- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ
દ રેક ધર્મની એક આધારશિલા હોય છે, એ આધારશિલાને જાણ્યા વિના એ ધર્મના હાર્દને પામી શકાય નહીં. જૈન ધર્મની આધારશિલા અનેકાંતવાદ છે. અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદનો અર્થ છે પ્રત્યેક વસ્તુને જુદાં જુદાં દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. પરિણામે જૈન ધર્મમાં કોઈ પણ વાત કહેવાય છે, ત્યારે તે અનેકાંતની કસોટી પર સારી રીતે ચકાસીને કહેવાઇ છે. આથી દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાંતદર્શન પડયું છે.
જૈનદર્શનમાં પ્રયોજાતા 'અનેકાંત' શબ્દનો અર્થ છે પ્રત્યેક વસ્તુને જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવી, જોવી અને કહેવી તે. જૈનદર્શનમાં સર્વથા એક જ દૃષ્ટિકોણથી પદાર્થનું અવલોકન કરવાની પદ્ધતિને અપૂર્ણ અને અપ્રમાણ મનાઈ છે. પણ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા ધર્મોનું કથન કરવાની પદ્ધતિને પૂર્ણ અને પ્રમાણિત માનવામાં આવે છે. આ પદ્ધતિ અનેકાંતવાદની છે, જેનાં સ્યાદ્વાદ વગેરે બીજાં નામો છે.
આમ જૈનદર્શનની જગતને સર્વોચ્ચ ભેટ સમાન અનેકાંતવાદ અત્યંત વિલક્ષણ લાગે એવું તત્ત્વદર્શન છે, કારણકે સામાન્ય રીતે માનવી પોતાની રીતે કે પોતાની દૃષ્ટિને અનુકૂળ હોય તે રીતે વિચારે છે. પોતે જે વિચારે છે. એને સર્વથા અને સંપૂર્ણ સત્ય છે એમ માને છે અને એ પછી પોતાની વાત, મત, વિચાર, આગ્રહ, મતાગ્રહ કે પૂર્વગ્રહને દૃઢ રીતે વળગી રહે છે. આને કારણે જગતમાં વિચારોની સાઠમારી થાય છે. સામસામી પક્ષાપક્ષી થાય છે. આગ્રહોનું સમરાંગણ ખેલાય છે. એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા હોય છે અને સામાની વાતને સદંતર નકારવાનો પ્રયાસ થતો હોય છે.' મારું જ સાચું' એમ આગ્રહપૂર્વક કહેવામાં આવે છે. અને બીજાને વિચારયુદ્ધમાં પરાજિત કરીને વ્યક્તિ આનંદિત બનતી હોય છે. કોઈને વાદમાં પરાજિત કરીને પોતાની જાતને એ વિદ્વાન વિજેતા માનતો હોય છે. અને પરાજિત થનારને ધુત્કારતો હોય છે. આ રીતે 'મારો જ મત સાચો' એવી જગતની શૈલી છે, ત્યારે ભગવાન મહાવીરે પ્રબોધેલો અનેકાંતવાદ એ સાચું જ મારુંનું મૌલિક દર્શન છે.
આગ્રહ અને અહંકારમાં રહેલી વ્યક્તિ સદૈવ પોતાની વાત, મત, અભિપ્રાય કે માન્યતાને માને છે, પણ હકીકતમાં તો એની પાસે પૂર્ણ સત્ય હોતું નથી. સત્યનો એક અંશ એ અપૂર્ણ સત્ય છે. બધા અંશો ભેગા થાય, તો પૂર્ણ સત્ય પ્રાપ્ત થઈ શકે. આ સંદર્ભમાં એક પ્રસિદ્ધ ઉદાહરણ જોઈએ.
બે વ્યક્તિઓ નૃત્ય જોવા ગઈ. એક વ્યક્તિ અંધ અને બીજી બધિર હતી. નૃત્ય સાથે ગાનનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં અંધ વ્યક્તિએ કહ્યું,' વાહ ગીત કેવું સુંદર હતું ? આવું મધુર ગીત મેં જિંદગીમાં ક્યારેય સાંભળ્યું નથી.'
