Get The App

માતા-પિતાના આશિષ મળે, એમાં પછી પ્રભુના આશિષ ભળે

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
માતા-પિતાના આશિષ મળે, એમાં પછી પ્રભુના આશિષ ભળે 1 - image

- માતા-પિતા તો ભગવાનના પણ ભગવાન છે

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

એ યુવા છોકરો વિચારે ચડયો હતો. પચાસ રૂપિયાની વ્યવસ્થા કરવાની હતી. ચિંતામગ્ન બની ગયો હતો. કારણકે એની પાસે એક રૂપિયો પણ ન હતો. ૫૦ રૂપિયા ક્યાંથી લાવવા ?

વળી, આ વાત છે આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાની. તે સમયે એક રૂપિયો પણ ઘણી મોટી વાત હતી. તો ૫૦ રૂપિયા નું તો કહેવું જ શું ?

અને આ ૫૦ રૂપિયાની વ્યવસ્થા કરવી જરૂરી હતી. કોઈ દેવું ન હતું. પણ એની મા એ માંગ્યા હતા. મા ની ઇચ્છા પૂરી કરવી એ પુત્રની ફરજ છે. જેણે જન્મ આપીને, જીવન જીવતા શીખવાડયું. પાલન-પોષણ કરીને મોટો કર્યો, એની ઇચ્છા પૂરી ના કરે, તો જીવન જીવવાનો અર્થ પણ શો ? માની ઇચ્છા પૂરી કર્યા વિના જીવનમાં આગળ વધાય જ કઇ રીતે ?

પરિસ્થિતિ એ સર્જાઈ હતી કે કાઠિયાવાડ પ્રાંતના શિહોર ગામનો આ પ્રાગજી નામે યુવાન છોકરો પૈસા કમાવવા માટે મુંબઈ શહેરમાં આવ્યો હતો. પિતા ઝવેરચંદના અવસાન પામ્યા પછી ઘરમાં જવાબદાર વ્યક્તિ તરીકે આ યુવા છોકરો જ હતો. નાની ઉમરમાં  પિતાજી ગુજરી ગયા હતા. મા એ ગરીબી વેઠીને મોટો કર્યો. હવે યુવા બન્યો હતો. તેથી કમાવવા નીકળવું જ પડે. અને એ સમયે પેસા માટે લોકોની નજરમાં મુંબઈ શહેર જ દેખાતું હતું.

મુંબઇમાં લોકો ઝડપથી પૈસા કમાતા-મેળવતા થઈ જાય, એવી વાત લોકોમાં ઘર કરી ગઈ હતી. ગામડે રહેતી મા એ પણ વિચાર્યું કે પ્રાગજીને મુંબઈ ગયાને ઘણો સમય થઈ ગયો છે. હવે તો એ પૈસાદાર થઈ ગયો હશે. તો મારે પણ હવે પૈસા મંગાવીને કાંઈક કરવું જોઈએ.

એ જ અરસામાં મહાન તીર્થધામ શ્રી સમેતશિખરજીની યાત્રાની વાતો ચાલી રહી હતી. છેક પૂર્વભારતમાં તે સમયના બંગાળ પ્રાંતમાં (પછીથી બિહાર અને અત્યારે ઝારખંડ રાજ્યમાં) આવેલ આ સમેતશિખરજી તીર્થની યાત્રા કરવી ખૂબ અઘરી હતી. જંગલી જાનવરો અને જંગલી માનવોનો ખૂબ જ ભય. વરસો જાય, ત્યારે કોઈક એ તીર્થની યાત્રાએ જાય.

એ વખતે સામૂહિક યાત્રાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો હતો. ટ્રેનથી સમેતશિખર આદિ તીર્થોની યાત્રા કરાવવાનો કદાચ આ પ્રથમ પ્રયાસ હતો. પ્રાગજીના માતાજીએ આ વાત જાણી. એટલે એમને સમેતશિખરજી આદિ તીર્થોની યાત્રા કરવાની ઇચ્છા જોર કરી રહી હતી.

તે સમયે ૫૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી. લગભગ મહિનાનો આ યાત્રાપ્રવાસ હતો. તેથી મા એ પ્રાગજીને પત્ર લખી. આ યાત્રાની ભાવના જણાવી અને સાથે સાથે એ પણ જણાવ્યું કે મુંબઈ ગયા પછી તું પૈસાદાર થઈ ગયો હોઈશ. તારા માટે ૫૦ રૂપિયા તો કાંઈ જ ના કહેવાય.

મા ને એ ખબર ન હતી કે મુંબઈમાં જનારા બધા પૈસાદાર નવી થઈ જતા. પ્રાગજી પણ એમાંનો હતો. એક શેઠાણીએ દયાભાનથી તેને આશરો આપેલો હતો. રોટલો ખાતો અને કામ કરતો. પૈસા તો કાંઈ ભેગા થયા ન હતા.

મા ની આ ભાવના જાણી. ગળગળી થયેલી ભીની આંખના ખૂણા લૂછી ખુમારીભેર શેઠાણીને વાત કરી. છોકરાની માતૃભક્તિથી પ્રભાવિત થઈ શેઠાણીએ ૨૦ રૂપિયા આપ્યા.

આથી તેનામાં જોર આવ્યું. ડબલ મહેનત કરીને ૩૦ રૂપિયા કમાયો કુલ ૫૦ રૂપિયા ઘરે મોકલ્યા. અને મા એ ઉત્સાહભેર કલ્યાણભૂમિની યાત્રા કરી. બધા જ તીર્થોની સ્પર્શના કરી.

મા એ અંતરના ઊંડાણથી અત્તર જેવા ખુશબૂદાર આશીર્વાદ  વરસાવ્યા. દીકરાનો ઉત્કર્ષ થાય એ જ આ આશિષનો નિષ્કર્ષ હતો.

ફરી એકવાર મા ને ભાવના થઈ આવી. હવે આવી ટ્રેઈનથી યાત્રા-પ્રવાસ યોજાય તો બધા જ યાત્રિકોને પ્રભાવના કરવી અર્થાત્ બધાજ આરાધકોને ચાંલ્લો કરી પહેરામણી આપવી.

મા એ આ ભાવના ભાવુકહૃદયે માતૃ-ભક્તિના ભાવથી ભરેલા દીકરાને કરી. પહેરામણી આપવા જેટલા રૂપિયા ક્યાંથી લાવવા ?

મિત્રની સલાહથી એક રેસમાં ગયો. મા ની ભક્તિની ભાવનાથી ભરવિત હૃદયે પાંચ રૂપિયાની ટિકિટ લીધી. ભાવનાના પૂરે ભરપૂર કમાણી કરી આપી.

મા ની એ ભાવના પણ સંપન્ન થઈ.

અને મા ના શુભ આશીર્વાદથી પ્રાગજીનો ધનભંડાર પણ છલોછલ થઈ ઉઠયો. અનેક વિધ શાસનપ્રભાવનાના કાર્યો આ પ્રાગજીશેઠે કર્યા. મા ના આશીર્વાદ ઉર્મિઓ ઉછળે પછી પુણ્યનો સાગર રત્નો આપ્યા વગર રહે જ નહિ.