Get The App

સર્વપ્રથમ કેવળજ્ઞાન શ્રી ઋષભદેવને પણ મોક્ષ મરુદેવી માતાને!

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
સર્વપ્રથમ કેવળજ્ઞાન શ્રી ઋષભદેવને પણ મોક્ષ મરુદેવી માતાને! 1 - image

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- શ્રી ઋષભદેવ ચરિત્ર-11

અયોધ્યાના રાજવી ભરતદેવના જીવનમાં એકાએક આનંદનો મહાસાગર લહેરાવવા માંડયો. એક સાથે ત્રણ ત્રણ વધામણી થઈ. પહેલી વધામણી વન વન ફરતા પૃથ્વીનાથ ઋષભદેવ વિહાર કરતા કરતા શાખાનગર પુરિમતાલના શકટાનન નામના ઉદ્યાનમાં પધાર્યા છે અને ત્યાં જે જ્ઞાન માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો, તે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને છેક અયોધ્યાનાં ત્યાગ વખતે સ્વીકારેલું મૌન અળગું કરીને આજે પૃથ્વીનાથ ઋષભદેવ સ્વમુખે ઉપદેશ આપવાના છે.

ભરતદેવને બીજી વધામણી એ મળી કે ચક્રવર્તી બનવા માટેનાં અંતિમ શસ્ત્ર ચક્રરત્નની પ્રાપ્તિ થઈ ચૂકી હતી. એ શોધ સંપૂર્ણ થઈ હતી, સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. ચક્રનાં પ્રત્યેક આરા સૂર્યના સહસ્ત્ર કિરણની જેમ પ્રકાશી ઉઠયા અને મહારાજ ભરત અવિજેય બન્યા હતા. એમના સેનાપતિ સુષેણે કહેવડાવ્યું કે,' તમે જલ્દી ચક્રરત્નની પૂજા માટે પધારો.'

અને ત્રીજી વધામણી એ ભરતદેવને ત્યાં પુત્રરત્નના જન્મની હતી. આમ એક સાથે ત્રણ ત્રણ વધામણીની ઘટનાઓ  બનતા ચક્રવર્તી ભરતે વિચાર્યું કે પ્રથમ કોનો મહોત્સવ કરું ? કોની ઉજવણી કરું ? એમણે નક્કી કર્યું કે,' પિતાજીએ જે લક્ષ્ય સહિત અભિનિષ્ક્રમણ કર્યું હતું. મૌન વ્રત સ્વીકાર્યું હતું તે તેમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે એટલે મારે સર્વ પ્રથમ પિતાજીના કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવવો જોઈએ.' અહીં રાજા ભરતનો વિનય દેખાય છે અને વાચકો જાણે છે કે ' વિનય મૂલો હિ ધમ્મો' અર્થાત્ વિનય એ જ ધર્મનું મૂળ છે, તેવો જૈન ધર્મનો સિદ્ધાંત છે.

સમ્રાટ ભરતે તત્કાળ ઘોષણા કરી કે પ્રથમ કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવાશે, પછી ચક્રરત્ન અને પુત્રરત્નના મહોત્સ્વ યોજાશે.

સમ્રાટ ભરત ભગવાનના દર્શન અર્થે પરિજન સહિત ઉદ્યાન તરફ જવા નીકળ્યા. માતા મરુદેવાનાં મનમાં ભારે વેદના હતી. માતાનું હૃદય પ્રતિક્ષણ પુત્ર ઋષભની સ્મૃતિથી ઘેરાયેલું હતું, એમની આંખમાં આંસુ હતા, પ્યારો પુત્ર વિનિતાના ઉદ્યાનમાં આવ્યો છે એમ જાણીને એમનું મન ભરાઈ ઊઠયું. સમ્રાટ ભરતે પિતાજીનું વર્ણન કર્યું, પરંતુ એનાથી માતાનું હૈયું ઠરતું નહોતું. સમ્રાટ ભરતે જે રીતે તીર્થકરની દિવ્ય વિભૂતિનું ભવ્ય શબ્દચિત્ર વર્ણવ્યું હતું, તે 'આવશ્યકચૂર્ણિ' નામના ગ્રંથમાં મળે છે. પરંતુ આવા વર્ણનથી માતા મરુદેવાને સંતોષ થયો નહીં. એમને તો પુત્રને નજરે નીરખવો હતો. માતાનું હૃદય હતું ને !'

કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ યોજાયેલા સમવસરણ તરફ ગયા અને માતાને આશ્ચર્ય થયું. એમણે તો વિચાર્યું હતું કે પુત્ર એકલો હશે, પણ અહીં તો ભીડથી ઘેરાયેલો હતો. એ વિચારતા હતા કે મારો પુત્ર ભોજન કઈ રીતે કરતો હશે, એની સંભાળ કોણ લેતું હશે, પણ એ ચિંતા સઘળી વ્યર્થ લાગી. મનમાં વિચાર્યું કે જઇને જ એની કુશળતા પુછીશ, પરંતુ અહીં તો સઘળું સુખ છે અને લાગે છે કે સુખ બધું છોડવામાં છે.'

એ જોઈને માતા મરુદેવાનાં હૃદયમાં ભાવો જાગે છે,' મારા હૈયાના નાના એવા જર્જરિત પાત્રમાં આ હર્ષ સમાતો નથી. ધન્ય વૃષભ સંસારમાં માતાને પુત્ર પ્રણામ કરે. આજ પુત્રને માતા પ્રણામ કરે તેવો ઘાટ ઘડાયો છે. ધન્ય તારું શાસન !'

માતા મરુદેવાનું ચિંતન ત્યાગની દિશામાં વેહવા લાગ્યું. એમણે ધાર્યું હતું કે ઋષભ મારું સ્વાગત કરશે, ચરણસ્પર્શ કરશે, પણ એ તો નજર નાખીને નિહાળતા પણ નથી કેવી નિસ્પૃહતા ! અને ધીરે ધીરે માતા મરુદેવાનું ચિત્ત આર્તધ્યાનમાંથી શુક્લધ્યાનમાં સ્થિર થયું. ધ્યાનનો ઉત્કર્ષ વધ્યો. મોહનું બંધન તૂટયું, જ્ઞાનાવર્ણ, દર્શનાવર્ણ અને અંતરાયને નષ્ટ કરી કેળવજ્ઞાન અને કેવળદર્શનના ધારિણી બન્યા. એમનાં શેષ કર્મો નષ્ટ થયા અને હાથી પર બેઠા બેઠા જ તેરમાં ગુણાસ્થાનકને પ્રાપ્ત કરી સર્વજ્ઞા બન્યા. સિદ્ધ, બુધ્ધ ને મુક્ત બન્યા. ભરત ભગવાનની નજીક પહોંચી એમને વંદના કરવા ગયા. ભગવાને કહ્યું,'મરુદેવા સિદ્ધા ! અવસર્પિણીકાળમાં સર્વપ્રથમ કેવળજ્ઞાન શ્રી ઋષભદેવને, પરંતુ મોક્ષ મરુદેવી માતાને સાંપડયો.'

ત્રિલોકના નાથ પૃથ્વિપતિ ઋષભદેવ એકલા રહ્યા. મેરુ ચળે, પણ તેમનો નિશ્ચય ચળે તેમ નહોતો. ક્ષુધા-પિયાસા તેમને ગમે તેટલી પીડે, પણ એ એમ નમતું તોળે તેવા નહોતા. આમ તો એમને શી વાતની ખામી હતી ! પાણી માગે ત્યાં દૂધ હાજર થતું !

રસ્તામાં પગલે ને પગલે નગરજનો, ગ્રામજનો ને વનેચરો જાતજાતની ભેટ લઈને આવતા, ને ગદ્ગદ્ કંઠે કહેતા, ' ઓ તારણહાર, અમે તમારી આ દશા જોઈ શક્તા નથી. સ્નાન કરવાને યોગ્ય જળ તૈયાર છે, પહેરવાં માટે વસ્ત્રો તૈયાર છે. કૃપા કરો ને અમને ધન્ય કરો !'

