા. અને તે પછી શાહજાદાના હરામજાદા વર્તનથી ઘાણેરાવ રહ્યા. રાણા કુંભાજીના પ્રતિપાત્ર બની રાણકપુરતીર્થનું નિર્માણ પણ કર્યું.

ધર્મપ્રેમી, તીર્થપ્રેમી, માતૃ-પિતૃપ્રેમી, સાધુપ્રેમી એવા આ રત્નાશા- ધરણાશાએ અજારી, પિંડવાડા, સાલેરા વગેરે અનેક જિનાલયોના જિર્ણોદ્વાર પણ કરાવ્યા હતા. તો શત્રુંજયતીર્થ આદિ અનેક તીર્થોનાં છેરીપાલક યાત્રા સંઘ પણ કાઢયા હતા. વળી આચાર્યપદ- ઉપાધ્યાયપદ- ગણિપદ- મહત્તરાપદ જેવા અનેક પદવીઓના તથા દીક્ષાઓના મહોત્સવો પણ કર્યા હતા. રાણકપુરનું ગેલોક્ય દીપક નામે મહાપ્રસાદનું નવનિર્માણ એ એમના સતકાર્યોમાં શિરમોર છે.

પ્રભાવના

નાંદિયા તીર્થ જ પ્રાય: એક એવું તીર્થ છે, જ્યાં મૂળનાયક ભગવાન જ બાવન જિનાલયના પ્રતીક હોય. આ તીર્થના જીવિત મહાવીર સ્વામી ભગવાન, જે મૂળનાયક તરીકે બિરાજમાન છે, તેમના પરિકરમાં (ભગવાનની જોડે જ જે બીજા નાના-નાના ભગવાન રાઉન્ડ શેપમાં હોય છે તેમાં) કુલ ૫૧ (એકાવન) ભગવાનની મૂર્તિઓ- પ્રતિમાજીઓ છે. એટલે ૫૧ ભગવાન પરિકરમાં અને ૫૨માં મૂળનાયક સ્વયં પોતે-એમ કુળ ૫૨ (બાવન) જિનાલય સ્વરૂપ છે. આ જીવિત મહાવીર સ્વામી ભગવાન.

વળી ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકો બિહાર રાજ્યમાં છે. પણ અહીં આબૂક્ષેત્રમાં પાંચકલ્યાણક પ્રતીક તીર્થો છે. જેમાં નાંદિયા એ પ્રભુ મહાવીરના જન્મકલ્યાણકની પ્રતીક ભૂમિ છે. બાકીની ચાર કલ્યાણક પ્રતીક ભૂમિ-અવન- બામણવાડા, દીક્ષા, મૂંગથલા, કેવલજ્ઞાન- નાણા અને નિર્વાણ-દિયાણા.