Get The App

અરિહંત અને સિધ્ધ : અર્થ, ગુણ અને પ્રભાવ !

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
અરિહંત અને સિધ્ધ : અર્થ, ગુણ અને પ્રભાવ ! 1 - image

- શ્રી નમસ્કાર મહામંત્ર રહસ્ય

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

આ સૂત્ર નવ પદોનું બનેલું હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ' નમસ્કાર' એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં 'નમોક્કાર' કે 'નમુક્કાર' થાય છે, જે આજે વ્યવહારમાં નવકાર તરીકે પ્રચલિત છે.

પરમેષ્ઠી : આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચને નમસ્કાર કરવામાં આવ્યા છે. આથી આ પાંચ પદોને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમ એટલે ઊંચામાં ઊંચું સ્થાન. જેઓ ઊંચામાં ઊંચા સ્થાનમાં બિરાજમાન છે, તેઓને પરમેષ્ઠી કહેવામાં આવે છે.

દેવ, ગુરુ અને ધર્મ : આ નવકાર મંત્રમાં પહેલું અને બીજું પદ દેવને ( પરમાત્માને) દર્શાવે છે. ત્રીજું, ચોથું તથા પાંચમું પદ ગુરુને દર્શાવે છે અને બાકીનાં ચાર પદો ધર્મને જણાવનારાં છે. એમ આ નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણ તત્ત્વો સમજાવ્યાં છે.

પરમાત્મા : જૈન ધર્મમાં દેવને પરમાત્મા, ભગવાન, ઇશ્વર, પ્રભુ, જિનેશ્વર વગેરે વિશેષણોથી ઓળખવામાં આવે છે. પરમાત્મા થનારા તમામ જીવો સંસારમાંથી જ ઉત્તમ ધર્માચરણ વડે પોતાના આત્માને પવિત્ર બનાવીને પરમાત્મા બને છે. સંસારમાં અનેક જન્મોમાં ફરતોફરતો અંતે માનવભવ પ્રાપ્ત કરીને વીતરાગ બની સર્વજ્ઞા થઈ પરમાત્મા બને છે.

વીતરાગ અને સર્વજ્ઞા : આ પરમાત્માઓની વિશેષતા એ છે કે તેઓ પોતાની પાસે સ્ત્રી, શસ્ત્ર, ધન કે અલંકારાદિ કાંઈપણ રાખતા નથી. એટલું જ નહિ બલકે સ્ત્રી, સંપત્તિ કે શસ્ત્ર તરફ કોઈપણ પ્રકારની મમતા રાખતા નથી કે એને માટે કોઈપણ પ્રકારની ઇચ્છા કે મૂર્છા રાખતા નથી. આ કારણે તેઓ વીતરાગ કહેવાય છે. જેમના જીવનમાંથી રાગ- દ્વેષ-મોહ-કષાય વગેરે આત્માના અંદરના આંતરિક શત્રુઓ ચાલ્યા ગયા છે, તે વીતરાગ કહેવાય છે. આ પરમાત્માઓ વીતરાગ છે આથી વીતરાગની મૂર્તિ એમની વીતરાગતાને કેવી પ્રભાવક રીતે દર્શાવે છે ! આ મૂર્તિની આંખો નમણી એટલે કે ઢળેલી છે. એમના હાથમાં કે દેહ પર કોઈ શસ્ત્ર નથી. એમની બાજુમાં પણ કોઈ નારીમૂર્તિ નથી. પરિણામે તેઓ સાચે જ વીતરાગ અર્થાત્ મોહ વિનાના પ્રભુ છે. વળી આવા વીતરાગ પરમાત્મા સર્વજ્ઞા પણ છે. તેઓ ત્રણે કાળના સર્વ પદાર્થોને જાણનારા છે, તેમનાથી કોઈ પદાર્થ અજાણ્યો નથી. સર્વ પદાર્થોને જોઈ શકે તેવું જ્ઞાન તેમને થયેલું છે. આ જ્ઞાન કેળવજ્ઞાન કહેવાય છે. ભગવાન વીતરાગ અને સર્વજ્ઞા છે. આ બંને વિશેષણો વડે જૈન પરમાત્મા અન્ય ધર્મના દેવોથી જુદા છે. આ ભિન્નતા જ એમની આગવી ભાવનાઓની દર્શક બને છે.

આ પરમાત્મા બે પ્રકારના હોય છે : (૧) અરિહંત (૨) સિદ્ધ. જેઓ માનવદેહે જન્મ પામી સંસારનો ત્યાગ કરી, સાધુ બની, અનેક ઉપસર્ગો- પરિષહો સહન કરી, ચાર ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરે છે તેમને અરિહંત કહેવાય છે, તથા તીર્થકર પણ કહેવાય છે. જેમકે આ ભરતક્ષેત્રમાં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે ૨૪ પરમાત્માઓ થયા તે અરિહંત કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્માઓ ઘણા થયા છે.

અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા. આત્માના દુશ્મનને હણનારા તે અરિહંત. જોકે તીર્થકર ન થનારા અને ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામનારા જીવો પણ સુધર્માસ્વામી, જંબુસ્વામી વગેરેની જેમ દુશ્મનોને હણનારા કહેવાય છે, છતાં તેઓ અરિહંત કહેવાતા નથી. આવું કેમ? આનાં બે કારણો છે :

(૧) કેટલાક શબ્દો યોગરૂઢ હોય છે. તેનો અર્થ જેટલાને વ્યાપકપણે લાગુ પડતો હોય તે બધાને નહીં, પણ અમુકને જ લાગુ પડે છે. જેમકે 'પંકજ' શબ્દનો અર્થ 'કાદવમાં ઉત્પન્ન થયેલું' તેવો થાય છે. પરંતુ હકીકતમાં, કાદવમાં ઉત્પન્ન થનારી તમામ વસ્તુને 'પંકજ' કહેવાતી નથી. માત્ર કમળને જ પંકજ કહીએ છીએ. આ રીતે વીતરાગ-સર્વજ્ઞા થનારાને અરિહંત કહેવાતા નથી. ફક્ત તીર્થકરને જ અરિહંત કહેવાય છે.

(૨) 'અરિહંત' શબ્દ પ્રાકૃત છે. તેનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષામાં (અર્હત્ ) છે. અર્હ એટલે યોગ્ય. જે ચોત્રીસ અતિશયોને યોગ્ય હોય તેઓ જ અરિહંત કહેવાય. તીર્થકર ભગવાનને જ ૩૪ અતિશયો હોય છે આથી તીર્થકર ભગવંતોને જ અરિહંત કહેવાય છે.

નમો સિદ્ધાણં

હવે નમસ્કાર મંત્રના બીજા પદ 'નમો સિદ્ધાણં' નો વિચાર કરીએ.

સિદ્ધ કોને કહેવાય એ જાણતાં પહેલાં કેટલીક મહત્ત્વની બાબતો જાણી લઈએ.

જે આત્માઓ આઠે કર્મોનો ક્ષય કરી, શરીરનો ત્યાગ કરી અશરીરી બની, અનંતજ્ઞાનાદિ ગુણમય સહજાનંદી બન્યા છે, તેઓને સિદ્ધ કહેવાય છે. અરિહંત પરમાત્માઓ પણ કેવળજ્ઞાની બન્યા પછી આ મનુષ્યભવનું બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ખપાવી મોક્ષે જાય છે ત્યારે સિદ્ધ બને છે. કોઈ જીવો તીર્થકરપણું પામીને સિદ્ધ થાય છે. જેમકે તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુથી તીર્થકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ સુધીના તીર્થકરો. કોઈ જીવો તીર્થકર થયા વિના પણ સામાન્ય કેવળજ્ઞાની થઈને પણ સિદ્ધ થાય છે. જેમકે સુધર્માસ્વામી, પુંડરિકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વગેરે. સિદ્ધ થયેલા આત્માઓ રાગાદિ વિનાના છે, માટે ફરીથી સંસારમાં જન્મ પામતા નથી. અશરીરી હોવાથી કોઈને દેખાતા નથી. આવા મોક્ષે ગયેલા અનંતા જીવો છે, અને હજુ અનંતા મોક્ષે જશે. આ સિદ્ધ પરમાત્માઓ લોકના છેડે ઉપર જઈ વસે છે. પિસ્તાળીસ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાથી પણ એક યોજન ઊંચા જાય છે.

અહીં આપણને એવો પ્રશ્ન જાગે કે શું જ્યોતમાં જેમ જ્યોત મળી જાય. તે રીતે મોક્ષમાં ગયેલા તમામ જીવો મળી જાય છે ખરા ? શું ત્યાં બધા આત્માઓનો એક આત્મા બની જતો હશે ?

આ પ્રશ્નનો જવાબ છે ના, મોક્ષમાં સર્વ આત્માઓનો એક આત્મા બનતો નથી, સર્વ આત્માઓ જુદા જુદા જ રહે છે. પરંતુ એક ખંડમાં એક દીવો પ્રગટાવીએ તો તે એક દીવાનો પ્રકાશ તે ખંડમાં રહે છે, અને તે ખંડમાં એકસો દીવા પ્રગટાવીએ તો એકસો દીવાનો પ્રકાશ પણ તે રૂમમાં જ સમાઈ જાય છે. તે બીજા સો દીવાના પ્રકાશને રહેવા માટે જુદું ક્ષેત્ર ન જોઈએ, તેમ સિદ્ધના જીવો અશરીરી હોવાથી તેટલા ક્ષેત્રમાં અનંતા છે તો પણ સમાઈ જાય છે, એમ સમજવું. અનંતા જીવોનો એક આત્મા બની જાય છે એમ ન સમજવું.

ન્યાય-વૈશેષિક દર્શનકારો ઇશ્વર (પરમાત્મા) એક જ છે એમ માને છે. જે જે જીવો મોક્ષે જાય છે તે તમામ ઇશ્વરમાં મળી જાય છે, એમ કહે છે. પરંતુ તે અંગે જૈનદર્શનનો મત જુદો છે. જેમ અહીં સર્વે આત્માઓ સ્વતંત્ર છે,  તેમ ત્યાં પણ સ્વતંત્ર રહે છે. જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તેનો પ્રારંભ થાય છે. તેને સાદિ કહેવાય છે. પરંતુ ત્યાંથી કદાપિ પાછું આવવાનું નથી. માટે અનંત કહેવાય છે. એમ એક સિદ્ધ પરમાત્મા સાદિ અનંત છે, પરંતુ સર્વ સિદ્ધોને આશ્રયી વિચારીએ તો અનાદિ અનંત છે.                   

(ક્રમશ:)