- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ભગવાન ઋષભદેવ દ્વારા થયેલાં મહાભિનિષ્ક્રમણોની વાતનો પ્રારંભ કર્યો, ત્યારે મારા ચિત્તમાં એમણે કરેલા અગિયાર મહાભિનિષ્ક્રમણોની હૃદયસ્પર્શી ઘટનાઓ હતી.
જગત આખું ભગવાન બુદ્ધનાં મહાભિનિષ્ક્રમણની ઘટનાથી પરિચિત છે અને વિશ્વભરમાં એને પૂજ્યતા સાથે આદર અપાય છે. આવે પ્રસંગે જગતની દુ:ખમુક્તિ કાજે ભગવાન ઋષભદેવે કરેલાં મહાભિનિષ્ક્રમણોની ઘટના વિશે આપણે ગહન ચિંતન કર્યું.
આજ સુધી આ દ્રષ્ટિએ ભગવાન ઋષભદેવની ભવ્યતાને જોવાનો દુર્ભાગ્યે કોઈ પ્રયત્ન થયો નથી. વિશેષ દુર્ભાગ્ય તો એ છે કે જે સમાજ નાની નાની બાબતોમાં ઝઘડતો હોય, આંતરિક તાકાત ઊભી કરવાને બદલે બાહ્ય મહોત્સવોમાં મ્હાલતો હોય, જે ધર્મને જીવનનાં આચરણમાં મૂકવાને બદલે માત્ર એના પ્રદર્શનમાં ડૂબેલો હોય, તેઓને આવી ભવ્ય કલ્પના ક્યાંથી આવે ? પોતાના ભવ્ય વારસાની શાશ્વત સ્મૃતિ ક્યાંથી જાગે ? વળી એ પ્રાચીન વારસા વિશે ગહન સંશોધન કરવાનું મન પણ કોને થાય ?
આથી જ એ વિરલ ઘટનાનું મને એક આનંદપૂર્વક સ્મરણ થાય છે. અમદાવાદમાં 'ઋષભાયન - ભારતીય સંસ્કૃતિના પુરોધા' એ વિષય પરની ઐતિહાસિક સંગોષ્ઠીનું ભવ્ય આયોજન થયું અને એ પ્રસંગે જૈનાચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી ભાગ્યયશસૂરીશ્વરજી મહારાજ, હીઁકારયશસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય મુનિશ્રી તીર્થયશમહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સંગોષ્ઠિ પૂર્વે ગહન વિચારણા કરતાં મને ભગવાન ઋષભદેવનાં અગિયાર મહાભિનિષ્ક્રમણોની ઘટના ચિત્તમાં તરવરવા લાગી, પરંતુ જેમ જેમ આમાં વિશેષ ગહનતાથી વિચાર કરતો ગયો, તેમ બીજાં બે મહાભિનિષ્ક્રમણો પણ ભગવાન ઋષભદેવના સંદર્ભે જોવા મળ્યાં.
બારમા મહાભિનિષ્ક્રમણની વાત સાંભળીને તો તમે સ્વયં આશ્ચર્યચકિત થશો. જૈન ધર્મની એ અદ્ભુત વિશેષતા જાણીને તમે સાચે જ સ્તબ્ધ બની જશો. આજે આ જગતમાં ઠેર ઠેર યુદ્ધો અને રક્તપાત થાય છે. ઇઝરાયેલ ગાઝા પર કરેલા ભયાવહ હુમલાઓની વાતોથી માનવતા થરથરી ઊઠી છે. રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણથી સર્જાઈ છે. ભારતે પણ આવા આક્રમણખોરોનો અનુભવ 'ઓપરેશન સિંદૂર' વખતે કર્યો, ત્યારે જૈન ધર્મે જગતને સૌથી પ્રથમ અહિંસક યુદ્ધની વાત કરી અને તે પણ એની આગવી રીતે.
