Get The App

ભવોભવતારિણી ભાવના છે ભવનાશિની .

Updated: May 28th, 2025

GS TEAM

Google News
Google News
ભવોભવતારિણી ભાવના છે ભવનાશિની                 . 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- લોક અને અલોકનું ચિંતન કરવું, શુભ-અશુભ કર્મો આપણને દેવલોક કે નારકીમાં મોકલે છે

ભાવનાનો સામાન્ય અર્થ થાય છે ચિંતન, મનન, ઘ્યાન અને અનુશીલન. કોઈ વસ્તુનું વારંવાર ચિંતન કરવું તે ભાવના. આ ભાવના શુભ અને અશુભ એમ બંને પ્રકારની હોય છે. અહીં સાધકની ભાવ-વિશુદ્ધિમાં સહાયક બને એવી બાર ભાવનાની વાત કરવામાં આવી છે. 

એક અર્થમાં કહીએ તો જે ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરે છે, તે રૂપમાં તે બદલાઈ જાય છે. જેવી ભાવના હોય એવો કર્મબંધ થાય છે. આનો અર્થ એ થયો કે જેનાથી આત્માને ભાવિક કરવો જોઈએ અને જેમાં આત્માનાં પ્રશસ્તભાવ પ્રગટ થાય તે ભાવના. જેમાં સદાય મન રાખવું, એનું ચિંતન કરવું, શુભ ચિંતવના કરવી - આ ભાવનાને અનુપ્રેક્ષા પણ કહે છે. નવ તત્ત્વ, તત્ત્વાર્થસૂત્ર આદિમાં આ બાર પ્રકારની ભાવનાનું વર્ણન મળે છે. અહીં એ બાર ભાવનાઓનો વિચાર કરીએ. 

અનિત્ય: પ્રભુની પ્રથમ દેશના પ્રમાણે ઉત્પન્ન થવું, વિનાશ પામવો એ પર્યાયનો ધર્મ છે અને કાયમ રહેવું એ દ્રવ્યનો ધર્મ છે. લક્ષ્મી, યુવાની, સત્તા, શક્તિ અને સંબંધો કર્મને આધારિત હોઈ પરિવર્તનશીલ છે. જીવન- મૃત્યુ, સંયોગ-વિયોગ સુખ-દુઃખમાં સમતા રાખી નિત્ય એવા આત્માનું ચિંતન કરવું. 

અશરણ: સાંસારિક પદાર્થો, મિત્રો, સગાં-વહાલાં એ સર્વને મર્યાદા છે. તે રોગ, શોક કે મૃત્યુમાં સહભાગી બની શકતાં નથી. આ માટે તો વિતરાગી દેવ, વૈરાગી ગુરુ અને તેમના પ્રણીત ધર્મને જ શરણે જવું જોઈએ. 

સંસાર: તીર્થંકરોએ કહ્યું છે કે આ સંસાર દુઃખરૂપ છે. એનું ફળ અને અનુબંધ પણ દુઃખરૂપ છે. ક્ષણિક દુઃખના અભાવને આપણે સુખ માની લીધું છે, મમતા અને અહંકાર તો રાગ-દ્વેષના જન્મદાતા છે. આસક્તિ, આકાંક્ષા અને અપેક્ષા દુઃખની જનેતા છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહવશ જીવ ચાર ગતિમાં અનંતવાર ભટક્યો છે. આમ, સંતોષ અને સમતા ધારણ કરી ધર્મઘ્યાનમાં મનને સ્થિર કરવું. 

એકત્વ: આ સંસારમાં જીવ એકલો આવ્યો છે અને એકલો જશે. પોતે કરેલાં શુભઅશુભ કર્મ એણે એકલાએ જ ભોગવવાં પડશે. પોતાનો આત્મા જ એનો છે, માટે અંતર્મુખ થઈ ધર્મઘ્યાનમાં મનને સ્થિર કરવું. 

