- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
જીવનમાં ક્વચિત્ કોઈ અવર્ણનીય ઘટનાનું સર્જન થતું હોય છે. આપણે કલ્પના પણ કરી ન હોય એવી ધન્યતાનો પારાવાર અનુભવ થતો હોય છે અને આવી એક ધન્યતાનો અનુભવ જૈન ધર્મના શ્રી પાનસર જૈન તીર્થમાં 'શ્રી ચંદ્ર સાધનાકક્ષ'ના ઉદ્ઘાટન પ્રસંગે અનુભવ્યો.
કોઈ એક કાવ્યસર્જનની સ્મૃતિમાં એક સાધનાકક્ષ સર્જાય અને તે પણ એક મહિમાવંતા તીર્થમાં, એ કેવી વિરલ ઘટના કહેવાય ! એ કાવ્યસર્જન હતું અનેકોનાં જીવનમાં અધ્યાત્મનો ભાવ-પ્રવાહ વહેવડાવનાર 'અરિહંત વંદનાવલિ'ના સર્જક શ્રી ચંદુલાલ શાહ 'શ્રી ચંદ્ર' એ જે ધ્યાનભૂમિ પર સર્જન કર્યુ ંહતું, ત્યાં આવો શ્રી ચંદ્ર સાધનાકક્ષ રચાયો. એ સમયે એ અરિહંત વંદનાવલિના ભાવાનુવાદના કર્તા શ્રી ચંદ્ર એટલે શ્રી ચંદુલાલ શકરચંદ વૈદ્યના ધન્ય જીવનની કેટલીય સોનેરી પળોનું મને સ્મરણ થયું.
પહેલી ધન્ય પળ તો છે ચંદુલાલભાઈના જીવનનું થયેલું પરિવર્તન. અમદાવાદની સી.એન. વિદ્યાલયમાં અભ્યાસ કરીને સ્નાતક થયા. રાષ્ટ્રના સ્વાતંત્ર્યસંગ્રામમાં જેલવાસમાં ગયા. ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીની પ્રસિદ્ધ દાંડીકૂચમાં સત્યાગ્રહી તરીકે જોડાયા. અંગ્રેજોનો દમન સહન કરીને બે વર્ષ કારાવાસ ભોગવ્યો. એમાં ચાલીસ રતલ જેટલું વજન ઘટી ગયું. એ પછી ગુજરાતી અને અંગ્રેજી અખબારોનાં રિપોર્ટર તરીકે દેશ-વિદેશમાં ભ્રમણ કર્યું અને દૂધમાંથી સીધેસીધું ઘી બનાવવાની પ્રક્રિયાની શોધ કરી. એમની આ પ્રક્રિયાએ સારી એવી સંપત્તિ અપાવી અને પરિવારમાં આનંદ ફેલાઈ ગયો.
આવે સમયે ચંદુલાલભાઈએ એમની માતાને પૂછયું, 'મેં આટલી બધી પ્રગતિ કરી છતાં તમે કેમ ખુશ નથી ?' અને ત્યારે ચંદુલાલભાઈના માતુશ્રીએ કહ્યું, 'માતા દીકરાના વિકાસથી જરૂર ખુશ થાય, પરંતુ આને પ્રગતિ કે વિકાસ કહેવાય ખરો ? આત્માનો ઉદ્ધાર થાય તેવું ભણ. તારી આ ભૌતિક આબાદીની આવરદા કેટલી ? સમાધિ અને સદ્ગતિ ક્યાંથી મળે તે તપાસ કર ? આ ભવની સાથે પરભવની ચિંતા કર ?'
ચંદુભાઈએ પૂછયું, 'મને આ બધું કોણ શીખવાડે ? ક્યાં શીખવા મળે અને એવું ભણાવનાર અત્યારે છે કોણ ?'
માતાએ કહ્યું, 'ઉપાશ્રયમાં જઈને પૂજ્ય મહારાજ સાહેબને પૂછીશ તો તને ભણાવનારનું સરનામું આપશે' અને ચંદુલાલભાઈ રાજસ્થાનના લુણાવા ગામમાં રહેલા પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે ગયા અને મહારાજશ્રી પણ કેવા ? શીતળ મુખમુદ્રા, આજાનબાહુ, માધુર્યભરી વાણી, આત્માના આનંદથી રસેલું ગંભીર સ્મિત, જિનભક્તિ અને જીવમૈત્રીથી ઉભરાતું હૃદય અને નવકારમય સમસ્ત જીવન અને એમનું સૂત્ર હતું, 'નવકારનો જપ, આયંબિલનો તપ અને બ્રહ્મચર્યનો ખપ'.
