- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
- શ્રી ઋષભદેવ ચરિત્ર
રાજા ઋષભદેવે આ પૃથ્વી પર પ્રચંડ પરિવર્તન આણ્યું. પશુતામાં જીવતા માનવીને એના જીવનની સાચી ઓળખ આપી. ધર્મ, અર્થ અને કામની દ્રષ્ટિ આપી. લિપિ અને ગણિતવિદ્યા આપી. પ્રજાને કૃષિની તાલીમ આપી, તેથી તેઓ કૃષિના દેવતા તરીકે ઓળખાયા. સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદનની વ્યવસ્થા કરી. લગ્નજીવનનું વ્યવસ્થિત બંધારણ આપ્યું અને આટલું આપ્યા પછી રાજા ઋષભ વિચારે છે કે માનવીને પૃથ્વી પર જીવતા તો શીખવ્યું, પરંતુ હજી એના ભીતરમાં દેવત્વનો પ્રકાશ લાવવાનો બાકી છે. એ સંસારને સંપૂર્ણ માને છે, પરંતુ એ સંસારથી પણ ઉપરનું એક જગત છે અને રાજા ઋષભે વિચાર્યું કે, 'મારે આ જગતને બતાવવું છે કે સાચી સુંદરતા ભીતરમાં રહેલી છે અને ખરું કામ તો મનની આરસીથી આત્માને નિહાળવાનું છે.'
રાજા ઋષભ મનોમન વિચારે છે, 'પ્રજાને બતાવવું જોઈએ કે આ બધાં સુખો મેળવ્યાં એ મહત્વનાં છે : પણ એનાથીય મહત્વની વસ્તુ બીજી છે અને એ છે ત્યાગ ! જગત વિષયમુખી છે. અગ્નિમાં કાષ્ઠ નાખતાં જેમ અગ્નિ શાંત થતો નથી, એમ વિષયોને ગમે તેટલી ભોગસામગ્રી મળે તોય શાંત થતો નથી. તેમને ત્યાગ શીખવવો જોઈએ.'
ભોગ ભીંસ છે. ત્યાગ મોકળાશ છે, ભોગ વિકૃતિ છે. ત્યાગ સંસ્કૃતિ છે, ભોગ ઝંખના છે, ત્યાગ તૃપ્તિ છે. ભોગ વમળ સર્જે છે, ત્યાગ કમળ સર્જે છે, ભોગ અવિરત અશાંતિ છે, ત્યાગ સનાતન શાંતિ છે, ભોગ લાલસા છે અને ત્યાગ અભિલાષા છે. ભોગથી ઇન્દ્રિય જાગે જ્યારે ત્યાગથી આત્મા જાગે છે.
જગત પર અવ્યવસ્થા અને અંધાધૂંધી ન સર્જાય તે માટે જગકરુણાવત્સલ પરમાત્માએ પોતાની ગૃહસ્થ અવસ્થા દરમ્યાન આવી બધી અનેક વ્યવસ્થાઓ નિર્માણ કરી. ૬૩ લાખ વર્ષ સુધી રાજા તરીકે તેમણે પ્રજાનું સુંદર પાલન કર્યું.
જગત પ્રમાદી છે. વાવંટોળ જેમ તણખલાને આકાશમાં ઉડાડી ઊંચે નીચે ભમાવે છે. એમ કર્મને વશ વર્તી જીવ અનેક ગતિમાં ભમે છે અને દુ:ખ વેઠે છે. એમને સુકર્મનો - કર્મમુક્તિનો માર્ગ બતાવવો જોઈએ. જગત સ્વાર્થી છે. ક્રોધ એક અપૂર્વ વસ્તુ છે. ઝાડમાં થતું ઝેર ઝાડને હણતું નથી, સર્પમાં રહેલું ઝેર સર્પને હણતું નથી, પણ ક્રોધ તો હંમેશા પોતાને જન્મ દેનાર દેહ-મનને જ હણે છે. એને શાંતિનો-અવેરનો-પ્રેમનો-ક્ષમાનો મહિમા સમજાવવો જોઈએ.
આહા, નાશવંત અને સુખોમાં મુગ્ધ થનારને લાખો વાર ધિક્કાર હજો ! રાગદ્વેષ અને મોહના કારણે સંસાર વધારવામાં ઉદ્યમવંત પ્રાણીઓના જન્મને ધિક્કાર છે. તેઓનો મનુષ્યજન્મ, વીતી ગયેલી રાત્રિની જેમ, વ્યર્થ ચાલ્યો જાય છે અને ફરી મનુષ્યજન્મ મેળવવો દુષ્કર બની જાય છે. સંસારના આ કષાયકીચમાં ખૂંપી ગયેલા જનો પોતાના પુષ્ટ થતા દેહને જોઈ શકે છે, પણ પોતાના ક્ષીણ થતા આત્માને જોઈ શકતા નથી.
