- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
મોતીશા શેઠની જીવનકથા આગળ ચાલે છે. મુંબઈમાં ક્રૂર રીતે કૂતરાઓની હત્યા થતી હતી. અંગ્રેજોના બહેરા કાનને કૂતરાઓની દયામણી ચીસો સંભળાતી નહોતી. મુંબઈમાં ઠેર ઠેર કૂતરાઓના શબના ઢગ ખડકાયા. કૂતરા પ્રકરણને અંગે રાજસત્તા પાસે પ્રજાનો અવાજ પહોંચાડવાને બંધારણપૂર્વક કંઈક થવું જોઈએ તેવો વિચાર મોતીશાને આવવાથી તેમણે વાડિયા હોરમસજી શેઠ તથા સર જમશેદજી જીજીભાઈને વાત કરી. તે વખતે અમદાવાદના નગરશેઠ વખતચંદ ખુશાલચંદની પેઢી મુંબઈમાં ખૂલી ગઈ હતી. તેના પ્રતિનિધિ અને બીજા પ્રતિષ્ઠિત શહેરીઓનું ડેપ્યુટેશન કૂતરાની થતી ક્રૂર હિંસા અટકાવવાની અરજ કરવા મુંબઈના ગવર્નર પાસે ગયું. એમની સાથેની વાતચીતને પરિણામે વસ્તીની ધાર્મિ લાગણી ન દુભાય અને અગવડ ટળે તે માટે કૂતરાંને રેલવેના ડબામાં ભરી બહાર મોકલી દેવાનો નિર્ણય થવાથી હિંસા અટકાવવાનો ગવર્નરે હુકમ કાઢયો. આ રીતે તાત્કાલિક હિંસા બંધ થઈ શકી, પરંતુ તેમાં વહેવારુ પરિણામ ન લાગવાથી મુંબઈમાં ભમતાં નધણિયાતાં-અપંગ ઢોર-ઢાંખરને સંભાળવાને પાંજરાપોળ ખોલવાની તેમને જરૂર લાગી.
મોતીશા શેઠ જેમ મહાજનમાં મોવડી હતા તેમ સંઘમાં સર્વમાન્ય હતા. અમદાવાદ, સૂરત અને મારવાડના જૈન શ્રીમાનોની પેઢીઓ ધીમે ધીમે મુંબઈમાં ખૂલ્યે જતી હતી. તેમનું સંગઠન અને સંઘ બંધારણની સંકલનામાં પણ તેમનો અગ્રભાગ હતો. મુંબઈમાં પાંજરાપોળ ખોલવા માટે વિચાર કરવા તેમણે સંઘને એકઠો કર્યો. પ્રાણીરક્ષા માટે પાંજરાપોળની અગત્ય એકમતે સ્વીકારવામાં આવી, એટલું જ નહિ પણ સંઘે જ પાંજરાપોળનો પાયો નાખીને મહાજનને સુપરત કરવાનો નિર્ણય થયો. સંઘપતિ મોતીશાએ તેમના પિતાના નામથી ફાળામાં અને મકાન બંધાવવા માટેની ટીપમાં લગભગ એકસઠ હજાર ભર્યા ને તે બેઠકમાં હાજર રહેલ ૩૩ ભાઈઓમાંથી રૂ. ૧૪૧૭૫૦નું બિલ્ડિંગ ફંડ થઈ ગયું.
વિશાળ જમીન માટે તપાસ કરતાં કાવસજી પટેલના તળાવના નામે ઓળખાતું હજારો વારનું મેદાન ભૂલેશ્વર નજીક ખાલી પડયું હતું. કાવસજી પટેલના પુત્ર રૂસ્તમજી પટેલે કૂતરાના રક્ષણ માટે જાતિભોગ આપેલો. તેમને મોતીશા મળ્યા અને પાંજરાપોળ માટે તે મેદાન ચાલીસ હજારનું કુલ હક્ક સાથે વેચાણ લઈ લીધું. ને ત્યાં વિ.સં. ૧૮૯૧માં પાંજરાપોળનાં મકાનોનું ખાતમુહૂર્ત થઈ ગયું. હવે સવાલ હતો તેના કાયમી નિભાવનો. પાંજરાપોળની અગત્ય માટે તેમને સર જમશેદજી જીજીભાઈ સાથે પહેલેથી જ વાત થયેલી. જમશેદજી શેઠનું દિલાવર દિલ પ્રાણીદયા માટે દ્રવતું હતું. કૂતરા-પ્રકરણમાં પણ તેમની લાગવગ ને વગવસીલો યશભાગી હતાં. પાંજપોળની પ્રાથમિક તૈયારીની વાત જમશેદજી શેઠને કરતાં તે બહુ ખુશી થાય.