આવા પંન્યાસજી મહારાજનાં ચરણોમાં સમર્પિત થવાનો ચંદુલાલભાઈએ લ્હાવો લીધો અને એ પંન્યાસ ભદ્રંકરવિજયતી કે જેમણે નવકારના ઉત્તમ સાધક શ્રી શશીકાન્તભાઈ મહેતા અને શ્રી બાબુભાઈ કડીવાલાના જીવનમાં ધર્મના પ્રગાઢ રસનું સિંચન કર્યું હતું તથા વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી સી.કે. મહેતાએ એમના આદેશથી પંચોતેરમાં વર્ષે વિશ્વભરમાં પથરાયેલા ઉદ્યોગો સમેટીને ધર્મસેવામાં જીવનને ઉજાળ્યું.
ચંદુલાલભાઈની તીવ્ર પ્રજ્ઞાા, સહજ કુશળતા, હૃદયનો ગુણવૈભવ, નમ્રતા અને વિનય જેવા ગુણોથી પ્રસન્ન થઈને પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે એમને નવકાર મહામંત્રની વિદ્યા આપવા માંડી. રોજ સાત-આઠ કલાકનું અધ્યયન શરૂ થયું. તેઓ એમાં સતત ઊંડા ઉતરતા ગયા. સ્વાધ્યાય, અધ્યયન, સમ્યક્ પુરુષાર્થ અને ગુરૂકૃપાથી એમનો આધ્યાત્મિક વિકાસ થયો અને ધ્યાન, મૌન અને એકાંત સાધનાનો પુરુષાર્થ કર્યો.
એમણે 'અનેકાંત અને સ્યાદ્વાદ' નામનું પુસ્તક લખ્યું અને પ્રિય વાચકો, જરા આ અદ્ભુત પુસ્તકની પણ વાત કરી લઉં. એ માટે કે અનેકાંત સ્યાદ્વાદ નામનું શ્રી ચંદુલાલભાઈ શાહ 'શ્રી ચંદ્ર' એ લખેલું પુસ્તક એ જૈન ધર્મની સૌથી મોટી ફિલોસોફી અનેકાંતવાદ સમજવા માટેનુ ંએક અનોખું પુસ્તક છે. એ અનોખું પુસ્તક એ માટે છે કે એની રજૂઆત સહુ કોઈને સમજાય એવી છે. સરળ અને આધુનિક ભાષામાં, સુંદર દ્રષ્ટાંકો સાથે અનેકાંતવાદ પર આવું વૈજ્ઞાાનિક ઢબે લખાયેલું પુસ્તક તમને ભાગ્યે જ મળશે.
વળી આ ગ્રંથમાં સવાલ-જવાબની પદ્ધતિ અપનાવી છે. એમા ંપહેલા વિરોધીમતની વાત સવાલ રૂપે આવે છે અને પછી એના જવાબમાં એનો ઉત્તર મળે છે અને એ ઉત્તરમાં શ્રી ચંદ્રનો દેશ-વિદેશનો અનુભવ, હૃદયસ્પર્શી દ્રષ્ટાંતો અને વ્યવહારિક ઉદાહરણો મળે છે, જેથી આ ગ્રંથમાં વ્યક્તિ જૈન ધર્મના સૌથી મોટા તત્વજ્ઞાાનને આસાનીથી પામી શકે છે.
