- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
'મુનિશ્રીને ક્ષયરોગ એટલે કે ટી.બી. થયો છે. અને આ ક્ષયરોગ છેલ્લા તબક્કામાં પહોંચી ચૂક્યો છે. શરૂઆતના તબક્કામાં રોગ હોય તો દવા આદિ ઉપચારોથી બચાવી શકાય. પણ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયેલા આ ક્ષયરોગને કોઈ રીતે નાથી શકાય તેમ હોતું નથી. હવે દર્દીને દવાથી બચાવી શકાય એમ નથી.'
ક્ષયરોગ તે સમયે કે એટલે કે આજથખી ૯૦-૧૦૦ વરસ પૂર્વે ભયંકર મનાતો. ટી.બી.એટલે જીવન કેન્સલ. ક્ષયરોગ એટલે જીવનનો ક્ષય. અને એમાં છેલ્લા સ્ટેજનો હોય પછી તો વાત હાથમાંથી ગઈ જ સમજો.
રોગોના નિષ્ણાત વૈદ્યરાજે મુનિરાજને અને સૂરિરાજને આ ઉપરની વાત જણાવી. મુનિશ્રી રોગના છેલ્લા સ્ટેજથી ગભરાઈને મનના છેલ્લા સ્ટેજ પર ના બેસી જાય, એ હેતુથી સ્વરાજે મુનિરાજને આગળ જણાવ્યું. 'મુનિશ્રી ! રોગ ભલે છેલ્લા સ્ટેજનો રહ્યો. દવા કરતાં દુવા ચડી જાય છે. અથવા તો દવાની હદ પૂરી થાય ત્યાંથી દુવાની અસરકારક સરહદ શરૂ થાય છે.'
અને પછી હાથમાં દવાઓની પડીકી આપતાં કહ્યું- ' દુવાની સાથે-સાથે શરીરમાં રાહત થાય તે હેતુથી આ દવાનો પણ ઉપયોગ કરતા રહેજો. જીવન બચવાની તો કોઈ આશા નથી, પણ જીવો ત્યાં સુધી થોડીક રાહત તો રહેશે આનાથી.'
આમ કહી વૈદ્યરાજ દવા આપીને અને દુવાની સલાહ લેવાની વાત કરીને રવાના થયા.
(થોડાક સમય પછી)
ક્ષયરોગથી ઘેરાયેલા મુનિરાજનું શરીર તપાસતા વૈદ્યરાજ બોલી રહ્યા છે. ' આટલું નિરોગી શરીર ! નખમાંયે રોગ નથી. ક્ષયરોગ સંપૂર્ણપણે ક્ષય: નાશ પામી ગયો ! વૈદ્યકશાસ્ત્ર પ્રમાણે કદી ન મટે એવો આ છેલ્લા સ્ટેજવાળો ક્ષયરોગ પણ નાબૂદ થઈ ગયો. આશ્ચર્ય નહી, પણ મહા આશ્ચર્ય ! શું કર્યું તેમ ? કોઈ બીજી દવા લીધી ? કે પછી મહાપુરુષોની દુવા કામ કરી ગઈ ?'
ક્ષયરોગનો નાશ કરનારા મુનિરાજ વેધરાજના સંશયનો નાશ કરવાના ઉદ્દેશથી બોલ્યા - ' આપના ગયા પછી મેં એ જ વિચાર્યુ કે હવે જીવન જ્યારે બચવાનું નથી તો આ જીવનને સેવામાં વહાવી દઉં. ગુરુ મહારાજની અક્ષય સેવાથી જીવનના સ્તરને અક્ષય બનાવી દઉં. ક્ષયરોગ ભલે શરીરનો ક્ષય કરી નાંખે, પણ ગુરુદેવની સેવા કરવા દ્વારા આત્માને અક્ષય બનાવી દઉ. અને આમ વિચારી ગુરૂમહારાજની અવિરત સેવા ચાલુ કરી દીધી. મેં એવું સાંભળ્યું હતું કે ગુરૂદેવ આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા ક્રિયા-વિધિને ક્યારેય ભૂલતા નહીં. ૬૩ વર્ષના દીક્ષાપર્યાયમાં પોરસી ભણાવવા જેવી ક્રિયા પણ એકેય વખત ભૂલ્યા નથી. આત્મ-કમલની લબ્ધિ મેળવનારા આ ગુરૂવરની સેવા કરીને અક્ષયલબ્ધિ પામી જાઉં.
