- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
પિતા અમીચંદ પછી મોતીચંદ શેઠે પેઢીનો કારભાર સંભાળ્યો. અગાઉ માતા-પિતાની છાયામાં અને મોટાભાઈ નેમચંદ શેઠની હૂંકમાં નિશ્ચિતપણે જીવતા મોતીચંદ સામે પડકાર ઉભો થયો. એણે ધૈર્ય રાખીને વાડિયા પેઢીની દલાલી શરૂ કરી.
આ મોતીચંદ શેઠ અર્થાત્ મોતીશાનું ભણતર ગામઠી નિશાળનું હતું. પરંતુ તેમની કુશાગ્ર બુદ્ધિ, વેપારી સાહસ અને ગણતરીબાજ દીર્ધદૃષ્ટિથી તેઓ દલાલ ઉપરાંત બાહોશ વેપારી તરીકે ટૂંક વખતમાં ઝળકી નીકળ્યા.
વાડિયા પેઢીની દલાલીનું કામ સંભાળવા ઉપરાંતનો વખત તેમણે મુંબઈમાં ખીલતા ધંધાનો અનુભવ મેળવવામાં રોકવા માંડયો. એ વખતે યુરોપમાં રૂ અને ચીનમાં અફીણના નિકાસનો વેપાર પગભર થતો જતો હતો.
માણસને જેમ તડકા-છાંયડાના પરિવર્તનમાંથી પસાર થવું પડે છે તેમ એક વખતના કળાપ્રધાન ચીનમાં અફીણે પગપેસારો કર્યો હતો. ત્યાંના ચંડોલખાનામાં શ્રીમંતો અફીણના ધૂમપ્રાનની લહેજત ઉઠાવવા લાગ્યા હતા. સમજદાર રાજદ્વારીઓએ આ પાપને આવતું અટકાવવાને અંગ્રેજ સત્તાને આજીજી કરી જોઈ, પણ તેમાં દાદ ન મળવાથી શાંગહાઈમાં ઊતરેલ અફીણને સમુદ્રમાં હોમી દીધું. પ્રજાના આ પગલાંને બળવાખોરી ગણીને 'કાયદા ને વ્યવસ્થા'ના શસ્ત્રથી દાબી દઈને ચીન માટે અફીણના વપરાશને મોકળો બનાવી મૂક્યો હતો.
અફીણની પેદાશ હિંદમાં થતી હોવાથી ચીનમાં જેમ વ્યસની વધ્યા તેમ માંગ વધવાથી જોતજોતામાં હજારો બલ્કે લાખના લેખાથી અફીણની પેટીઓ ચીન ઉપડવા માંડી હતી.
સર જમશેદજી જીજીભાઈ (બેરોનેટ)ના ભાગમાં મોતીશાએ ચીનમાં અફીણ ચડાવવું શરૂ કર્યું. ને ધીમે ધીમે ચીન સાથેના વેપારનો અનુભવ મેળવ્યો તથા તે માટે પ્રમાણિક આડતિયાની ગોઠવણી કરી.
ધંધાની ખિલવણીનો આધાર તેની કેળવણી ઉપર છે. મોતીશાએ ચીનમાં અફીણ ઉપરાંત સૂતર-કાપડ મોકલવા અને રેશમ તથા ચીની સાકર મગાવવાનું શરૂ કર્યું. આ ક્રિય-વિક્રયની પદ્ધતિથી તેમને ગિલ્ડર (હોલેન્ડનો સિક્કો/ચલણ) અને કલદાર વચ્ચેના હૂંડિયામણની બચત થવા લાગી. ઉપરાંત બંને સ્થળેથી માલના ક્રય-વિક્રયનો લાભ મળવા લાગ્યો. આ ખુલ્લા ફાયદા ઉપરાંત ચીન જતા માલના બદલામાં ત્યાંથી માલ ચડાવવાનો હોય તેથી ત્યાંના આડતિયાને બેવડી આડત મળવાથી મોતીશાનો માલ પહેલી તકે ઊપડી જવા લાગ્યો.
માલની માંગ જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેઓ જોઈ શક્યા કે માલ ધાર્યો પહોંચાડવામાં-મંગાવવાનો આધાર વહાણની સગવડ ઉપર રહે છે.