સોનાના પિંજરમાં પુરાયેલા પોપટની જેમ તેઓને તાત્કાલિક સુખો સિવાય, આત્મિક આઝાદીના સુખનું જરાય ભાન નથી. કર્મને વશ થઈ, કષાયરૂપી પહેરેગીરોની ચોકીમાં પડીને, માનના, મમત્વના લાલસાના દુરાશયના રાગદ્વેષથી પરિપૂર્ણ અંધ કૂપમાં ડૂબેલા આ જીવો માનવીને આ ભવ, પરભવ કે ભવોભવના યાવત્ મોક્ષના સ્વાતંત્ર્યસુખનું જરા જેટલુંય ભાન નથી.
હવે જગતને સહુથી વધુ ને આત્યંતિક જે જરૂરી છે, તે ધર્મતીર્થ પ્રવર્તાવવું જોઈએ. ઋષભદેવના આયુષ્યનાં ૨૦ લાખ વર્ષ પૂર્વ યુવરાજપદમાં ગયાં ને ૬૩ લાખ વર્ષ પૂર્વ રાજ્યની ધૂરા વહેતાં ગયાં. હવે ધર્મ તીર્થ પ્રવર્તાવવા માટે રાજત્યાગ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. આ લોકોને સાંસારિક આસક્તિથી વિમુખ કરવા ધર્મમાર્ગ બતાવવાની જરૂર હવે ઊભી થઈ હતી. સંસારના પાયારૂપ ધર્મચક્રને પ્રવર્તાવવાની વેળા આવી પહોંચી હતી. પૃથ્વી ધર્મથી નહીં પ્રવર્તે તો આ નશ્વર સામ્રાજ્યને સહુ સાચું સામ્રાજ્ય માનશે. આ ક્ષણભંગુર દેહની આળપંપાળ પાછળ માનવી પાગલ બનીને જીવતો રહેશે.
ધર્મ નહીં હોય તો રાજા રાજા નહીં રહે, પ્રજા પ્રજા નહીં રહે, આ દુનિયા ચોર અને લૂંટારાનો ડેરો બની રહેશે. ધૃ ધારયતિ ઇતિ ધર્મ - ધારણ કરે તે ધર્મ. જો હું આપવાની મહત્તા નહીં દાખવું તો સહુ બીજાનું લઈ લેવા પાછળ દોડવા લાગશે. સમાધિ મૃત્યુની સમજ નહીં આપું તો કંગાળ જીવનોથી પૃથ્વી કકળાટ કરી ઊઠશે. નિર્દોષ જીવનવ્યવહાર નહીં દાખવું, તો પૃથ્વીમાં મત્સ્ય ગલાગલનો ન્યાય પ્રવર્તી રહેશે. આ કારણે સહુના દુ:ખનો પાર નહીં રહે. ત્યાગ, તપસ્યા, સંયમ અને સૌજન્યમૂલક ધર્મ હવે મારે પ્રવર્તાવવો ઘટે અને કોઈ પણ ધર્મનું દર્શન પોતાની જાત પર જ પહેલું થવું ઘટે. મારે મારી વાણીમાત્રથી જ નહીં, પણ મારા વ્યવહારથી - આચરણથી પણ ધર્મ આચરી બતાવવો જોઈએ.
રાજા ઋષભદેવે રાજપાટ ત્યાગીને જવાનો વિચાર કર્યો, ત્યારે રાણી સુમંગલાએ એમને અટકાવવા પ્રયત્ન કર્યો. રાજા ઋષભે કહ્યું,
'દેવી સુમંગલા ! અન્તિમ પ્રવાસ તો સહુએ એકલા જ કરવાનો છે. નથી કોઈ સંગી, નથી કોઈ સાથી ! મધુર લાગતું આ યૌવન વીજળી જેવું અસ્થિર છે. પ્રિય લાગતું આ આયુષ્ય પેલી પતાકા જેવું ચંચળ છે. મીઠા લાગતા આ ભોગ ભુજંગની ફણા જેવા છે. સંઘરો કરેલી આ સંપત્તિ નદીના તરંગો જેવી છે. બધું ય ક્ષણિક, બધું ય ક્ષણભંગુર ! આપણે જેને માટે ગર્વ ધર્યો છે - એ તો મૃગજળ હતાં. દેવી !' પૃથ્વીનાથે નગર તરફ મુખ કર્યું. ને કહ્યું :
'દેવી સુમંગલા, આમ આવો ! જ્યાં સુખ ક્ષણિક હોય તેનો ગર્વ શો ? જે શાસન એક અનાથને પણ સનાથ બનાવી ન શકે એની ચરિતાર્થતા શી ? છેલ્લા દિવસોમાં વિચાર, ચર્ચા અને ચિંતા એની જ ચાલતી હતી. આજ જગને કહેવાનું મન થાય છે. કે ત્યાગ એ જ જીવન. પરોપકાર એ જ મુખ્ય પ્રાણ ! પૃથ્વીને શાસન આપ્યાનો મારો ગર્વ આજ ગળી જાય છે. મેં તેમને જેમ કર્મશિક્ષા આપી. એમ હવે ધર્મદીક્ષા પણ આપીશ. મારા જીવનનું એ એકમાત્ર શેષ કર્તવ્ય ! સંસારમાં અનાથ બનીને મૃત્યુના સમીપે રડવાનું નહીં. સંસાર જીવવાની નવી યુક્તિ હું શોધી કાઢીશ.'
