Get The App

જાણો છો ? જગતનું પહેલું વૃક્ષમંદિર છે, શત્રુંજય તીર્થ પરનું રાયણ વૃક્ષ !

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
જાણો છો ? જગતનું પહેલું વૃક્ષમંદિર છે, શત્રુંજય તીર્થ પરનું રાયણ વૃક્ષ ! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

જગતમાં એક અનહોની ઘટના બની. બે રાજ્યો વચ્ચે યુદ્ધ થાય, ત્યારે સશસ્ત્ર સેનાઓ સામસામી રણમેદાનમાં એકબીજાને પરાજિત કરવા માટે ઉભી હોય, વ્યૂહરચના કરતા સેનાપતિઓ એ સેનાની આગળ રહીને દોરવણી આપતા હોય અને વચ્ચે રાજહસ્તીના હોદ્દા પર કોઈ રાજવી રક્ષણનાં કવચ પહેરીને શસ્ત્ર સજીને યુદ્ધ ખેલવા નીકળ્યા હોય. જગતને આ પ્રકારના યુદ્ધની ઘટના જ આજ સુધી જોઈ છે.

આપણું દુર્ભાગ્ય એ કે છેક પ્રાચીનકાળમાં થયેલા અયોધ્યાપતિ ભરતદેવ અને તક્ષશિલાના રાજવી બાહુબલના યુદ્ધની વિશેષતા જગતને આપી શક્યા નહીં. આમાં ન સેના લડવા આવે, ન સૈનિકો શસ્ત્રોથી પરસ્પરનો સંહાર કરવા ચોમેર આક્રમણ કરતા રણમેદાનમાં ઘૂમતા હોય- આમાં તો બે રાજવીઓ જ સામસામે લડે.

જગતનું આ એક વિરલ પ્રકારનું અહિંસક યુદ્ધ છે. યુદ્ધ અગાઉ ચક્રવર્તી ભરતદેવને એમના શૂરવીર સામંતોનું પ્રતિનિધિમંડળ મળ્યું અને એમણે કહ્યું કે રાજનીતિ તો કહે છે કે,' લાખ ભલે મરે, પણ લાખોનાં પાલનહારને ઇજા થવી ન જોઈએ.'

ત્યારે ભરત ચક્રવર્તી જવાબ આપે છે કે,' વફાદાર પ્રજાજન તરીકે તમારી વાત ઉચિત છે. તમને શોભા આપે એવી છે, પરંતુ હું જો મારી ક્ષમતા ન દાખવું તો મહાન પ્રજાનો અધમ સ્વામી ઠરું. લાખ મરે એના કરતા એકનું મૃત્યુ થાય એમાં શું ખોટું ?'

આપણે જોયું કે ભરત-બાહુબલિના આ અહિંસક યુદ્ધમાં કોઈનોય વિજય ન થયો અથવા બંનેનો વિજય થયો. એક બીજી બાબત એ બની કે 'જય હો ભગવાન ઋષભધ્વજનો' એ વાક્ય આ પ્રચંડ પરિવર્તનનું કારણ બન્યું. પિતાનું સ્મરણ અને પિતાનો ત્યાગ એ દ્વંદ્વયુદ્ધ અટકાવવામાં પ્રેરક બન્યો. જેમ રોહિણેય ચોરને ભગવાન મહાવીરની વાણી કાને પડે છે અને એનું જીવન પરિવર્તન થઈ જાય છે. એવું પરિવર્તન બાહુબલિમાં સધાયું. શબ્દોમાં આ તાકાત છે અને મંગલકારી શબ્દોનો શુભ પ્રભાવ અહીં જોવા મળે છે.

હવે તેરમું મહાભિનિષ્ક્રમણ એ છે ભગવાન ઋષભદેવે કરેલી સાધના. એંમણે છદ્મસ્થ અવસ્થામાં શરીરથી મમત્વરહિત થઈને વાસનાઓનો પરિત્યાગ કરીને, આત્મઆરાધના, સંયમઆરાધના અને તપશ્ચર્યા કરી. ઊંચા પર્વતો, ભેંકાર સ્થાનો અને એકાંત પ્રદેશ એમનાં વિહારસ્થળ બન્યાં. માત્ર વર્ષાવાસ સિવાય ક્યાંય અધિક સમય રહેતા નહીં અને સતત સાધનામાં રહીને દેહ હોવા છતાં દેહાતીત અવસ્થા એમને માટે સહજ સાધના બની ચૂકી હતી.

આવી રીતે દૂર દૂરના આર્ય જનપદોમાં વિચરતા વિચારતા તેઓ પૂર્મિણાતાલપુરમાં પહોંચ્યા. અહીં એક શક્તમુખ ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે અઠ્ઠમ તપની સાધના કરીને ધ્યાનમુદ્રામાં ડૂબેલા હતા. મહાવદ અગિયારના દિવસે પ્રાત: કાળે યોગી ઋષભ સર્વજ્ઞા બન્યા. દેવ-દેવેન્દ્રોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો અને ભગવાન ભાવ-અરિહંત બનીને બાર ગુણોથી યુક્ત થયા. ભગવાનનું કેવળજ્ઞાન વટવૃક્ષ નીચે થયું હતું. આથી વટવૃક્ષને આજે પણ આદરની દૃષ્ટિથી જોવામાં આવે છે.

