Get The App

સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ક્રિયાના સમન્વય-સાધક ઉપાધ્યાય

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ક્રિયાના સમન્વય-સાધક ઉપાધ્યાય 1 - image

- શ્રી નમસ્કાર મહામંત્ર રહસ્ય-5

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

ધર્મશાસ્ત્રો એ કરોડરજ્જુ સમાન છે. એના પાયા પર ધર્મવિચાર અને ધર્મઆચારની ઇમારત રચાયેલી છે. આ ઇમારતની સાચી ઓળખ આપનારની સહુથી વધુ જરૂર હોય છે. ધર્મશાસ્ત્રોમાં રહેલા જ્ઞાનનો પ્રકાશ પારખીને સમજાવનારા ન હોય તો ઘણીવાર જિજ્ઞાસુને અંધકારમાં અથડાવું પડે છે. તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલો અને ગણધર ભગવંતોએ કહેલો ઉપદેશ સમજાવનારનું પણ એટલું જ મહત્વ છે. આ ઉપદેશ સમજાવે તે ઉપાધ્યાય. આથી તો શ્રી મગનલાલ શાહે શ્રી નવકાર મંત્રની ગઝલમાં લખ્યું છે -

'ભણાવે છે જે ઉપાધ્યાયો

સકલ સિદ્ધાંત સમજીને,

રમે છે જ્ઞાનના દાને,

નમું છું પ્રેમથી સહુને'.

કેવી સરસ રીતે અહીં ઉપાધ્યાયની ઓળખ આપી છે ! હકીકતમાં આ 'ઉપાધ્યાય' શબ્દ જ બધા અર્થો પ્રગટ કરી આપે છે. 'ઉપ' એટલે પાસે અને 'અધ્યાય' એટલે ભણવું. આમ જેઓ અન્ય સાધુઓને ભણાવવાનું કાર્ય કરતા હોય તે 'ઉપાધ્યાય' કહેવાય.

નમસ્કાર મંત્રના પદમાં શબ્દ મળે છે 'ઉવજ્ઝાયાણં'. આ શબ્દનો મૂળ શબ્દ 'ઉવજ્ઝાય' છે, પરંતુ ગુજરાતી અને સંસ્કૃત છઠ્ઠી વિભક્તિના બહુવચનનું છે. માટે એનો ગુજરાતી અર્થ 'ઉપાધ્યાયોને' એમ બહુવચનમાં કરવામાં આવે છે. આવી જ રીતે આ શબ્દની પાછળ એવો ભાવ છે કે જે કોઈ દીક્ષિત થયેલા સાધુ શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગ્રંથનું સંપાદન કરે, જીવનના અનુભવો મેળવે, શાસ્ત્રોના અર્થોમાં કુશળ બને અને બીજાને ભણાવી શકે તેવા બને એવા સાધુને ઉપાધ્યાયપદ મળે છે.

ભારતીય સંસ્કૃતિની જુદી જુદી પરંપરાઓમાં ઉપાધ્યાય શબ્દ વ્યાપકપણે વપરાયો છે. પરંતુ એ દરેક ધર્મ એ ઉપાધ્યાય શબ્દનો જુદો જુદો અર્થ કર્યો છે. વૈદિક સંસ્કૃતિમાં પોતાની આજીવિકા માટે વેદોનું અધ્યયન કરાવનારને ઉપાધ્યાય કહેવામાં આવે છે, જ્યારે જૈન ધર્મની વિચારણામાં દીક્ષિત સાધુ આ અભ્યાસ કરાવતા હોવાથી આજીવિકાનું કોઈ મહત્વ નથી, પરંતુ શાસ્ત્રના સૂત્ર-સિદ્ધાંત તથા પ્રક્રિયાનું યોગ્ય જ્ઞાન આપે તેવી યોગ્યતાને પ્રાધાન્ય અપાયું છે. અર્થ નહીં, પણ અર્થઘટનનું મહત્વ વર્ણવાયું છે.

બૌદ્ધ સંસ્કૃતિમાં પણ જે પોતાના શ્રમણ શિષ્યોને શાસ્ત્રજ્ઞાન આપે અને સારી રીતે સાચવે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. જૈન ધર્મમાં શાસ્ત્રજ્ઞાનની વાત તો છે જ, પણ એ સિવાય તેઓ પોતાના ગચ્છની સારસંભાળ લેવાના કાર્યમાં આચાર્યને મદદ કરે છે. વળી જૈન શાસ્ત્રો તો એ ઉપાધ્યાયની યોગ્યતા માટે કયા કયા પચ્ચીસ ગુણો હોવા જોઈએ તેની પણ વાત કરે છે.

ગ્રંથો એમ પણ કહે છે કે જે ઉપાધ્યાયોનો આશરો લે છે તે પાખંડીઓથી પરાજિત થતો નથી. મન, વચન અને કાયાથી વિડંબના પામતો નથી અને કષાયોથી દંડાતો નથી.

ધર્મગ્રંથોમાં એમ પણ કહેવાયું છે કે જેઓ વચન, વય અને શરીરથી વૃદ્ધિ પામેલા છે, હિંસાનો વિચાર પણ કરતા નથી એવા ઉપાધ્યાયની તું સેવા કર.

આ સેવાની પાછળ ચિત્તમાં કઈ ભાવના રહી હશે ?