કલાપ્રધાન હિંદ સૈકા પહેલાં પોતાનું વહાણવટું ધરાવતો. કચ્છ-કાઠિયાવાડને ગુજરાતમાં તેમજ કોચીન-કલકત્તામાં મોટાં સફરી વહાણો બંધાતાં. તેઓ હિંદનો સારોય સાગરકિનારો ખેડતા એટલું જ નહિ પણ જાવા (ઇસ્ટ ઇન્ડીઝ), બર્મા, મકા-મસ્કતની ખેપો કરતા. યુરોપિયન વહાણવટીઓનો તે પછી પગસંચાર થતાં હિંદી વહાણવટું હરીફાઈને કારણે તેમજ રાજકીય અનુમોદનાના અભાવે ઘસાતું ચાલ્યું. તેનું સ્થાન યુરોપિયન વહાણવટીઓએ હસ્તગત કરી લીધું. તેઓ વહાણવટી ઉપરાંત વેપારી હોવાથી પહેલી તકે પોતાના માલની સગવડતા સાચવવા પછી જ મોં-માગ્યા નોર (ભાડું, નૂર)થી બીજાનો માલ લઈ જતા. ધંધાના વિકાસમાં રહેલી આ પરવશતા મોતીશાને ખટકવા લાગી.
મોતીશાની માનસિક ડિક્શનેરીમાં 'અશક્ય' શબ્દને સ્થાન નહોતું. તેઓ પાંચ વર્ષમાં લખપતિની ગણનામાં આવ્યા એટલે પહેલી તકે તેમણે દરિયાઈ સફરના સાધનની પરવશતા નિવારવા લગભગ પાંચસો છસો ટનનાં ત્રણ વહાણો ખરીદી લીધાં.
હામ, દામ ને ઠામનો ત્રિવેણીસંગમ થવાથી મોતીશાનો વેપાર એકધારો વધવા લાગ્યો. હવે તેમણે ચીન ઉપરાંત યુરોપ સાથેનો વેપાર વધાર્યો અને જોઈતા માલની ખરીદી માટે તે તે માલની પેદાશનાં મુખ્ય મથકોમાં પેઢીઓ ખોલવા માંડી. રૂ માટે તે વખતના કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)નાં ધીકતાં બંદરો-ધોલેરા તથા ઘોઘામાં મોતીશાએ ઓફિસો ખોલી. અફીણ માટે માળવામાં ખરીદીયા રોક્યા. તેમના મૂળ વતન ખંભાત અને ગુજરાતના ભરૂચ-સૂરતનાં મથકોમાં પણ પગદંડો જમાવ્યો.
આ રીતે વેપાર વધવાથી તેમણે ત્રણ વહાણથી પહોંચી વળવું મુશ્કેલ થઈ પડયું. આ વખતે ગણ્યા ગાંઠયા પારસી વેપારીઓએ પોતા પૂરતાં એક-બે વહાણો રાખેલાં તેમ મોતીશાએ પણ ત્રણ વહાણો ખરીદ્યાં છે તેવી ગણતરીથી યુરોપિયન વહાણવટીઓએ તેમાં મહત્ત્વ ન માન્યું. તેમને ખબર નહોતી કે મોતીશા જે કામ હાથમાં લે છે તેમાં ઓતપ્રોત થઈ શકે છે. મોતીશાને તો મૂંગે મોઢે મક્કમતાથી આગળ વધવાને તાલવેલી લાગી હતી.
ટૂંક વખતમાં તેમને વહાણવટાનો સારો અનુભવ થતાં તે જોઈ શક્યા કે તૈયાર વહાણ કરતાં પોતાની જાતિ દેખરેખ નીચે વહાણ બાંધવાથી તેમાં ભંડક, કેબિનની મનગમતી સગવડ કરી શકાય છે અને વહાણની મજબૂતી વધે છે. મોતીશાને આ વિચાર સૂઝતાં તરત જ આઠસો-હજાર ટનનાં મોટાં સફરી વહાણો મુંબઈ તેમજ દમણને કાંઠે ખાનગી ગોદી રાખી ત્યાં બંધાવવાં શરૂ કર્યા. પોતાની અંગત સફર માટે સગવડવાળી નાજુક ફતેહમારી (નાનું વહાણ) પણ બંધાવી.