આજના સમયમાં વૃક્ષમંદિરની વાત કરવામાં આવે છે. વૃક્ષો વાવવાની ઝૂંબેશ ચલાવવામાં આવે છે, ત્યારે જૈન ધર્મમાં તીર્થકરોને કોઈને કોઈ ચૈત્યવૃક્ષ નીચે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. આથી તો હું કહું છું કે,'જગતનું પહેલું મંદિર હોય તો તે વૃક્ષમંદિર છે અને તે મંદિર તે શ્રી શત્રુંજય તીર્થ પર આવેલાં રાયણ પગલાં.' વળી ઋષભદેવના સમયમાં વટવૃક્ષ હતું અને ધીરે ધીરે એમની વિચારધારા એ વટવૃક્ષ બની.

દીક્ષા લીધા પછી ત્યાગી ઋષભ દેશના જુદા જુદા ભાગોમાં વિચરતા હતા ક્યારેક ખંડેરમાં તો ક્યારેક સ્મશાનમાં ધ્યાન લગાવતા હતા. તેમણે લોકોને ઉપદેશ આપ્યો,' કોઈ જીવને મારવો નહિ. બધાની સાથે હેતથી રહેવું. જુઠ્ઠું બોલવું નહિ. ચોરી કરવી નહિ. શિયળવ્રત પાળવું. સંતોષથી રહેવું.' ઘણા લોકો આ ધર્મ પાળવા લાગ્યા. ઋષભદેવે એક સંઘ સ્થાપ્યો. આ સંઘને તીર્થ પણ કહેવાય છે અને તેથી આદિનાથ પહેલા તીર્થ કરનાર અર્થાત્ તીર્થંકર થયા.

ભગવાન ઋષભદેવનું એક અપ્રતિમ મહાભિનિષ્ક્રમણ તે આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના છે. છેક એ પ્રાચીનકાળમાં એમણે બતાવ્યું કે, 'ભૌતિક રાજ્ય કરતા આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સમ્રાટ ભરતના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રો તેમજ બ્રાહ્મી આદિએ પ્રવજ્યાં એટલે કે દીક્ષા લીધી હતી. ભરત અને સુંદરીએ શ્રાવકનાં વ્રત લીધાં હતાં અને કલ્પના કરો કે કેવું ભવ્ય આધ્યાત્મિક સામ્રાજ્ય હશે, જેમાં ભગવાન ઋષભદેવના પરિવારમાં ચોર્યાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારી, વીસ હજાર કેવળજ્ઞાની, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકો અને પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ હતાં.

અને યાદ કરીએ એ સમયને કે જ્યારે રાજા ઋષભદેવ દીક્ષા લઇને ત્યાગી બન્યા, ત્યારે એમની સાથે ચાર હજાર શિષ્ય હતા, પરંતુ યોગી ઋષભના મૌનને કારણે અને એમની કઠોર સાધનાની જાણકારી નહીં હોવાથી સહુ પાછા ચાલ્યા ગયા હતા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમનો ધાર્મિક પરિવાર પુન:વિકસતો ગયો. એમના પરિવારમાં આટલા બધા શ્રાવક શ્રાવિકાઓ હોય એ ધર્મક્રાંતિનું પરિણામ છે.

ભગવાન ઋષભદેવે પર્યકાસનમાં સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. તપ, બાકીનાં અઘાતિકર્મોનો ક્ષય અને એના દ્વારા પરિનિર્વાણ પામવાની ઘટના એક વિરલ ઘટના બની રહી. ત્યાગી ઋષભદેવે પોતાના એકાંત સ્થાનમાં શેષ જીવન વ્યથિત કરવાની ઇચ્છા રાખતા હતા, તો બીજી બાજુ સમસ્ત પ્રાણીઓની રક્ષા કરવાના દયાનાં પવિત્ર ઉદ્દેશ સાથે તેઓ પ્રવચન આપતા હતા.

વળી એમના પ્રથમ પ્રવચનમાં જ એમણે અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહની મિમાંસા કરી હતી. એમણે કહ્યું કે,' જીવનનું લક્ષ્ય ભોગ નહીં, પણ ત્યાગ છે, રાગ નહીં પણ વિરાગ છે, વાસના નહીં, પણ સાધના છે.' એમની પાસેથી આ જગતને એક શાશ્વત વિચાર મળ્યો. દેશનો આત્મા એની સંસ્કૃતિમાં વસે છે અને તે છે આત્માની ઓળખ. ભગવાન ઋષભદેવનું નિર્વાણ અષ્ટાપદ તીર્થ પર થયું. આ તીર્થ વિશે પ્રાચીન શાસ્ત્રગ્રંથોથી માંડીને અર્વાચીન આરોહકો અને સંશોધકોએ ઘણી માહિતી એકત્રિત કરી છે એ વિશે હવે પછી ક્યારેક જોઈશું.

ઇ.સ.૧૩૨૫ થી ૧૩૫૧માં દિલ્હીની તખ્ત પર બિરાજમાન મુઘલ સમ્રાટ મુહમ્મદ દિન તુઘલખને પ્રભાવિત કરનાર મહાન જૈનાચાર્ય જિનપ્રભસૂરિએ તત્કાલિન ફારસી ભાષામાં લખેલા કાવ્યની પંક્તિઓથી આપણી આ મહાભિનિષ્ક્રમણની યાત્રા પૂર્ણ કરીએ. આચાર્યશ્રી ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતા રહે છે.

उस्तारां तेरीखु ब दातु साले साते दीग सरातु ।

चिस्मदी द यं बुध ऱु तुरा बूदी कार सउु बस मरा ।।

'આ નક્ષત્ર, આ તારીખ, આ સાલ, આ ઘડી. આ પ્રભાત બધી વસ્તુઓ આજે મારા માટે સફળ થઈ છે, કારણકે એમાં મેં મારી બે આંખોથી તારા દીદારનાં દર્શન કર્યા છે, બસ, મારાં બધાં કામો પૂરાં થયાં છે.'