Get The App

જૈનત્વની સુગંધથી આકર્ષાયેલી એક જર્મન સન્નારી ડૉ. શાર્લોટે ક્રાઉઝે

- વિદ્યાવારિધિ મુનિ વિદ્યાવિજય મહારાજ અને

- આંખ છીપ અંતર મોતી- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Updated: Aug 27th, 2020

GS TEAM

Google News
Google News

- વિદ્યાવિજય મહારાજ બાલ્યકાળથી જ વિદ્યાવ્યાસંગી હતા જે પુસ્તક હાથમાં આવે તે વાંચી જવું એ એમનો ખાસ શોખ. સાધુજીવન અંગીકાર કર્યા પછી દરેક ધર્મ અને દર્શનનું સાહિત્ય વાંચ્યું અને પચાવ્યું. 

જૈનત્વની સુગંધથી આકર્ષાયેલી એક જર્મન સન્નારી ડૉ. શાર્લોટે ક્રાઉઝે 1 - image

(૧)

મુનિ વિદ્યાવિજય મહારાજ એટલે ખરા અર્થમાં વિદ્યાના ભંડાર.

પોતાના પ્રવચનોથી દરેક વર્ગના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેનારા વિદ્યાવિજય મહારાજ એટલે અવાજની બુલંદી વકતવ્યની સ્પષ્ટતા, વિચારોની પારદર્શિતા અને જ્ઞાાનની સરવાણી.

ગુજરાતના આ સપૂતે તે કાળના જૈન જૈનેતર વર્ગને ભારે ઘેલું લગાડેલું. તત્કાલીન અખંડ ભારતના છેક સિન્ધુ પ્રાન્ત સુધી વિહાર ખેડનારા આ મુનિનું મૂળ વતન મહીકાંઠાનું સાઠંબા ગામ. નાનકડા ગામડામાં જન્મેલી આ વિરાટ પ્રતિભાનો પ્રકાશ કાળાન્તરે સમગ્ર દેશમાં ફેલાયો.

હીરાને પારખુ ઝવેરીનો સ્પર્શ મળે તો એનું અસલી હીર બહાર આવે તેમનું મૂળ નામ બેચરદાસ. બેચરદાસને પણ આવા ઝવેરીનો સ્પર્શ મળ્યો. આ ઝવેરી તે શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરિ મહારાજ.

આ હીરા પારખુએ બેચરદાસને દીક્ષા આપીને મુનિ વિદ્યાવિજય (જન્મ વિ.સં. ૧૯૪૩, આસો વદ ચોથ, દીક્ષા વિ.સં. ૧૯૬૩, ચૈત્રવદ પાંચમ, કાળધર્મ: વિ.સં. ૨૦૧૧, માગશર વદ બારસ, શિવપુરી) બનાવ્યા અને જગતના ચોકમા આ અણમોલ હીરાનો પ્રકાશ ઝળહળી ઉઠયો.

વિધિના કોઈ ન ટાળી શકાય એવા વિધાનને આધિન બાલ્યવયમાં જ બેચરદાસનાં માતાપિતા પરલોક સિધાવી જતાં તેઓ દહેગામમાં પોતાના મામાને ત્યાં રહીને ઉછરેલા. આ દરમ્યાન તેમને પોતાના ગુરૂદેવ શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરિ મહારાજનો ભેટો થયો અને વિદ્યાભૂમિ કાશમાં આચાર્ય મહારાજે પોતે જ સ્થાપેલી શ્રી યશોવિજય જૈન પાઠશાળામાં બેચરદાસને અભ્યાસ માટે મોકલી આપ્યા.

અહીં તેમણે જૈન સાહિત્ય, દર્શન, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપરાંત અનેક વિષયોનો અભ્યાસ કરીને નિપુણતા મેળવી. સમયાન્તરે વિજયધર્મસૂરિ મહારાજ કલકત્તા પધારતા અન્ય સાથીઓ સાથે બેચરદાસની પણ દીક્ષા થઈ અને તેઓ મુનિ વિદ્યાવિજય તરીકે ઓળખાયા.

વિદ્યાવિજય મહારાજ બાલ્યકાળથી જ વિદ્યાવ્યાસંગી હતા જે પુસ્તક હાથમાં આવે તે વાંચી જવું એ એમનો ખાસ શોખ. સાધુજીવન અંગીકાર કર્યા પછી દરેક ધર્મ અને દર્શનનું સાહિત્ય વાંચ્યું અને પચાવ્યું. વ્યાખ્યાનની પાટ ઉપર બેસે ત્યારે સાક્ષાત સરસ્વતી એમના કંઠે વસી હોય એવું શ્રોતાઓ અનુભવે.