'આ તમારો અનેકાંતવાદ તો મોટુ બંડલ છે બંડલ. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મ શી રીતે રહી શકે ?' એવી લાક્ષણિક રીતે આ ગ્રંથનો પ્રારંભ થાય છે. આ ગ્રંથમાં એમના વિદેશનાં અનુભવો, વૈજ્ઞાાનિક પ્રયોગો, ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓમાં રહેલા એકત્વની ખોજ, આત્મવિકાસ, રસાળ વાતચીતની શૈલી વગેરે દ્વારા એમણે અત્યંત રસપ્રદ રીતે આની ગૂંથણી કરી છે. વળી એમણે અનેકાંતવાદની ચર્ચા કરતા જૈન ધર્મના પાંચ અણુવ્રત, પાંચ કારણ, જ્ઞાાનનાં પાંચ ભેદ, છ દ્રવ્ય, નયનાં સાત ભેદ, આઠ કર્મ, નવ તત્વ અને શ્રી નમસ્કાર મહામંત્ર વગેરેની સમજણ આપી છે. જરૂર પડે ત્યાં ક્યાંક રમૂજી દ્રષ્ટાંત આપે છે. કોઈક કાલ્પનિક ઘટનાથી પોતાની વાતને સ્પષ્ટ કરે છે, તો વળી ક્યાંક ખંડન-મંડનનાં પ્રકારે તત્વવિચારને વધુ સચોટ રીતે દર્શાવે છે. વ્યક્તિના અંગત જીવન, પારિવારિક પ્રસંગો અને પરસ્પરનાં વ્યવહાર જીવનમાં પણ ઉપયોગી એવો જૈનદર્શનનો આ વિશિષ્ટ સિદ્ધાંત સમગ્ર વિશ્વને માટે લાભદાયી છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ ભૌતિક જગતને સમજવા માટે સાપેક્ષતાનો સિદ્ધાંત (ર્્રીિઅ ર્ક ઇીઙ્મટ્વંૈદૃૈંઅ) ની વાત કરી, ત્યારે ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે આપણા રોજિંદા જીવનને માટે અને જ્ઞાાનની ઉપલબ્ધિ માટે અનેકાંતવાદની વાત કરી. આ ગ્રંથને અંગ્રેજીમાં પ્રકાશિત કરીને ભારતીય તત્વજ્ઞાાનનાં શિખરને સમજવા માટેનો એક આસાન માર્ગ રચી આપ્યો છે.
આ ગ્રંથને તાજેતરમાં મુનિશ્રી મુક્તિમંડનવિજયજી મહારાજના સંપાદન દ્વારા અને શ્રી નિમિષા વોરાના અનુવાદ સાથે અંગ્રેજીમાં 'છહીાટ્વહંદૃટ્વઙ્ઘટ્વ : ્રી ઁીટ્વિં ર્ક ત્નટ્વૈહૈજદ્બ' નામે પ્રગટ થયો છે. શ્રી ચંદુલાલ શકરચંદ શાહના જીવનમાં ૧૯૫૭ થી સાધુ સંતોનાં સમાગમથી પરિવર્તન આવ્યું અને એમણે વિવિધ ગ્રંથોનો આધાર લઈને પાંચ વર્ષનો શ્રુતપુરુષાર્થ કરીને એમણે 'અનેકાંત સ્યાદ્વાદ' ગ્રંથની રચના કરી હતી. તેઓ સંસ્કૃત-પ્રાકૃતના ઊંડા અભ્યાસી ન હોવા છતાં ભાષાંતર ગ્રંથો વાંચી, વિચારીને આવી સરળ રચના કરી શક્યા હતા. એમના ગુરુજી શ્રી પંન્યાસજી મહારાજ ભાનુવિજયજી અને પંન્યાસજી ભદ્રંકરવિજયજીની ગુરુકૃપાથી આ સર્જન થયું હોય તેમ લાગે છે. આમાં લેખન તટસ્થદ્રષ્ટિથી થયું છે, પરંતુ સરસ ઉત્તમ શૈલીથી એમણે આ ગ્રંથની રચના કરી છે.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને ભૌતિક જગતના સાપેક્ષવાદની વાત કરી છે, તો એનાથી ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે સ્યાદ્વાદની વાત કરી છે. આવો અનેકાંતવાદ - સ્યાદ્વાદ એ જૈન તત્વજ્ઞાાનનું શિખર ગણાય છે અને એની પહેલી ગુજરાતી આવૃત્તિ ઇ.સ. ૧૯૬૫ માં પ્રગટ થઈ અને એની બીજી આવૃત્તિ ૨૦૦૩ માં પ્રગટ થઈ. આ ઉપરાંત શ્રી ચંદ્રએ નવલકથાઓ અને નવલિકાઓ લખી છે, જે સુરેન્દ્રનગરથી પ્રગટ થતા 'કલ્યાણ' માસિકમાં શ્રી મફતલાલ સંઘવીના 'ધર્મચક્ર'માં પ્રગટ થઈ હતી અને એમણે ભક્તામર સ્તોત્રનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. એમણે સર્જેલી અનુપમ કૃતિ 'અરિહંત વંદનાવલિ' વિશે અને એ સંદર્ભે બનેલી અજોડ ઘટના હવે પછી જોઈશું.


