Get The App

જૈન શાસનનું મહાન રત્ન : મહારાજા કુમારપાળ

Updated: Oct 6th, 2021

GS TEAM

Google News
Google News
જૈન શાસનનું મહાન રત્ન : મહારાજા કુમારપાળ 1 - image


- કુમારપાળ જેવો રાજા અને હેમચંદ્રાચાર્ય જેવા ગુરૂ : ન ભૂતો ન ભવિષ્યતિ

- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

ભા રતનો રાજકીય ઇતિહાસ કલ્પનાતીત છે. ગૂર્જર નરેશ રાજા સિધ્ધરાજ ઇચ્છતા હતા કે, મારો પુત્ર જ ભવિષ્યમાં ગુજરાતનો રાજા બને. તેમના ઘરે હજુ રાજકુમારનો જન્મ થયો નહોતો. રાજા સિદ્ધરાજની વય મોટી થવા માંડેલી. તેઓ મહાપુરૂષ હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે ગયા. એમને વિનંતી કરી કે, મને પુત્રની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપો.

કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું,' તમને પુત્રની પ્રાપ્તિ થાય તે સંભાવના નથી.'

રાજા સિદ્ધરાજ નિરાશ થઈ ગયા.

રાજા સિદ્ધરાજના ભત્રીજાનું નામ કુમારપાળ. કુમારપાળ રાજાના ભત્રીજા હતા પણ સિદ્ધરાજને તેઓ દીઠા ગમતા ન હતા. પોતાની પછી તે રાજા બને તેવી તેમની ઇચ્છા નહોતી. તે માટે કુમારપાળને મારી નાખવા માટે તેમણે વર્ષો સુધી સૈનિકો દોડાવેલા.

કિંતુ કુમારપાળ એટલા પુણ્યશાળી હતા કે, સિદ્ધરાજના સૈનિકોની પહોંચમાં તેઓ આવ્યા જ નહીં અને એક દિવસ એવો આવ્યો કે કુમારપાળની ગુજરાતની ગાદી પર રાજા તરીકે સ્થાપના થઈ.

રાજા કુમારપાળે ગૂર્જર નરેશ થયા પછી પોતાના સદ્ગુરૂદેવ હેમચંદ્રાચાર્ય મહારાજના ચરણમાં નમીને વિનંતી કરી કે, મેં જીવનકાળ દરમ્યાન અનેક પાપો કર્યા છે. એકવાર અજાણતા કોઈનું ધન પડાવી લીધું છે. માંસાહાર કર્યો છે. દારૂ પીધો છે. હું આપના પ્રવચનમાં બેઠો એ પછી જાણ્યું છે કે, આ તમામ ઘટનાઓથી ભયંકર પાપો બંધાય છે. મને તેમાંથી મુક્તિનો પંથ બતાવો. મારૂં કલ્યાણ કરો.

શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ પ્રભાવશાળી તો હતા જ પણ ગમે તેવી પરિસ્થિતીમાં શાંતિ જાળવી રાખવા. તેમણે કહ્યું કે,' તારા પિતાની સ્મૃતિ માટે જિનાલય બનાવ, તારા આત્માના કલ્યાણને માટે એક જિનાલયો બનાવ, તારા કુટુંબને કલ્યાણને માટે જ્ઞાાન ભંડોરનું નિર્માણ કર, તારા પાપના ક્ષયને માટે અનેક પાંજરાપોળનું નિર્માણ કર અને અખૂટ પુણ્યના સર્જનને માટે સાધર્મિક ભક્તિ કર.'

રાજા કુમારપાળે પોતાના ગુરૂદેવના વચનો યાદ રાખ્યા. પોતાના પિતાની સ્મૃતિમાં ત્રિભોવનપાળ ચૈત્ર્ય ખડું કર્યું. પોતે અનેક જીનાલયોનું નિર્માણ કર્યું. અનેક જ્ઞાાન ભંડોર તૈયાર કર્યા. ગુરૂદેવ પાસે જે શાસ્ત્રો લખાતા હતા તે માટે તમામ વ્યવસ્થા કરી. અનેક પાંજરાપોળનું નિર્માણ કર્યું. તારંગ તીર્થનું નિર્માણ કર્યું. ગુજરાતના તમામ જૈનોનું દેવું માફ કર્યું.