ભગવાન ઋષભદેવના પુત્ર ભરતદેવની આણ સ્વીકારવા માટે ભરતદેવનો લઘુબંધુ અને તક્ષશિલાનો રાજવી બાહુબલિ તૈયાર થતો નથી અને આથી બંને વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિ હતી. યુદ્ધ થયું, પણ જગતે કદી જોયું ન હોય તેવું. એ યુદ્ધમાં ન સૈન્ય લડયું, ન સૈન્યએ શસ્ત્રો અજમાવ્યા, જેમને વિરોધ હતો તે બે રાજવીઓ જ સામસામે લગવા ઊભા થયા. એ બેની વચ્ચે જુદા જુદા પ્રકારનું યુદ્ધ ખેલાયું. પહેલું દ્રષ્ટિયુદ્ધ હતું એમાં બાહુબલિ વિજયી બન્યા અને ભરતદેવ હાર્યા. બીજા વાગ્યુદ્ધનું પણ એ જ પરિણામ આવ્યું. ભરતદેવે વિજેતા બાહુબલિને અભિનંદન આપ્યા અને નાના ભાઈ બાહુબલિએ એમને નમન કર્યા. ત્રીજું જલયુદ્ધ હતું. ચોથું ગદાયુદ્ધ હતું - આ ચારેય યુદ્ધમાં તક્ષશિલાના રાજવી બાહુબલિ જીત્યા અને અયોધ્યાપતિ ચક્રવર્તી ભરતદેવ હાર્યા.
પાંચમુ યુદ્ધ મુષ્ટિયુદ્ધ હતું. ભરતદેવે પોતાની મુક્કી ઉગામી અને ભયંકર વેગે બાહુબલિના માથા પર પ્રહાર કર્યો. ચક્રવર્તીની આ મુષ્ટિ એવી હતી કે વજ્ર પણ ભેદાઈ જાય ત્યાં હાડચામનાં બાહુબલિની શી તાકાત અને બાહુબલિના માથા પર જોરથી વિંઝાયેલી એ મુષ્ટિને કારણે વજ્રદેહી બાહુબલિ પૃથ્વી ભેદીને કમર સુધી ભૂમિમાં ઉતરી ગયા.
બાહુબલિ બહાર નીકળીને છલાંગ મારીને ભરતદેવની સમીપ ઊભા રહ્યા. ભયંકર વેગથી મુક્કી ઉગામી. જેટલી ઊંચી ઉગામી શકાય એટલી ઊંચી ઉગામી અને એટલા જ વેગથી એને નીચે લઈ ગયા. પળવિપળનો આ સવાલ હતો અને બાહુબલિએ વિંઝેલી એ મુક્કી અધવચ્ચે આવીને થંભી ગઈ. જાણે આકાશમાં ત્રિશંકુ તોળાઈ રહ્યો ન હોય ! બાહુબલિનો વિવેકદીપ સહસ્ર શિખાએ ઝગમગી ઊઠયો, એનું અંતર આક્રંદ કરી રહ્યું અને વિચાર્યું.
'ધિક્ બાહુબલિ તને ! તેં પિતાને જાણ્યા નહિ ! તેં માતાને જાણી નહિ ! તેં ભાઈને પિછાણ્યો નહિ !' ને ક્ષુદ્ર મોટાઈએ, ક્ષુદ્ર માટીના સીમાડાઓએ, તને તણખલાથી પણ હીન બનાવ્યો !
'જે રાજ માનવતા ભુલાવે, એ રાજથી શું ?' જે સિંહાસન કેફ કરાવે એ સિંહાસનથી શું ?
'રે! અમે બે ભાઈઓએ અમારા મમત્વમાં દુનિયાને કેવી દુ:ખી ત્રસ્ત ને હીન કરી નાખી ! આખું ભૂમંડળ કેટલું ત્રસ્ત કરી નાખ્યું ! અમારાં વાવેલાં આ ઝેરી બીજ અંકુર થઈને ફૂટશે ! એનાં વૃક્ષ થશે ! એનાં ફળ થશે ! એ ફળ જે ચાખશે, એ અમારી જેમ ભૂમંડળને ફરી સ્વાર્થથી, અભિમાનથી દૂષિત કરશે !' બાહુબલિની નજર. જે ભરતદેવના મસ્તક પર મંડાણી હતી. એ પોતાની અડધે અટકેલી મુક્કી પર મંડાઈ ગઈ. જાણે વીજળી આભમાંથી પડતી અડધે થંભી ગઈ.
રાજા બાહુબલિની મુક્કી વજ્રગદા જેવી ભરતદેવના મસ્તક પર તોળાઈ રહી હતી. બાહુબલિનો વજ્રદંડ જેવો બાહુ પૃથ્વીની પાંખો કાપનાર ઇંદ્રના વજ્રદંડ કરતાં કઠોર ભાસતો હતો.
આ પડી વજ્રમુષ્ટિ ! આ થયો પ્રહાર ! ને પળમાં રાજા બાહુબલિએ ભયંકર મુખમુદ્રા કરી, તપાવેલું લાલ લોઢું પણ એ તેજ પાસે ઝાંખું લાગ્યું ! મક્કમતામાં એણે ઓષ્ઠ ભીડયા. ભવાં સંકોચ્યાં ! કાળી કાળી પાંપણો સીધી બની ગઈ. બસ, માર્યા કે મારશે ! પડી કે પડશે !
