- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
આ પૃથ્વી પર રાજા ઋષભદેવે અકલ્પ્ય પરિવર્તન આણ્યું અને પશુતામાં જીવતા માનવીને એના જીવનની સાચી ઓળખ આપી. એ પછી એમણે વિચાર્યું કે પૃથ્વીનાં માનવીને જીવનનાં સઘળાં સુખો આપ્યાં, પરંતુ હવે મારે એનાથી ય મહત્ત્વની વસ્તુ જગતને ભેટ આપવી છે અને તે છે ત્યાગભાવના.
રાજા ઋષભદેવે અયોધ્યાના રાજસિંહાસનને ત્યાગીને જવાનો વિચાર રાણી સુમંગલાને કહ્યો અને સાથોસાથ રાજા ઋષભદેવે સમજાવ્યું કે,' મેં જેમ આ પૃથ્વીને કર્મશિક્ષા આપી એમ હવે જગતને ધર્મદીક્ષા આપવી છે.'
એ પછી રાજા ઋષભદેવે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતદેવને સમજાવ્યા, ત્યારે એમના નાના પુત્ર બાહુબલિએ કહ્યું,' તમે જે ત્યાગભાવનાની વાત કરો છો, તે તો અહીં રહીને પણ કરી શકો છો. અમારે અહીં આપ જેવા માર્ગદર્શકની જરૂર છે. અમે અપક્વ છીએ, અર્ધદગ્ધ છીએ. વૃક્ષ વગર પડછાયાં કેમ રહેશે.'
ત્યારે બાહુબલિને સમજાવતા રાજા ઋષભદેવે કહ્યું,'બાહુબલિ, મારે મહાશોધ માટે નીકળવું છે અને એ શોધ એ સત્યની શોધ છે. બાહ્ય સઘળું ત્યજી દઈએ, તો જ ખરું સત્ય હાથ લાગે. આને માટે હવે મારે એકલા પ્રવાસ ખેડવો છે.'
પોતાના સ્વપ્નની વાત કરતાં રાજા ઋષભદેવે કહ્યું,' માથે ભાર હોય ત્યારે પ્રવાસ ન ખેડાય. મારે હવાની જેમ સ્વચ્છંદ, વિહરણ, પ્રકાશની જેમ સ્વતંત્ર પ્રસાર અને આકાશની જેમ મુક્ત બનવું જોઈએ. માણસને 'શુભ' શું ને 'અશુભ' શું તે સમજાવીને એને સ્વેચ્છાએ શુભ કેમ આચરે ને અશુભ કેમ તજે. એ માર્ગ દર્શાવવો છે. રાજશાસન એ ભયનું શાસન છે. હું એક એવું શાસન નિપજાવવા ઇચ્છું છું કે જેમાં માનવી ભયથી નહિં. કિંતુ સ્વેચ્છાથી સારું કરતાં, સારું આચરતાં શીખી લે. ન એમાં સૈન્યની જરૂર પડે કે શિક્ષાની જરૂર રહે ! એ માટે ઉદ્યાનમાંથી પંખી ઊડી જાય એમ તમારી વચ્ચેથી હું ચાલ્યો જવા માગું છું.'
'પિતાજી, હું શાસનનો ભાર કેમ નિર્વહી શકીશ ? આપ વિના મને કોણ માર્ગદર્શન કરાવશે ?' ભરત બોલી ઊઠયા.
'આજે હું તને માર્ગદર્શન આપું છું, પણ ભરત ! સાચું માર્ગદર્શન તો પોતાના અંતરનું છે. આકાશનો પેલો ઊંચો ઉજ્જવલ તારો માર્ગદર્શન માટે સદા ચમક્યા કરે છે, પણ એના ચમકવા માત્રથી કેટલા સાચા માર્ગ પર ચાલ્યા ? માર્ગદર્શકોના દર્શનમાત્રથી સિદ્ધિ નથી. એ માર્ગે ચાલવામાં સિધ્ધિ છે. બાકી એટલું યાદ રાખજે કે તું રાજા અપરાધીઓનો છે. દુષ્ટોનો છે. જ્યારે સજ્જનોને તો તું રાજા છે. એની પણ જાણ થવા દઈશ નહીં.
'ભરત, બાહુબલિ, મેં તમને ઘડયા. પિતા પુત્રનું ઘડતર કરે છે, પોતાના વારસાને પવિત્રતાથી સંરક્ષવા માટે. ભાવનાઓનાં વાવેતર કરજો ! રાજમાર્ગ પર આજે વાવેલાં ઝાડ જેમ કાળાન્તરે પણ છાંયો આપે છે. એમ એ ભાવનાં વૃક્ષો તપેલાં તમારાં મસ્તક પર શીળી છાયા પાથરશે.
રાજા ઋષભદેવે પોતાના સુદીર્ધ કેશ પીઠ પર છૂટા મૂકી દીધા. અને આ શું ? ભૂતકાળમાં ન બની હોય તેવી ઘટના બની. કોઈ રાજા તો શું પણ કોઈ કુળકરના જીવનમાં પણ આવું બન્યું નહોતું. રાજાએ પગમાંથી ઉપાનહ (પગરખાં) અને મસ્તક પરથી મુગટ ઉતારી અલગ કર્યા, દેહ પર માત્ર એક વલ્કલ ધારણ કરી એ ધીરે પગલે આગળ વધ્યા. રાજા ઋષભના મહાભિનિષ્ક્રમણની વાત સાંભળીને માતા મરુદેવા દોડતા આવ્યા, 'વત્સ ! મને ન તજી જા. આંખો પર અંધારાના પડળ ઘેરાય છે. આજ સુધી મહામહેનતે તરતું નામ આજે ડૂબતું અનુભવું છું. મારી જીવનસંઘ્યા તારા દર્શનથી પ્રભાતનું સુખ અનુભવે છે. માનવતાની પ્રેરણા આપનાર તું માતાના પ્રેમને કેમ સાવ જ ભૂલ્યો ?'
