Get The App

મહેલ સહેલગાહ પણ કરાવી શકે છે, તો આજીવન જેલ પણ સાબિત થઈ શકે છે

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
મહેલ સહેલગાહ પણ કરાવી શકે છે, તો આજીવન જેલ પણ સાબિત થઈ શકે છે 1 - image

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

''સમંદરની વચ્ચોવચ, એક વૃક્ષ છે - કલ્પવૃક્ષ.''

આ કલ્પવૃક્ષની એક મોટી શાખાથી બાંધેલો એક ઝુલો છે. મણિ-મોતીથી જડેલો ઝૂલો શોભી રહ્યો છે એક રૂપવતી યુવતીથી. અપ્સરાને શરામવે એવું રૂપ..., રંભા-ઊર્વશીને ય ફીકી પાડે એવો લાવણ્ય નીતરતો દેહ... જલપરીને ય જાતને જલમાં પૂરી દેવાનું મન થાય એવો ઉજ્જવલ ભીનેવાન... ઈંદ્રનેય આકર્ષિત કરે એવું સપ્રમાણ-સમપ્રમાણ શરીરનું સૌલ્કવ...

હીંચકે ઝૂલી રહેલી જૂલી જેવી એ રૂપવતી યુવતીને એકીટશે જોઈ જ રહ્યો.

ત્યાં એની નજર મારા ઉપર પડી.

મારી સ્થિર નજરને જોઈ તે તરત જ અસ્થિર ઝુબાને સ્થિર કરીને ત્યાંથી અસ્થિર-અદ્રશ્ય થઈ ગઈ.

જલની વચ્ચોવચ રહેલ કલ્પવૃક્ષની શાખા ઉપરના ઝૂલામાંથી તે જલની વચ્ચોવચ (જલમાંજ) અદ્રશ્ય થઈ ગઈ. જલપરીની જેમ જલમાં પૂરાઈ ગઈ. મારી આંખોમાંથી તે બહાર જતી જ નથી.

આંખોથી જલમાં ઓઝલ થઈ છતાંય તે આંખોમાં વસી ગઈ.

આ આશ્ચર્યને જણાવવા જ હું અહીં આવ્યો હતો.

દૂરદેશથી પોતાની નજીક આવેલા આ મિત્રની વાત સાંભળીને અને શબ્દોથી એ રમણીય રમણીને માણીને રાજકુમાર મિત્રની સામેજ મંત્રની જેમ મંત્રમુગ્ધ બની ગયો. કહો તો મિત્રમુગ્ધ બની ગયો.

શિકારી કૂતરાની સંગતમાં કૂતરા જેવું જીવન જીવનારો એક સમયનો એ શિકારી આજે રાજા અને પ્રજાની સુંદર સંગતથી સુંદરીને અંગત બની શકે એવો બની ગયો હતો.

રાજકુમાર સંગ્રામશૂરના ઉરમાં હવે એ કામિનીની કામનાના પૂર ઉછળવા લાગ્યા.

રાજકુમારને મઘદરિયે કલ્પવૃક્ષ છે, એ આશ્ચર્ય જોવાની ઉત્કંઠા નથી...

કલ્પવૃક્ષની શાખાએ બાંધેલો ઝૂલો જોવાની કોઈ તાલાવેલી નથી...

એને સ્પૃહા છે એકમાત્ર એ અંગનાની, જે અવની પરના કોઈ આંગન પર નહીં, પણ પાણીની અંદર જવાવાળી અને પરણીની ઉપર ઝૂલવાવાળી છે.

એને આકર્ષણ છે એ રૂપપરી એવી જલપરીનું, જે પાણીની બહાર દ્રશ્ય હતી અને પછી પાણીની અંદર અદ્રશ્ય થઈ ગઈ.

પિતા-રાજાની રજા લઈ મિત્રની સાથે એ સ્થળ પર આવે છે. મિત્રે જેવું વર્ણન કર્યું હતું. એવું જ દ્રશ્ય એને જોવા મળે છે. આશ્ચર્યથી એ દ્રશ્યને એકીટશે મનભરીને એ માણી રહ્યો છે.