અન્યત્વ: હું કોણ છું ? હું એ આ શરીર નથી. શરીરને કારણે જે સંબંધો છે, એ મારા નથી. હું તો અનંત જ્ઞાનમય, ચેતનમય, કલ્યાણકારી, આત્મા છું. મને કોઈ પીડી શકતું નથી, છેદી, ભેદી, કાપી, બાળી કે મારી શકતું નથી, તો ભય શાનો ? 

અશુચિ: આ શરીર માંસ, લોહી, મળ-મૂત્ર, હાડકાં જેવા અશુભ પદાર્થોથી ભરેલું છે. રોગોનું ઘર છે. એના સંપર્કમાં આવતી ચીજો બગડી જાય છે. તેનું સૌંદર્ય ઉપરની ચામડી સુધીનું જ છે, માટે સંસારમાં અનંતકાળ સુધી ૨વડાવે તેવા સ્વ અને પર શરીરના મોહને તજીને તેના નિમિત્તે થતાં પાપકર્મોથી દૂર રહેવું. 

આશ્રવ: કર્મોને આત્મા તરફ ખેંચનાર પાંચ આશ્રવ છે. (૧) મિથ્યાત્વ: ખોટી સમજ, (૨) અવિરતિ: પચ્ચખાણ ન લેવું, (૩) કષાય: ક્રોધ, માન, માયા, લોભ, (૪) પ્રમાદ: આઠ જાતના મદ, ઇંદ્રિયોના વિષયો, કષાય, આળસ અને વિકથા, (૫) મન, વચન અને કાયાના રોગો: આશ્રવ શુભ અને અશુભ બંને હોય છે. અશુભમાંથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને શુદ્ધિ તરફ જાગૃતિ રાખવી જોઈએ. 

સંવર: કર્મોને આત્મા તરફ આવતો રોકવો એ સંવર છે. (૧) સમ્યકત્વ, (૨) વિરતિ-સાધુ કે શ્રાવકનાં વ્રતો ગ્રહણ કરવાં, અપ્રમાદ પરિષહજ્ય, ક્ષમા, મૃદુતા, સરળતા, નિર્લોભતા, સત્ય, સંયમ, તપ, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે ગુણો કેળવવા, તેમ જ સદૈવ સમિતિ કે ગુપ્તિમાં મન, વચન અને કાયાનાં યોગોને પ્રવર્તાવવા. 

નિર્જરા: આત્મપ્રદેશ ઉપર લાગેલાં કર્મોને છૂટાં કરવાં તે નિર્જરા. અકામ નિર્જરા-ઉદયમાં આવેલાં કર્મ ભોગવાઈને ખરી જાય તે. સકામ નિર્જરા-ઉદયમાં ન આવેલાં સત્તામાં રહેલાં કર્મોને ખેરવવાં અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, ૨સત્યાગ, કાયક્લેશ અને સંલીનતા જેવાં છ બાહ્યતપ અત્યંત૨ તપને બળ આપે છે. અત્યંતર તપથી વધુ કર્મ ખરે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાઘ્યાય, ઘ્યાન અને કાયોત્સર્ગ અનંતા કર્મોને બાળી નાખવા સમર્થ છે. 

ધર્મભાવના: અસાર એવા આ સંસારમાં સારરૂપ છે: વિતરાગી, વિતદ્વેષી, સર્વજ્ઞા એવા ભગવાને બોધેલો ધર્મ, જે અવગતિમાં પડતા જીવોને તારે છે, ચાર ગતિના ચક્રાવામાંથી ઉગારી મોક્ષ માર્ગે વાળે છે. સમ્યક્-દર્શન, જ્ઞાન, ચારિર્ત્યરૂપી ધર્મનું ચિંતન વારંવાર કરવું. 

લોકભાવના: લોક અને અલોકનું ચિંતન કરવું, શુભ-અશુભ કર્મો આપણને દેવલોક કે નારકીમાં મોકલે છે, પણ આપણું ઘ્યેય તો સિદ્ધશિલા જ છે. એ નિત્ય નક્કી કરી જાગૃતિ કેળવવી.