' હે માતા ! સહુએ જવાનું છે. જનારને કોઈ રોકી શક્તું નથી. દરેક સંધ્યા પ્રભાતની પુરોગામી છે. આશા રાખો કે પ્રત્યેક અંધકારની પાછળ પ્રકાશ છે, એમ દરેક દુ:ખની પાછળ સુખ અવશ્ય છે. દુ:ખને પચાવો ને એની પાછળના સુખને શોધવા યત્ન કરો ! ગગનાંગણના મુક્ત પ્રવાસે જતાં પંખીને માળાનો મોહ શા માટે કરાવો છો ?
માતા મરુદેવા પુત્રને પ્રત્યુત્તર વાળી ન શક્યાં, પણ આ રીતે એને જતો જોઈ મર્મોચ્છેદક વેદના અનુભવી રહ્યાં. દેવી સુમંગલા પણ આવીને પાછળ ઉભા હતા. એ એકદમ પગ પકડીને બેસી ગયાં અને બોલ્યા,' મને તમારી સાથે લઈ જાઓ. મારે સમીપ રહેવું છે જીવનમાં કે મૃત્યુમાં.'
'દેવી ! મૃત્યુના પ્રવાસમાં ઇચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જઈ શકાતું નથી. વિયોગની ઘડીએ પ્રેમની તીવ્રતા સમજાય છે. એ તીવ્રતાના તાપમાં જીવનની વિશુધ્ધિ શોધી લો !'
પહાડ જેવો બાહુબલિ માર્ગ વચ્ચે પહાડ બનીને ખડો રહ્યો. સુંદરી અને બ્રાહ્મી ઊભાં ઊભાં આંસુની પાળ રચી રહ્યાં હતાં.
પૃથ્વીનાથે તેઓને ઉદ્દેશીને કહ્યું : 'પુત્રીઓ ! કોઈનાં આંસુ કદી કોઈનો માર્ગ રોકી શક્યાં છે ? આંસુ અંતરની શુધ્ધિ માટે વાપરો.' ને તેમણે સહુ સ્વજનો તરફ દૃષ્ટિ ફેરવીને આશ્વાસનભર્યા અવાજે કહ્યું : પ્રેમ માટે, પશ્ચાત્તાપ માટે નવી દૃષ્ટિ.
'મારો જવાનો સમય થઈ ચૂક્યો, જે મહાન શોધ કાજે જાઉં છું, એ માટે અનિવાર્ય છે કે સાગરમાં માછલું સરકી જાય એમ મારે તમારી વચ્ચેથી સરી જવું. આ આકાશ મારું આશ્ચયસ્થાન બનશે. આ ખીણો મારી શેરીઓ બનશે. કંદરાઓ અને ગુફાઓ મારાં વાસસ્થાન બનશે. વાચા કરતાં મૌન હવે મને વધુ પ્રિય થશે. શુશ્રુષા ને સેવા, હર્ષ ને શોક બંનેને છાંડીને જાઉં છું. સ્વજન કે સ્નેહી બંનેને ત્યજીને જાઉં છું. માન કે અપમાનને મૂકીને જાઉં છું. સંપત્તિ કે સાધનનો સદંતર ત્યાગ કરીને જાઉં છું.'
આ એક અનોખો ત્યાગ હતો. સંસારને ભોગભૂમિમાંથી ત્યાગભૂમિ બનાવવા માટેનું મહાભિનિષ્ક્રમણ હતું, પણ સાથે સંસારના સંબંધોને ઠોકર પરિવારને પ્રેમ નહીં કરનાર કદી પરમાત્માને પ્રેમ કરી શક્તો નથી અને એ સમયે રાજા ઋષભદેવ પોતાના મહાન સ્વપ્નને સાકાર કરવા માટે અને સંસારમાં નવું શાસન સ્થાપવા માટે નીકળ્યા હતા.
સતત જાગૃતિ, અવિરત મૌન, અનંત એકાંત અને સર્વસ્વ ત્યાગ એ એમના સહાયક હતા. આ સમયે રાજા ઋષભદેવે જ્યેષ્ઠપુત્ર ભરતને સમજાવતાં કહ્યું : ' નમો અરિહંતાણં' તારો જીવનમંત્ર બનો. જગતમાં વસતા અરિને જીત્યા, માનવતાના અરિને જીતજે. કુળના અરિને જીતજે સાથે તારી જાતની અંદર વસતા અરિને પણ જીતવાનું ન ભૂલીશ.' એ પછી પૃથ્વીના લોકોને સમજ આપતાં આગળ વધ્યાં.
પાંચમા દેવલોકને અંતે વસનારા અરુણ, આદિત્ય, સારસ્વત આદિ લોકાંતિક દેવો વસંતોત્સવની સુંદરતા નિહાળતા નિહાળતા નંદનવનમાં આવી પહોંચ્યા. તેઓને પૃથ્વી પણ સ્વર્ગ જેવી લાગી. તેઓએ નમસ્કારપૂર્વક પ્રાર્થના કરી : ' હે નાથ, હવે ધર્મતીર્થ પ્રવર્તાવી જગતનું કલ્યાણ કરો !'
અને પૃથ્વીનાથ ઋષભદેવ સ્મિતપૂર્વક તેનો પ્રત્યુત્તર આપીને આગળ વધ્યા. (ક્રમશ:)