ત્યાં જ એ કન્યા પળવારમાં જલમાં અદ્રશ્ય થઈ જાય છે. જલપરીમાં મગ્ન બનેલો રાજકુમાર પણ એ જળમાં નિમગ્ન થવા જાણે કૂદકો લગાવે છે.

પણ આશ્ચર્ય !!

એ પાણીની અંદર એક સાત માળનો સ્ફટિકરત્નનો મહેલ છે. સમજો કે સાત માળની સબમરીન... એમાં એ જલપરી સ્વાગત મુદ્રામાં ઊભી છે.

જલપરી જાળ બનીને એને શિકારી અવસ્થાની સજા કરવા ચાહે છે કે રાજકુમારપણામાં પ્રભુભક્ત અને પિતૃભક્ત બનીને રહ્યો તેના ફળ સ્વરૂપની મજા કરાવવા ઈચ્છે છે, તેની તેને જાણ નથી. પણ એને એટલી જાણકારી છે કે રાજકુમારી સાહસ વગર મળે એમ નથી.

ગાંડુ સાહસ લોકોની હસાહસનું કારણ બને છે, જ્યારે સારી રીતે વિચારેલું સાહસ હસીહસીને ફળ આપે છે - હસીન ફળ આપે છે.

સંગ્રામશૂર માત્ર રણમેદાનના સંગ્રામમાં શૂર ન હતો, પણ કાર્યસિદ્ધિના સંગ્રામમાં પણ શૂર હતો.

એણે દરિયામાં તો કૂદકો લગાવ્યો, પણ મહેલમાં પ્રવેશવાનું પણ સાહસ કર્યું. આ મહેલ સહેલગાહ પણ કરાવી શકે એમ છે, તો આજીવન જેલ પણ સાબિત થઈ શકે તેમ છે.

પણ તેનું આ વિચારપૂર્વકનું સાહસ હતું. જલપરીની આ ચેષ્ટાઓમાં તેને મિષ્ટ આમંત્રણ દેખાયું. રાજકુમાર અંદર પ્રવેશ્યો.

રાજકુમારીએ તેનું સ્વાગત કરતાં કહ્યું - 'મારા પિતાજીએ એકવાર એક નૈમિતિક-જ્ઞાની જ્યોતિષીને પૂછયું હતું કે મારો યોગ્ય પતિ કોણ ? ત્યારે તેમનો જવાબ હતો - સંગ્રામશૂર - એ કેવી રીતે મળશે ? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે દરિયાની મધ્યમાં સ્ફટિકના મહેલમાં રહીને જલથી ઉપર કલ્પવૃક્ષની શાખાએ ઝૂલા ઉપર રહો. ત્યાં એ આવશે અને તેમને મળશે.'

આટલું કહી કુમારીએ કહ્યું - 'હવે યોગ્ય કરો.'

ત્યાં જ અચાનક એક રાક્ષસ આવે છે. કુમારીનો પગ પકડીને મોઢામાં નાંખે છે. કુંવરી બૂમાબૂમ કરે છે. ત્યારે કુમાર રાક્ષસની સામે પડકાર ફેંકે છે.

રાક્ષસ કહે છે - 'યુદ્ધની જરૂર નથી. તું મને એક બોકડો મારીને ખાવા આપી દે. તો હું આને છોડી દઉ.'

કુમાર કહે છે - 'હિંસાને મેં તિલાંજલિ આપી છે. મેં ગુરૂની સાક્ષીએ નિયમ લીધો છે - જેને હું જીવ આપી શકતો નથી, એનો જીવ લેવાનો હું અધિકારી નથી. તેથી હું કોઈ પણ નિરપરાધી જીવની હિંસા કરીશ નહીં.'

રાક્ષસના ભયજનક વર્તનો સામે પણ એ નમ્યો નહીં. કોઈ નાનકડી પણ હિંસા ન કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત થયો જાણી રાક્ષસ તેના પર પ્રસન્ન થાય છે. ત્યાં જ બંનેના લગ્ન કરાવવામાં આવે છે. રાજકુમાર રાજકુમારી સાથે મધુરજીવન યાપન કરે છે. આગળ વધીને રાજા બને છે. ધર્મ-રાજ્યની સ્થાપના કરે છે. અને અંત સમયે દીક્ષા લઈને શુદ્ધ ચારિત્રનું પાલન કરીને દેવલોકે જાય છે.