વાડિયા કુટુંબમાં તો મોતીકાકાનું સૂચન પ્રમાણભૂત મનાતું. સર જમશેદજી શેઠના પ્રમુખપણા નીચે મહાજનની મિટિંગ મળી. કપાસ, અફીણ, ખાંડ, ચીની, સાકર, મોરસ, ચા, હૂંડી વગેરે ધીકતા ધંધા ઉપર પાંજરાપોળનો લાગો નક્કી કરવામાં આવ્યો, ને તે લાગો દેવાને ચારસોથી વધારે હિંદુ પેઢી, પચાસેક પારસી ઓફિસો ને એક વ્હોરા વેપારીએ કબૂલાત આપી.
પાંજરાપોળના વહીવટ માટે સર જમશેદજી જીજીભાઈના પ્રમુખપણા નીચે કમિટી નીમવામાં આવી, જેમાં વાડિયા બમનજી શેઠ, મોતીશા શેઠ, વખતચંદ શેઠ તેમજ કોમ-ધર્મના ભેદ વિના દરેક ધંધાદારીઓમાંથી કાર્યવાહક મંડળ ચૂંટી કાઢવામાં આવ્યું.
આ પુણ્યકાર્ય મુંબઈનાં બાકી રહેલાં બીજા બજારોનો સાથ મેળવવા મોતીશા શેઠે નજર ફેરવી જોઈ. તે વખતે કાપડ બજારનું સુકાન ભાટિયાભાઈઓના હાથમાં હતું. હાલાઈ ભાટિયા મહાજને મળીને આવાં ઢોરોને ઘાસચારો નીરવાને ચારેક વર્ષ અગાઉ યોજના કરી હતી. તેનો વહીવટ કાનજી ઠક્કરે સંભાળેલ. અત્યાર અગાઉ તેઓ તથા તેમના પુત્ર ગુજરી ગયા હતા, એટલે ભાટિયા મહાજને પ્રાણીરક્ષા અર્થે ચાલુ કરેલ પ્રવાહ પુન: વહેતો થાય તે માટે તે વખતે મુંબઈમાં બિરાજેલા વૈષ્ણવ આચાર્યશ્રી ગોકુલનાથજી મહારાજનાં પોતાને ઘેર પગલાં કરાવીને પ્રાણીરક્ષાના આ કામમાં સહાનુભૂતિ આપવા વિનંતી કરી તે અગાઉ જોઈ ગયા છીએ.
ભૂલેશ્વર-ભોયવાડામાં શ્રી ગોવર્ધન નાથજીની હવેલી પાસે સવારના માણસોની ઠઠ્ઠ જામી હતી. શ્રીકૃષ્ણ ભગવાન કે શ્રીનાથજીના ભક્તો, શ્રી રણછોડરાયજી કે વિઠ્ઠલનાથજીના ઉપાસકો પણ તેમાં હતા. જાણે મુંબઈના સમગ્ર વૈષ્ણવસમુદાયનો મેળો હોય. તેઓ હવેલીએ દર્શન અને ગોસ્વામી મહારાજનો ચરણસ્પર્શ કરીને પછી જ કામધંધે ચડતા. નોકરિયાતવર્ગને પેઢીએ જવાને મોડું થતું હતું. પરંતુ ગોસ્વામી મહારાજનાં દર્શન કર્યાં પહેલાં કેમ જઈ શકે? ગોસ્વામીની બેઠકનાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ રહેતાં. સવારના ગોસ્વામી મહારાજ ત્યાં બિરાજેલા હોય. આજે શ્રી ગોસ્વામીની બેઠકના બારણે ડેરો ખેંચાયેલ છે ને શ્રી ગોકુળનાથજી મહારાજે દર્શન બંધ કરાવ્યાં છે તેવો મુખિયાજીનો ખુલાસો સાંભળી સૌ આશ્ચર્યસ્તબ્ધ બની ગયા હતા. ગોસ્વામી મહારાજની નારાજગીનું કારણ જાણવા સૌ આતુરતાથી કાન માંડી રહ્યા. કચ્છી ભાટિયા ભાઈઓ મહારાજના પરમભક્ત વીસનજી જીવરાજ બાલુને તેડવા દોડયા.