બોધિદુર્લભ: મનુષ્યભવ, ઊંચું કુળ, સંપૂર્ણ ઇંદ્રિયો સાથેનું નિરોગી શરીર, ધર્મશ્રવણ વગેરે ઉત્તરોત્તર દુર્લભ છે. તેમાં પણ સદ્ગુરુનો મેળાપ અને તેનાં વચનમાં શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. અનંતા તીર્થંકરો થઈ ગયા, છતાં આ જીવ ન જાગ્યો, કારણ કે તેને માટે પુષ્કળ કુશળાનુબંધી પુણ્ય અને યોગ્યતા જરૂરી છે. આમાં પાત્રતા કેળવવા અહનેશ પ્રયત્ન કરવો. 

મૈત્રીભાવના: દુનિયાના દરેક જીવો સાથે અનંતા ભવોમાં મારું નિકટનું સ્નેહભર્યું સગપણ ક્યારેક ને ક્યારેક રહ્યું છે, એ સ્નેહને યાદ કરી એમણે કરેલી ભૂલોને ભૂલી જઈને મિત્રતા કેળવીએ. મારા જેવો જ જીવ અન્યમાં છે, માટે મને જેવું વર્તન પસંદ પડે, તેવું જ વર્તન અન્ય સાથે કરું, સમતા રાખી રાગદ્વેષ ન કરવા, કષાયોને શમાવવા, દરેક જીવનું કલ્યાણ ઇચ્છવું. પરમાર્થમાં જ સાચો સ્વાર્થ છે, તેથી મિત્રતા કરવી, વેર તો ન જ કરવું. 

પ્રમોદભાવના: ગુણીજનોના ગુણ જોઈ તેમના વિવિધ પ્રકારના વિકાસ અને પ્રગતિ જોઈ રાજી થવાથી એ ગુણો ક્રમે ક્રમે આપણામાં વિકસે છે. પ્રભુએ કહ્યું છે કે શુભ કાર્ય કરનારને લાભ થાય કે ન થાય (તેમના ભાવો પ્રમાણે), અનુમોદના કરનારને તો અવશ્ય લાભ થાય જ છે, માટે સર્વગુણસંપન્ન અરિહંત ભગવાન સંતપુરુષો, દેશસેવકો, શ્રાવકો, પરોપકારી, દાતાર, માર્ગાનુસારી, વ્યક્તિઓનું બહુમાન કરીએ, તેમના ગુણોને નિરંતર યાદ કરી આનંદ મેળવીએ, કોઈની પણ નિંદા તો ન જ કરીએ. 

કરુણા: દુઃખી, દીન, લાચાર, પતિત જીવો ઉપર અનુકંપા રાખી તેમનાં દુઃખ દૂર કરવાં, હળવાં કરવાં. શક્તિ અનુસાર સહાય, સેવા, વૈયાવચ્ચ કરવી, દાન દેવું. દુઃખનાં કારણ રૂપ પાપથી જીવોને મુક્ત કરાવવા ક્યારે સમર્થ થાઉં એવી ભાવના ભાવવી. ક્રૂરતા ક્યારેય ન કરવી. 

માઘ્યસ્થ: સાચી સલાહ આપવા છતાં સન્માર્ગે ન વળે, ઉપેક્ષા કે તિરસ્કાર કરે તોપણ એવા મૂઢ, મિથ્યાત્વી, અહંકારી જીવો ઉપર ક્રોધ કે ગુસ્સો ન કરતાં માઘ્યસ્થતા રાખવી દર્શાવવી ઘણી કઠિન છે. પ્રભુ પાસે પ્રાર્થના કરવી કે આપણી અને સહુની પાત્રતા વધે. 

પોતાને અને અન્ય સહુ કોઈને હિતકારી અને નવી દ્રષ્ટિ આપનારી આ ભાવનાઓ નિત્ય ભાવવાથી સમક્તિ મળશે અને તે હશે તો તેની પુષ્ટિ થશે.