મોટા મોટા અધિકારીઓ સુધી તેમની કીર્તિ પહોંચી. અંગ્રેજ યુગના ખ્યાતનામ ઑફિસરો તેમના પ્રવચનમાં આવતા અને તેમની વાણીનું પિયૂષપાન કરતા. વિવિધ ધર્મ અને સંપ્રદાયના અનેક વિદ્વાનો વિદ્યાવિજય મહારાજનાં ચરણોમાં બેસીને પોતાની શંકાઓનું સમાધાન મેળવતા.

આ એ સમય હતો જ્યારે મહાત્મા બુદ્ધ વિશે તો આખી દુનિયા જાણતી હતી પરંતુ ભગવાન મહાવીર વિષે જૈનો સિવાયની દુનિયા બહુ ઓછું જાણતી હતી. વિદ્યાવારિધિ વિદ્યાવિજય મહારાજે મહાવીરપ્રભુનો સંદેશો વિશ્વના ખૂણે ખૂણે ફેલાવાનું કાર્ય કર્યું તેમણે જૈનધર્મ વિશે જે લખ્યું તે અનેક ભાષાઓમાં વિશ્વભરમાં ગયું. તેમના પ્રવચનો લોકોએ રસપૂર્વક સાંભળ્યા અને જૈન ધર્મ વિશે જાણ્યું.

તત્કાલીન અખંડ ભારતના સીમાડા વટાવીને ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન અને જર્મનીના વિદ્યાવ્યસંગીઓ સુધી વિદ્યાવિજય મહારાજની કીર્તિ પહોંચેલી પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ખ્યાતનામ વિદ્વાન ડૉ. નોર્મન બ્રાઉન એમના ખાસ શિષ્ય બન્યા. ડૉ. બ્રાઉન છેક અમેરિકાની ધરી પરથી શિવપુરીમાં આવીને વસ્યા અને વિદ્યાવિજય મહારાજની નિશ્રામાં રહીને તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો.

જર્મનીની લિપઝિક યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કરનારા ડૉ. શાર્લોટે ક્રાઉઝે (Dr. Sharlotte Crouse)પણ મુનિશ્રીના જ્ઞાાનથી આકર્ષાઈને શિવપુરીમાં પધાર્યા અને જૈન ધર્મ તથા દર્શનના નિષ્ણાત બન્યા. હિન્દુઓ માટે જે સ્થાન કાશી વિશ્વવિદ્યાલયનું હતું તે સ્થાન તે કાળે જૈન શિક્ષણ માટે શિવપુરી જૈન સંસ્થાનું હતું.

આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરિ મહારાજ અને એમના શિષ્ય પરિવારે સંસ્થાને સમગ્ર વિદ્યાજગતમાં માનવંતુ સ્થાન અપાવ્યું હતું. સુખ્યાત લેખક જયભિખ્ખુ, રતિલાલ દેસાઈ, આચાર્ય પદ્મસાગરસૂરિ વગેરે નામી લોકો શિવપુરીના આ વિદ્યાલયમાં ભણ્યા હતા. 'વીર તત્વ પ્રકાશક મંડલ' નામક આ સંસ્થાનો આરંભ મુંબઈમાં થયો હતો પછી તેને શિવપુરીમાં સ્થાનાન્તરિત કરાઈ હતી.

અહીં ડૉ. ક્રાઉઝેનો વિશેષ ઉલ્લેખ જરૂરી લાગે છે. સ્વામી વિવેકાનંદની પ્રતિભાથી આકર્ષાઈને આયર્લેન્ડના સ્વતંત્રતા સેનાની લેડી માર્ગારેટ નોબેલે હિન્દુત્વ અપનાવેલ એ બાબત જાણીતી છે. તેઓ ભગિની નિવેદિતાના નામે પ્રખ્યાત થયા હતા એ જ રીતે મેંડેલિન સ્લેડ (મીરાબહેન), થિયોસોફિસ્ટ એની બેસન્ટ અને મીરા આલ્ફસ્સા એટલે કે પોંડીચેરીવાળા માતાજી વગેરે પરદેશી મહિલાઓએ ભારતીય તત્ત્વજ્ઞાાનમાં રસ લઈને સદાને માટે ભારતીયતાને આત્મસાત્ કરી લીધી હતી. આવું જ એક પરદેશી નામ છે ડૉ. ક્રાઉઝે.          (વધુ આવતા અંકે)

પ્રભાવના

એક દિવસ સાગરે નદીને પૂછયું,

'ક્યાં સુધી મારા ખારા પાણીમાં ભળતી રહીશ ?'

નદીએ કહ્યું:

'ત્યાં સુધી કે જ્યાં સુધી તારામાં મીઠાશ ન ભળે !'

Tags :