ત્યારે બધિરે કહ્યું,' અરે ! ક્યાં કોઈ ગીત જેવી વાત જ હતી. મંચ પર તો કેવલ નૃત્ય હતું. ગીત નહીં. અને પછી બંને વચ્ચે કલહ જાગ્યો. આમ એકાંત દૃષ્ટિએ વિચારનાર આગ્રહમાં સરી પડે છે. એ પોતાની વાતને વળગી રહે છે. એથીય વિશેષ સામાની વાતનો સર્વથા, સર્વ પ્રકારે અસ્વીકાર કરે છે. જ્યારે જૈનદર્શનનો અનેકાંતવાદ એ જ કારને બદલે પણ કારનો સિદ્ધાંત છે. એ કહે છે કે કોઈ પણ પદાર્થને એક દૃષ્ટિબિંદુથી જોવાને બદલે સર્વાંગી દૃષ્ટિએ જોવો જોઈએ. આને માટે બીજાની વાત સાંભળો અને બીજાના દૃષ્ટિબિંદુને સાંકળો. દરેક વસ્તુની અનંત બાજુ (ધર્મ) હોય છે. અને એ રીતે સંસાર અનંતધર્મા છે.
કોઈ કવિને આકાશમાંથી રૂપેરી ચાંદની રેલાવતો શરદ પૂર્ણિમાનો પૂર્ણ રૂપે ખીલેલો ચંદ્ર એ પ્રિયતમાના સુંદર મુખ જેવો લાગે, કોઈને વળી પ્રિયતમની રાહ જોતી બારણામાંથી સહેજ ડોકિયું કરતી નારીના સુંદર મુખ જેવો લાગે, તો કોઈને ચંદ્રની ચાંદની પરુ જેવીઅને એની આસપાસના તારાઓ બણબણતી માખી જેવા પણ લાગે. એક જ ઘટનાના કેવા ભિન્ન ભિન્ન પ્રતિભાવ પણ હોય છે !
અનેકાંતમાં બે શબ્દ છે અને તે છે અનેક અને અંત. અનેક એટલે ઘણા અથવા તો અધિક અને અંત એટલે ધર્મ કે દૃષ્ટિ. આ રીતે કોઈ પણ વસ્તુતત્ત્વનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પર્યાવલોકન કરવું તે અનેકાન્ત છે. આને 'અંધહસ્તીન્યાય' કહેવામાં આવે છે. સાત અંધજનો હાથીને જુએ છે એના જુદા જુદા અંગને સ્પર્શ કરે છે. અને જે કાનને સ્પર્શે છે એને હાથી સૂપડા જેવો લાગે છે. જે પગને સ્પર્શે છે એને હાથી થાંભલા જેવો લાગે છે. જે પૂંછડીને સ્પર્શે છે એને હાથી દોરડા જેવો લાગે છે. એ પછી મહાવત આ બધાને હાથથી આખાય હાથીનો સ્પર્શ કરાવીને એના સમગ્ર આકારનો ખ્યાલ આપે છે અને એ રીતે એ ખંડદર્શનને બદલે અખંડદર્શન પામે છે.
અનેકાંતદર્શન કહે છે કે સત્ય એક જ છે, એનું સ્વરૂપ અનેક હોઈ શકે. એ સત્યનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું જોઈએ. સાદી રીતે વિચારીએ તો એક જ વ્યક્તિ કોઈનો પિતા હોય છે, કોઈનો મિત્ર હોય છે. તો કોઈનો પતિ હોય છે. અને તેથી જ એ પોતાની પ્રત્યેક જવાબદારીમાં જુદો જુદો દેખાતો હોય છે. પોતાના મંતવ્યને તટસ્થતાથી વિચારવું અને વિરોધીનાં મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી એ અનેકાંતનો પાયો છે.
ભગવાન મહાવીર અને એમના શિષ્યો વિરોધી મતવાળાને સ્નેહથી પોતાનો મત સમજાવતા હતા. હકીકતમાં જૈનદર્શનની સૌથી મહાન ઘટના ગણધરવાદમાં અગિયાર ગણધરોને ભગવાન મહાવીરે દેવયોનિ શું ? નરકગતિ શું ? કર્મ છે કે નહીં ? જીવ અને શરીર એક છે કે જુદાં ? એ શંકાઓનું નિવારણ આપ્યું, ત્યારે એમણે વેદનાં વાક્યોનો જ નવો અર્થ તારવી આપ્યો હતો. એમની વાતને અસત્ય કહેવા કે ઠેરવવાને બદલે એ જ વાક્યોનું જુદું અર્થઘટન આપીને સમજાવે છે.