પ્રભુ કંઈ લેતા નથી અને આગળ વધે છે. સંસારીજનો સંતાપ કરતા રહ્યા ને પૃથ્વીનાથ તો ધીરે ધીરે આગળ ચાલ્યા ગયા. ભૂખ્યા ને તરસ્યા. પણ શરીર છેવટે તો શરીર છે ને ! આત્મા ભલે અનંત શક્તિમાન હોય, પણ દેહ તો પૌદગલિક છે ને ! ક્ષરણ, ઝરણ ને મરણધર્મી જ છે ને ! એ દેહ રૂપી વાહન ધીરે ધીરે નિર્બળ પડવા લાગ્યું. જે દેહ પર તપેલા સુવર્ણ જેવી કાંતિ હતી, ત્યાં શ્યામલતા પથરાઈ.

કાયાનું પિંજર ડોલવા લાગ્યું. ગજ-મસ્તક જેવું શિર કંપી રહ્યું. કાનમાં ઝંઝાનિલ ગાજી રહ્યા. કુમળો છોડ હવામાં આમતેમ ડોલે તેમ પગ ડોલી રહ્યા. નવ નવ ભાવે ચમકતી આંખોમાં સ્થિર તેજ આવીને વસ્યું. દેહનું એક અંગ ગળિયા બળદની જેમ ઢગલો થઈ જવા લાગ્યું.

જર્જરિત થયેલું મકાન જેમ ઘસી પડવા ઇચ્છતું હોય ને એકાદ જબરદસ્ત થંભ એને થંભાવી રાખે, એમ પૃથ્વીનાથના હૃદયનો વજ્રનિશ્ચય દેહને ઢગલો થઈ જતાં અટકાવતો હતો. આત્માનો અજેય યોદ્ધો એમ દેહની પાસે પોતાની હાર સ્વીકારે ખરો ? છતાંય દેહ પ્રત્યે એમને તિરસ્કાર નહોતો. દેહ ભવે દમવા જેવી, તપાવવા જેવી વસ્તુ હતી, છતાં ફગાવી દેવા જેવી વસ્તુ તો નહોતી. આ દેહના સાધન દ્વારા જ સાધ્ય હાંસલ કરવાનું હતું.

ઋષભદેવ આત્મપ્રકાશ શોધવા નીકળ્યા હતા. ને એ શોધ માટે દેહની હસ્તિ અનિવાર્ય હતી એ ન હોય તો એકાકી આત્મા શું કરી શકે ? કુહાડી ગમે તેટલી તીવ્ર હોય, પણ હાથો ન હોય તો ? વળી જેમ દીપક તેલ વિના પ્રકાશતો નથી. વૃક્ષ જળ વિના જીવતું નથી, તેમ દેહ આહાર વિના ટકી શક્તો નથી. ભગવાનને આહારની જરૂર હતી. પણ સાથે સાથે એ પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. ત્યાગીને યોગ્ય નિરવધને એષણીય ખોરાકની આવશ્યકતા હતી.

એ સમયે અત્યંત સુખી પ્રજા પેટની આ બળતરામાં ક્યાંથી સમજે ? દુનિયામાં કોઈનું પેટ ઊણું નથી, તો પૃથ્વીપાલને વળી કંઈ પેટ પૂરવાની ખોટ હોય ? દિવસો વીતી ગયા. જેવા આહારની ભગવાનને ઇચ્છા હતી, એવો આહાર ન મળ્યો તે ન જ મળ્યો.

દિવસોના મહિના થયા, પણ મનની ધારણા ન ફળી.

મહિનાનું વર્ષ થયું. ઉનાળાના કૂપ (કૂવા)ની જેમ પૃથ્વીપાલનું પેટ હજી ખાલી છે. ખાલી પેટે એ ઘૂમી રહ્યા છે. દેહનો દેખાવ તો હવે જોવાય તેવા રહ્યા નથી. ક્યાં એ પ્રભુ-ક્યાં આજના પ્રભુ !

(ક્રમશ:)