- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
'પ્રતાપી પૂર્વજો' નામની ડુંગરશી ધરમશી સંપટે લખેલા પુસ્તકમાં શેઠ જગડુશા, શેઠ મોતીશા, શ્રી પ્રેમચંદ, રાયચંદ જેવા શ્રેષ્ઠીઓની વેપારક્ષેત્રની સાહસકથાનું આલેખન કરવામાં આવ્યું છે. અહીં એમાંથી મોતીશા શેઠ વિશેનો થોડો રસપ્રદ ભાગ જોઈએ. એ સમય હતો કે જ્યારે મુંબઈનો વેપાર-વણજ ઓગણીસમી સદીની અધવચ્ચેથી જામ્યે જતો હતો. દેશી અને પરદેશી પેઢીઓ એક પછી એક સ્થાપવામાં આવતી હતી. વેપારી કે નોકરિયાત સૌને અહીં ગજા મુજબ મળી રહેતું, છતાં વતન તરીકે મુંબઈ હજુ કોઈને ગળે વળગ્યું નહોતું કે મહાજન મંડળની સંકલના (સાંકળવું) નહોતી.
સંવત ૧૮૮૦માં મુંબઈમાં કૂતરાનું પ્રમાણ વધી પડયું. કૂતરાંની નિમકહલાલી વફાદારી અજબ છે. બટકું રોટલો ખાઈને રાત-દિવસ ઘરની ચોકી કરનાર આ પ્રાણીને ન જોઈએ માન કે મરતબો-કંઈ પગાર કે પૈસો. ગંધ ઉપરથી સગડ શોધી ચોરને પકડાવી દેવામાં આ પ્રાણીની કુશાગ્રતા જાણીતી છે. અંગ્રેજ અને પારસીભાઈઓ આ વગર-પગારના ચોકિયાતને પાળે છે, જ્યારે ઇતર કોમ તેને વધ્યું-ઘટયું ખાવાનું નાખીને કૃતકૃત્ય થાય છે. જોકે આર્ય સંસ્કૃતિમાં ગાય- કૂતરાની રોટલી કાઢવાનો રિવાજ છે, અને એવા પેટવરામાં પુણ્યવરાનું ધોરણ જળવાઈ રહ્યું છે, પરંતુ તેને આંગણે બાંધવામાં સંકોચ રહે છે. તેથી જ તેને નધણિયાતાં ભટકવું પડે છે.
આ સ્થિતિમાં નધણિયાતાં કૂતરાંની રંજાડ મુંબઈમાં વધી પડવાથી સત્તાધારીઓની નિદ્રામાં ખલેલ પડવા લાગી. આ ઉપદ્રવ ઓછો કરવાનો કંઈ માર્ગ ન સૂઝવાથી તેને જાનથી મારી નાખવાને સત્તાવાળાઓએ પોલીસને સોંપ્યું.
આ ક્રૂર ઘટનાથી લોકલાગણી ઉશ્કેરાઈ ગઈ. આવા પ્રસંગે લોકઅવાજને પદ્ધતિસર ઉપલી સત્તા સાથે પહોંચાડવાની સંકલના નહોતી. કંઈ બંધારણ કે નિયમન નહોતું. પ્રસંગ દિલદ્રાવક હતો. પોલીસ જેમ જેમ દંડાબાજી ચલાવતી ગઈ તેમ તેમ જનતા ઉશ્કેરાવા લાગી. હુલ્લડનું છમકલું થયું. કંઈક પકડાયા. કોર્ટે કેસ ચાલ્યો ને સજાઓ પણ થઈ. આ તોફાનમાં હિંદુ જ નહિ પણ ગાય, સૂર્ય અને અગ્નિમાં પવિત્રતા માનનારા પારસી બિરાદરો પણ હતા.
આ બનાવથી મુંબઈના મહાજન મંડળની જરૂર જણાઈ. કોણે કોને કહેવું તે ન સૂઝવાથી સૌ સમસમી રહ્યા હતા. તે વાત તરફ મોતીચંદ શેઠનું ધ્યાન ખેચાયું.
