Get The App

જે એકને આત્માને જાણે છે, તે સર્વને જાણે છે !

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
જે એકને આત્માને જાણે છે, તે સર્વને જાણે છે ! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

અગાઉ વીસ જેટલાં મુદ્દાઓ દ્વારા આગમપ્રમાણ અને પ્રત્યક્ષપ્રમાણથી આત્માનાં અસ્તિત્વ વિશેની વાત જાણી. હેવ આત્માના અસ્તિત્વની અનુમાન પ્રમાણથી અપાતી સાબિતી જોઈએ.

(૨૧) આ કાયાનો માલિક કોણ ? એની શોધ કરશો તો તમને આત્મા દેખાશે. માનવીના દેહના મહેલનો માલિક છે આત્મા. સામાન્ય માન્યતા એવી છે કે માનવીનો માલિક આત્મા નથી, પણ મન છે. પણ હકીકત એ છે કે મનને ન ગમે એવી ઘણી બાબત આત્મા દ્વારા થતી હોય છે. જેમ કે, લાંબા સમયના ઉપવાસ કરવા, સાધુજનો દ્વારા થતા લોચ, વિહાર આદિ કષ્ટો સહન કરવાં. આ બધાં શારીરિક કષ્ટો મનને ક્યાંથી ગમે ? એને તો કદાચ પીડતાં પણ હોય, પણ તે આત્માને ગમે છે અને તેથી આત્મા એ માનવીના મનનો માલિક છે.

(૨૨) ઇન્દ્રિયો એ સાધન છે અને આત્મા રૂપી માલિક એ સાધનોથી કામ લે છે. જેમ ચપ્પાથી કલમ ઘડાય છે, દાતરડાથી કપાય છે, એ જ રીતે આમાં ઘડનાર અને કાપનાર જુદાં છે. તે પ્રમાણે ઇન્દ્રિયો જુદી છે અને તેને ગ્રહણ કરનાર જુદા છે.

(૨૩) આત્માને સ્વતંત્ર માલિક અથવા પ્રોપરાઈટર કહી શકાય, જ્યારે મન એનો મેનેજર છે. ડાયાબિટીસ હોય છતાં મીઠાઈ ખાવા માટે મન કૂદકો લગાવે, ત્યારે એને કોણ અટકાવે છે ? આત્મા જ. ક્રોધ આવતાં ક્ષમાનો કોણ વિચાર કરે છે ? આત્મા જ.

(૨૪) જન્મ થતાં જ બાળકને આહારાદિ સંજ્ઞાને મમત્વ આદિ કેમ થાય છે ? અમુક વ્યક્તિઓ સાથે સાહજિકપણે સ્નેહ થાય છે અને અમુક પ્રત્યે અકારણ અણગમો રહે છે. એનું કારણ એ છે કે ગત જન્મ અને આ જન્મ વચ્ચે અનુસંધાન કરનાર સ્વતંત્ર આત્મા છે.

(૨૫) એવી જ રીતે કપાયેલી આંગળીમાં થતી વેદના આત્મા જ અનુભવે છે. તો બીજી બાજુ માતા ક્રોધી હોય અને પુત્ર શાંત હોય એવું કેમ બને ? માતા-પિતામાં લોભ અને અહંકાર જેવા દુર્ગુણો હોય અને પુત્રમાં નિસ્પૃહતા હોય એવું કેમ બને ? એ સૂચવે છે કે આત્મા જુદા સંસ્કાર લઈને આવ્યો છે. એક જ માતાના ઉદરમાં પોષાઈને જન્મેલાં બે બાળકોના સ્વભાવમાં, રુચિમાં અને લાગણીમાં કેમ તફાવત હોય છે ? કારણકે બંનેના આત્મા જુદાં છે.

(૨૬) વ્યક્તિ પોતે એ જ હોય છે, શરીર પણ એનું એ જ હોય છે અને છતાંય એ અશુભ ભાવો છોડી એને શુભ ભાવોમાં લાવનાર કોણ હોય છે ? આત્મા. દંભી માનવી અંદરથી નારાજ હોય, પણ બહાર મુખ હસતું રાખે છે તો અંદરથી નારાજ રહેનાર કોણ ? આત્મા.

શાસ્ત્રકાર આત્માનું લક્ષણ બતાવતાં કહે છે:

यः कर्ता कर्म भेदानम्,

भोक्ता कर्म-फलस्य च ।

संसर्ता परिनिर्वाता,

स हयात्मा नान्यलक्षणः ।।

'જે આઠ કર્મોનો કર્તા છે, કર્મના ફળનો ભોક્તા છે. જે સંસારમાં ભટકે છે અને નિર્વાણ પામે છે એ આત્મા જ છે. એનું બીજું કોઈ લક્ષણ નથી.'