આપણા ચિત્તમાં એ ભાવના હોવી જોઈએ કે ચોથા પદના સાત અક્ષરો 'નમો ઉવજ્ઝાયાણં' એ સાત રજ્જુ પ્રમાણે ઉર્ધ્વલોકના માર્ગમાં દીપક સમાન છે. આ સાત અક્ષરો મારાં સાતેય વ્યસનોનો નાશ કરનારા બનો.

'ઉપાધ્યાય' શબ્દનો અર્થ માત્ર શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવનાર સુધી જ સીમિત નથી. એ સાચું કે આ ઉપાધ્યાય અન્ય સાધુને સૂત્ર-સિદ્ધાંતનું પદ્ધતિસરનું શિક્ષણ આપે છે અને તેથી જ 'નિર્યુક્તિકારે' એમ કહ્યું છે કે જે બાર અંગોવાળો સ્વાધ્યાય (અર્થથી) જિનેશ્વરોએ પ્રરૂપેલો છે અને (સૂત્રોથી) ગણધર ભગવંતોએ કહેલો છે તેનો શિષ્યોને ઉપદેશ આપનાર ઉપાધ્યાય કહેવાય.

કોઈ એમ પણ કહે છે કે જેની સમીપે વસવાથી શ્રુતનો લાભ થાય તે ઉપાધ્યાય. પરંતુ અર્ધમાગ્ધી ભાષામાં ઉપાધ્યાયને માટે 'ઉજ્ઝ' શબ્દ મળે છે. આ શબ્દનો અર્થ એક વિશેષ બાબતનો સંકેત કરે છે.

'ઉ' એટલે ઉપયોગ રાખવાનો અર્થ દર્શાવે છે અને 'જ્ઝ' શબ્દ ધ્યાનનો નર્દેશ કરે છે. આમ જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તે 'ઉજ્ઝા' એટલે કે ઉપાધ્યાય કહેવાય. આ રીતે ઉપાધ્યાયનું કાર્ય સૂત્ર-સિદ્ધાંત ભણાવવાનું તો ખરું જ, કિંતુ એમનામાં સ્વાધ્યાયની સાથે ધ્યાન પણ હોવું જોઈએ. પરિણામે સૂત્રોના જ્ઞાનની સાથે ધ્યાનનું પણ શિક્ષણ હોય. સમ્યગ્ જ્ઞાનની સાથે સમ્યગ્ ક્રિયાની પરંપરા પણ ઉપાધ્યાય જ્ઞાન રૂપે જાળવી રાખે છે.

આવી પરંપરા શ્રી યશોવિજયજી મહારાજના જીવનમાં એવી તો પ્રકાશિત થઈ કે 'ઉપાધ્યાય' એ પદવીવાચક વિશેષણ એમનું નામ બની ગયું. વિક્રમના સત્તર-અઢારમા શતકમાં થયેલા શ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, અર્ધમાગ્ધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અજોડ ગ્રંથો લખ્યા. એમણે સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું અને તેના પર નવો પ્રકાશ પાડયો. આવા શ્રી યશોવિજયજી મહારાજને વિ.સં. ૧૭૧૮માં ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ જમાનામાં આચાર્યની પદવી તો જ્વલ્લે જ અપાતી. પરંતુ આવી ઉપાધ્યાયની પદવીને એમણે એવી ઉજાળી દીધી કે 'ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ' એવી લોકોક્તિ થઈ ગઈ. આજે પણ એમની ગદ્ય કે પદ્ય-રચનાનો ઉલ્લેખ કરતાં 'ઉપાધ્યાયજી મહારાજ કહે છે' એમ પ્રચલિતરૂપે કહેવામાં આવે છે. પદવી એ નામનો પર્યાયરૂપ બની ગઈ.

ઉપાધ્યાયપદનું અને તેઓના કાર્યનું ઘણું મહત્વ છે. સાધુ કરતાં વિશેષ અભ્યાસી, ત્યાગી, વૈરાગી અને ધ્યાની એવા ઉપાધ્યાય હોવાથી શ્રી 'નમસ્કાર મહામંત્ર'ના ચોથા પદમાં તેઓને વંદનીય ગણીને તેમનો મહિમા પ્રગટ કર્યો છે.

આવા ઉપાધ્યાય એ અંતરંગ અને બહિરંગ રત્નત્રયીના ધારી હોય છે. તેમજ જિનેન્દ્ર ભગવાન કથિત તત્વાર્થના ઉપદેશક હોય છે. એ મુખ્ય રૂપે બધા શાસ્ત્રોનાં જિનરૂપ એવા નિજાત્મામાં મગ્ન હોય છે, પરંતુ કોઈક વાર કષાયના અંશના ઉદયથી જો ત્યાં ઉપયોગ સ્થિર ન રહે અર્થાત્ નિજાત્મદ્રવ્યમાં સ્થિર ન રહે તો તે પોતે શાસ્ત્રનો અભ્યાસ કરે છે અને એમને માટે શિષ્યોને ભણાવવું એ ભારરૂપ હોતું નથી, બલ્કે તેઓ એમનું કામ પોતાના આનંદને માટે એટલે કે સ્વાન્ત: સુખાય કરતા હોય છે અને એ દ્વારા શિષ્યોનું હિત ગર્ભિત રીતે થતું હોય છે.

(ક્રમશ:)