વહાણ માટે જોઈતાં દળદાર અને પહોળાં લાકડાં ગીરમાં મળતાં હોવાથી એક વખત પોતે જાતે મહુવા બંદર ઉતરી ગીરમાં ફરી આવ્યા ને કાચો માલ લાવવા લઈ જવાનો ખર્ચ બચે માટે કાઠિયાવાડના કિનારે કારીગરો રોકીને ફતેહમારીઓ અને ગંજાઓ (મોટું વહાણ) બંધાવવાને ગોઠવણ કરી. તેમનાં વહાણોને 'મોતીચંદ અમીચંદ' વગેરે નામો આપીને વડીલોનાં નામસ્મરણ તાજાં કર્યા. એક દાયકામાં તો તેમણે ચાલીસ વહાણોનો મોટો કાફલો મહાસાગરમાં વહેતો મૂકી દીધો અને જોતજોતામાં તેઓ હિંદના દરિયામાં સર્વાગ સફર કરતા અંગ્રેજ વહાણવટીઓની હરોળમાં પહેલા જ હિંદી 'મહાસાગરના મહાર'થી તરીકે બહાર આવ્યા.
મોતીશાની ખાનદાની- કહો કે વિશિષ્ટતા એ હતી કે તેમની મુંબઈની પેઢીએ સેંકડો મહેતા, મુત્સદ્દી અને અનેક શાખા-પ્રશાખાઓ દેશ-પરદેશમાં પથરાવા છતાં અને કોટયાધિપતિની ગણનામાં મુકાવા છતાં એક વખતના ઉપકારક વાડિયા કુટુંબના દલાલ તરીકે ઓળખવામાં તેઓ માન સમજતા. વાડિયા હોરમસજી શેઠનું બહોળું શ્રીમંત કુટુંબ છતાં તેમના પરલોકગમન પ્રસંગે (સં.૧૮૮૨) તેમની કરોડોની મિલકત-વહીવટના શેઠ મોતીશાને એકલા જ ટ્રસ્ટી નીમેલા તે વાડિયા કુટુંબમાં 'મોતીકાક'ના નામથી પૂજાતા અને બમનજી શેઠ ઉંમરલાયક થતાં તેમની મિલકત વધારીને સુપરત કર્યા પછી પણ ખસી ન જતાં જિંદગીના છેડા સુધી 'મોતીકાકાક્ક વાડિયા કુટુંબના વડીલ તરીકે ધ્યાન રાખતા હતા.
સર જમશેદજી જીજીભાઈ સાથે તેમણે ભાગીદારી કરેલી. તે પછી બંનેની એકદિલીથી ધંધામાં પડવા છતાં અને ચીનના ધંધામાં એક જ લાઈન હોવા છતાં તેમની વચ્ચે કદી પણ હરીફાઈ કે અથડામણીનો પ્રસંગ આવ્યો નહોતો, બલ્કે એમનો સ્નેહસંબંધ એકધારો વધતો રહ્યો હતો.
મોતીશાના આ વિશિષ્ટ ગુણો અને ધંધાની ખિલવણીથી જેમ જેમ તેમની આવક સંપત્તિ વધવા લાગી, તેમ તેમ લક્ષ્મીના મદમાં અંધ ન થઈ જતાં તેમણે સખાવતનો પ્રવાહ વહેવરાવવા માંડયો.
ગરીબો તરફ એમની હંમેશાં ભલી લાગણી રહેતી. છૂપાં દાન અને જાહેર સખાવતોમાં તેઓ કદી પાછી પાની કરતા નહિ. અગ્રગણ્ય વેપારી તરીકે તેમનું યુરોપિયન પેઢીમાં પણ સારું માન હતું. તે વખતે મુંબઈમાં નહોતું મહાજનનું બંધારણ કે નહોતી નગરશેઠ-શેરીફની ચૂંટણી. છતાં મુંબઈમાં વસતા હિંદુ-મુસ્લિમ કે પારસીમાં મોતીશાનું મુખ્ય સ્થાન હતું.
(વધુ આવતા અંકે)