રાજા કુમારપાળને યાદ હતું કે, તે રાજા સિધ્ધરાજના ભયથી નાસતો ફરતો હતો ત્યારે એક સ્ત્રીનું કારમું રૂદન સાંભળીને તે હચમચી ગયો હતો. તેણે તે સ્ત્રી પાસે જઈને પૂછેલું કે, ' કેમ રડે છે ?' તે સ્ત્રીએ કહેલું કે,' પોતાના પતિનું અવસાન થયેલું છે, પોતાને કોઈ સંતાન નથી. એટલે રાજા સિદ્ધરાજના માણસો તેનું તમામ ધન ઉપાડીને લઈ જઇ રહ્યા છે.'

કુમારપાળને થયું કે, આમ કેમ ચાલે ! આ આખી વાત જ અમાનવીય છે. એક તો એ સ્ત્રીનો પતિ અવસાન પામ્યો છે. હવે તેને કોઈ સંભાળનાર નથી અને તેનું ધન પણ પડાવી લેવાનું ! તેણે મનમાં વિચારી લીધું કે, જ્યારે પોતે રાજા બનશે ત્યારે રાજ્યમાં આ નિયમનું પરિવર્તન લાવશે.

રાજા કુમારપાળે રાજા થયા પછી એ અનુભવ યાદ રાખેલો, એમાં એક દિવસ અચાનક રાજ્યના અધિકારીઓ રડતી કકળતી સ્ત્રીને લઈને રાજદરબારમાં હાજર થયા. રાજા કુમારપાળે આખો કિસ્સો જાણીને મનથી ધ્રુજી ગયા. એ પોતાના ગુરૂદેવ પાસે પહોંચ્યા. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે, માનવતા એ સૌથી મોટો ધર્મ છે. જ્યાં માનવતા નથી તે રાજ્ય પ્રજાનું શું કલ્યાણ કરે !

રાજા કુમારપાળે અધિકારીઓને કહ્યું કે, આજથી આ રાજ્યમાં અપુત્રીય પરિવારનું ધન પડાવી લેવામાં નહીં આવે. ભૂતકાળમાં જે થયું તે થયું પણ આ વાત યોગ્ય નથી. કોઈના નિસાસાનું ધન મારા રાજકોષમાં ન જોઈએ. આ સ્ત્રીને મુક્ત કરો અને તેનું ધન તેને પાછું આપો. એમ જ થયું.

તે સમયે આવી રીતે ગુજરાતને વર્ષે બોત્તેર લાખની આવક હતી. તે રાજ્યે છોડી દીધી.શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે, 'કુમારપાળ તે ઘણું સારું કામ કર્યું.'

જૈન ઇતિહાસમાં ગુર્જર નરેશ મહારાજા કુમારપાળનું નામ ઘણું મોટું છે. તેમના વિશેની માહિતી જાણવા જેવી છે: તેમણે કરેલા લોકોપયોગી કાર્યો આ મુજબ છે: ૨૧ જ્ઞાાનભંડોરની સ્થાપના, ૧૪૪૦ જિનાલયોનું નિર્માણ, ૧૬ હજાર મંદિરોનું જિર્ણોદ્ધાર, ૩૬ જિનબિંબો ભરાવ્યા, ૭૦૦ લહિયા દ્વારા લેખન કાર્ય.

તેમનું સૈન્યબળ: ૧૮ લાખનું પાયદળ, ૧૧ લાખ અશ્વ, ૧૧ હજાર હાથી, ૫૦ હજાર રથ.

તે જે અઢાર દેશોના સમ્રાટ હતા તે આ મુજબ છે. (૧) મહારાષ્ટ્ર ૨) કર્ણાટક ૩) કોંકણ ૪) કચ્છ ૫) સિંધ ૬) ઉચ્મ ૭) ભંભેરી ૮) જલંધર ૯) કાશી ૧૦) ગ્વાલિયર (સયદાલક્ષ) ૧૧) અંતર્વેદી ૧૨) મારવાડ (તેરૂ) ૧૩) મેદપાટ ૧૪) માલવ ૧૫) આભીર ૧૬) સમગ્ર ગુર્જર દેશ ૧૭) લાટ પ્રદેશ ૧૮) સૌરાષ્ટ્ર.

જૈન કવિઓએ મહારાજ કુમારપાળની પ્રશંસા આમ કરી છે.

'' પાંચ કોડીના ફુલડે,

પામ્યા દેશ અઢાર

રાજા કુમારપાળ થયા,

વર્ત્યો જય જયકાર'

: પ્રભાવના : 

એક દોસ્ત દોસ્ત કે લિયે ક્યા હોતા હૈ

શાયદ ભગવાન સે ભી જ્યાદા હોતા હૈ

રાધા રોતી હે અપને ક્રિષ્ન કે લીયે

પર ક્રિષ્ન તો સુદામા કે લીયે રોતા હૈ..

Tags :