શેઠ ખટાઉ મકનજી, શેઠ લક્ષ્મીદાસ વગેરે આગેવાનો ઘરની મહાપૂજામાંથી નિવૃત થઇ આવવા લાગ્યા. મુખિયાજી મારફત ગોસ્વામી મહારાજને નાખુશીનું કારણ પૂછવાનું શરૂ થયું. જવાબ મળ્યો કે તમે ગોકુલનાથજીના ભક્ત છો ને ગોકુળના ધણની રક્ષા નથી થતી તે મહારાજશ્રીના કચવાટનું કારણ છે. ગૌરક્ષા માટે મહારાજશ્રી કહે તેમ કરવા સૌએ ખાતરી આપી. ડેરો ખૂલી ગયો. મોતીશા શેઠને મળી વેપારમાં પાંજરાપોળનો લાગો આપવાનું કબૂલ કર્યું. ભક્તપરિવાર ગોસ્વામીનાં દર્શન કરીને તેમની ગો-સેવાની કાળજી માટે સ્તુતિ કરતા પોતપોતાને ધંધે વળગ્યા.
પાંજરાપોળના નિયત થયેલા લાગા(વેરો)ની એકંદર વાર્ષિક આવક રૂ. પંચાવન હજાર ઉપર શરૂ થઈ. જ્યારે મોકળા મનથી અપંગ જાનવરોને આશ્રય આપતાં વાર્ષિક ખર્ચ રૂપિયા અઠયાવીસથી ઓગણત્રીશ હજારનો આવ્યો. આ રીતે પંદર વર્ષમાં પાંજરાપોળ પાસે ખર્ચ કાઢતાં રૂ. ૪,૧૫,૭૪૪ની મૂડી વધી. આ રકમ ચાર-પાંચ ટકાની પ્રોમિસરી લોનમાં રોકી કાયદેસર સલામતી માટે પ્રમુખ સર જમશેદજી જીજીભાઈ બેરોનેટે ટ્રસ્ટ-ડીડ કરી ધર્મ કે કોમના ભેદ વગર અગિયાર ટ્રસ્ટીને પાંજરાપોળનો વહીવટ સુપરત કર્યો ને બિલ્ડિંગનું ટ્રસ્ટ શ્રાવકોએ સંભાળ્યું.
પાંજરાપોળને હવે પૈસાનો તોટો ન રહ્યો, પરંતુ એકઠા થતા ઢોરના સમૂહને રાખવાને પાંજરાપોળની જગા સાંકડી પડી. આ હકીકત તરફ મોતીશાનું ધ્યાન ખેંચાતાં તેમણે મુંબઈને લગતી ચીમોડ ગામમાં આવેલી પોતાની બહોળી જમીનનું મોટું મેદાન કે જ્યાં અત્યારે પાંચ હજાર ઢોરો રહે છે તે પાંજરાપોળને અર્પણ કર્યું.
ચીન સાથેનો વેપાર અને ઘરના વહાણવટાની શરૂઆત એ મોતીશાના ઉદય કાળનું મંગલાચરણ હતું. તેમની જીભ ટૂંકી અને હાથ લાંબા જોવાતા. તેઓ બોલવામાં સંયમી અને કાર્ય કરવામાં ઉદારચરિત હતા. સવારમાં ઊઠીને પાંચ ફરા (૧૬ પ્યાલીનું માપ) અનાજ પોતાના હાથતી ગરીબોમાં વહેંચી દીધા પછી દાતણ કરવા બેસતા. તેમની સખાવતમાં કોમ કે ધર્મનો ભેદ નહોતો. માતુશ્રી રૂપબાઈએ તેમનામાં ધાર્મિક સંસ્કાર રેડેલા, વ્રત-નિયમ, દેવ-દર્શન, યાત્રા-ભક્તિ અને ગરીબો પ્રત્યે દયા-વાત્સલ્યના સંસ્કાર તેમનામાં ઓતપ્રોત વણાઈ ગયા હતા. તેમનાં પત્ની દિવાળીબાઈનું જીવન પણ ધર્મપરાયણ હતું.
તેઓ ફતેહમારી બંધાવવાનું લાકડું લેવા ગીરમાં ગયેલા ત્યારે મહુવામાં જીવિતસ્વામીના દેરાસરનું કામ ચાલતું હતું. તે તકનો લાભ ળઈ (સં. ૧૮૭૯) સંભારણમાં તેનો ધ્વજાદંડ કરાવી આપેલ. તે વખતે તેઓ સિદ્ધાચળની યાત્રાનો લાભ પણ લઈ આવેલા. આવી હતી. એમની ધર્મભાવના.
(ક્રમશ:)


