- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
- શ્રી ઋષભદેવ ચરિત્ર-8
પૃથ્વીનાથ રાજા ઋષભદેવે માનવીને આ પૃથ્વી પર જીવતા શીખવ્યું. હવે એને એથીય ચઢિયાતા ત્યાગના માર્ગને બતાવવો હતો. આથી એમણે પરિવારની અને પ્રજાજનોની વિદાય લઈને ધર્મતીર્થ પ્રવર્તાવી જગતનું કલ્યાણ કરવા માટે પ્રયાણ કર્યું.
હકીકતમાં તીર્થંકર સ્વયં સંબુદ્ધ હોય છે. એ કોઈના ઉપદેશથી જાગતા નથી. તેઓ સ્વયં જાગૃત જ હોય છે. ધર્મનો પ્રારંભ દાનથી થાય. રાજા ઋષભે રોજ સવારે એક વર્ષ સુધી રોજ એક કરોડને આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દાનમાં આપી. આ રીતે એક વર્ષમાં કુલ ૩ અબજ ૮૮ કરોડ અને એંસી લાખ સુવર્ણમુદ્રાઓનું એમણે દાન આપ્યું. દાન આપીને જનજનમાં એમણે દાનની ભવ્ય ભાવના જગાડી. પૃથ્વીનાથના અયોધ્યા ત્યાગના સમાચાર બધેય પ્રસરી ગયા અને રાજા ઋષભે એકત્ર થયેલા માનવસમુદાય પર નજર રાખી.
ફાગણ વદ આઠમનો એ દિવસ સદાય સ્મરણીય રહેશે, જ્યારે સમ્રાટ શ્રી ઋષભે રાજ્યવૈભવને ઠોકર મારી અને પરમતત્ત્વને પ્રાપ્ત કરવા માટે 'સવ્વં સાવજ્જં જોગં પચ્ચક્ખામિ' અર્થાત્ બધી જ પાપ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરું છું એ ભવ્ય ભાવના સાથે વિનિતા નગરીથી નીકળીને સિદ્ધાર્થ ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચોથા પ્રહારે છઠના તપથી યુક્ત એવા સર્વપ્રથમ પરિવ્રાજક બન્યા.
મસ્તક પરના વાળની માફક પાપનો જડમૂળથી પરિત્યાગ કર્યો હતો તેથી એમણે એમના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, 'આજથી મારે કઠોર આરાધના શરૂ કરવી છે. મારા દેહરૂપી ધનુષ્યની પણછ મારે એ રીતે ખેંચવી પડશે કે જેથી મારું તીર સરળતાથી મોક્ષલક્ષ્યને પામી શકે.'
આટલું બોલતાં પૃથ્વીનાથે પોતાની એક મુઠ્ઠીથી દાઢી અને મૂછનાં વાળના ગુચ્છાને તોડી કાઢયો. બીજી મુષ્ટિ બિડાઈ ને મસ્તકના વાળનો એક ગુચ્છો ચૂંટાયો. આમ ચાર મુષ્ટિથી વાળનાં ગુચ્છા ખેંચ્યા એ સાથે અત્યાર સુધી ધૈર્ય ધારણ કરી રહેલા દેવી સુમંગલા અને માતા મરુદેવા દોડી આવ્યા. અડધે આવતાં મૂર્છા પામી ભૂમિ પર પડી ગયાં. મૂર્છાં વળતાં કરુણ સ્વરે આક્રંદ કરવા લાગ્યા.