દિશાઓને બહેરી બનાવતો એક નાદ ઊઠયો : રે ! પૃથ્વીના પ્રથમ ચક્રવર્તી ભરતદેવનાં સોએ સો વર્ષ આજ પૂરાં સમજો ! ષટ્ખંડ સનાથ પૃથ્વી હવે ઘડી-બે ઘડીમાં અનાથ બની જશે.
અયોધ્યાનું રાજ નોંધારું બની જશે, કોઈ વિચારતું કે લાખોની સેના મરે તો વાંધો નહીં, પણ પૃથ્વીનો આ પ્રથમ ચક્રવર્તી આજે મોતની સમીપ ઊભો છે. બાહુબલિની વજ્રમુષ્ટિની નીચે ભરતદેવ પ્રસન્ન મધુર ચહેરે મસ્તક રાખીને ઊભા હતા. મુખ પર મૃત્યુની મહેમાની માણવા જવાનો આનંદ હતો. રૃંવાડામાં પણ કંપારી નહોતી, ભય નહોતો, માત્ર મુખેથી ધીરે ધીરે શબ્દો ગુંજતા હતા : 'જય હો, ભગવાન ઋષભધ્વજનો.'
ભરતદેવના મુખમાંથી ગૂંજેલો શબ્દ બાહુબલિના મસ્તકને સ્પર્શી રહ્યો અને એના ઉશ્કેરાયેલા ચિત્તની થીજી ગયેલી વિવેકશક્તિ પર ભરતદેવના શબ્દો સંજીવનનીની જેમ પડયા. 'ભગવાન ઋષભધ્વજ ! બાહુબલિ ! તારું કલ્યાણ હો ! ભાઈ તારું કલ્યાણ હો !' અને આ શબ્દો સાંભળતા જ દર આવતા ફણીધર ફણા સંકેલી લે એમ બાહુબલિનો વિવેક જાગતા ભીતરમાં શુભ્ર વિચારનો સ્રોત જાગ્યો, 'અરે ! કેવા પિતાનો હું પુત્ર, કયું મારું કુળ, બાહુબલિ ! તું વિવેક ભૂલ્યો, ઉદારતા ભૂલ્યો, એક નાની નજીવી વાત માટે જન્મજાત સંસ્કારિતા ભૂલ્યો.'
અને બાહુબલિની વજ્ર મુઠ્ઠી અધવચ્ચે અટકી ગઈ અને એને બાહુબલિએ પોતાના મસ્તક પર પછાડી. મોટાભાઈના ચરણમાં ઝૂકી ગયા અને ભરતદેવે પગમાં ઝૂકતા ભાઈને આખોને આખો હાથમાં તોળી રાખ્યો. બાહુબલિ બોલ્યો, 'ધન્ય છે તમારી મહાનુભાવનાને. તમે તમારું મોટાભાઈ તરીકેનું પદ સાર્થક કર્યું, સૈન્ય યુદ્ધને બદલે જાતે લડવાનું પસંદ કર્યું અને લડતી વખતે પણ નાનાભાઈને મોટાભાઈ રમાડે એમ જ તમે લડયા.'
ભરતદેવે કહ્યું, બાહુબલિ, તું તો લઘુબંધુ છે, પણ હું તો લઘુજીવ નીકળ્યો.' પ્રચંડ ગજરાજને યુદ્ધભૂમિ પર લાવવામાં આવ્યો અને બાહુબલિએ કહ્યું, 'ભરતદેવનો હું નાનો ભાઈ છું. મને બે હાથે ઊંચકીને ખોળામાં લઈને મોટા ભાઈ હાથી પર બેસે અને એ રીતે દરબારમાં લઈ જાય અને સિંહાસન પર બેસાડે.'
એમણે બાહુબલિને બાહુમાં ઊંચકી લીધો; લઈને હાથીને હોદ્દે ચઢયા ! યુદ્ધ કરવા આવેલી સેના આ વરઘોડાનું સાજન-માજન બની ગઈ. યુદ્ધપ્રેરક વાજિંત્રો મહોત્સવનાં વાજિંત્રો પર મીઠાં મધુરાં ગીત ગાવા ગવાવા લાગ્યાં ! આ ઘટનાનાં રહેલાં ભવ્ય અને ગર્ભિત રહસ્યો વિશે હવે પછી જોઈશું.