આ વિચારથી સેવામાં ઉત્સાહ પ્રગટાવતો. એક વખત ગુરૂદેવનું માત્રું પરઠવવા જઈ રહ્યો હતો. (માત્રું એટલે પેશાબ અને પરઠવવું એટલે શુદ્ધભૂમિ પર એનું વિસર્જન) ત્યાં મને વિચાર આવ્યો કે શાસ્ત્રોમાં લખ્યું છે- મહાપુરૂષોના મળ-મૂત્ર- કફ-મેલ-પરસેવા આદિ ઔષધ જેવા હોય છે. એમના મળ-મૂત્રાદિમાં અચિંત્ય શક્તિઓ સમાયેલી હોય છે. તો ગુરૂનું આ માત્રું=મૂત્ર= શિવામ્બુ હું પી જાઉં.
એમ વિચારી એ ગુરૂનું મૂત્ર હું પી ગયો. એનાથી તબિયતમાં થોડીક રાહત લાગી. પહેલીવાર આવી થોડીક સ્વસ્થતા પ્રાપ્ત થઈ. પછી તો આ નિત્યક્રમ બનાવી દીધો. અને આજે તમારી સમક્ષ હેમખેમ ઉભો છું.'
વૈધરાજ તેમની અર્થાત્ મુનિશ્રી લગનવિજયજીની આ લગન જોઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા.
વૈદ્યરાજ કહે -' શિવામ્બુ શાસ્ત્રમાં સ્વ-મૂત્રની વાત આવે છે. તમે તો બીજાના મૂત્રથી અસાધ્ય રોગને મટાડી દીધો.'
મુનિ લગ્નવિજયજી મહારાજ કહે- 'હું ગુરુથી જુદો નથી. મારી ઇચ્છાઓ ગુરૂમાં સમાયેલી છે. ગુરૂએ જ હું. ગુરૂમાં એ જ હું. ગુરૂમાં જ હું. એટલે ગુરૂનું મૂત્ર પણ મારા માટે સ્વ-મૂત્ર જ છે. વળી, અહીં તો ગુરૂની દુવા કામ કરી ગઈ છે. ગુરૂકૃપાથી કંઈ જ અસાધ્ય નથી. ક્ષયનો પણ ક્ષય કરે એ છે ગુરૂકૃપા.'
પ્રભાવના
કોઈક એક સંન્યાસી એ ઘોર-અઘોર સાધના કર્યા પછી સુવર્ણસિદ્ધિનો રસ મેળવ્યો. પછી એ રસમાંથી એક તુંબડુ ભરીને પંચમહાવ્રતધારી મહાત્મા આનંદધનજીને મોકલાવ્યું. ભૌતિકતા અત્યંત ઉપર ઉઠેલા એ અલગારી અરધૂત શ્રી આનંદદાનજી મહારાજાએ એ સુવર્ણરસ ઢોળી દીધો.
રસ લઈને આવનાર આગંતુકે કહ્યું- ' મહાત્મન્ ! આ તો સુવર્ણરસ હતો. અપાર-અધોર સાધના પછી પ્રાપ્ત થયો હતો. તમે આમ ઢોળી દીધો.'
શરીર પ્રત્યે પણ નિસ્પૃહી એ મહાત્માએ તરત જ પોતાના મૂત્રથી એ તુંબડુ પાછું ભરી આવ્યું અને કહ્યું ' લે, લઈ જા.'
ગુફા-પર્વતોમાં ધ્યાન ધરીને સંયમજીવનની મહામસ્તી માણનારા એ આનંદનજી મહારાજ પાસેથી આગંતુક રવાના થયો. પોતાના ગુરૂ પાસે પહોંચ્યો. બધી હકિકત જણાવી. તે સાંભળી ગુરૂ રૂલ્ટ થયા. આનંદધનજીના મૂત્રથી ભરેલું એ તુંબડુ શિલા પર ફોડી દીધું. પણ આશ્ચર્ય સર્જાયું ત્યાં આખી શિલા સોનાની થઈ ગઈ.
એણે વિચાર્યું જેના મૂત્રમાં સુવર્ણસિંદ્ધિ હોય એને શું જોઈએ ? આ હતા મહાપુરુષો... નિસ્પૃહત્વમ્ના મહાસુખને માણનારા !