પૃથ્વીનાથે પાંચમી મુષ્ટિ પાછી ફેરવી. એમની આંખોમાં એની એ જ શાંત જ્યોત પ્રકાશિત હતી. સૌંદર્યનાં મહાન ભૂષણ સમી એક માત્ર કેશવલ્લરી પવનની સાથે ગેલ કરવા લાગી. રાજા ઋષભે સમગ્ર ભૂમંડલને એક્સો વિભાગમાં વિભક્ત કરીને ભરતને વિનિતા તથા નવ્વાણુ પુત્રોને અન્ય ક્ષેત્રોની જવાબદારી સોંપી હતી. મહાભિનિષ્ક્રમણની તિથિ ફાગણ વદ આઠમને દિવસે એક બે નહીં, પણ કચ્છ-મહાકચ્છ જેવા ચાર હજાર રાજાઓ રાજા ઋષભ પાસે એકત્રિત થયા હતા.
આ વિરલ દ્રશ્ય જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા. આ સાધના માર્ગ વિશે ચોતરફ વિસ્મય હતો, ચોસઠ ઇન્દ્રોની સાથે હજારો દેવો પણ આ ઉત્સવમાં સામેલ થયા હતા. ઋષભની દીક્ષાની સાથોસાથ ચાર હજાર વ્યક્તિઓ દિક્ષિત થઈ પરંતુ ઋષભની છદ્મસ્થ અવસ્થાના મૌનથી સહુ નિરાશ થયા હતા. સ્વયં ઋષભે દીક્ષા સમયે કહ્યું હતું કે હવે હું મૌન ધારણ કરું છું, મને શાંતિથી જવા દેજો. મારી પાછળ કોઈ આવશો નહીં.
ચાર હજાર દિક્ષિત વ્યક્તિઓ વિમાસણમાં ડૂબી ગયા. તેઓ અત્યાર સુધી આહાર અને શબ્દથી જીવતા. આહાર એ જ મુખ્ય પ્રયોજન અને વાણી એ જ મુખ્ય કાર્ય, ત્યારે આ કચ્છ-મહાકચ્છ જેવા ચાર હજાર સાધુઓએ વિચાર્યું કે જીવનભર આમ જ નિરાહાર અને મૌન રહેવું પડશે તો !
ને ત્યાગી ઋષભદેવે કદમ ઉપાડયા. દીક્ષા પૂરી થઈ ત્યારે ઇંદ્રના આગ્રહથી ચોથું મન:પર્યવજ્ઞાન થયું. માતા મરુદેવા ને સુમંગલા મૂર્છા પામ્યાં. બીજાં ચોધાર આંસુએ રડવા લાગ્યા. વાતાવરણ કરુણાભારથી મર્મવેધક બન્યું. પણ ત્યાગી ઋષભદેવ સ્વસ્થ હતા. મંદ પણ સ્થિર ડગે આગળ વધતા હતા.
જેણે કીધી સકલ જનતા
નીતિને જાણનારી
ત્યાગી રાજ્યાદિક વિભવને
જે થયા મૌનધારી
વ્હેતો કીધો સુગમ
સબળો મોક્ષનો માર્ગ જેણે
વંદું છું તે ઋષભજિનને
ધર્મ-ઘોરી પ્રભુને.
જગતમાં માણસને માણસ બનાવી જીવન જીવવા માટેની કળા શીખવી, ભોગ ભૂમિને કર્મભૂમિ બનાવી અને કર્મભૂમિમાંથી ત્યાગભૂમિ બનાવી. કોઈ પર્વતની તળેટીથી માંડીને છેક શિખર સુધીનો મનુષ્યજાતિનો સમગ્ર માર્ગ ઊજાગર કરી આપ્યો. આદિમ અવસ્થામાં જીવતા માનવીને માનવ બનાવ્યો, માનવતા આપી અને પછી દિવ્યતાના શિખર ભણી લઈ ગયા.
હેમંતના શીતળ પ્રભાતમાં યોગી આદિનાથ ઊભા છે. શરીર પર વસ્ત્રો નથી, કાંચનવરણી કાયા પર ધૂળનો ઢગલો થયો છે. સ્નાન નથી, પાન નથી, ખાન નથી, વસ્ત્ર નથી, તાંબુલ નથી, આસન નથી, વાહન નથી, વનેચરને રહેવા-વસવા જેટલીય સગવડ તેમને નથી.