***
મોતીચંદ શેઠના વડવા શેઠ અમીચંદ સાકરચંદ મૂળ ખંભાતના વતની હતા. તેરમી સદીમાં જ્યારે ગુજરાતનું પાયતખ્ત (પાટનગર) પાટણ હતું ત્યારે ખંભાત ધીકતું બંદર હતું. માળવાના નાકાની રખવાળી માટે દરિયા રસ્તે અરબી સમુદ્રમાંથી કાઠિયાવાડ ઉપરની હકૂમત સંભાળવાને પાટણનો દંડનાયક અહીં રહેતો. અહીંથી દૂર દેશાવરના વહાણવટાની સારી સગવડ હતી. મોટા વેપારીઓ ને શરાફોની પેઢી ચાલતી. અકીકના પથ્થર અહીંથી નીકળતા રૂ.ની પેદાશ અને આમદાનીનું તે મોટું મથક હતું. અહીંની કાપડની વણાટ વખણાતી ને વહાણ રસ્તે દેશ-પરદેશ માલની અવરજવર થતી. મુંબઇનું બારું જામવા છતાં ગુજરાત-કાઠિયાવાડનો માલ અહીં ઘસડાઈને એકઠો થતો ને ખંભાતમાંથી મુંબઈ દરિયા રસ્તે જતો. કાઠિયાવાડનાં મુખ્ય મથકો સાથે સરકારી વહાણની સગવડ હતી અને રક્ષણ માટે પાટણનો ફૌજી કેમ્પ પણ અહીં રહેતો.
ખંભાતની જાહોજલાલીમાં આબાદી ભોગવતા અમીચંદ શેઠના કુટુંબને બંદર તૂટવાની અસર થઈને નજીવી નોકરીમાં ઘરતંત્ર ચલાવવાનો વખત આવ્યો. તેથી કંટાળીને અમીચંદે મુંબઈ જવાની પોતાના પિતા પાસે વાત મૂકી.
મુંબઈ તે વખતે પરદેશ મનાતું. લાભે-લોભે પણ સારકચંદ શેઠને પોતાનો પુત્ર પરદેશ જાય તે ગમ્યું નહિ. પરંતુ અમીચંદની હોશિયારી અને હોંશ જોઈને અંતે તેને જવા દેવાને હા પાડી. ત્યાંથી રૂની ગાંસડીઓ ભરીને જતા સબંધી વેપારીના વહાણમાં નાખુદાને ભલામણ કરીને સં.૧૮૧૪માં તેર વર્ષના એ બાલયુવાનને આશીર્વાદ આપી મુંબઈ
જવા દીધો.
મુંબઈ તે વખતે હજી તો ત્રીશેક હજારની વસ્તીનું ઉભું થતું શહેર હતું. અમીચંદ મુંબઈ આવ્યો ત્યારે બજાર મંદીમાંથી પસાર થતું હતું એટલે વેપારીઓને નવો નોકરખર્ચ વધારવાને તક નહોતી. તેથી આશા-નિરાશા વચ્ચેની અથડામણીમાંથી પસાર થતાં ચોથે દિવસે ઝવેરી બજારમાં એક જયપુરના ઝવેરીની પેઢીએ જઈ ચડયો. ઝવેરી મારવાડી વણિક-શ્રાવક હતો. પોતાનો જાતભાઈને વાણીમાં મીઠાશવાળો છોકરો જોઈ આવો હાથવાટકો પેટવડીયે મળી જવાથી તેને રાખી લેવાનું મારવાડીને મન થયું. અમીચંદને પણ સૂવા-ખાવાનું આશ્રયસ્થાન જોઈતું હતું એટલે ત્યાં નોકરીનો મેળ મળી ગયો.
અમીચંદે ખંભાતમાં નોકરી કરેલી તેથી તેને પેઢીની સંભાળ અને સફાઈ રાખવાની આવડત હતી. ઝવેરીને સંતતી નહોતી. અમીચંદ કહ્યાગરો ને ઉત્સાહી હતો. ઝવેરીના ઘરના માણસને પણ આ છોકરા તરફ રાગ વધવા લાગ્યો. ઝવેરીએ પેઢી ઉપર છૂટુંછવાયું જોખમ ભૂલી જઈને તેની પરીક્ષા કરી જોઈ. તેમાં તે પસાર થવાથી પ્રમાણિકતા માટે અમીચંદની સુંદર છાપ પડી.