(૨૭) હવે વિચારીએ, જાતિસ્મરણ જ્ઞાન વિશે જોઈએ. કૌશાંબી નગરીના રાજ્યશાસ્ત્રી કાશ્યપનો પુત્ર કપિલ રાજા પાસે માંગવા જાય છે, ત્યારે એની ઇચ્છા બે માસા સોનામહોર માગવાની હતી. તેને બદલે અડધું રાજ્ય માગવાનો વિચાર કરે છે. એવે સમયે વૃક્ષ પરથી પડી રહેલા જીર્ણ પાંદડાએ કપિલને વર્તમાન જીવન અને જગતની જીર્ણતા અને ક્ષણભંગુરતાનો સંકેત આપ્યો. આ સમયે ગહન વિચારમાં નિમગ્ન કપિલને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને રાજાના પ્રલોભનની વચ્ચે મેરુ પર્વતની જેમ અડગ રહ્યા. આવા મુનિ કપિલ કેવળીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આદ્યપ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ મળે છે.

સુનંદાના નવજાત પુત્રને પૂર્વજન્મના સંસ્કારને કારણે જાતિસ્મરણ જ્ઞાન થયું અને એને પરિણામે એની માતાએ મુનિ ધનગિરિને એ બાળક વહોરાવી દીધો. આ બાળક તે અંતિમ દસ પૂર્વધર મહર્ષિ શ્રી વજ્રસ્વામીજી બન્યા. આવી જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાઓ જૈન ધર્મમાં ઘણી મળે છે.

શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ સાત વર્ષની વયે સ્મશાનમાં અમીચંદભાઈના મૃતદેહની ચિતા ભડભડ બળતી હતી, તે જોઈને શ્રીમદ્ના હૃદયમાં તત્ત્વનો ઓહાપોહા થયો. એ વિચારવા લાગ્યા કે શરીર તો એનું એ જ છે, તો એમાંથી શું ચાલ્યું ગયું ? એ ક્યું તત્ત્વ છે ? આમ વિચારની શ્રેણીએ ચડતાં ચડતાં પૂર્વજન્મોની સ્મૃતિ વચ્ચે રહેલું આવરણ ખસી ગયું. જાણે પડદો હટતાં કેટલાય પૂર્વજન્મોની સ્મૃતિ જાગી ઉઠી. આગળ જતાં એમણે જૂનાગઢનો ગઢ જોયો, ત્યારે પૂર્વજન્મોની વિશેષ સ્મૃતિ તરી આવી અને આ જાતિસ્મરણ જ્ઞાનને કારણે સાત વર્ષની નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્ર અદ્ભુત વૈરાગ્યરસ અનુભવવા લાગ્યા.

આ રીતે પ્રભુ મહાવીરે વેદ-વાક્યોનો સમન્વય કરવાથી આત્માનું અસ્તિત્વ (૧) આગમપ્રમાણથી સાબિત થાય છે, તેમ (૨) પ્રત્યક્ષ, (૩) અનુમાન, (૪) ઉપમાન, (૫) અર્થાપત્તિ, (૬) સંભવ (ઐતિહ્ય) પ્રમાણોથી પણ આત્મા આ રીતે સિધ્ધ થાય છે.

અહીં નરસિંહ મહેતાની એ પંક્તિઓ સ્મરણ થાય છે: 'જ્યાં લગી આત્મ તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.'

ભગવાન મહાવીરે પોતાના નિર્મળ જ્ઞાનના બળે આત્માના અસ્તિત્વની વાત કરી. પ્રભુ મહાવીરે કરેલા સ્પષ્ટીકરણથી દેશની વિવિધ પાઠશાળાઓ અને રાજ્યાશ્રયમાં થતા અનેક વિવાદોમાં અનેક વાર વિજય મેળવતા દિગ્ગજ વિદ્વાન, ચૌદ વેદ વિદ્યાઓમાં પારંગત અને પાંચસો શિષ્યોનો વિશાળ પરિવાર ધરાવતા ઇન્દ્રભૂતિના મનમાં न प्रेत्ससंज्ञाडस्ती' આત્મા છે જ નહીં, એવી દૃઢ માન્યતા બંધાઈ ગઈ હતી તે દૂર થઈ. એમને વેદપદનો સાચો અર્થ કરીને અનેક પ્રમાણો સાથે આત્માની સાબિતી આપી.