ભવ્ય માર્ગનો આ શ્રદ્ધામૂર્તિ, પ્રેમમૂર્તિ એકાંકી ઉપાસક વેદનામૂર્તિ બનતો જાય છે. સુવર્ણ કાન્તિવાળા દેહ પર શ્યામલતા પથરાતી આવે છે. નવે નવ ભાવે ચમકતી આંખોમાં સ્થિર તેજ આવીને વસ્યું છે.
સ્વામી દિવસોથી મૌન છે. ક્ષુઘાવંત છે, છતાં કંઈ લેતા નથી. તૃષાવંત છે. છતાં કંઈ પાન કરતા નથી. શ્રમવંત છે. છતાં આરામ કરતા નથી. જ્યારે જુઓ ત્યારે જાગ્રત ને જાગ્રત !
અને અહીં તો અગોચર જંગલોમાંય સ્વામીના નામે અપૂર્વ સિદ્ધિઓ પ્રગટી છે. દૂર દૂરનાં કુળોમાં સમાચાર પ્રસરી ગયા છે કે પૃથ્વીનાથ ગૃહત્યાગ કરીને પ્રવાસે નીકળ્યા છે.
એક કુળથી બીજે કુળ, એક જંગલમાંથી બીજે જંગલ ખબર મળ્યે જાય છે. અને ત્યાં ત્યાં માર્ગો સ્વચ્છ કરવામાં આવે છે. ભૂમિ છાંટવામાં આવે છે, સ્વાગત માટે ફળ-મેવાની રાશિ રચવામાં આવે છે.
લોકો પૃથ્વીનાથની રાહમા નૃત્ય કરે છે.
વળી તેઓ વિચારે છે : અરે, પણ આપણને પશુમાંથી માનવ બનાવનાર મહાપ્રભુનું આવું અલ્પ તે સ્વાગત હોય ? જીવન આપનારના ચરણે કંઈક અપૂર્વ ભેટ ધરવી જોઈએ. કોઈ પોતાનો પ્રિય અશ્વ લઈને આવે છે. કોઈ સુંદર આભરણથી યુક્ત ગજ લઈને આવે છે, કોઈ રત્નરાશિ લઈને હાજર થાય છે. કોઈ પોતાની સુંદર રૂપ-ગુણવાળી કન્યાઓ લઈ ઉપસ્થિત થાય છે. અરે, એ કન્યાઓને પૃથ્વીનાથથી સુંદર બીજો વર ક્યાં સાંપડવાનો હતો ?
પ્રજાનું લક્ષ પોતાની નજર સામે હતું, તે તરફ જ હોય ને ? આથી પ્રભુનું સ્વાગત કરતાં તેઓ ઉચ્ચારે છે : અરે પ્રભો, અમારી આ ક્ષુદ્ર ભેટ સ્વીકારો, ને અમને ઉપકૃત કરો !
પણ પ્રભુ તો જાણે સાંભળતા જ નથી, કોઈ પણ વસ્તુ તરફ દ્રષ્ટિ સુદ્ધાં ફેંકતાં નથી. એમને સ્વાગતની જાણે ખેવના નથી, સગવડની જાણે ઈચ્છા નથી, અનુકૂળતાને બદલે પ્રતિકૂળતા પર જાણે પ્રેમ પ્રગટયો છે.
ત્યાગનો એક નવો આદર્શ જગતને સાંપડયો. જગત આખું અનુકૂળતાની પાછળ દોડતું હતું અને પ્રતિકૂળતા આવતા પરેશાન થઈ જતું હતું. માનવીના ચિત્ત પર અનુકૂળતા એટલી સવાર થઈ જતી કે એ પ્રતિકૂળતા આવતા ગભરાઈ જતો. જ્યારે પૃથ્વીનાથે બતાવ્યું કે, 'પ્રતિકૂળતામાં અનુકૂળતા જુઓ.'
(ક્રમશ:)