ઝવેરીની પેઢી પરદેશથી, હીર, માણેક, મોતી, પોખરાજ વગેરે મગાવી વેચવાનું કામ કરતી. પારસીઓની ઘરાકીનો તેને ત્યાં આગ (આવરો) હતો. ધીરે ધીરે અમીચંદને તેણે ઝવેરાતની જાત ઓળખતાં શીખવવા માંડયું. ચિકિત્સકબુદ્ધિ અને ખંતથી અમીચંદ ધંધામાં પાવરધો થવા માંડયો. આ રીતે વર્ષ દિવસના અનુભવથી ખુશી થઈને શેઠે તેને સાઠ રૂપિયા આપ્યા. ખાવા-સૂવાનું ત્યાં જ હતું તેમ તેને કોઈ જાતનું વ્યસન કે નાટક-ચેટકનો નાદ ન હોવાથી આ રકમ શેઠને કહીને તેના પિતાને ખંભાત મોકલી દીધી. છોકરો લાઈને ચડી ગયો છે ને રળતો થઈ ગયો છે તે જોઈને માતાપિતાને નિરાંત થઈ.
હવે ઘરાકોને સમજાવવા અને બપોર પછી તૈયાર દાગીના લઈ બંગલાઓમાં ફરી આવવાનું કામ અમીચંદે ઉપાડી લીધું. પારસી અને યુરોપિયન કુટુંબોમાં આ છોકરો સૌને ભાવી જવાથી વકરો વધવા લાગ્યો. પાંચ વર્ષમાં શેઠે તેનો પચાસ રૂપિયાનો માસિક પગાર નક્કી કરી દીધો.
અમીચંદ હવે પાંચ માણસમાં પુછાવા લાગ્યો હતો. શેઠના તેના ઉપર ચારે હાથ હતા. દીપતો ચહેરો, હસમુખો સ્વભાવ અને સંબંધીઓમાં મળતાવડું વર્તન જોઈને તેના તરફ નાતીલાનું ધ્યાન ખેંચાવા લાગ્યું. ખાનદાન કુટુંબ ને પુણ્ય પ્રકૃતિના ઉદયવાળઓ છોકરો જોઈ તેની સગાઈ માટે તેના પિતા સાકરચંદ પાસે શ્રીફળ આવવા લાગ્યાં. સાકરચંદે તેના શેઠને આ ખબર કહેવરાવ્યા ને અમીચંદને એક આંટો મળવા તેડાવ્યો.
અમીચંદ તરફ શેઠ-શેઠાણીનો પુત્રવત્ પ્રેમ જામ્યો હતો. તેના પિતાના પત્રથી આશીર્વાદ અને બોણી-ઇનામ આપી તેને વતન જવાને રજા આપી.
દેશમાં પહોંચતાં તેના પિતાએ નક્કી કરી રાખ્યા મુજબ ખંભાતમાં જ લગ્ન થયાં. અને બે મહિના બાદ અમીચંદ કુટુંબ સહિત મુંબઈ આવી ગયો.
બે વર્ષ વધારે વીત્યાં તે દરમિયાન અમીચંદે પેઢીનો વહીવટ ઉપાડી લીધો હતો ને ધંધાની ખિલવણીથી પેઢીએ કમાણી પણ સારી કરી હતી.
તેના શેઠની ઉમ્મર પાકી જવાથી અને સંતતિ ન હોવાથી પેઢી અમીચંદને સુપરત કરીને પોતે ઉત્તરાવસ્થા ગાળવાને જયપુર જવાથી ઇચ્છા જણાવી. અમીચંદે પેઢીમાં જમે રહેતી. મૂડીની જવાબદારી માથે લઈને શેઠ અમીચંદ સાકરચંદના નામથી પેઢીનો વહીવટ સંભાળી લીધો.
(વધુ આવતા અંકે)