પૃથ્વીનાથ થોડી વાર ઊંડા વિચારમાં ઊતરી ગયા. કોઈ મરજીવો મોતી શોધવા સાગરમાં ઝંપલાવે. એવી સાહસી મુખમુદ્રા એમની હતી.
સૂર્યકિરણો ગિરિશિખરને સ્પર્શતાં હતાં. ઉપવનનો સુગંધી વાયુ પૃથ્વીનાથની અલકલટોને મુખ પર રમાડતો હતો.
'દેવી સુમંગલા ! ભરત, બાહુબલી તથા બીજાં સહુને અહીં બોલાવો.'
દેવી સુમંગલાએ પૃથ્વીનાથના ઉદ્વિગ્ન મનને શાન્ત કરવા ઘણો પ્રયત્ન કર્યો. પણ એમની આંખોમાં કોઈ અપાર્થિવ તેજનાં વર્તુળ રમતાં હતાં; આંખની કીકીઓમાં આખું વિશ્વ પ્રત્યક્ષ થયાની જ્યોત હતી.
'ભરત !' પૃથ્વીનાથે મંદ પણ ભારવાહી સ્વરે કહ્યું, 'આ શાસનને તું ગ્રહણ કર. હું આ ધુરાથી મુક્ત થવા ઇચ્છું છું.'
'સ્વામી, શાસનનો ભાર સ્વીકારવા તૈયાર છું. શાસન નહીં. આપ આજ્ઞા કરો. એને આચારવંતી કરવા સજ્જ છું.'
'ભરત, સાપને કાંચળી છોડતો જોયો છે ? છોડયા પછી એ એની સામે કદી જુએ ખરો ?'
'પણ આપે લોક-વ્યવહાર માટે પ્રવર્તાવેલું આ શાસન સાપની કાંચળીની જેમ નિરર્થક નથી.'
'મારે માટે હવે એ નિરર્થક બની ચૂક્યું છે. આજ સુધી જે મેળવ્યું છે એ, જે મેળવવાનું છે એની સામે, કંઈ વિસાતમાં નથી. મારી ઇચ્છા છે, સંમતિ છે; તું સુખેથી સિંહાસન ગ્રહણ કર !'
'પિતાજી !' ભરત ગદ્ગદ્ થઈ કહેવા લાગ્યો. આપની ચરણરજમાં આળોટતાં મને જે સુખ થાય છે, એ સિંહાસન પર બેસવાથી નહીં મળે. પ્રભુ, આપના વિના રાજ્ય-શાસનની કલ્પના હું કરી શકતો નથી. ચંદ્ર વિના રાત અજવાળી કેમ માની શકાય ? જેમાં આપનો વિરહ થાય એવા રાજપદથી સર્યું !'
'ભરત, પૃથ્વી પર રાજા ઘણો જરૂરી છે. એ નહીં હોય તો મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તશે. મોટા નાનાને ખાઈ જશે. સબળ નિર્બળને ખાઈ જશે. દુર્બળને કોઈ જીવવા નહીં દે. દોરો તૂટી જવાથી હાર જેમ નિરર્થક બને છે. તેમ રાજા વિનાનું રાજ્ય નિષ્ફળ બને છે ! લોકસ્થિતિ માટે રાજા જરૂરી છે. એ તો મેં તને અનેકવાર કહ્યું છે.'
'તો પિતાજી આપ શા માટે રાજપદ છોડો છો ?' બાહુબલીએ વચ્ચે પ્રશ્ન કર્યો.
'કોઈ ભારે, અવિજેય, અતિપ્રસન્ન, અતીવ મુક્ત રાજપદની ઝંખનામાં હું આ રાજપદ છોડી રહ્યો છું. એક અદીઠ આક્રંદ મારા હૈયામાં હુતાશનની જેમ પ્રજ્વલી રહ્યું છે. મૃત્યુવશ પ્રાણીઓની ચીસો મારા કાનને ભેદી રહી છે. ક્ષુધા, મારો આનંદ, મારો રસ, મારો ઉલ્લાસ બધાને હરી રહી છે.'
'પિતાજી, એ તો આપ અહીં રહીને પણ કરી શકો છો. અમને આપ જેવા માર્ગદર્શકની જરૂર છે. અમે અપકવ છીએ. અર્ધદગ્ધ છીએ. વૃક્ષ વગર પડછાયા કેમ રહેશે ?' અને ત્યારે બાહુબલિને સમજાવતા રાજા ઋષભદેવે કહ્યું.
(ક્રમશ:)