વેદશાસ્ત્ર વિશારદ પંડિત ઇંદ્રભૂતિ ગૌતમને આ વાત સમજાઈ ચૂકી અને એમનો નિયમ હતો કે મારી શંકાનું જે કોઈ સમાધાન કરી આપે, એમના આજીવન શિષ્ય બનવું અને એ રીતે ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિએ એમનો સંદેહ દૂર થતો 'મારે પ્રભુ મહાવીરનું શરણ હો' એમ નક્કી કરી પાંચસો શિષ્યો સાથે પ્રભુની પાસે ત્યાં ને ત્યાં તત્કાળ પ્રવ્રજ્યાં (દીક્ષા) લઈ લીધી. ઘરવાસ ત્યજી મુનિ બન્યા અને પ્રભુ મહાવીરે 'ઉપન્નેઇવા, વિગમેઇવા, ધવેઈવા' એ ત્રિપદીનો બોધ આપ્યો.

આવા પ્રભુ મહાવીરના સર્વપ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી બન્યા. શ્રી ઇન્દ્રભૂતિને જ્ઞાનાવરણીય કર્મનો અપૂર્વ ક્ષયોપશમ થયો. તેઓ શ્રુતકેવળી થયા અને બાર અંગ સ્વરૂપ દ્વાદશાંગી શાસ્ત્રોની રચના કરી. 

જૈન ધર્મનું પ્રથમ આગમ શ્રી આચારાંગ સૂત્ર પોકારી પોકારીને કહે છે,

जे एगं जाणइ से सव्वं जाणइ ।' 'જે એકને જાણે છે તે સર્વને જાણે છે.' અહીં એકને ભૂલી જવાયો હતો, આત્માના અસ્તિત્વ વિશે સંશય હતો અને તેથી સાચા દર્શનની જરૂર હતી. દર્શનનો અર્થ માત્ર આંખથી જોવા પૂરતો સીમિત નથી. આંખ છોડીને બીજી ઇંદ્રિય પણ 'દર્શન પામ્યા પછી જ જ્ઞાનની કક્ષામાં પ્રવેશે છે. આ દર્શન નિર્મળ હોવું જોઈએ. જો મિથ્યાદર્શન હોય તો જ્ઞાનની ગાડી સાવ ઊંધે પાટે ચાલે. આથી જ દર્શનને જ્ઞાનનું પ્રવેશદ્વાર કહ્યું છે.

दर्शन विना भवति न ज्ञानं'

જૈનશાસ્ત્રોમાં સમ્યક્દર્શનનો ઘણો મહિમા છે. પ્રભુના ઉત્તરમાંથી એ પ્રાપ્ત થાય છે. આથી જ ભગવાન મહાવીર માટે 'પુચ્છિસ્સુ ણં' સૂત્રમાં 'અણુત્તરે સવ્વજગંસિ વિજ્જ' એટલે કે સંપૂર્ણ જગતમાં અનુત્તર વિદ્વાન એમ કહેવાયું છે અને એવા પ્રભુ મહાવીર ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે, 'ઇન્દ્રભૂતિ ગૌતમ, પાંડિત્યનાં જાળાં દૂર કરો, સત્યની ખોજ કરો, એ સત્ય તો અંતરમાં બેઠેલું છે, એમાં ખોરવાઈ જાવ.'

વૈશાખ સુદ અગિયારસના દિવસે આ મહાન ઘટનાએ આકાર લીધો. એક તો મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ અહંકારના ઉચ્ચ શિખરેથી ઊતરીને સમર્પણની સમતલ ભૂમિ પર આવી જાય છે. તો બીજી બાજુ પ્રભુ મહાવીરને મહાપંડિત ઇન્દ્રભૂતિમાં પ્રથમ ગણધર પ્રાપ્ત થાય છે. જે જીવનભર પ્રભુ મહાવીરના અંતરંગ  અંતેવાસી બની રહે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ ભલે પરાજિત થયા, પરંતુ એમનો એ પરાજય વિજય કરતાં પણ મહાન નીવડયો.

આમ જૈન ધર્મનાં સાત તત્ત્વોનું મૂળ આત્મા છે. અગિયાર પંડિતોમાંથી સૌથી પહેલાં આવેલા મહાપંડિત ઇન્દ્રભૂતિનો આત્મા વિશેનો સંશય પ્રભુ મહાવીરે દૂર કર્યો અને એથી જ આત્માની ઓળખ પ્રાપ્ત થતાં સઘળું દર્શન ઝળાંહળાં રૂપે સહુને સમજાયું.