એક અર્થમાં કહીએ તો અનેકાંત દ્વારા પૂર્ણ સત્યનું જ્ઞાન થાય છે. વિરોધી દેખાતા વિચારોમાં વાસ્તવિક અવિરોધનું મૂળ તપાસનાર અને તેમ કરીને તેવા વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર તે અનેકાંતવાદ.
માનવીના અહંકારનું વિષ નિર્મૂળ કરવાનું અમૃત છે અનેકાંતવાદ. જૈનદર્શનની વ્યાપક દૃષ્ટિ આમાં પ્રગટ થાય છે. એ અન્ય દર્શનોના વિચારો તરફ પૂર્વગ્રહયુક્ત વિરોધનો ભાવ રાખતું નથી, બલ્કે અપેક્ષા વિશેષે તેને પણ સત્ય માન છે અને એ રીતે કોઈ પણ વસ્તુ કે પદાર્થનું સાંગોપાંગ જ્ઞાન ધરાવે છે. આને પરિણામે તો જૈનદર્શન અન્ય દર્શનોના સિદ્ધાંતને સમાદર આપે છે અને માધ્યસ્થ્યભાવે સંપૂર્ણ વિરોધોનો સમન્વય કરે છે. આથી તો શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી હરિભદ્રસૂરિજી, પં.આશાધર, રાજશેખર, ઉપાધ્યાય યશોવિજ્યજી જેવા જૈન સાધુઓએ વૈદિક અને બૌદ્ધ ગ્રંથો પર સુંદર વિવેચન લખ્યું છે. અને એ રીતે પોતાની ગુણગ્રાહિતા, હૃદયની વિશાળતા અને સમન્વયવૃત્તિનો પરિચય આપ્યો છે.
સામી વ્યક્તિનું દૃષ્ટિબિંદુ જોવાનું શીખવતો સ્યાદ્વાદ આજે અનેક વિરોધો અને વિવાદોમાં ખૂંપેલા જગતને અત્યંત ઉપયોગી બને તેવા છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે હું સ્યાદ્વાદ શીખ્યો ત્યારે જ મુસલમાનોને મુસલમાનની દૃષ્ટિથી અને પારસીને પારસીની દૃષ્ટિથી જોતાં શીખ્યો. ન્યાયાધીશ જેમ વાદી-પ્રતિવાદીની જુબાની સાંભળીને અને તેમનાં દૃષ્ટિબિંદુ સમજીને કેસનો ફેંસલો આપે છે. એ રીતે સ્યાદ્વાદમાં માનનારો વિરોધીઓનાં દૃષ્ટિબિંદુ અવલોકીને તેમાંથી સાર ખેંચી વસ્તુ-સ્થિતિનો નિર્ણય કરે છે. વળી એમાં સમન્વય કરાવીને ન્યાયાધીશથી એક ડગલું આગળ પણ વધે છે.ળ
સ્યાદ્વાદ દૃષ્ટિ વસ્તુના તમામ ધર્મો તપાસે છે અને જુદી જુદી અપેક્ષાએ તમામ વસ્તુને નિહાળે છે અને ત્યારબાદ જ તેનો ખ્યાલ બાંધે છે. આ રીતે વિવિધ દૃષ્ટિબિંદુઓ જાણીને વિરુધ્ધ દેખાતા મતોની સમુચિત સંગતિ કરાવે છે. આવો સિદ્ધાંત વ્યક્તિના અંગત જીવનમાં આવે તો એ અન્યના દૃષ્ટિબિંદુને સમજી શકે અને પરસ્પરના આગ્રહો, પૂર્વગ્રહો ઓછા થાય. કુટુંબ અને સમાજમાં આવે તો કેટલાય વિવાદો અને કલહો શમી જાય. જગતના ઝઘડાઓનું મૂળ પણ મતભેદ છે. મતભેદથી મનભેદ થાય છે. અને તેમાંથી ભય અને અશાંતિ જાગે છે. આવા સમયે વિરોધી તત્ત્વોમાંથી અવિરોધી મૂળ શોધી કાઢીને સમન્વય કરાવનારો સ્યાદ્વાદ જગતના કલ્યાણનું કારણ બને તેવો છે.


